જાણો, ‘મધુશાલા’ ના સર્જક હરિવંશરાય બચ્ચન વિશે આ રસપ્રદ વાતો

નવી દિલ્હી: પ્રખ્યાત હિન્દી લેખક અને કવિ હરિવંશરાય બચ્ચનની જન્મજયંતિ 27 નવેમ્બરે છે. હરિવંશરાયનો જન્મ 27 નવેમ્બર 1907ના રોજ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ  જિલ્લાના બાબુપટ્ટી ગામમાં થયો હતો. શ્રીવાસ્તવ કાયસ્થ પરિવારમાં જન્મેલા હરિવંશરાયને બાળપણમાં બચ્ચન કહેવાતા, જે બાદમાં તેમણે તેમના નામમાં ઉમેર્યું. તેમણે પ્રારંભિક અભ્યાસ ઉર્દૂમાં કર્યો અને પછી અલાહાબાદ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ. કર્યું. ઘણા વર્ષો અલાહાબાદ યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના પ્રોફેસર રહેલાં બચ્ચને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી કવિ ડબલ્યુબી યેટ્સની કવિતાઓનું સંશોધન કરીને પીએચડી પૂર્ણ કર્યું હતું.

તેઓ ઓલ ઇન્ડિયા રેડિયો સાથે સંકળાયેલા હતાં અને હિન્દી નિષ્ણાત તરીકે વિદેશ મંત્રાલય સાથે પણ કામ કર્યું હતું. હરિવંશરાય બચ્ચને હિન્દી સાહિત્યમાં અનોખો ફાળો આપ્યો હતો. બચ્ચન સાહેબ આજે પણ 1935માં છપાયેલી ‘મધુશાલા’ માટે યાદ કરવામાં આવે છે. ‘મધુશાલા’  હરિવંશજીની રચનાઓમાંની એક રચના છે જેનાથી તેમને સાહિત્યિક જગતમાં એક અલગ ઓળખ મળી. ‘મધુશાલા’, ‘મધુબાલા’ અને ‘મધુકલશ’ – એક પછી એક આવેલાં આ ત્રણ સંગ્રહ જેને ‘હાલાવાદ’નું પ્રતિનિધિ લખાણ કહેવામાં આવે છે.

હરિવંશરાય બચ્ચને 4 આત્મકથા લખી હતી. એવું કહેવામાં આવે છે કે કોઈએ પણ આ પ્રકારની મોકળાશ અને હિંમતથી પોતાના વિશે બધું લખ્યું નથી. તેમની પહેલી આત્મકથા ‘ક્યા ભૂલૂં, ક્યા યાદ કરૂં’  હતી. કહેવામાં તો તે આત્મકથા હતી, પરંતુ તે સમયે ભારતમાં રહેતાં લોકો વિશે ઘણું બધું છે. તે સમયે, લોકો વચ્ચેના સંબંધો કેવા હતાં, આ બધી બાબતો તેમની દ્રષ્ટિમાં સમજી શકાય છે.

બચ્ચનની બીજી આત્મકથા ‘નીડ કા નિર્માણ ફિર’, ત્રીજી આત્મકથા ‘બસેરે સે દૂર’ અને ચોથું ‘દશદ્વાર સે સોપાન’ છે. તેમની કૃતિ ‘દો ચટ્ટાને’ને 1968માં હિન્દી કવિતા માટે સાહિત્ય અકાદમી એવોર્ડથી નવાજવામાં આવી હતી. તે જ વર્ષે તેમને સોવિયત લેન્ડ નહેરુ એવોર્ડ અને એફ્રો-એશિયન કોન્ફરન્સના કમળ પ્રાઇઝથી પણ સન્માનિત કરવામાં આવ્યાં હતાં.. ભારત સરકાર દ્વારા બચ્ચનને 1976માં સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમના પ્રદાન માટે પદ્મભૂષણથી નવાજવામાં આવ્યાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]