શરદ પવાર બહુ નાની વયે મહારાષ્ટ્રના રાજકારણમાં સ્ટાર બની ગયા હતા. કોંગ્રેસ સાથે છેડો ફાડીને પોતાની તાકાત પર સત્તા મેળવી હતી. કોંગ્રેસમાં રાજીવ ગાંધી પછી શુન્યાવકાશ સર્જાયો ત્યારે નેતૃત્ત્વની સ્પર્ધામાં શરદ પવાર પણ હતા. તે પછી તો લાંબો સમય વીતિ ગયો. કોંગ્રેસથી છુટ્ટા પડ્યા, એનસીપી બનાવી, ફરી કોંગ્રેસ સાથે મહારાષ્ટ્રમાં સત્તાની ભાગીદારી કરી. ફરી 2014 જુદા પડ્યા અને ડિક્લાઇન તરફ આગળ વધ્યા. પરંતુ છેલ્લી લોકસભાની ચૂંટણીમાં એનસીપી અને કોંગ્રેસ ફરી સાથે આવ્યા પણ નીચેની તરફ જતો ગ્રાફ અટક્યો નહિ. 2014 જેવા જ પરિણામો લગભગ આવ્યા. હવે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી આવી છે ત્યારે સાથે લડવાનું નક્કી કર્યું છે, પણ છ મહિના પહેલાંના પરિણામો અને તે પછી દેશમાં સર્જાયેલી સ્થિતિ જોતા ભાગ્યે જ કોઈ ગઠબંધન માટે કોઈ આશા રાખે છે.
શરદ પવારમાં રાજકીય ક્ષમતા રહી છે કે કેમ તેની કસોટી કરનારી મહારાષ્ટ્રની કદાચ આ છેલ્લી વિધાનસભા ચૂંટણી હશે. કસોટી અત્યારથી જ થવા લાગી છે અને નાપાસ થવાની શરૂઆત પણ થઈ ગઈ છે. શરદ પવાર અને સોનિયા ગાંધી વચ્ચે હાલમાં જ મુલાકાત થઈ અને બેઠક વહેંચણી માટેની વાતચીત થઈ ગઈ.
આ મુલાકાત પાછળનો અન્ય એક હેતુ રાજ્યના બીજા નાના નાના પક્ષોને કેવી રીતે સાથે રાખવા તેનો હતો. છ મહિના પહેલાં લોકસભામાં પણ તેના પ્રયાસો થયા હતા પણ નિષ્ફળ ગયા હતા. પ્રકાશ આંબેડકરની પાર્ટી તરીકે વધારે જાણીતા વંચિત બહુજન અઘાડી સાથે ત્યારે પણ જોડાણ થઈ શક્યું નહોતું. પ્રકાશ આંબેડકરની પાર્ટીએ તેના બદલે હૈદરાબાદના ઓવૈસીની પાર્ટી સાથે જોડાણ કર્યું હતું. એ જોડાણને એક જ બેઠક મળી, પરંતુ તેમના જોડાણે કરેલા નુકસાનને કારણે કોંગ્રેસ અને એનસીપીએ ઓછામાં ઓછી સાત બેઠકો ગુમાવવી પડી હતી.
આ વખતે ફરીવાર અઘાડીને સાથે રાખવાની કોશિશ નિષ્ફળ નીવડશે તેમ લાગે છે, કેમ કે અઘાડીનો વિરોધ એનસીપી સામે છે. એનસીપી સાથે ગઠબંધન ના કરો એવી માગણી પ્રકાશ આંબેડકરે કરી છે. કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે આવી માગણી સ્વીકારવી શક્ય નથી. બે મોટા પક્ષો વચ્ચે ગઠબંધન જરૂરી છે. નાના સાથીઓને સાથે રાખવા અમે તૈયાર છીએ. કોંગ્રેસ અને એનસીપી બંને સરખા ભાગે 123થી 125 બેઠકો પર લડે અને 41 બેઠકો નાના પક્ષોને આપશે એમ ચૌહાણે કહ્યું છે. અઘાડી ઉપરાંત સ્વાભિમાની શેતકરી સંગઠન, સમાજવાદી પક્ષ સાથે જોડાણની ચર્ચા છે. સાથે જ એકાદ ડાબેરી પક્ષ અને મોટા ભાગે રાજ ઠાકરેના પક્ષ સાથે પણ ગઠબંધન થઈ શકે છે. રાજ ઠાકરે પોતે પણ દિલ્હી જઈને સોનિયા ગાંધીને મળ્યા હતા. ગઠબંધનની વાતચીત વચ્ચે શરદ પવાર પણ અલગથી સોનિયા ગાંધીને હાલમાં જ મળી આવ્યા છે. એવું માનવામાં આવે છે કે રાજ ઠાકરેના પક્ષને પણ સાથે લેવાની ઇચ્છા શરદ પવારની છે.
લોકસભાની ચૂંટણી પહેલાંથી જ શરદ પવાર અને રાજ ઠાકરે એક મંચ પર દેખાવા લાગ્યા હતા. ત્યાર બાદ લોકસભાની ચૂંટણી આવી ત્યારે ઠાકરેએ પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા નહિ, પણ ભાજપ વિરુદ્ધ જોરદાર પ્રચાર કર્યો હતો. પ્રચારે આકર્ષણ બહુ જમાવ્યું હતું, કેમ કે તેમાં મલ્ટિમિડિયાનો પ્રયોગ થયો હતો. ટીવીની જેમ સ્ટેજ પરના સ્ક્રીન પર ઠાકરે બાઇટ ચલાવે અને પછી મશ્કરી કરે. જોકે પરિણામો પર તેની કોઈ અસર થઈ નહિ.
પરંતુ લોકસભા કરતાં વિધાનસભાનો મામલો જુદો છે. રાજ ઠાકરેના પક્ષ મનસેએ વિધાનસભાની ચૂંટણી લડવી જરૂરી છે. એકલા લડવાથી ફાયદો નથી તે હવે વધારે સમજાયું છે, ત્યારે ગઠબંધન માટે તેમને પણ ગજર છે. પરંતુ અઘાડી એનસીપીનો વિરોધ કરે તે રીતે મનસેનો વિરોધ કોંગ્રેસમાંથી થઈ શકે છે. દરમિયાન આમ આદમી પાર્ટીએ પણ જાહેરાત કરી દીધી છે કે તે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ લડશે. કોંગ્રેસ સાથે જોડાણ આપનું પણ થઈ શક્યું નહોતું તે સૌ જાણે છે. મહારાષ્ટ્ર અને પછીથી આવનારી દિલ્હીની ચૂંટણીમાં પણ તે થાય તેવું લાગતું નથી.
અહીં ફરી એકવાર શરદ પવારની સમજૂતિ કરાવવાની શક્તિનું પણ પ્રદર્શન થઈ શકે તેમ હતું. વિપક્ષી એકતા માટેના પ્રયાસોમાં શરદ પવારે એકથી વધુ વાર સેતુનું કામ કર્યું હતું. તેઓ અરવિંદ કેજરીવાલને પણ અલગથી મળ્યા હતા. તેઓ ઇચ્છે તો આપને પણ ગઠબંધનમાં સામેલ કરાવી શકે. પણ સવાલ એ થાય કે કરાવી શકશે ખરા? મનસે સાથે પણ જોડાણ માટે કોંગ્રેસને મનાવી શકશે? સાથે જ પ્રકાશ આંબેડકરનો વિરોધ છે તેને કેવી રીતે દૂર કરાવશે? લોકસભાની જેમ વિધાનસભામાં આંબેડકર અને ઓવૈસી અલગ રહીને લડશે તો કોંગ્રેસ અને એનસીપીને જ નુકસાન થવાનું છે. ઓવૈસી ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે તે આવા કારણો હોય છે. ગઠબંધન નહિ થાય તો આ આક્ષેપ વધારે પાકો બનશે.
પરંતુ ઓવૈસી કરતાંય શરદ પવાર પર સૌની નજર છે. એનસીપીના મહત્ત્વના એક પછી એક નેતા પક્ષ છોડીને જઈ રહ્યા છે. ભાજપ અથવા શિવસેનામાં જોડાઈ રહ્યા છે. તેમાં વધુ એક નામ આજકાલમાં જ ઉમેરાશે. શરદ પવારના નીકટના સાથી અને ભૂતપૂર્વ પ્રધાન પદ્મસિંહ પાટીલના પુત્ર રાણાજગજિતસિંહ પાટીલે જાહેરાત કરી દીધી છે કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. પદ્મસિંહ મહત્ત્વના સાથી નેતા ઉપરાંત શરદ પવારના સગા પણ થાય છે. પદ્મસિંહના બહેન સાથે પવારના ભત્રીજા અજિત પવારના લગ્ન થયેલા છે. ફુવાને છોડીને રાણા ભાજપમાં જોડાઈ જવાના છે.
કોંગ્રેસમાં અલગથી ગાબડાં પડી રહ્યા છે તે જુદા. ઉર્મિલા માંતોડકરે છ જ મહિનામાં પક્ષ છોડી દીધો. ઉત્તર ભારતીય ચહેરો ગણાતા કૃપાશંકર સિંહ પણ ભાજપમાં જોડાવાની તૈયારીમાં છે. શિવસેનામાં યુવા નેતા તરીકે આદિત્ય ઠાકરેને આગળ કરવામાં આવી રહ્યા છે. ભાજપની રાજ્ય સરકારને એટલી નિરાંત છે કે રાજ્યના મુદ્દા કરતાંય રાષ્ટ્રીય મુદ્દા પર ચૂંટણી લડાઈ જશે. હાલમાં વરસાદ સારો છે એટલે દુકાળ થોડો ભૂલાયેલો લાગે, પણ તે સમસ્યા નથી એમ નથી. પણ કલમ 370 અને ત્રીપલ તલાક સહિતના મુદ્દાઓ વચ્ચે તે ભૂલાઈ જશે, ત્યારે મુદ્દાઓની ચિંતા ભાજપે કરવાની નથી.
મુદ્દાઓની અને પોતાના માણસોને સાચવવાની ચિંતા શરદ પવારે કરવાની છે. લોકસભામાં કારમી હાર પછી આ વચ્ચેના તબક્કે કોંગ્રેસ અને એનસીપી એક થઈ જશે અને શરદ પવારને પ્રમુખ બનાવાશે તેવી વાતો બહુ જ ચાલી હતી. તે વાતો પણ હવે શમી ગઈ છે. શરદ પવાર પ્રજાની નાડ પારખનારા, તડજોડ કરી શકનારા, વિરોધીઓને પણ મનાવી શકનારા, પક્ષ માંહેના જૂથોને કાબૂમાં રાખી શકનારા, મુદ્દાઓ પોતાના તરફ વાળી શકનારા, ગઠબંધનોની ગોઠવણ સૌથી સારી રીતે કરી શકનારા – આવા ઘણા વિશેષણો ધરાવતા હતા, પણ વર્તમાન સ્થિતિમાં તેમાંથી એકેય કામ આવે તેવા લાગતા નથી. તેમના માટે પોતાની રાજકીય સમજ અને શક્તિનું પ્રદર્શન કરવાની કદાચ આ છેલ્લી વિધાનસભા ચૂંટણી હશે. 2024 સુધીમાં વિપક્ષ બેઠો થાય તેમ લાગતું નથી, ત્યારે લડાઈ 2029ની જ હશે, ત્યાં સુધીમાં શરદ પવાર માટે બહુ મોડું થઈ ગયું હશે. શતમ્ જીવમ્ શરદઃ છતાં દેશમાં હવે વયોવૃદ્ધ રાજનેતા માટે રાજકારણ અઘરું થતું જાય છે તે યાદ રાખવું પડે.