લાલ બહાદુર શાસ્ત્રીની ચર્ચા નીકળે ત્યારે તેમના અચાનક અવસાનનો મુદ્દો પણ ઉલ્લેખ પામે છે. ભારત માટે બે રીતે તેમનું આકસ્મિક મોત આઘાતજનક હતું. વડાપ્રધાન બન્યા પછીના બહુ ટૂંકા ગાળામાં તેઓ જતા રહ્યા અને વિદેશમાં શંકાસ્પદ સ્થિતિમાં તેમનું અવસાન થયું. તેઓ લાંબો સમય વડાપ્રધાન તરીકે રહ્યા હોત તો શું થાત તે સવાલ સતત પૂછાતો રહ્યો હતો. બિનનહેરુ પરિવારના સફળ વડાપ્રધાન તરીકે તેઓ લાંબો સમય રહ્યા હોત તો ઇન્દિરા ગાંધીનો ઉદય થયો હોત કે કેમ તે સવાલ રહે છે. બીજો એ સવાલ એ પણ છે કે જે રીતે મોરારજી દેસાઈને ઇન્દિરાના ટેકેદારોએ પરેશાન કર્યા હતા, તે રીતે શાસ્ત્રીને પણ પરેશાન કર્યા હોત કે ના કર્યા હોત.
મોરારજીભાઈ પણ મુંબઈના મુખ્યપ્રધાન તરીકે વહીવટનો અનુભવ ધરાવનારા અને ગાંધીયુગના દિગ્ગજ નેતા હતા. શાસ્ત્રીથી તેમનું કદ એટલું ઓછું પણ નહોતું. ઇન્દિરા ગાંધી વડાપ્રધાનના નિવાસસ્થાને જ રહેતા હતા અને ભારતીય માનસ પ્રમાણે તેમને વારસદાર તરીકે જોવાની ચમચાઓની માનસિકતા અછાની નહોતી. તે સંજોગોમાં લાલ બહાદુર શાસ્ત્રીનું અકાળે અવસાન ઇન્દિરા ગાંધી માટે ફાયદાકારક રહ્યું હતું.પરંતુ તેમના અવસાનની ચર્ચા તે માટે ઓછી થાય છે. વધારે ચર્ચા એ માટે થાય છે કે વિદેશમાં, તે વખતના સોવિયેટ સંઘના શહેર તાશ્કંદમાં થયું હતું. એવા સંજોગોમાં થયું હતું કે શંકા જાગે. દુશ્મન દેશ પાકિસ્તાન સાથે સમજૂતિ કરવા માટેનું ભારે દબાણ હતું. પાકિસ્તાન સાથે બીજીવારના આ યુદ્ધમાં ભારતના સૈનિકોએ ભારે ભોગ આપીને બહાદુરીથી પાકિસ્તાની સેનાને મીણ કહેવરાવી દીધું હતું. પાકિસ્તાનનો વિશાળ પ્રદેશ પણ આપણે કબજે કરી લીધો હતો. હવે સ્ટેટસ કોના નામે તે જમીન આપણે દબાવીને રાખી શકીએ તેમ હતા. ભાગલા પછી તરત જ પાકિસ્તાની સૈનિકો કબાઇલીના નામે કાશ્મીર ઘૂસી ગયા હતા અને વિશાળ વિસ્તાર પડાવી ગયા હતા. તે વિસ્તાર આજેય તેમના કબજામાં છે. પણ આંતરરાષ્ટ્રીય દબાણમાં ભારતે સમજૂતી કરવી પડી.
સામાન્ય રીતે એવું મનાય છે કે એક તરફ લાલ બહાદુર શાસ્ત્રીએ રશિયાની મધ્યસ્થી સાથે સમજૂતિ કરી, ત્યારે બીજી બાજુ દેશમાં લોકલાગણી તેના વિરુદ્ધ હતી. તેથી ભારે દબાણમાં આવી ગયેલા અને લાગણીમાં તણાઈ ગયેલા શાસ્ત્રીનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું.પરંતુ જ્યારે તેમના મૃતદેહને ભારત લાવવામાં આવ્યો ત્યારે વાત વધારે શંકાસ્પદ બની. તેમના નીકટના કુટુંબીજનોને તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન ના કરવા દેવાનો આગ્રહ કેટલા લોકોએ રાખ્યો હતો. તેમના શરીરને એમ્બ્લામ કરીને, લાંબા સમય મૃત શરીરને સાચવી રખાય તે માટે કેમિકલથી ટ્રીટ કરીને લવાયો હોવાથી દેહ વિક્ષત થયો છે તેમ કહેવાયું હતું. જોકે આખરી દર્શન નીકટના સગા ના કરે તે ભારતીય પરંપરામાં મુશ્કેલ છે. તેથી જ્યારે સગાવહાલાએ અને સ્વજનોએ દેહનું નિરિક્ષણ કર્યું ત્યારે તેમને થોડું વિચિત્ર લાગ્યું હતું. શરીરમાં કેટલાક ઘા હતા, કેટલાક ટાંકા લેવાયેલા લાગતા હતા, મોં પર કેટલોક ભાગ સફેદ પડી ગયો હતો અને અમુક જગ્યાએ વાદળી રંગના ચકામા થવા લાગ્યા હતા.
આ જ બાબત પર એક પુસ્તકમાં વધારે વિગતથી લખવામાં આવ્યું છે. હાલમાં જ પ્રગટ થયેલા પુસ્તકમાં શારીરિક સ્થિતિ વિશે ખાસ્સું લખાયું છે અને તેમાં ફરી એકવાર શંકા વ્યક્ત કરાઈ છે કે વાદળી રંગનું શરીર પડી જાય ત્યારે ઝેરની શંકા જાય. જોકે ઝેર એટલે આપણે સમજીએ છીએ તે પ્રકારનું ઝેર નહિ, પણ ખાવામાં આવી ગયેલું ઝેર પણ હોઈ શકે છે. અમારા પ્રકારના ભોજનથી, આપણે રોજિંદો ખોરાક ના લેતા હોઈએ અને વિદેશમાં અન્ય પ્રકારની વનસ્પતિ સાથે રંધાયેલું ખોરાક ખાઈએ તો ઝેરી અસર થઈ શકે છે. તે બિનઇરાદે અને ઇરાદે પણ હોઈ શકે છે, કેમ કે જાસૂસીની દુનિયામાં કોઈને ખતમ કરવા માટે એવા ઝેરના પ્રયોગો પણ થાય કે સહેલાઈથી પકડી પણ ના શકાય.
એવી જ શંકા શાસ્ત્રીના અવસાન પછી વ્યક્ત થઈ હતી તેવું પુસ્તકમાં લખાયું છે.
11 જાન્યુઆરી 1966ના રોજ તેમના નશ્વર દેહને દિલ્હી લવાયો ત્યારે બહુ ઝાઝા કલાકો નહોતા થયા, તો પણ તેમના દેહનો રંગ બદલી ગયો હતો એમ તેમના પત્ની લલિતા શાસ્ત્રીએ કહ્યું હતું. અમને નજીક જેવા દેવાયા નહોતા અને બહુ આગ્રહ કર્યો તે પછી અમને નજીક જવા દેવાયા. તેમનો દેહ એટલો ફૂલી ગયો હતો કે શરીર પરથી કોટી કાઢવાનું શક્ય નહોતું તેથી તેને ફાડવી પડી હતી. ચહેરા પર સફેદ ડાઘા પડી ગયા હતા. કોઈએ બાદમાં તેના પર સિંદુર લગાવી દીધું હતું એમ લલિતા શાસ્ત્રીએ પુસ્તકના લેખકને કહ્યું છે. પેટ પર અને ગળાની પાછળ કાપો મારેલો હોય તેવું લાગતું હતું. તે વિશે બાદમાં એવું જણાવાયું હતું કે બોડીને એમ્બ્લામ કરવા માટે પેટમાં ચીરો મૂકાયો હતો. જોકે ગળા પાછળ ઘા હતો તેના વિશે નિષ્ણાતો કહે છે કે મૃત શરીરમાંથી તપાસ માટેનું બ્લડ લેવા માટે તે કાપો થયો હશે. બ્લડ પણ નહિ, પરંતુ cerebrospinal fluid – કરોડરજ્જુમાંથી પ્રવાહી લેવામાં આવ્યું હશે, કેમ કે તેના દ્વારા ઝેરના ચિહ્નો મળી શકે છે.
સોવિયેટ સંઘના ડોક્ટરોએ આ રીતે તપાસ કરી પણ હતી એમ માનવામાં આવે છે. તેમજ તેમના અવસાન અંગેનો અને તેની આસપાસની ઘટનાનો વિસ્તૃત્ત અહેવાલ પણ તૈયાર થયો હતો. પરંતુ તે દસ્તાવેજો મેળવવા માટે ક્યારેય ભારતે પ્રયાસો કર્યા નથી તેમ જાણકારો કહે છે.
દિલ્હી કોંગ્રેસના તે વખતના પ્રમુખ અને શાસ્ત્રીજીના અનુયાયી જગદીશ કોડેસિયાને પણ યાદ છે કે ગળા પાછળ દેખાય તેવો કાપો હતો. તેમાંથી લોહી પણ નીકળતું હતું અને તેના કારણે ઓશિકુ અને ચાદર વગેરે પણ લાલ થઈ ગયા હતા તેમ કોડેસિયાને યાદ છે. આ જોઈને ભારતમાં પોસ્ટમોર્ટમ કરવું જોઈએ એવી માગણી થઈ હતી, પણ તેને નકારી દેવાઈ. કોડેસિયા કહે છે કે તેના કારણે સોવિયેટ સંઘ સાથેના આપણા સંબંધો પર અસર થશે એમ કહીને અમને પોસ્ટમોર્ટમ માટે ના કહી દેવાઈ હતી. આજે હવે નિષ્ણાતો કહે છે કે તે મોટી ભૂલ હતી. પોસ્ટમોર્ટમ કરાયું હોત તો કેટલીક વાતોનું સમાધાન થઈ ગયું હોત તેમ ડૉક્ટરો કહે છે. જોકે થોડા કલાકમાં જ નશ્વર દેહ ભારત પહોંચી જવાનો હતો, છતાં એમ્બ્લામિંગ કેમ થયું હતું તેની પણ શંકા હવે ડૉક્ટરો વ્યક્ત કરે છે. જાણકારો કહે છે કે એમ્બ્લામિંગ પછી પણ પોસ્ટમોર્ટમ થઈ શકે છે, પણ તેના માટે જે કેમિકલ શરીરમાં દાખલ કરાયું હોય તેના કારણે પોસ્ટમોર્ટમ પર અસર પડી શકે છે. ઝેરના ચિહ્નોને અસર થઈ છે એમ પણ મનાય છે.તાશ્કંદની સ્થિતિ વિશે પણ ક્યારેય વિસ્તૃત્ત અહેવાલ તૈયાર થયો નથી. તે વખતે રાજદૂત તરીકે કૌલ હતા અને રાજદૂતાલયમાં રસોઇયા તરીકે જાન મોહમ્મદ હતા. કેટલાક ડૉક્ટરો કહે છે કે એકોનાઇટ નામનો શાકભાજીનો ઝેરી પદાર્થ હોય છે, જે ખાવામાં આવી જાય તો ઝેર ચડે છે. ભોજનમાં ઝેરની શંકાના કારણે રશિયાની જાસૂસી સંસ્થા કેજીબીએ જાન મોહમ્મદની ધરપકડ પણ કરી હતી. જોકે ભારત સરકાર તરફથી ફરિયાદ નહોતી કરાય કે આક્ષેપો નહોતા કરાયા તેથી તેમને નિર્દોષ છોડી મૂકાયા હતા. ભારતમાં ક્યારેય આ વાતનો ઉલ્લેખ નથી થતો કે જાન મોહમ્મદની પૂછપરછ કેજીબીએ કરી હતી. તે વખતે રાજદૂત તરીકે ટી. એન. કૌલ નામ હતા. આગળ જતા તેઓ વિદેશ સચિવ બન્યા હતા. તેમણે કુલદીપ નાયર પર બહુ દબાણ કર્યું હતું કે શાસ્ત્રીજીને ઝેર અપાયું હતું તેવી વાત ખોટી છે તેવું ભારપૂર્વક કહેવું. આવી થિયરી આગળ ના વધે તે માટે કૌલ દબાણ કરતા રહેતા હતા, કેમ કે તેમના કાર્યકાળમાં આ થયું હોવાથી તેમના માટે મુશ્કેલી થઈ શકે તેમ હતી. કૌલે આ બાબતમાં પોતાની રીતે ક્યારેય કોઈ સ્પષ્ટતા કરી નહોતી.
લેખકનું કહેવું છે કે તે જ વખતે કાળજી લેવાઈ હોત અને પોસ્ટમોર્ટમ કરી લેવાયું હોત તો ઝેરની શંકા દૂર થઈ હોત. પરંતુ ઇતિહાસમાં કેટલીક ઘટના એવી બનતી હોય છે કે તેનું રહસ્ય ક્યારેય ઉકેલાતું નથી. ઘણી વાર શંકા ના હોય તો પણ શંકા કરવાનો માનવ સ્વભાવ હોય છે. તેમાંથી પણ એક પ્રકારની થ્રીલ ઊભી થાય છે. ખાસ કરીને મહાનુભાવો સાથે સંકળાયેલી બાબતોમાં રહસ્યની થિયરી અને સસ્પેન્સ સદાય લેખકો અને વાચકોને આકર્ષતા રહ્યા છે. સુભાષચંદ્ર બોઝના વિમાનને દુર્ઘટના એ પણ એવી જ ઘટના છે.