વિશ્વ રંગભૂમિ દિવસઃ કોરોનામાં બધા જ નાટ્ય તત્વો છે!

27 મી માર્ચ એટલે વિશ્વ રંગભૂમિ દિવસ. નાટ્યકર્મીઓ અને નાટ્યશોખીનો માટે આ દિવસનું મહત્વ વિશેષ હોય, પણ પેલું કહે છે ને વિશ્વ આખું એક રંગમંચ છે અને આપણે બધાં આ રંગમંચના પાત્રો…. એ વાત વર્તમાન પરિસ્થિતિમાં ય બરાબર લાગુ પડે છે. કોરોના નામનું કોઇ અદશ્ય તત્વ અત્યારે આપણા આ રંગમંચને બરાબર રમાડી રહયું છે અને આપણી પાસે એની સ્ક્રીપ્ટ પ્રમાણે વર્તવા સિવાય કોઇ બીજો ઉપાય ય ક્યાં છે?

આ માહોલમાં ય જાણીતા હાસ્યલેખક મનુ શેખચલ્લી ને વિચાર આવે છે કે કોરોનામાં ય નાટકના બધા જ તત્વો છે! આવો, માણીએ આજના વિશ્વ રંગભૂમિ દિવસે ચિત્રલેખા.કોમ માટે આ વિશેષ…

આજે વર્લ્ડ થિયેટર ડે છે, પણ થિયેટરો બંધ છે…છતાં એક નાટક છેલ્લા બે મહિનાથી આખા વર્લ્ડના તખ્તા ઉપર જે અડીંગો જમાવીને બેઠું છે કે હટવાનું નામ નથી લેતું!

-એ છે કોરોના વાયરસ કા કહેર… નામનું ડ્રામા!

આમાં સસ્પેન્સ છે, થ્રિલ છે, ઈમોશન્સ છે, ડ્રામા છે (ડ્રામામાં ડ્રામા તો હોય જ ને?) અરે ટ્રેજડી તો છે જ, પણ સાથે સાથે કોમેડી પણ છે…

સસ્પેન્સ એ છે કે શું ખુદ ચીને જ આ વાઈરસ બનાવ્યો હતો? શું ખુદ ચીન પાસે ઓલરેડી એની દવા તૈયાર હતી? કે પછી CIA નો કોઈ એજન્ટ વૂહાનના પેલા વિચિત્ર ઈટેબલ જાનવરોના બજારમાં જઈને કોઈ ચીનના ફૂટી ગયેલા સાયન્ટિસ્ટ પાસે આ જીવાણુની ટેસ્ટ-ટ્યૂબનો સોદો કરવા ગયો હતો અને કોઈ વાંદરાની હડફેટે આવવાથી ટેસ્ટ ટ્યૂબ તૂટી ગઈ?…

થ્રિલ તો જબરજસ્ત છે… કોઈ કહે છે કે બે વરસ પહેલાં જ આની આગાહી સમાન મૂવી બની ગઈ હતી! કોઈ કહે છે કે નોસ્ત્રદોમસ આવું જ કહી ગયો હતો…

અને ખરી થ્રિલ તો પેલા વિડીયો જોવામાં આવે છે જ્યાં પોલીસો રખડુ નવરાઓને ડંડા મારે છે!

ઈમોશન્સ તો ભરપૂર છે… ઈટાલીમાં એક ચાઈનિઝ યુવાન હાથમાં પાટિયું લઈને ઊભો હતો કે વ્હાય હેટ મિ? આઈ એમ નોટ કોરોના વાઈરસ? બિચારા ઈટાલિયન લોકો ઈમોશનલ થઈ થઈને એને ભેટ્યાં!

થોડા જ દિવસોમાં ઈટાલીના હજારો લોકો કોરોનાના ભરડામાં ભરાયા, ત્યારે ઈટાલીના પ્રમુખ શહેરમાં, ટીવીમાં રડી પડયા.. બોલો, હજી કેટલાં ઈમોશન્સ જોઈએ?

ડ્રામા તો એવો છે કે બીજા ડ્રામા ખતમ થઈ ગયા.. ચાર મહિનાથી દિલ્હીના શાહિનબાગમાં ચાલતો ડ્રામા બંધ પડી ગયો. મધ્યપ્રદેશમાં કમલનાથનો હજી પહેલો અંક ચાલતો હતો ત્યાં પરદો પડી ગયો અને ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીની સ્ક્રીપ્ટ જ પડતી મુકાઈ ગઈ.

ટ્રેજડીનો તો પાર જ નથી મહેનત-મજૂરી કરી ખાતાં ગરીબ પરિવારો બિચારાં બિસ્ત્રા-પોટલાં અને બાળકોને ખભે ઉપાડીને ચાલતા જવા માટે વતન તરફ નીકળી પડયાં.

બાકી ખરી કોમેડી ત્યાં થઈ કે મોદી સાહેબે ડોક્ટરો, નર્સો, અને પોલીસકર્મીઓનો આભાર માનવા માટે થાળી વગાડવાનું કહયું હતું એમા અમુક લોકો એમ માની બેઠા કે આનાં વાયબ્રેશન્સથી આપણો મહ-વિલન કોરોના બિચારો ધ્રુજી ધ્રુજીને ધરાશયી થઈ જશે!

શેક્સપિયરને કયાં ખબર હતી કે ધ હોલ વર્લ્ડ ઈઝ એ સ્ટેજ એવુ એનું વાક્ય ભવિષ્યવાણી સાબત થશે? ખેર, આ નાટકનો પણ હેપ્પી એન્ડિંગ લાવીને જ રહીશુ. હેપ્પી થિયેટર ડે.

-મન્નુ શેખચલી