મુશ્કેલી મંદીનીઃ અસલી સમસ્યા અસ્વીકારમાં છે

તેજી અને મંદીનો ગ્રાફ ઉપર નીચે આવતો રહેતો હોય છે. કોઈ પણ ગ્રાફ ઉપર જાય ત્યારે થોડો નીચે આવે, પણ ગતિ ઉપરની છે કે નીચેની તે મહત્ત્વનું હોય છે. હાલના સમયમાં દેખાઈ રહેલી મંદી એ ગ્રાફના ઊંચા નીચા થવા જેવી એટલે કે સાયક્લિકલ છે કે માળખાગત ખામીઓ – સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમને કારણે છે તે સવાલ મુખ્ય છે. આ સવાલની ચર્ચા કરવાને બદલે કે સમજવાના બદલે સરકારના નેતાઓ નકાર કરી રહ્યા છે તેના કારણે ઉદ્યોગ જગતમાં અસમંજસ ફેલાઈ છે. નાણાં પ્રધાન આ અઠવાડિયાના અંતે કે આવતા અઠવાડિયાની શરૂઆતમાં કોઈક મોટી જાહેરાતો કરે તેવી શક્યતા છે. જીડીપી દરોમાં ફેરફારની પણ જાહેરાત થઈ શકે છે. તેની રાહ જોવાઈ રહી છે, પણ જ્યાં સુધી જાહેરાતો ના થાય અને સરકારની દિશા નક્કી ના થાય ત્યાં સુધી દુવિધાનો માહોલ છે.

મંદી ઘેરી છે કે નથી, તેના કરતાંય વેપાર અને ઉદ્યોગજગતમાં વિશ્વાસનો અભાવ વધુ ધ્યાન ખેંચતી બાબત છે. વચ્ચે થોડા ક્વાર્ટર જીડીપી નીચે પણ જાય, પરંતુ લોન્ગ ટર્મ આઉટલૂક સારો હોય તો વાણિજ્યજગતને આત્મવિશ્વાસ હોય છે. બીજો આત્મવિશ્વાસ ત્યારે જાગે જ્યારે સરકાર મંદીની સ્થિતિનો સ્વીકાર કરે.અત્યારની મુશ્કેલી વધારે એટલા માટે લાગે છે કે સીધી રીતે સ્વીકાર કરવા માટે સરકાર તૈયાર લાગતી નથી. ઉલટાની કોઈ જ મુશ્કેલી નથી અને દેશ ફાઇવ ટ્રિલિયન ઇકોનોમી તરફ આગળ વધી રહ્યો છે તેવી પ્રચારાત્મક વાત કરવાની જ કોશિશ થઈ રહી છે. નાણાં પ્રધાન સિતારમણે કહ્યું કે લોકો ઓલા અને ઉબર ટેક્સી તરફ વળ્યા છે એટલે કાર ખરીદતા નથી. હવે આ ટેક્સીના સંચાલકોએ પણ સ્પષ્ટતા કરી કે તેમની ટેક્સી રાઈડની સંખ્યા ઘટી છે. અર્થાત તેમને પણ મંદીની અસર દેખાવા લાગી છે. જે લોકો ઓછા પૈસામાં શોખ પૂરો કરવા માટે ટેક્સી કરી લેતા હતા, તે ફરી પાછા રીક્ષામાં ફરતા થઈ ગયા છે.

બીજું ટ્રકનું વેચાણ ઘટ્યું છે. ટુ વ્હીલરનું વેચાણ ઘટ્યું છે. તો શું એમ માની લેવું કે માલસામાનની હેરફેર પણ ટેક્સી મારફત થઈ રહી છે અને ટુ વ્હીલરમાં ફરનારા હવે મોજથી ટેક્સીમાં ફરી રહ્યા છે? સરકારે મંદીની સ્થિતિનો સ્વીકાર કર્યો હોત તો એવું પણ કહી શકાયું હોત કે સ્થિતિ સુધારી શકાય તેવી છે. સ્થિતિ સુધારી શકાય તેવી છે પણ ખરી. દાખલા તરીકે જુલાઈમાં ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનમાં થોડોક સુધારો દેખાયો છે. ગ્રાફ નીચે જતો અટક્યો છે. બીજું વર્તમાન ક્વાર્ટર ચોમાસાનું છે, જ્યારે ખરીદી ઘટે છે. નેક્સ્ટ ક્વાર્ટર દિવાળી અને લગ્નસરાનું આવશે. સારું ચોમાસુ હોવાથી ગામડાની પણ થોડી ખરીદી નીકળશે ત્યારે ત્રીજું અને ચોથું ક્વાર્ટર થોડું સુધરી પણ શકે છે.


ઇન્ટરનેશલ મોનિટર ફંડે પણ કહ્યું છે કે અત્યારે ધારણા કરતાં જીડીપીનો વિકાસ ઓછો થયો છે, પણ હજીય ચીન કરતાં સારી સ્થિતિ છે. તેથી અડધા ટકા જેટલો વિકાસ દર ઓછો અંકાશે, પણ ત્યાં કદાચ નીચે તરફ જતો ગ્રાફ અટકે પણ ખરો. પણ એ ત્યારે જ્યારે સરકાર સ્વીકારે અને કેટલાક પગલાંની જાહેરાત કરે. પગલાં કરતાંય મંદીનો સ્વીકાર અને તેના માટે લાંબા ગાળે સરકાર શું કરવા ધારે છે તેનો રોડ મેપ. આ બંને વાણિજ્ય જગતને દેખાડવા પડે.
લોકો ઓનલાઇન ટેક્સી બૂકિંગનો વધારે ઉપયોગ કરી રહ્યો હોય તો તે સારી વાત છે. પણ જે સંદર્ભમાં તે મૂકાઈ તેના કારણે મજાકનું કારણ બની છે. હકીકતમાં શહેરીકરણમાં સમસ્યાના એક ઉકેલ તરીકે આ સર્વિસને પ્રોત્સાહનના ફાયદા છે. થોડા જ વર્ષોમાં વધુમાં વધુ ઇલેક્ટ્રિક વાહનો દોડતા થશે. તેનો પણ ફાયદો થવાનો છે, પણ તે ફાયદા સામે વર્તમાન વ્યવસ્થા ગોઠવાયેલી હોય તેને શિફ્ટ થવાનો સમય આપવો પડે. વર્તમાન દરેક વાહન કંપનીઓ પાસે ઇલેક્ટ્રિક કારના મોડેલ તૈયાર છે. વાહન કંપનીઓ સાથે બેસીને તબક્કાવાર ઇલેક્ટ્રિક વાહનો તરફ કઈ રીતે આગળ વધવું તેનો રોડ મેપ તૈયાર હોય તો કાર કંપનીઓની અનિશ્ચિતતા દૂર થાય.

શહેરમાં ટ્રાફિક મોટી સમસ્યા છે, ત્યારે ટેક્સી સર્વિસ અને મુંબઈ જેવા શહેરોમાં લોકપ્રિય બની રહેલી શેર-એ-ટેક્સી સર્વિસ વધારે ઉપયોગી થઈ શકે છે. ટેક્નોલૉજીને કારણે અર્થતંત્રમાં બહુ ઝડપથી પરિવર્તન આવે છે. પરિવર્તન માટે તૈયાર રહેવું વર્તમાન સમયની માગ છે. જૂની પદ્ધતિએ અર્થતંત્ર અને નાણા ખાતું ચલાવવાથી કામ સરવાનું નથી. દાખલા તરીકે ઇલેક્ટ્રિક વાહનો આવશે, ત્યારે સૌથી વધુ જરૂર બેટરીની પડશે. બેટરી અને રિચાર્જ કરવાની વ્યવસ્થા. આ બંને માટે એવી રીતે વિચારવું પડે કે કેપેસિટીનો વ્યય ના થાય અને જુદી જુદી કંપનીઓ વચ્ચે ભાગીદારી સાથે આખું નેટવર્ક ઊભું થાય. બેટરી માત્ર કાર માટે નહિ, સોલર પાવર જનરેટ થાય છે તેના માટે પણ જરૂરી છે. ઘરે ઘરે ગેસના બાટલા આવે, તેમ ઘરે ઘરે બેટરી પેક આવે તેવી સ્થિતિની કલ્પના કરી શકાય છે. મધ્ય એકવીસમી સદી સોલર પાવર અને સ્ટોરેજની હશે.

આટલું ઓછું હોય તેમ પિયૂષ ગોયલનું નિવેદન આવ્યું કે તમે ગણિતને ભૂલી જાવ. પાંચ ટ્રિલિયન ઇકોનોમી માટે 12 ટકાના દરે વિકાસ થવો જોઈએ, અત્યારે 6-7 ટકાના દરે થઈ રહ્યો છે… તમે આવા ગણિતમાં ના પડો. આવા ગણિતના કારણે કંઈ આઇન્સ્ટાઇનને ગુરુત્વાકર્ષણની શોધમાં ફાયદો થયો નહોતો. આ નિવેદન પણ મજાકનું કારણ બન્યું છે. અહીં ગુરુત્વાકર્ષણ માટે ન્યૂટનના બદલે આઇન્સ્ટાઇનનું નામ લીધું તે મામૂલી ભૂલ છે. મોટી ભૂલ એ છે કે તેઓ ચમત્કારની વાત કરી રહ્યા છે. કહી રહ્યા છે કે જીડીપી ગણવાનું બંધ કરી દો, આંકડાં ભૂલી જાવ, માત્ર પાંચ ટ્રિલિયનના સપનાં જુઓ, જે ચપટી વગાડતાં થઈ જશે. સપનાં જોવા પણ જરૂરી છે. નહિ માફ નીચું નિશાન… સપનાં તો પાંચ ટ્રિલિયન ઇકોનોમીના જ જોવાય એવી તમારી વાતનો સ્વીકાર છે, પણ વર્તમાન સમયે મુશ્કેલી છે તે વાતનો તો તમે સ્વીકાર કરો… વાત બસ આટલી જ છે.