મહારાષ્ટ્રના રાજકારણ પર કેન્દ્રીત થયેલું ગોલમાલ, ગોબાચારી, ગરબડ અને ગોટાળાનું મહા-વાવાઝોડું ફંટાયું છે. પૂરતા પ્રમાણમાં ભેજ ના મળવાના કારણે વાવાઝોડું નબળું પડવા લાગ્યું હતું અને હવાની ગતિ ફરવાના કારણ તેની ગતિ પણ ફંટાઇ હતી, તેથી ભારે વરસાદ અને બંધારણની ભાવનાને ભારે નુકસાન પછી ફંટાયું છે. રાજકીય હવામાન શાસ્ત્રીઓ હવે વાવાઝોડાને ટ્રેક કરી રહ્યા છે કે કઈ તરફ ફંટાશે.
હાલમાં બે રાજ્યો પર ચૂંટણીનું પ્રેશર સર્જાયેલું હોવાથી વાવાઝોડું તે તરફ ફંટાય તેવી શક્યતા છે. કર્ણાટકમાં પેટાચૂંટણીઓ થઈ રહી છે, તેથી ત્યાં લૉ પ્રેશર છે અને તે દિશામાં પવનો તેજ ગતિથી ફૂંકાશે. ઝારખંડમાં ફરીથી જીતવાનું ઊંચું દબાણ હોવાથી આખરે વાવાઝોડું વળાંક લઈને ઉત્તરની તરફ ગતિ કરશે અને નજીકના બિહાર રાજ્યના કાંઠે ત્રાટકશે તેવી સંભાવનાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે.
કર્ણાટકમાં 15 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીઓ યોજાઈ રહી છે. કોંગ્રેસ અને જેડી(એસ)ના ધારાસભ્યોને ભાજપે સામદામદંડભેદ અપનાવીને તોડી નાખ્યા તેના કારણે આ ચૂંટણીઓ આવી છે. બીજી બે બેઠકો પણ ખાલી પડી છે, પણ તેનો કેસ સુપ્રીમ કોર્ટમાં હોવાથી તેની પેટાચૂંટણી થઈ રહી નથી. (14 કોંગ્રેસના અને જેડી(એસ)ના 3 કુલ 17 ફૂટી ગયા હતા.) 15માંથી 13 બળવાખોરો, દગાખોરો અને પક્ષપલ્ટુઓને ભાજપે ટિકિટ આપી છે. ભાજપને સીધાસાદા રાજકારણીઓ ગમતા જ નથી. દગાખોરો, ભ્રષ્ટાચાર અને ગોલમાલના આક્ષેપો ધરાવતા, માથાભારે, વ્યભિચારી, બળાત્કારના કેસ થયેલા હોય, બેફામ બોલતા હોય, નીતિમતાને નેવે મૂકવા તૈયાર હોય તેવા નેતાઓ વધારે ફાવે છે એટલે બીજા પક્ષોમાંથી એવા લોકોને શોધી શોધીને લઈ આવે છે. આવા 13 નમૂનાને જીતાડવાની જવાબદારી કર્ણાટકમાં ભાજપ પર આવી છે, કેમ કે સરકારને ટકાવી રાખવાનો આધાર તેના પર રહેવાનો છે.
કર્ણાટકમાં પક્ષપલટાનો મુદ્દો મુખ્ય બનવો જોઈએ, પણ તેવું બન્યું નથી; કેમ કે બંને વિરોધ પક્ષો અંદરોઅંદર એવી રીતે લડતા હતા કે તેમના સભ્યો તેમને છોડીને જતા રહ્યા. તેના કારણે માત્ર જ્ઞાતિના ધોરણે પ્રચાર થઈ રહ્યાનું સ્થાનિક જાણકારો કહે છે.
બેંગાલુરુ શહેર અને જિલ્લાની આસપાસમાં ઘણી બેઠકો ખાલી પડી છે. અહીં વોક્કાલિગા મતો મહત્ત્વના છે અને તેની સામે ઓબીસી મતોનું ધ્રુવીકરણ કરવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે. ભાજપે પક્ષપલટુઓને જ ટિકિટો આપી દીધી છે, તેથી પક્ષમાંથી જ નારાજગી છે. હોસ્કોટે બેઠક પર ભાજપના નારાજ નેતા શરદ બાચે ગોવડાએ અપક્ષ તરીકે ઝૂકાવ્યું છે અને જેડી(એસ) ખાનગીમાં તેને ટેકો આપે છે. શરદ ગોવડા ભાજપના જ સાંસદના પુત્ર છે. કોંગ્રેસે પણ અહીં ઓબીસી પણ ઓછા જાણીતા ઉમેદવારને ટિકિટ આપી છે. ટૂંકમાં ભાજપને તેમના બળવાખોર શરદ ગોવડા જ હરાવે તેવું ગોઠવાયું છે.
અન્ય એક બેઠક મહાલક્ષ્મી લેઆઉટ (શહેર નજીક વિકસેલો વિસ્તાર હોવાથી આવું નામ છે – અમદાવાદ નજીક બોપલ-ઘુમા વિકસ્યો છે તેવો વિસ્તાર છે.) બેઠક પર પણ જેડી(એસ)ના પક્ષપલટુ લડી રહ્યા છે. ત્રણ વાર ધારાસભ્ય બનેલા કે. ગોપાલૈયા ભાજપની ટિકિટ પર લડી રહ્યા છે ત્યારે જેડી(એસ) અને કોંગ્રેસ ભેગા મળીને તેમને હરાવશે તેમ મનાય છે. આ રીતે કેટલીક બેઠકો પર જેડી(એસ) અને કોંગ્રેસ ભેગા મળીને પોતાના પક્ષપલટુઓ જે ભાજપની ટિકિટ પર લડે છે તેમને પાડી દેવા માટે કોશિશ કરી રહ્યા છે. જોકે બધી બેઠકો પર એવું નથી અને ભાજપની સરકાર હવે સત્તામાં હોવાથી પૂરતી સંખ્યામાં બેઠકો જીતી લેવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. ભાજપની યેદીયુરપ્પાની સરકારે બહુમતી જાળવી રાખવા માટે 15માંથી 6 બેઠકો જીતવી જરૂરી છે. તેનાથી એક બેઠક પણ ઓછી જીતે તો ગૃહમાં બહુમતી જતી રહેશે. જોકે જેડી(એસ) અને કોંગ્રેસ ફરી ભેગા થાય તેવી શક્યતા નથી, તે સંજોગોમાં જેડી(એસ)નો ટેકો લેવાનું પણ ભાજપે વિચારવું પડે.
મહા-વાવાઝોડું અહીં તે અર્થમાં કેટલી અસર કરશે તે વિચારવાનું રહ્યું. કર્ણાટકમાં પ્રચાર ચાલતો હતો તે દરમિયાન જ મુંબઈમાં ધમાસાણ મચ્યું હતું. આખરે ભાજપે પીઠેહઠ કરવી પડી છે, ત્યારે તેની અસર કર્ણાટકમાં મતદાન પર કેટલી? ભાજપના ટોચના નેતાઓ જે રીતે માત્ર તોડફોડ કરવાનું કામ કરી રહ્યા છે અને પોતાના જ સારા નેતાઓ અને કાર્યકરોને અવગણી રહ્યા છે તેની નારાજી હવે વધારે ખુલીને સામે આવી શકે છે. ગુજરાતમાં બે પક્ષપલટુઓ ભાજપની ટિકિટ પર હાર્યા. કર્ણાટકની પેટાચૂંટણીમાં 13 13 ટિકિટો પક્ષપલ્ટુઓને આપી છે, ત્યારે ભાજપમાં આંતરિક નારાજગી જ વધારે છે.
ઝારખંડમાં પણ ચૂંટણી આવી છે. અહીં શિવસેનાવાળી ના થાય તે માટે ઑલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (એજેએસયુ) સાથે પ્રથમથી જ સમજૂતિ તોડી નાખવામાં આવી છે. એજએસયુ 17 બેઠકો માગતું હતું, પણ ભાજપ 7થી વધુ બેઠકો આપવા તૈયાર નહોતો. આખરે પાંખ વર્ષ જેના ટેકે સરકાર ચલાવી તે સાથીને ભાજપે જુદો કરી દીધો છે. જોકે મહારાષ્ટ્ર કરતાં ઉલટું પણ થઈ શકે. શિવસેનાને બેઠકો આપી, તેના બદલે ભાજપે પોતે લડી હોત તો કદાચ થોડી વધારે બેઠકો ભાજપને મળી હોત. એ જ ગણતરીથી સાથી પક્ષોને વધારે બેઠકો આપવાના બદલે ભાજપે જાતે વધારે બેઠકો લડવાનું ઝારખંડમાં નક્કી કર્યું છે.
ઝારખંડમાં ભાજપના બિહારના બે સાથીઓ નીતિશ અને પાસવાન તેમની સાથે નથી. તેનાથી બહુ ફરક પડતો નથી, કેમ કે બંનેની ખાસ કોઈ હાજરી ઝારખંડમાં નથી. સામી બાજુ ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસ વચ્ચે સમજૂતિ થઈ છે. આરજેડી પણ સાથે છે. પરંતુ એજએસયુ ઉપરાંત બાબુલાલ મરાન્ડીનો ઝારખંડ વિકાસ મોરચો પણ અલગ લડી રહ્યો છે. તેથી બહુપાંખીયા જંગમાં ભાજપને આમ બહુ ચિંતા નથી, પણ મહારાષ્ટ્રના પલટાયેલા વાતાવરણથી કોંગ્રેસ-જેએમએમને ઉત્સાહ આવી શકે છે. ઝારખંડ ભાજપના એક જૂના નેતા સરયુ રાય પણ નારાજ થયા છે અને તેમને ટિકિટ મળી નથી. સરયુ રાય ભાજપના મુખ્યમંત્રી રઘુબર દાસ સામે અપક્ષ ચૂંટણી લડે તો વિપક્ષ પોતાનો ઉમેદવાર ઊભો નહી રાખે તેવી વાતો પણ ચાલી રહી છે. બીજુ આદિવાસી રાજ્યમાં ભાજપે બિનઆદિવાસીને મુખ્યમંત્રી બનાવ્યા છે, તેનો ફાયદો લેવાની કોશિશ આદિવાસી પક્ષો કરી રહ્યા છે.
ઝારખંડ વચ્ચે આવતું રાજ્ય છે એટલે મહા-વાવાઝોડાની ત્યાં બહુ ચિંતા નથી. અસલી ચિંતા બિહારમાં હોઈ શકે. કેમ કે વાવાઝોડું આખરે બિહારના તટ પર ત્રાટકવાનું છે. બિહારમાં નીતિશ કુમાર છેલ્લા ઘણા સમયથી અકળાઇ રહ્યા છે. ભાજપ સાથે છેડો ફાટવાનો મોકો શોધી રહ્યા છે. ઉપર વાત કરી તે સરયુ રાયના પુસ્તકનું વિમોચન નીતિશ કુમારે કર્યું હતું. તેના કારણે પણ સરયુ રાયની ટિકિટ કપાયાનું કહેવાય છે. લાલુ પ્રસાદ યાદવની તબિયત બહુ ખરાબ છે અને તેમની બીજી પેઢી એટલું ગજું કાઢી શકી નથી, ત્યારે નીતિશ કુમારને લાગે છે કે હવે તેમના માટે બિહારમાં ફરી મોકળું મેદાન છે. બીજું એક કનેક્શન મુંબઈના વાવાઝાડા સાથે છે પ્રશાંત કિશોરનું. પ્રશાંત કિશોરે શિવસેનાના સલાહકાર તરીકે કામ કર્યું હતું. આદિત્યા ઠાકરેની ચૂંટણ લડાવો. તેમને સીએમ તરીકે પ્રોજેક્ટ કરો. નવી નેતાગીરી, નવી ઉર્જા અને નવા વિચારો સાથે શિવસેના તૈયાર છે એવી કેમ્પેઇન ચલાવાઈ હતી.
પ્રશાંત કિશોર નીતિશ કુમારની સૌથી નજીક છે. ભાજપ વિરુદ્ધ બધા જ પક્ષોનો મોરચો રચવા માટે 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં પણ થયો હતો. તે નિષ્ફળ ગયો હતો. ભાગ્યે જ કોઈ જગ્યાએ મોરચો ગોઠવાયો હતો. કર્ણાટકમાં ગોઠવાયો હતો, પણ તે નિષ્ફળ ગયો, કેમ કે ઉતાવળે અને અતાર્કિક રીતે થયો હતો. મહારાષ્ટ્રમાં ત્રણ પક્ષોએ ભેગા થવામાં લાંબો સમય લીધો. નડતરરૂપ બાબતોની ચર્ચા પ્રથમથી જ કરી લેવાઈ. દરમિયાન ભાજપે રાતોરાત ખેલ પાડ્યો તે પછી ત્રણેય પક્ષો વધારે સજ્જડ રીતે ભેગા થઈ ગયા.
બિહારમાં મૂળ આ પ્રયોગ થઈ ચૂક્યો હતો. નીતિશ અને લાલુ યાદવ એક થયા હતા. ખૂબ સફળતા મળી, પણ અધવચ્ચેથી નીતિશ ભાજપમાં જતા રહ્યા. યુપીમાં પણ એસપી-બીએસપીનો પ્રયોગ થયો પણ નિષ્ફળ ગયો હતો. તેના પણ કારણો હતા. તેથી હવે જે ચર્ચા થશે તે મહા-વાવાઝોડાની ગતિ, દિશા, જોર આધારે થશે. કર્ણાટકના પેટાચૂંટણીના અને ઝારખંડના પરિણામોની સમીક્ષા થશે અને તે પછી બિહારમાં જૂનો પ્રયોગ ફરી જાગૃત કરીને મહારાષ્ટ્ર પેટર્ન પ્રમાણે જેડી(યુ), આરજેડી, કોંગ્રેસને ફરી એક કરવાના પ્રયાસો થાય તો નવાઈ નહિ, એમ રાજકીય હવામાન શાસ્ત્રીઓનો વરતારો હાલમાં જણાવી રહ્યો છે.