વિકલ્પ છે ખરો, પણ અત્યારે તેનો ઉપયોગ થશે નહીં. ચાર રાજ્યોની ચૂંટણી નજીક આવી રહી છે. ડિસેમ્બરમાં યોજાવાની છે એટલે આ મહિનાના અંતે અથવા ઑક્ટોબરના પ્રારંભમાં તેની આચારસંહિતા લાગુ પડશે. તે પહેલાં પેટ્રોલિયમ પદાર્થોના ભાવો વધે તેટલા વધવા દેવામાં આવશે. તે પછી ચૂંટણીની તારીખો જાહેર થાય તેના એકાદ અઠવાડિયા પહેલાં બેથી ત્રણ રૂપિયાનો ભાવ ઘટાડો થાય તે રીતે એક્સાઇઝ ડ્યુટી ઘટાડવામાં આવશે. (આ લખાઈ રહ્યું ત્યાં જ ખબર આવ્યા કે રાજસ્થાન સરકારે વેટ ઘટાડીને અઢી રૂપિયા ભાવ ઓછો કરાવ્યો છે, અને આંધ્રમાં પણ બે રુપિયા ઘટાડાયા છે.) છેલ્લે 4 ઑક્ટોબર, 2018ના રોજ બે રૂપિયા પ્રતિલિટર જેટલી એક્સાઇઝ ડ્યુટી ઘટાડવામાં આવી હતી. કર્ણાટક રાજ્યની ચૂંટણી હતી તે પહેલાં ઑઈલ કંપનીઓને ભાવવધારો કરવાની મનાઈ કરી દેવાઈ હતી. ચૂંટણી પતી ગઈ અને ભાજપ હારી ગયું તે પછી ફટાફટ ભાવવધારો થઈ ગયો હતો. એવી જ ચાલાકી ચાર રાજ્યોની ચૂંટણી પહેલાં થશે. દિવાળીની આસપાસ ભાવવધારો કરવાનું બંધ કરી દેવાશે. ચૂંટણી પતી જશે અને તહેવારો પતી જશે, પછી એક ઝટકા ઓર દો એમ કરીને પ્રજાને મોંઘવારીનો એક છેલ્લો ડામ દેવાશે. તેમાંય જ જો ભાજપ રાજસ્થાનમાંય જીતી ગયું તો લોકોને ધગધગતો ડામ દેવાશે. એકાદ મહિના પછી કદાચ રાહત મળે (રાહત તો કહેવાય જ નહિ, કેમ કે અત્યંત ભાવવધારા પછી ઘણી રાહત પણ રાહત ના કહેવાય.) કેમ કે લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓ થઈ ગઈ હશે.
આ વર્ષનું બજેટ રજૂ કરતી વખતે પણ સરકારે ચાલાકી કરી હતી. પેટ્રોલ અને ડીઝલ બંને પર ભાવો ઘટ્યા ત્યારે વધારી દેવાયેલી એડિશનલ ડ્યુટી ઘટાડી હતી. બંને પર પ્રતિ લિટર 6 રૂપિયાની જકાત લેવાતી હતી તે બંધ કરવાની જાહેરાત બજેટમાં કરાઈ, પણ લોકોને તેનો કોઈ ફાયદો નહોતો. કેમ કે છ રૂપિયા અહીં ઓછા કર્યા તે બીજે વધારી દીધા હતા. પેટ્રોલ અને ડીઝલના ભાવો પર લેવાતો રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ વધારેની લિટર દીઠ આઠ રૂપિયા કરી દેવાયો હતો. સરવાળે હતા ત્યાં ને ત્યાં.
હવે સવાલ એ થાય કે આ વધારાનો સેસ લેવાય છે, તે સરકાર બંધ કરી શકે કે નહિ? ક્રૂડ ઑઈલનો ભાવ ઘટી ગયો ત્યારે ભાવઘટાડો કરવાને બદલે સરકારે નફો ઘર ભેગો કરવાનું શરૂ કર્યું હતું. તે નફાની રકમ બધુ મળીને 18 લાખ કરોડ રૂપિયાની થાય છે. તે બધી ક્યાં ગઈ? શું તેમાંથી થોડી રકમ વાપરીને રાહત ના આપી શકાય? ના, ના આપી શકાય, કેમ કે એ બધા નાણાં આવ્યા અને વપરાઈ પણ ગયા. હાંઉ.
પેટ્રોલનો ભાવ સદી ફટકારે તેવી સ્થિતિ છતાં સરકાર કોઈ રાહત આપતી નથી અને વિપક્ષ બૂમાબૂમ કરી રહી છે. સાચી વાત એ છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવો હવે આ તબક્કે ઘટાડવામાં આવે તો કેન્દ્ર અને રાજ્ય સરકારોના બજેટ વીંખાઈ જાય તેમ છે. આ બંને ફ્યુઅલ પરની આવકને કારણે ખર્ચો કરવાનું નક્કી કરી નખાયું તે પછી હવે તે ખર્ચ રોકવા શક્ય નથી. કર્ણાટકની ચૂંટણી પહેલાં જ ભાવવધારો બંધ થઈ ગયો, પણ ભાવો ઓલરેડી વધેલા જ હતા. મોંઘવારીના મુદ્દે ટીકા કરતી વખતે કોંગ્રેસ ડીઝલના ભાવોની બૂમરાણ કરતી હતી. સત્તામાં આવ્યા પછી શું થયું? કોંગ્રેસના ટેકાથી બનેલી જેડી(એસ)ની કર્ણાટક સરકારે પ્રથમ બજેટમાં જ પેટ્રોલિયમ પદાર્થો પરનો વેટ વધારી દીધો. લો બોલો, હાંઉ?
પ્રજાને એક લોલીપોપ બતાવવામાં આવી રહી છે કે બસ હવે પેટ્રોલિયમ પદાર્થોને જીએસટીમાં લઈ લઈએ એટલે હાઉં. પેટ્રોલિયમ મંત્રાલયના પ્રધાન ધર્મેશ પ્રધાને હાલમાં જ ફરી એકવાર નિવેદન આપ્યું છે કે વહેલા મોડે જીએસટીમાં પેટ્રોલિયન પદાર્થોને આવરી લેવા જરૂરી છે. વાત તેમની સાચી છે, પણ ક્યારે તે થશે તે નક્કી નથી. આ સરકાર નથી કરવાની એ નક્કી છે. નવી સરકાર આવે અને નવી સ્થિતિમાં કેવી રીતે વિચાર થાય છે ત્યાં સુધી રાહ જોવાની છે. એટલે કે નવ મહિના સુધી જીએસટી લાગુ પડે તેમ નથી.
જાણકારો કહે છે તે પ્રમાણે જીએસટી લાગુ પડવાથી કેન્દ્રની અને રાજ્યોની બંનેની આવક તરત જ ઘટી જાય તેમ છે. બીજું જીએસટીમાં મહત્તમ દર 28 ટકા નક્કી કરવામાં આવ્યો છે. આપણે જાણીએ છીએ કે કેન્દ્ર અને રાજ્યો અત્યારે આનાથીય વધુ ટકામાં એક્સાઇઝ અને વેટ વસૂલી રહ્યા છે. તેમાં મોટો ઘટાડો થાય તેમ છે. કેન્દ્રની પેટ્રોલિયમ પદાર્થોની આવક ત્રીજા ભાગ જેટલી ઘટી જાય, જ્યારે રાજ્યોને વધારે નુકસાન થાય, કેમ કે તેમની આવક અડધી થઈ જાય તેમ છે. તેના કારણે આગામી ચૂંટણી પછી પણ નવી કેન્દ્ર સરકાર પણ, રાજ્યો સરકારને મનાવી શકશે ખરે તે સવાલ છે. અત્યારે તો વાત ભૂલી જ જવાની છે.
છેલ્લું બજેટ રજૂ થયું (ફેબ્રુઆરી 2018) ત્યારે લોકસભામાં જણાવાયું હતું કે 2013-14માં પેટ્રોલ-ડીઝલ પરના ટેક્સથી 886. કરોડની આવક થઈ હતી. પરંતુ તે પછી 2014થી જાન્યુઆરી 2016 સુધી ક્રૂડના ભાવો ઘટતા રહ્યા અને સરકાર એક્સાઇઝ વધારીને નફો રળતી રહે. નવ વાર એક્સાઇઝમાં વધારો કરીને આવકને 1.06 લાખ કરોડ સુધી પહોંચાડી દેવાઈ હતી. વર્ષ 2015-16માં પણ 1.86 લાખ કરોડ અને તે પછીના વર્ષે 2.53 લાખ કરોડની વધારાની આવક થઈ હતી.
એકવાર આવક વધારી લીધા પછી હવે ઘટાડવી મુશ્કેલ બની ગઈ છે. દરમિયાન જીએસટી લાગુ કરવાને કારણે અને નોટબંધીનો ફટકો તેના કારણે સરકારની બીજા કરની આવક ઘટી હતી. જીએસટીમાં હજી ધાર્યા પ્રમાણે આવક થવા લાગી નથી. મોદી સરકાર બની ત્યારે પ્રારંભના વર્ષે કુલ આવકમાંથી પેટ્રોલિયમ પદાર્થો પરની આવક 8.5 ટકા હતી. તે પછી ક્રૂડ ઘટ્યું એટલે સરકારે વધારે નફો કરવાનું શરૂ કર્યું. તેના કાણે કુલ આવકમાં તેનું પ્રમાણ વધતાં વધતાં 2015-16માં 12.7 ટકા અને 2016-17માં 14.8 ટકા થઈ ગયું હતું. આવકનું આ મોટું પ્રમાણ હવે ઘટાડી શકાય તેવી સ્થિતિ નથી, કેમ કે જીએસટીની આવક ધાર્યા પ્રમાણે વધી નથી.અત્યારે સ્થિતિ એવી છે કે એક રૂપિયો ઘટાડવામાં આવે તે સાથે જ દસેક હજાર કરોડની આવક ઘટી જાય. પહેલાં ચાર રાજ્યો (હવે પાંચમું તેલંગણા પણ ખરું) અને છ મહિના પછી લોકસભાની ચૂંટણી માથે છે ત્યારે સરકાર માટે ખર્ચમાં કાપ મૂકવો મુશ્કેલ છે. બેથી ચાર રૂપિયા ઘટાડવાથી 20થી 40 હજાર કરોડની આવક ઘટે તેમ છે અને રાજ્યોની આવક પણ ઘટે તેમ છે, ત્યારે મૂઝવણ એ ઊભી થઈ છે કે રસ્તો કેમ કાઢવો.
લાગે છે કે સરકાર રાહ જોઈને બેઠી છે કે રૂપિયો સ્ટેબલ થાય. રૂપિયો 72ની ટોચ પર પહોંચ્યો છે, તે પછી હવે થોડો સ્થિર થાય તો સરકાર નવસેરથી ગણતરી માંડી શકે. દરમિયાન ક્રૂડ પણ હાલ 70થી 75ની રેન્જમાં છે અને 80 ઉપર ગયું નથી. 80 ઉપર જાય પછી રાહત આપવી અનિવાર્ય બનવાની છે, તેથી અત્યારથી રાહત આપવાને બદલે રાહ જોવાની સ્ટ્રેટેજી અપનાવાઈ છે. ઇરાન સામેના પ્રતિબંધોનો અમલ નવેમ્બરથી થવાનો છે. ત્યાં સુધીમાં અમેરિકા સાથે થયેલી ચર્ચા અને ઇરાનથી ક્રૂડની આયાત શરૂ રાખવાનો કેવો રસ્તો નીકળે છે તે પણ જોવાનું રહે છે. તેના કારણે વિકલ્પ હોવા છતાં હજી એકાદ મહિનો ભાવવધારો ચાલુ રહે તેમ લાગે છે. પાંચ રાજ્યોની ચૂંટણીના પડઘમ વાગશે ત્યારે ભાવવધારો નફ્ફટ થઈને અટકાવી દેવાશે અને તેના પરિણામો આવે તે પછી વિકલ્પો પર વિચારાશે. તો અત્યારે હાંઉ.
–