સ્ત્રી મતદાન વધ્યું, હવે વધશે મહિલા ઉમેદવારો

કુલ મતદાન થાય તેમાં સ્ત્રી અને પુરુષના આંકડાં અલગથી પણ આપવામાં આવે છે. આ આંકડાં છેલ્લી કેટલી બે ચૂંટણીથી રસપ્રદ બની રહ્યા છે, કેમ કે સ્ત્રીઓનું મતદાન વધી રહ્યું છે. સ્ત્રી અને પુરુષોના મતદાનની ટકાવારીમાં મોટો તફાવત રહેતો હતો તે હવે ઓછો થવા લાગ્યો છે.

1962માં લોકસભાની ચૂંટણીમાં મતદાન થયું ત્યારે પુરુષો કરતાં સ્ત્રીઓનું મતદાન 16.7% ટકા ઓછું હતું. ધીમે ધીમે તેમાં સુધારો થતો રહ્યો. 2004માં તે બે સિંગલ ડિજિટમાં આવી ગયો અને તફાવત રહ્યો 8.36%. 2009માં તે તફાવત ફક્ત 4.42% રહી ગયો હતો અને 2014માં તેમાં પણ સુધારો થયો અને ગેપ રહી ગયો માત્ર 1.79%. (પુરુષ મતદાન 67.09 ટકા, સ્ત્રી મતદાન 65.30 ટકા.) 2019માં પણ લગભગ એવી જ સ્થિતિ હશે અને બહુ ઓછો ફરક રહી જશે એમ લાગે છે, કેમ કે આ વખતે હવે મહિલા ઉમેદવારોની સંખ્યા પણ વધે તેમ લાગે છે. 1962માં મહિલાઓમાંથી 46.63%એ મતદાન કર્યું હતું, જે 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી 12 ટકા જેટલું વધીને 58.60% સુધી પહોંચ્યું હતું. પુરુષ મતદાન 1962માં 63.31% હતું, તે પાંચ ટકા વધીને 1984માં 68.18% સુધી પહોંચ્યું હતું.

સ્ત્રીઓનું વધી રહેલું મતદાન રાજકીય પક્ષો માટે અગત્યનું છે. મહિલા મતદારોની હવે અલગથી ગણતરી કરવી પડે, જે રીતે યુવા મતદારોની થાય છે તે રીતે. આ વખતે યુવા મતદારોની પણ અલગથી ગણતરી થશે કેમ કે 18થી 19 વર્ષના નવા નોંધાયેલા મતદારોની સંખ્યા દોઢ કરોડ જેટલી છે. બીજું અગત્યનું પરિવર્તન એ આવ્યું છે કે સ્ત્રીઓ હવે પોતાની રીતે મતદાન કરતી હોવાનું અનુમાન છે. ઘરના મોભી નક્કી કરે તે પ્રમાણે મતદાન કરી આવવાની વાત હવે રહી નથી. સ્ત્રીઓ અલગથી વિચારીને મત આપી શકે છે તેમ ઘણા જાણકારોને લાગે છે. તેના કારણે જ નરેન્દ્ર મોદીની સરકાર ઉજ્જવલા યોજનાની સૌથી વધુ વાતો કરે છે. ગેસના બાટલા મેળવવા મુશ્કેલ ગણાતા હતા, તેની જગ્યાએ છુટથી અપાયા. 6.40 કરોડ જેટલા એલપીજી કનેક્શન અપાયા છે. એ વાત જુદી કે બાટલો મોંઘો પડતો હોવાથી નવા કનેક્શન લેનારા તેનો ઉપયોગ થોડો ઓછો કરે છે, પણ ગરમમાં ગેસનો ચૂલો આવી ગયો તે સ્ત્રીઓ માટે મોટી વાત છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં.

પંચાયતો અને પાલિકામાં બેઠકોમાં સ્ત્રી અનામત છે ખરી, પણ હજી સુધી વિધાનસભા અને લોકસભામાં 33 ટકા મહિલા અનામતનો કાયદો થઈ શક્યો નથી. વિવિધ વિવાદોના કારણે કાયદો કરી શકાયો નથી, પણ રાજકીય પક્ષો કાયદો થવાની રાહ શા માટે જુએ છે, તેવો સવાલ પણ પૂછાવા લાગ્યો હતો. તેથી જ કદાચ આ વખતે વધારે મહિલા ઉમેદવારો ઊભા કરવાની વાત થવા લાગી છે. 10 માર્ચ રવિવારે ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરી તે દિવસે જ ઓડિશાના મુખ્ય પ્રધાન અને બિજુ જનતા દળના નેતા જાહેરાત કરી કે તેઓ 33 ટકા ટિકિટો મહિલાઓને આપશે.

નવીન પટનાયક

તેમના પક્ષની યાદી હજી જાહેર થઈ નથી, પણ બંગાળના તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનરજીએ યાદી પણ જાહેર કરી દીધી અને સાથે જ 33 નહિ, પણ 41% મહિલા ઉમેદવારોને ટિકિટ પણ આપી દીધી છે. તેમણે પશ્ચિમ બંગાળની બધી જ 42 બેઠકો માટે ઉમેદવારોના નામો સૌથી પહેલાં મંગળવારે જાહેર કરી દીધા. તેમાં 17 મહિલા ઉમેદવારો પણ છે. આ સમાચાર વાંચવા સાથે એ યાદ આવી ગયું કે મમતાએ ગયા વખતે પણ 35 ટકા ટિકિટો મહિલાઓને આપી હતી. હવે જોઈએ ભાજપ અને કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષો કેટલી હિંમત દાખવે છે. કોંગ્રેસમાં તો મહિલા નેતૃત્ત્વનું પ્રભુત્ત્વ રહ્યું છે અને પ્રિયંકાના પ્રવેશ પછી કદાચ વધવાનું પણ છે, ત્યારે કોંગ્રેસ કેટલી પહેલ કરે છે તે પણ જોવાનું રહેશે.

પ્રાદેશિક પક્ષોમાં ભારતમાં મહિલા નેતાઓનું પ્રભુત્વ રહ્યું છે. મમતા ઉપરાંત જયલલિતા તામિલનાડુમાં સર્વોચ્ચ નેતા તરીકે છવાઇ ગયા હતા. તેમણે સતત બીજીવાર વિધાનસભા ચૂંટણી જીતીને તામિલનાડુમાં સરકારોની ફેરબદલીની પરંપરા તોડી હતી. સાથે જ લોકસભાની 39માંથી 37 બેઠકો જીતી હતી. ઉત્તર પ્રદેશમાં માયાવતીને એક પણ બેઠક ના મળી, પણ તેમણે પોતાના વીસેક ટકા મતો જાળવી રાખ્યા હતા. આ વખતે એસપી સાથેના ગઠબંધનના કારણે માયાવતી મહત્ત્વના નેતા બનવાના છે.

નવીન પટનાયકે જાહેરાત કરી કે 33 ટકા મહિલા ઉમેદવારો ઊભા રાખીશું, ત્યારે તેમણે એ પણ યાદ કરાવ્યું હતું કે તેમના પિતા બિજુ પટનાયકે 1990ના દાયકામાં ઓડિશામાં પંચાયતોમાં મહિલાઓને પ્રતિનિધિત્વ આપવાનું શરૂ કર્યું હતું. આગળ જતા રાજીવ ગાંધીએ પંચાયતી રાજ માટે વધારે મહત્ત્વનો કાયદો કેન્દ્ર સ્તરે કર્યો હતો. તે પછી ધીમે ધીમે મહિલા પ્રતિનિધિત્વ વધી રહ્યું છે.

રાજકીય પક્ષો વાતો ભલે આદર્શની કરે, પણ ચૂંટણી આવે ત્યારે જીતે એવા ઉમેદવારોને જ ટિકિટ આપવાનું પસંદ કરતી હોય છે. તે વખતે ઉમેદવારોની બીજી લાયકાત કે ગેરલાયકાત પણ જોવામાં આવતી નથી. જ્ઞાતિની ગણતરી મુખ્ય બનતી હોય છે અને સાથે જ બાહુબળ અને નાણાં મહત્ત્વના પરિબળ સાબિત થતા હોય છે. તેથી ટિકિટો ઓછી મળે અને ઓછી સ્ત્રીઓ જીતીને સંસદમાં જાય તેવું બનતું હતું.

જોકે 2014 એ બાબતમાં થોડી પ્રગતિ થઈ હતી. 2009માં કુલ 59 નારી સાંસદો હતા, તેમાં થોડો વધારો થયો અને 2014માં તે સંખ્યા 61ની થઈ હતી. બંગાળ ગયા વખતે પણ આ બાબતમાં આગળ હતું. બંગાળમાંથી 12 મહિલા ઉમેદવારો (11 ટીએમસી, 1 કોંગ્રેસ) જીતીને સંસદમાં પહોંચી હતી. 2009માં તે સંખ્યા માત્ર 6ની હતી, પણ મમતાએ ગત ચૂંટણીથી જ વધુ નારી પ્રતિનિધિત્વ માટે કોશિશ કરી અને તે તેમને ફળી પણ હતી તેમ લાગે છે. જોકે સૌથી મોટું રાજ્ય હોવાથી અને સૌથી વધુ બેઠકો હોવાથી આ બાબતમાં ઉત્તર પ્રદેશ આગળ રહ્યું હતું. ઉત્તર પ્રદેશમાંથી 13 મહિલા સાંસદો 2009 અને 2014માં જીત્યા હતા. ગુજરાતમાં છેલ્લી બે ચૂંટણીથી ચાર ચાર મહિલા સાંસદો જીતતા આવ્યા છે.

પક્ષની રીતે વાત કરીએ તો ભાજપ ગયા વખતે સૌથી મોટો પક્ષ બન્યો હોવાથી મહિલા સાંસદોની બાબતમાં તે નંબર વન હતો. ભાજપના કુલ 282માંથી મહિલા સાંસદોની સંખ્યા 32ની હતી. તે પછીનું સ્થાન ટીએમસીએ 11 મહિલા સાંસદો સાથે લીધું હતું. 2014માં હરિયાણા, ઝારખંડ અને મેઘાલયમાંથી એક પણ મહિલા જીતી નહોતી. જોકે 2009માં હરિયાણાંથી 2 અને મેઘાલયમાંથી 1 મહિલા જીતી હતી ખરી.

2009માં લોકસભામાં કુલ ઉમેદવારોની સંખ્યા 8070 હતી, તેમાંથી 556 મહિલાઓ હતી. 2014માં 8136 ઉમેદવારોમાંથી 636 મહિલાઓ હતી. તે રીતે મહિલા ઉમેદવારોની સંખ્યા પણ વધી હતી, પણ કુલ મહિલા સાંસદોની સંખ્યામાં માત્ર બેનો જ વધારો થયો હતો. જોકે 2014ની ચૂંટણીમાં સૌથી વધુ મહિલા ઉમેદવારો જીત્યા હતા. સૌથી ઓછા મહિલા ઉમેદવારો 1977માં જીત્યા હતા. તે વખતે માત્ર 19 સ્ત્રીઓ સાંસદ બની શકી હતી. હવે જોવાનું એ રહે છે કે 2019માં મહિલા ઉમેદવારોની સંખ્યા કેટલી વધે છે અને સાંસદોની સંખ્યા કેટલી વધે છે. સાથે જ મહિલા મતદારો પુરુષોથી પણ આગળ નીકળી જાય છે કે કેમ તે પણ જોવાનું રહેશે. લોકસભા કરતાંય વિધાનસભાની ચૂંટણીમાં સ્ત્રીઓનું મતદાન વધી રહ્યું છે તેવું જોવા મળ્યું છે. છેલ્લે 2012માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી વખતે પુરુષ મતદાન હતું 58.82%, જ્યારે મહિલાઓનું મતદાન તેનાથી દોઢ ટકા જેટલું વધારે 60.29% થયું હતું. આ વખતે લોકસભામાં પણ સ્ત્રીઓ વધારે મતદાન કરીને ‘ઉજ્જવલ રેકર્ડ’ બનાવશે ખરી?