એક તરફ નવી સરકારની રચનાની તૈયારીઓ ચાલી રહી હતી. પ્રધાનોના નામો જાહેર થઈ રહ્યા હતાં અને સાંજે રાષ્ટ્રપતિ ભવનના પટાંગણમાં શપથ સમારોહ યોજાવાનો હતો. વચ્ચે નાનકડા પણ મહત્ત્વના સમાચાર આવ્યાં કે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી એનસીપીના નેતા શરદ પવારને મળવા ગયાં હતાં. કોંગ્રેસ અને એનસીપી એકબીજામાં ભળી જશે તેવી શક્યતાઓ પણ વહેતી થઈ. બંને પક્ષો ભેગા થઈ જાય તો લોકસભામાં કોંગ્રેસની કુલ સંખ્યા 56ની થાય અને સત્તાવાર રીતે વિપક્ષનો હોદ્દો પણ મળે.
ટાઇમિંગની બાબતમાં કોંગ્રેસ અને રાહુલ ઘણીવાર માર ખાઈ જાય છે તેનો આ એક નમૂનો હતો. નવી સરકારના પ્રધાનો નક્કી થવાના હોય અને શપથવિધિ થવાની હોય ત્યારે બીજા સમાચારોને ટીવીમાં સ્થાન ના મળે. શરદ પવાર સાથેની મુલાકાત અને બંને પક્ષોનું સંમિશ્રિત થઈ જવું તે સમાચાર વધારે સારી રીતે ચાલે તે માટે અન્ય દિવસ પસંદ કરવાની જરૂર હતી. પણ હવે લાગે છે કે કદાચ થોડા અગત્યના લોકોનો પ્રતિસાદ જાણવા માટે જ આ રીતે સમાચારથી ભરપુર દિવસે મુલાકાત યોજાઈ હતી. લોકોનું બહુ ધ્યાન ના ગયું, પણ જેમનું ધ્યાન જવું જોઈએ તેમનું ધ્યાન ગયું હતું.
બંને પક્ષોએ એક થઈ જાય તો શું થાય? આ સવાલ પૂછાવા લાગ્યો હતો. મને સવાલ એ થયો કે શું શરદ પવારને સંયુક્ત કોંગ્રેસના પ્રમુખ બનાવાશે? આ સવાલ પણ વિચારવા જેવો છે. કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ અને સ્વતંત્ર વિશ્લેષકો આ સવાલ વિચારે અને પ્રતિસાદ આપે તેવી ગણતરી પણ કદાચ આ મુલાકાત પાછળ હતી.
પ્રતિસાદ જાહેરમાં નહિ આવે, પણ ખાનગીમાં કોંગ્રેસને અને રાહુલને પ્રતિસાદ મળવાની શરૂઆત થઈ ગઈ હશે. શરદ પવારને કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવે તો જૂના કોંગ્રેસી નેતાઓ શું કરશે તે જાણવું જરૂરી છે. કોંગ્રેસના વર્તુળો કહી રહ્યા છે કે આ વખતે રાહુલ ગાંધી મક્કમ છે. કોંગ્રેસના પ્રમુખપદે બિન-નહેરુ-ગાંધી નેતાને તેઓ મૂકવા માગે છે. કોંગ્રેસને બચાવવા માટે જે પણ કરવું પડે તે કરવું, એવી વાત છેલ્લે તેમણે કારોબારીમાં કરી હોવાનું મનાય છે. તે જ કારોબારીમાં તેમણે કોંગ્રેસના કેટલાક સિનિયર નેતાઓ પર વધારે પડતું દોષારોપણ કર્યું હતું તેમ પણ લાગે છે. એ વાત ખરી કે પોતપોતાના પુત્રો ચૂંટણી લડતા હોય ત્યારે ગેહલોત, નાથ અને ચિદંબરમનું ધ્યાન બીજી બેઠકો પર વધુ હોય. પણ વાસ્તવિકતા એ પણ છે કે વધુ ધ્યાન આપ્યા પછીય એ સવાલ રહેવાનો કે એર સ્ટ્રાઇકને કારણે યુવાનોએ એકતરફી વૉટિંગ કર્યું તેને ખાળી શકાયું હોત?
કોંગ્રેસની હાર તેની નબળાઈના કારણે અવશ્ય છે, પણ પરિસ્થિતિને કારણે આવેલી હાર પણ છે. આમ છતાં કોંગ્રેસને બેઠી કરવા માટે પ્રયાસો કરવા જરૂરી પણ છે. ગઠબંધન ના કરીને કોંગ્રેસે મોટી ભૂલો કરી છે તે પણ નકારી ના શકાય. મહારાષ્ટ્રમાં સાત અને યુપીમાં નવ બેઠકો સાથે વીસેક બેઠકો કોંગ્રેસે ભૂલ કરીને ભાજપને અપાવી છે. કલ્પના કરો, 303ના બદલે આંકડો ફરી 283 પર આવ્યો હોત તો તેની સાયકોલૉજિકલ અસર કેવી થઈ હોત? આંકડો 300ને પાર કરી ગયો તે બહુ ભવ્ય લાગે છે, 283 અથવા દિલ્હી, પંજાબ, હરિયાણા, ગોવા, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને યુપીમાં ભાજપને હરાવવા માટે કોંગ્રેસે પ્રયાસો કર્યા હોત અને બીજી 10 બેઠકો ઓછી થઈ હોત તો 273 બેઠકો આવી હોત. 273 બેઠકો સાથેની ભાજપની સત્તા અને 303 બેઠકો સાથેની ભાજપની સત્તામાં બહુ ફેર પડી ગયો હોત.
એની વે, હવે શું? શરદ પવાર કોંગ્રેસના પ્રમુખ બની શકે ખરા? બની શકે. શરદ પવારે સોનિયા ગાંધીનો વિરોધ કરીને કોંગ્રેસ છોડી હતી. 1999માં સોનિયા ગાંધીની આગેવાની હેઠળ કોંગ્રેસ ચૂંટણી લડવાની તૈયારી કરી ત્યારે શરદ પવાર, સંગમા અને તારિક અનવર વગેરે નેતાઓ કોંગ્રેસ છોડી ગયા હતા. સોનિયા ગાંધી વિદેશી હોવાથી તેમને વડાપ્રધાન પદના દાવેદાર તરીકે આગળ કરી ના શકાય એ મુદ્દો તેમણે લીધો હતો. આ જાહેરમાં કહેવાનો મુદ્દો હતો. ખાનગીમાં કોશિશ હતી કોંગ્રેસ પર કબજાની. સીતારામ કેસરીને હટાવ્યા પછી સોનિયા ગાંધી ફરી કોંગ્રેસ અધ્યક્ષા બન્યા. ફરી પરિવારના ચમચાઓ કોંગ્રેસમાં કબજો જમાવવા લાગ્યા હતા. કોંગ્રેસની આગેવાની લેવાની અને વડાપ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષા પવારની હવે કોંગ્રેસમાં પૂરી થાય તેમ નહોતી.
ગણતરી એવી જ હશે કે બહાર રહીને ચૂંટણી લડવી, વધારે સારો દેખાવ કરવો અને ભવિષ્યમાં મોરચાની સરકાર આવે તેમાં જોડાવું. ધીમે ધીમે મૂળ કોંગ્રેસના મહત્ત્વના નેતાઓને આકર્ષતા જવા. અસલી કોંગ્રેસનું સ્થાન રાષ્ટ્રીય કોંગ્રેસે લઈ લેવું. એવું થઈ શક્યું નહિ. મહારાષ્ટ્ર બહાર ક્યાંય એનસીપીનો ગજ વાગ્યો નહિ. ઉલટાનું છત્તીસગઢમાં સાડા નવ ટકા મતો તોડીને ભાજપને સત્તામાં આવવાની તક આપી. સંગમા ઇશાન ભારતમાં થોડું જોર કરી શક્યા, પણ તેનોય ફાયદો ભાજપને જ થયો. બે દાયકા બાદ તેમનો પુત્ર ભાજપ સાથે ગઠબંધન પણ કરવાનો હતો. તારિક અનવર આ વખતે જ આખરે કોંગ્રેસમાં પાછા ફરી ગયા છે. હવે બાકી રહ્યા છે શરદ પવાર.
શરદ પવારે આ પ્રથમવાર કોંગ્રેસ છોડી નહોતી. 1977માં રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસની હાર થઈ તે પછી 1978માં તેમણે મહારાષ્ટ્રમાં અલગ કોંગ્રેસ (સમાજવાદી) પક્ષની સ્થાપના કરી હતી. એક દાયકા બાદ 1986માં તેઓ ફરી કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. ફરી એક દાયકા બાદ 1999માં જુદા પડ્યા. જોકે બહુ લાંબો સમય મહારાષ્ટ્રમાં એકલે હાથે જીતાશે નહિ તેનો ખ્યાલ પવારને આવી ગયો હતો. શિવસેનાને 1995માં સત્તા મળી પછી મુંબઈની બહાર પણ તેનું જોર વધવા લાગ્યું હતું. ભાજપનું સમર્થન પણ વધવા લાગ્યું હતું. તેથી કોંગ્રેસ સાથે સમાધાન કરીને જોડાણ કર્યું હતું. બંનેની સંયુક્ત સરકાર પણ મહારાષ્ટ્રમાં બની. વડાપ્રધાન મનમોહન સિંહની સરકારમાં શરદ પવારે અગત્યના ખાતાં પણ સંભાળ્યા. પરંતુ હવા બદલાઈ અને 2014માં ફરી શરદ પવારે કોંગ્રેસથી અલગ થઈ જવાનું નક્કી કર્યું.
કોંગ્રેસની સત્તા જતી રહેશે એવો અણસાર કદાચ તેઓ પામી ગયા હતા. 2014ની લોકસભાની અને તે પછી તરત આવેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ અને એનસીપી અલગ લડ્યા. બંનેમાં બંને બૂરી રીતે હાર્યા.
પાંચ જ વર્ષમાં શરદ પવારે કોંગ્રેસ તરફ પાછા વળવું પડ્યું છે. બંનેના મૂળિયા એક જ છે, વિચારધારા એક જ છે, કાર્યકરોને પણ એકબીજા સાથે ફાવી શકે છે, મહારાષ્ટ્રમાં જુદા જુદા વિસ્તારમાં બંનેનો આધાર છે, તેથી સીધી ટક્કર ક્યાંય નહોતી. આ બધા કારણે સહજતાથી ફરી જોડાણ થયું, પણ ધાર્યું પરિણામ ના આવ્યું. પ્રકાશ આંબેડકરની પાર્ટી સાથે કોંગ્રેસને ગઠબંધન કરતાં આવડ્યું નહિ. આંબેડકરના અઘાડી સાથે ઔવેસીનો પક્ષ જોડાયો અને ઔરંગાબાદની બેઠક જીતી ગયો. ઉપરાંત સાત બેઠકોમાં ભાજપને ફાયદો કરાવી આપ્યો.
કોંગ્રેસ અને એનસીપી બંને માટે અસ્તિત્ત્વનો સવાલ છે. શરદ પવાર અને રાહુલ ગાંધી બંને માટે અસ્તિત્ત્વનો સવાલ છે. રાહુલ માટે પોતાનું ભવિષ્ય અને શરદ પવાર માટે તેમની દિકરી સુપ્રીયા સુલે અને ભત્રીજા અજિત પવારના ભવિષ્યનો સવાલ છે. સોનિયા ગાંધીના વિદેશી કૂળ મુદ્દે થયેલો વિરોધ અને તેની કડવાશ ક્યારનીય ભૂલાઈ ગઈ છે. તે મુદ્દો હવે રહ્યો નથી. હવે મુદ્દો રહ્યો છે કે શરદ પવારને આગળ કરવામાં આવે તો કોંગ્રેસના એ નેતાઓ, જે ગાંધી પરિવારને વફાદાર રહ્યા અને કોંગ્રેસ સાથે રહ્યા તેમનું શું? ચિદંબરમ, કમલ નાથ, ગેહલોત અને પંજાબમાં સારો દેખાવ કરનારા અમરિન્દર સિંહ અને કેરળમાં પણ સારો દેખાવ કરનારી નેતાગીરી પવારને કેટલી હદે સ્વીકારે?
રાહુલ ગાંધીની જીદ છે કે પોતે પ્રમુખપદે નહિ રહે અને પરિવાર સિવાયની કોઈ વ્યક્તિને પ્રમુખ બનાવશે. તેના કારણે જૂથબંધી વધવાની શક્યતા છે. હાલના નેતામાંથી કોઈને આગળ કરે તો પણ જૂથબંધી વધવાની છે. પવારને લાવે તો પણ જૂથબંધી વધવાની છે. વિચારવાનું એ છે કે કોણ કોંગ્રેસ માટે વધારે ઉપયોગી થાય. સ્વાભાવિક છે કે શરદ પવાર જ રાષ્ટ્રીય કક્ષાએ વધારે સ્વીકાર્ય નેતા બને તેમ છે. પવારને પોતાને પણ ગરજ છે. કોંગ્રેસ મજબૂત બને તો મહારાષ્ટ્રમાં તેના વંશજોને ફાયદો થાય. અમરીન્દર સિંહ કે કમલ નાથ કે ગેહલોત બીજા પક્ષો સાથે ગઠબંધનની બાબતમાં ઉપયોગી નથી. તે બાબતમાં શરદ પવાર જ વધારે ઉપયોગી છે. શરદ પવાર મમતા બેનરજી, જગનમોહન, ચંદ્રબાબુ નાયડુ, પટનાયક, કેજરીવાલ, કેસીઆર વગેરે સાથે વધારે સારી રીતે કામ કરી શકે તેમ છે. મહારાષ્ટ્રની ચૂંટણી પણ માથે જ છે. કોંગ્રેસ અને એનસીપી બંનેએ સર્વાઇવ થવા માટે મહારાષ્ટ્રમાં ગજું કાઢવું પડશે. ગુજરાતની જેમ સત્તા કદાચ ના મળે, પણ ભાજપની બેઠકો મોટો પાયે ઓછી કરવી પડે. આ કરવા માટે પણ કોંગ્રેસ અને એનસીપીએ એક થવું જરૂરી છે. બંને એક થાય તો રાહુલ ગાંધી પોતાના સ્થાને કોઈને પ્રમુખ બનાવવા માગે છે તે સમસ્યાનો પણ હલ મળી શકે છે. પણ હવે રાહ એ જોવાઈ રહી હશે કે પવારના નામ સામે કોંગ્રેસમાં આંતરિક પ્રતિસાદ કેવા પડ્યા છે…