આમંત્રણ પત્રિકાઓ લખાઈ ગઈ છે. લોકશાહીની સત્તા નામની સુંદરીઓ માટેનો સ્વંયવર 23 મેના રોજ યોજાશે. 11 માર્ચે વરરાજા બનવા માટે થનગનતા ઉમેદવારો નીકળી પડશે અને મંડપ પર પહોંચશે. કન્યાઓના મનામણા કરીને 23મેના રોજ ઘરે પાછા વળશે, ત્યારે કેટલાકના ગળામાં સુંદરીઓનો હાર હશે, જ્યારે બાકીના કુંવારા પાછા ફર્યા હશે. પડઘમ વાગી ગયા છે, પણ સુંદરીઓને મનાવવા માટે કયા મુદ્દા ચાલશે તે હજી નક્કી નથી. આમ તો નક્કી જેવું છે – રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા ચાલશે. કામ ઓછું કરે અને વાતો વધુ કરે, પણ વરરાજા તો પાકિસ્તાન સામે લડી લે તેવો જ જોઈએ એમ કન્યાઓએ માની લીધું હશે તો બાકીના મુદ્દા બહુ અગત્યના રહેશે નહિ. પરંતુ પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક પછીના અઠવાડિયે જુદી જુદી સંસ્થાઓએ કરેલા સર્વેમાં મિશ્ર ચિત્ર ઊભું થયું છે.
ચૂંટણીનો કાર્યક્રમ ચૂંટણી પંચે રવિવારે જાહેર કર્યો.
રવિવારે રજાના દિવસે બાબુઓએ કામ કર્યું તેની પણ ઘણાને નવાઈ લાગી છે. કદાચ તારીખો જાહેર થવામાં મોડું થઈ રહ્યું છે તેની ટીકાઓ વધી રહી હતી તે કારણ હશે. એક તરફ ઉદ્ધાટનોનો મારો ચાલી રહ્યો હતો અને સરકારી ખર્ચે સરકારની વાહવાહ થઈ રહી હતી. શાસક પક્ષનું સૂત્ર મુમ્કીન – ના મુમ્કીન વાળું સરકારી જાહેરખબરમાં પણ દેખાવા લાગ્યું હતું. સરકારી તીજોરીના કરોડો રૂપિયાના ખર્ચે થતી જાહેરખબરો સરકારની ઓછી અને શાસક પક્ષની વધારે લાગતી હતી. કોંગ્રેસને સરકારી નાણાંનો દુર્વ્યય કરતા આવડતું નહોતું તે ભાજપના નેતાઓએ દેખાડી આપ્યું- આ રીતે સરકારી નાણાંનો વ્યય કરીને સ્વંયની વાહવાહ કરાય, જોઈલો!
એની વે, બીજી એક આડવાત કરીને મૂળ વાત તરફ આવી જઈશું. બીજી આડ વાત એ છે કે આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે, પણ આચાર સંહિતા કેટલી અસરકારક તેનો સવાલ પણ ફરી કરવો પડે તેમ છે. સેનાના પ્રતીકો, સૈનિકોની તસવીરો, શહીદોનું સન્માન વગેરે ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં ના લેવા તેવી સ્પષ્ટતા પણ ચૂંટણી પંચે કરી છે. સવાલ એ છે કે ચૂંટણીના ભાષણમાં એર સ્ટ્રાઇકનો ઉલ્લેખ આવશે જ નહિ? માત્ર ભાજપે નહિ, આમ આદમી પાર્ટી સહિત અન્ય એક બે પક્ષોએ પણ સૈનિકોને સલામ એમ કરીને લોકોના મૂડનો લાભ લેવાની કોશિશ કરી હતી. પોસ્ટરો અને જાહેર સભામાં મંચ પર સેનાને લગતા પ્રતીકો કે તસવીરો કદાચ નહિ લગાવાય, પણ નેતાઓ ભાષણ કરશે તેમાં કેવા શબ્દો ના બોલવા તે કંઈ નક્કી ખરું?
સરવાળે આચાર સંહિતા છતાં રાષ્ટ્રીય સુરક્ષા અને રાષ્ટ્રવાદના નામે જ ચૂંટણી લડવાની છે અને જીતવાની છે તે નક્કી છે. તે સંજોગોમાં આચાર સંહિતાનું પાલન કરાવવું લગભગ અશક્ય બની જવાનું છે. બીજું ગયા વખતે નવ તબક્કા હતા, તો આ વખતે પણ સાત તબક્કા છે. તેના કારણે એક તરફ મતદાન ચાલતું હોય ત્યારે બીજી બાજુ જાહેર સભાઓનું જીવંત પ્રસારણ પણ ટીવી પર ચાલતું હોય છે. તેથી 48 કલાક પહેલાં ચૂંટણીનો પ્રચાર શાંત કરી દેવાનો નિયમ અર્થહિન બની ગયો છે.
સૌથી અગત્યનો અને મૂળ મુદ્દો એ છે કે આ વખતની ચૂંટણી રાષ્ટ્રવાદ, રાષ્ટ્રીય સુરક્ષા, પાકિસ્તાનની બદમાશી અને આતંકવાદી આક્રમણ સામે મજબૂત પ્રતિસાદ એ જ એકમાત્ર મુદ્દો બની રહેશે ખરો? દિલ અને દિમાગને સ્પર્શતા મુદ્દાની વાત હોય ત્યારે દિલના મુદ્દા જ ચાલ્યા છે તેવો ભૂતકાળ છે. ઇન્દિર ગાંધી અને રાજીવ ગાંધીની હત્યા પછી કોંગ્રેસને ઢગલામોઢે મતો મળી ગયા હતા. કારગીલ પછી વાજપેયી સરકારને પણ 1999ની ચૂંટણીમાં ફાયદો થયો હતો. 1962ના યુદ્ધ પછી અંગત રીતે નહેરુ પાછા પડી ગયા હતા, પણ કોંગ્રેસને પ્રજાનું સમર્થન મળતું રહ્યું હતું. 1965 પછી લાલ બહાદુર શાસ્ત્રી અને 1971ના યુદ્ધ પછી ઇન્દિરા ગાંધીની લોકપ્રિયતા વધી હતી. નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા નોટબંધી પછી વધી હતી તે ઘટવા લાગી હતી. ઘટીને ખાસ્સી નીચે જતી રહી હતી, પણ એર સ્ટ્રાઇક પછી તે ફરીથી વધી ગઈ છે. આ લોકપ્રિયતાની અવગણના થઈ શકે નહિ.
આમ છતાં ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયાઓમાં થયેલા સર્વેમાં એવું ચિત્ર ઉપસ્યું છે કે એનડીએને માંડ માંડ સત્તા મળશે. આટલી લોકપ્રિયતા અને રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે આટલા પ્રજારોષ પછીય ગત વખત કરતાં એનડીએને ઓછી બેઠકો મળશે તેવા તારણો કેટલાક સર્વેમાં આવ્યા છે.
આ વાત તરત ગળે ઉતરે તેવી નથી. એર સ્ટ્રાઇક અને અભિનંદનને છોડી મૂકવાની પાકિસ્તાનને ફરજ પડી તે પછી નરેન્દ્ર મોદીની સરકાર આવી બાબતોમાં બહુ મક્કમ અને મજબૂત છે તેવી સજ્જડ છાપ લોકોના મનમાં ઊભી થઈ છે. 2014માં પરિવર્તન માટે અને નરેન્દ્ર મોદી જેવા આશા જગાવી શકે તેવા નેતા માટે મતદાન થયું હતું. તેમાં યુપી અને બિહાર સહિતના હિન્દી પટ્ટામાં તથા ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ભાજપને અભૂતપૂર્વ સફળતા મળી હતી. તે વખતે નરેન્દ્ર મોદીના નામે ટેકો આપનારા મતદારો આ વખતે પણ શા માટે તેમને ટેકો ના આપે તે સવાલ પૂછવો પડે. આ એવા ફ્લોટિંગ વોટર્સ હતા, જેમણે બીજા મુદ્દાઓને બાજુએ રાખીને મોદીને મત આપ્યો હતો. એ જ મતદારો પછી નિરાશ થઈને દૂર જવા લાગ્યા હતા, કેમ કે તેઓ ભાજપના કૉર વૉટર્સ નહોતો. પરંતુ આ જ વૉટર્સ ફરી એકવાર પરત ફરીને, વધુ એક તક આપવા વિચારશે તેમ વિચારી શકાશે.
આમ છતાં એનડીએની બેઠકો સર્વેમાં ઓછી બતાવાઈ છે તેનું કારણ પણ તાર્કિક છે. સૌથી ધ્યાન ખેંચતી સ્થિતિ યુપીની છે. વર્તમાન સ્થિતિમાં પણ ઉત્તર પ્રદેશમાં ભાજપને મોટું નુકસાન થઈ રહ્યું છે. માત્ર 25 બેઠકો તેને મળે તેવો અંદાજ છે. તેની સામે એસપી-બીએસપીને હજી પણ 50ની આસપાસ બેઠકો મળશે તેવો અંદાજ છે. તેનું એક કારણ એ પણ છે કે રાષ્ટ્રવાદનો મુદ્દો દલિતોને બહુ સ્પર્શ્યો નથી. 10 ટકા અનામતને કારણે માની ગયેલા બિનઅનામત વર્ગના મતદારોને રાષ્ટ્રવાદનો મુદ્દો વધારે સ્પર્શે છે અને તેથી તેઓ હવે સજ્જડ રીતે ભાજપ તરફ વળ્યા છે.
બીજા બે રાજ્યો પણ અગત્યના છે. એક છે તામિલનાડુ. તામિલનાડુમાં ભાજપે જયલલિતાના પક્ષ સાથે જોડાણ કર્યું છે. પરંતુ જયલલિતાની ગેરહાજરીમાં તેનો પક્ષ તળિયે પહોંચ્યો છે. આંતરિક ઝઘડાને કારણે તે હારી જશે તેમ લાગે છે. તેની સામે ડીએમકેમાં પણ કરુણાનિધિની ગેરહાજરી છે, છતાં તેને લાભ મળશે તેમ લાગે છે. તેથી 35 જેટલી બેઠકો સીધી જ અહીંથી યુપીએને મળી રહી છે. આ ઉપરાંત મમતા બેનરજી મજબૂતી સાથે ટક્કર આપી રહ્યા છે. અહીં પણ ભાજપને ફાયદો છે, પણ નુકસાન મમતાને નહિ કોંગ્રેસ અને ડાબેરી પક્ષોને થઈ રહ્યું છે. મહારાષ્ટ્ર પણ અગત્યનું રાજ્ય છે, પણ અહીં કોંગ્રેસ અને એનસીપી એક થઈ શક્યા છે તેથી ગત વખત જેટલી બેઠકો મેળવવી મુશ્કેલ છે.
યુપી, તામિલનાડુ, બંગાળ અને મહારાષ્ટ્રને કારણે યુપીએ તથા અન્યોની સ્થિતિ સુધરી છે. તામિલનાડુ અને બંગાળમાં નરેન્દ્ર મોદીના હિન્દી ભાષણો એટલા પ્રભાવિત થઈ શકતા નથી તે મુદ્દો પણ છે. તેના કારણે બાકીના બધા જ રાજ્યોમાં ભાજપ ફરીથી મજબૂત સ્થિતિમાં આવી ગયો છે, પણ તામિલનાડુ અને બંગાળમાં રાષ્ટ્રવાદનો મુદ્દો પણ એટલો કામ આવી રહ્યો નથી. તથા યુપીમાં રાષ્ટ્રવાદની સામે જ્ઞાતિવાદનો મુદ્દો ચાલશે, ઠાકુર સીએમ યોગીની દાદાગીરી સામે ઓબીસી અને દલિતો એક થયા છે તે પણ નડશે.
તેનાથી પણ આગળ વધીને એક અન્ય મુદ્દો અગત્યનો સાબિત થતો દેખાઈ રહ્યો છે. તે મુદ્દો છે રોજગારીનો. આ વખતે 8.42 કરોડ યુવાન મતદારો છે. તેમાંથી 1.42 કરોડ તો માત્ર 18થી 19 વર્ષના છે. આ બધા જ યુવાનો માટે નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ આકર્ષક છે, પણ 25થી 30ની ઉંમરના અને છેલ્લાં પાંચ વર્ષથી રોજગારીની રાહ જોઈ રહેલા યુવાનોને નિરાશા મળી છે તેવું ચિત્ર ઉપસે છે.
તેથી હવે એ જ જોવાનું રહે છે કે આ યુવાન મતદારો રોજગારીનો મુદ્દો છે તેને મહત્ત્વ આપશે કે પછી રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય સુરક્ષા ખાતર વધુ એકવાર નરેન્દ્ર મોદીને તક આપવાનું વિચારશે. નોકરીનું કંઈ થઈ રહેશે, પણ નેતૃત્ત્વ મજબૂત અને મક્કમ હોઉં જોઈએ તેવું વિચારવાની આ ઉંમર છે અને દેશમાં વિશિષ્ટ પરિસ્થિતિ હોય ત્યારે સર્વે અને વિશ્લેષકો ખોટા પડતા હોય છે તેવું ઘણી વાર જોવા મળ્યું છે.