મધ્યપ્રદેશ ભારતની બરાબર વચ્ચે અને સૌથી વિશાળ રાજ્ય. વસતી ઉત્તરપ્રદેશથી વધારે પણ વિશાળ રાજ્ય મધ્યપ્રદેશનું. તેના પૂર્વ ભાગમાં એટલો જ વિશાળ આદિવાસી પટ્ટો. તેમાંથી જ અલગ રાજ્ય થયું છત્તીસગઢ. આદિવાસી વસતિ ધરાવતું રાજ્ય અલગ થયું તે પછી પણ મધ્યપ્રદેશમાં આદિવાસીઓની વસતિ પ્રમાણમાં ઘણી છે. હવે રાજ્યના પશ્ચિમ ભાગમાં, ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે આદિવાસીઓની વસતિ વધારે છે. નર્મદાના કાંઠે પણ સળંગ આદિવાસીઓનો વસવાટ. તેના કારણે મધ્યપ્રદેશની ચૂંટણી આવે ત્યારે હજીય, છત્તીસગઢ જૂદું થયા પછી પણ આદિવાસી મતો વિશે વિચાર કરવામાં આવે જ.
આ વખતે પણ આદિવાસી મુદ્દાની ચર્ચા મધ્યપ્રદેશમાં ચાલવા લાગી છે, પણ આ વખતે ફરક એટલો છે કે આદિવાસી જૂથો પોતાની રીતે સક્રિય બન્યા છે. દેશમાં આઝાદીની સાથોસાથ અંત્યોદય માટેની ચિંતા હતી. અસ્પૃશ્ય વર્ગની ચિંતા કારણે અનામત સહિતના કાર્યક્રમો વિચારવા માટે કોઈ તત્પર રહેતા હતા. ડૉ. આંબેડકર જેવા મોટા ગજાના નેતા હતા અને ગાંધીજીના પ્રયાસોના કારણે પણ કોંગ્રેસમાં હરિજન નેતૃત્ત્વ વિકસ્યું હતું, પરંતુ પ્રારંભિક દાયકાઓમાં અનુસૂચિત જાતિ માટે બધા જ વર્ગના નેતાઓ પ્રયાસો કરતા રહ્યા હતા. આગળ જતા દલિત શબ્દ વધારે પ્રબળ બન્યો અને મહારાષ્ટ્ર પછી ઉત્તર પ્રદેશમાં કાંશી રામના કામદાર યુનિયન (બામસેફ)ના કારણે દલિતોનું પોતાનું નેતૃત્ત્વ ઊભું થયું. તે પછી હવે દલિતો માટે દલિત નેતાઓ જ બોલતા થયા હતા.
આઝાદી વખતે જ બિહારથી શરૂ કરીને છેક આંધ્રપ્રદેશ સુધીના પટ્ટામાં અને રાજસ્થાનના છેડેથી છેક મહારાષ્ટ્ર સુધીના પટ્ટામાં આદિવાસી રાજ્યોની અલગથી રચનાની માગણીઓ હતી ખરી. તે વખતે તે શક્ય બન્યું નહોતું, પરંતુ આગળ જતા ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ જેવા રાજ્યો બન્યા, તે સાથે આદિવાસી નેતૃત્ત્વ પણ વિકસ્યું હતું. પરંતુ વર્તમાન સમયમાં મધ્ય પ્રદેશમાં તેની નવી તરાહ દેખાઈ રહી છે. કાંશી રામના બામસેફમાં મુખ્યત્વે શિક્ષિત અને નોકરીઓમાં રહેલા દલિતો સક્રીય બન્યા હતા અને આગળ જતા તેમાંથી રાજકીય પક્ષનો પાયો નખાયો હતો. મધ્ય પ્રદેશના આદિવાસીઓમાં પણ એવી હલચલ થઈ રહી હોવાનું નિષ્ણાતો નોંધી રહ્યા છે.
ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે વસતા આદિવાસીઓમાં જય આદિવાસી યુવા શક્તિ નામની સંસ્થા યુવાન અને શિક્ષિત આદિવાસીઓને સંગઠિત કરવા લાગી છે. તેના કારણે ભાજપ અને કોંગ્રેસે બંનેએ રાજકીય રીતે આદિવાસીઓ માટે નવેસરથી વિચારવું પડે તેમ લાગે છે. સંસ્થા ઊભી કરી છે ડૉ. હીરા અલાવાએ. નવી દિલ્હીની પ્રસિદ્ધ એઇમ્સમાં કામ કરતા ડૉક્ટર, પોતાના બંધુઓ વચ્ચે કામ કરવા માટે, કેટલીક ફિલ્મોમાં જોવા મળ્યું છે તે રીતે, વતનમાં પરત ફર્યા છે. તેમણે મુદ્દો ઉઠાવ્યો છે પંચાયત એક્સટેન્શન ઇન શેડ્યુઅલ એરિયાઝ (PESA-પેસા) એક્ટનો. સ્થાનિક સ્વરાજ્યનો લાભ આદિવાસી કસબાને પણ મળે તે માટેનો આ કાયદો છે, પણ તેનો અમલ બરાબર થતો નથી. આ મુદ્દો ઉઠાવીને યુવા શક્તિ ચૂંટણી પણ લડવા માગે છે અને તેના કારણે ભાજપ અને કોંગ્રેસ બંનેને ચિંતા પેઠી છે.
જય આદિવાસી યુવા શક્તિની રેલીઓમાં મોટી સંખ્યા જોઈને મુખ્ય પ્રધાન શિવરાજસિંહે તેમના નેતાઓને મળવા પણ બોલાવી લીધા હતા. આદિવાસી અને દલિતો માટે યોજનાઓ જાહેર કરી દેવાની જૂની રીત છે. તેનાથી હવે નવા જમાનાના યુવાનોને સંતોષ થાય તેમ નથી. લાંબો સમયથી શિક્ષણ અને નોકરીઓનો લાભ મળ્યા પછી અને શહેરોમાં રહીને આધુનિક દુનિયાના પ્રવાહોથી વાકેફ થયેલા દલિતો અને આદિવાસીઓની એષણાઓ પણ બદલાઈ રહી છે. ખાસ કરીને હજી પણ આ વર્ગોમાં આગવી અને પોતાનામાંથી જ પ્રગટેલી નેતાગીરી માટે તક છે તેવું નવા જમાનાના જાગ્રત દલિત અને આદિવાસી યુવાનોને લાગી રહ્યું છે. આદિવાસી વિસ્તારોમાં સ્વરાજ્ય શક્ય બને તે માટે પેસાનો કાયદો અમલમાં મૂકવો જોઈએ તેવી માગણી યુવા શક્તિએ કરી. તેની સામે ભાજપની સરકારે જનજાતિ અધિકાર સભાઓ રચવાની જાહેરાત કરી દીધી. રાજ્યના 89 જેટલા આદિવાસી તાલુકાઓમાં આવી સભાઓની રચના કરીને આદિવાસી જૂથોની કેટલીક માગણીઓને તેમાં સમાવી લેવાની ગણતરી રાજ્ય સરકારની છે.
જોકે યુવા શક્તિ સહિતના આદિવાસી જૂથો જે માગણી કરી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પણ તક ચૂકવા માગતી નથી. કોંગ્રેસ સત્તામાં આવશે તો વધારે સારી રીતે આદિવાસી વસતિની એષણાઓને પોષવામાં આવશે તેવી ખાતરી સાથે કોંગ્રેસી નેતાઓએ પણ યુવા શક્તિના નેતાઓનો સંપર્ક કર્યો છે. એટલું જ નહિ, કોંગ્રેસના નેતા કમલ નાથે આ નેતાઓની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓને ધ્યાનમાં લઈને અને તેનો લાભ મળી શકે તો લેવા માટે તેમની સાથે રાજકીય ગઠબંધનની વાત પણ કરી છે. કમલ નાથે બીએસપી સાથે જોડાણ કરીને મજબૂત મોરચો ઊભો કર્યો જ છે. હવે તેમની ગણતરી આ આદિવાસી જૂથો સાથે પણ સમજૂતિ કરીને ભાજપ સામે મજબૂત મોરચો ઊભો કરવાની છે. ભાજપના બદલે આ જૂથો કોંગ્રેસ સાથે ગઠબંધન કરે તે માટે કોંગ્રેસ એવી સ્વંયસેવી સંસ્થાઓની મદદ પણ લઈ રહી છે, જે વર્ષોથી આદિવાસીઓ વચ્ચે કામ કરી રહી હોય.જોકે રાષ્ટ્રીય સ્તરે આમ આદમી પાર્ટીએ અને ઉત્તર પ્રદેશ રાજ્યમાં પ્રાદેશિક ધોરણે બીએસપીએ પ્રારંભમાં જે કર્યું હતું તે પ્રમાણે ભાજપ અને કોંગ્રેસ બંનેને વખોડવાની નીતિ જય આદિવાસી યુવા શક્તિએ અપનાવી છે. આદિવાસીઓ માટે તમે શું કર્યું એવો ચોખ્ખો સવાલ બંને પક્ષોને પૂછવામાં આવે છે. આદિવાસીઓને લલચાવવા માટે અને વટલાવવા માટે વર્ષોથી ચર્ચ સેવાની આડશ લેતું આવ્યું છે. તેનો સામનો કરવા માટે આરએસએસે પણ વનવાસી કલ્યાણ પરિષદ સ્થાપીને આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ અને આરોગ્યના સેવાના કાર્યો ઉપાડ્યા હતા. યુવા શક્તિ સંસ્થાએ આ બંનેને પણ એક લાકડીએ હાંકવાનું શરૂ કર્યું છે. આ બંને જૂથોએ સેવાના નામે અમારી આગવી વનવાસી સંસ્કૃત્તિનું માહાત્મ્ય ઓછું કરવાનું જ કામ કર્યું છે એવો રોષ પણ જગાવવાની કોશિશ થઈ રહી છે.
યુવા શક્તિએ પોતાનું શક્તિ પ્રદર્શન શરૂ પણ કરી દીધું છે. માથે ચૂંટણી છે ત્યારે રાજકીય શક્તિ પણ દાખવવાની છે. સંસ્થાના નેતાઓ સફળતાના દાવા પણ કરવા લાગ્યા છે, જેથી ભવિષ્યમાં પોતે જ આદિવાસીઓને હકો અપાવી શકશે એવું કહીને રાજકીય રીતે ટેકો માગી શકે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સંસ્થાએ મધ્ય પ્રદેશની સરકારને ફરજ પાડી હતી કે તે નવમી ઑગસ્ટને આદિવાસી દિવસ જાહેર કરે. માત્ર દિવસ જાહેર કરવાની વાત નથી, પણ રાજકીય ઉજળા દિવસો આવે તેવી ગણતરી આની પાછળ રહેલી છે.
મધ્ય પ્રદેશના ધાર વિસ્તારમાં આદિવાસીઓની વિશાળ સભાનું આયોજન યુવા શક્તિ સંસ્થાએ કર્યું હતું. ધાર, બડવાણી અને ઝાબુઆ જિલ્લાના આદિવાસીઓ તેમાં ઉમટ્યા હતા. તે પછી રાજકીય સ્થિતિ કેવી રીતે બદલાઈ શકે છે તેનો અંદાજ પણ મૂકાવા લાગ્યો છે. આદિવાસી તાલુકાઓમાં ભાજપના અને કોંગ્રેસના પોતાના આદિવાસી નેતાઓ વર્ષોથી છે. પરંતુ આ નેતાઓ પક્ષીય રાજકારણમાં એવા રત થઈ ગયા છે કે તેમના માટે અંગત રાજકારણ વધારે મહત્ત્વનું છે, આદિવાસીની સમસ્યાઓ નહિ તેવો પ્રચાર સભામાં કરવામાં આવ્યો હતો. આદિવાસીઓએ પોતાનું નેતૃત્ત્વ ઊભું કરવું પડશે એવો મુદ્દો સંસ્થાએ લીધો છે. કાંશી રામે બીએસપીની રચના કરીને દલિતોનો પોતાનો પક્ષ જરૂરી છે તે વાત દલિતોને સમજાવી હતી. એ જ રીતે યુવા શક્તિ હવે મધ્ય પ્રદેશની 47 આદિવાસી અનામત બેઠકો છે તેના પર ચૂંટણી લડવા માગે છે. રાજ્યની બીજી 80 જેટલી બેઠકો છે, જેમાં આદિવાસી મતો અગત્યના છે. આ બેઠકોમાં પણ સંસ્થાના ઉમેદવારોને ચૂંટણી લડાવાશે તેમ સભામાં કહેવાયું હતું. એક જમાનામાં કોંગ્રેસનો દબદબો આદિવાસી વિસ્તારોમાં રહેતો હતો. ભાજપના ઉદય સાથે પોતાના આ પરંપરાગત ગઢમાં પણ કોંગ્રેસ પાછળ પડી હતી. 47 એસટી અનામત બેઠકોમાંથી ભાજપે 31 જીતી લીધી હતી. કોંગ્રેસને માત્ર 15 બેઠકો મળી હતી. કોંગ્રેસને આશા છે કે યુવા શક્તિ સાથે ગઠબંધન થઈ શકે તો આદિવાસી વિસ્તારમાં વધારે બેઠકો જીતી શકાય. ભાજપને સીધી રીતે આદિવાસી વિસ્તારમાં પણ હરાવવો મુશ્કેલ લાગે છે ત્યારે કોંગ્રેસ માટે બેઠકોની સમજૂતિ જ મુખ્ય આધાર છે. આ રીતે કોંગ્રેસે પોતાની સ્ટ્રેટેજી લગભગ નક્કી કરી લીધી છે કે જય આદિવાસી યુવા શક્તિ સાથે ચૂંટણી સમજૂતિ કરવી. બીજી બાજુ ભાજપે જનજાતિ અધિકાર સભા દ્વારા વૈકલ્પિક અને પોતાના જ પક્ષની આદિવાસી નેતાગીરી ઊભી કરવી તેના પર ધ્યાન આપવાની કોશિશ કરી છે. નો રિપિટ થિયરીનો ઉપયોગ કરીને ભાજપ જૂના આદિવાસી નેતાઓની જગ્યાએ નવા વલણને અનુકૂળ યુવા આદિવાસી નેતાઓને આગળ કરે તેવી પણ શક્યતા છે. ટૂંકમાં જય આદિવાસી યુવા શક્તિના સંગઠનના કારણે બે જૂના અને જામેલા રાજકીય પક્ષોએ નવેસરથી વિચારવાની ઓલરેડી ફરજ પડી છે.