ઝારખંડ વિધાનસભા ચૂંટણીએ એટલું આકર્ષણ નહોતું જમાવ્યું, જેટલું આકર્ષણ તેના પરિણામોએ જન્માવ્યું છે. બેઠકો માત્ર 81 હોવા છતાં પાંચ તબક્કામાં ચૂંટણીઓ યોજાઈ હતી અને લાંબા પ્રચાર દરમિયાન ભાજપ તરફથી નેતાઓની ફોજ પણ ઉતરી હતી. કોંગ્રેસ તરફથી ખાસ કોઈ પડઘમ સંભળાયા નહોતા, પણ મેદાનમાં નેતાઓ બરાબર કામ કરી રહ્યા હતા તેનો ખ્યાલ પરિણામો પછી આવ્યો. આ વખતે ઝારખંડ મુક્તિ મોરચા અને રાષ્ટ્રીય જનતા દળ બંને સાથે કોંગ્રેસનું ગઠબંધન હતું અને તે બરાબર ચાલે તે માટે પ્રયાસો થયા હતા.દરમ્યાન હરિયાણા અને મહારાષ્ટ્રમાં પરિણામો આવી ગયા અને સરકારની રચના માટે તડજોડ થઈ તેના પડઘા ઝારખંડમાં પણ પડ્યા હતા. ગઠબંધન બરાબર ચાલશે તો ભાજપને હરાવી શકે તેવું લાગ્યું તે પછી વધારે આત્મવિશ્વાસ સાથે પ્રચાર થયો હતો અને શાસક પક્ષ દ્વારા ભળતાસળતા મુદ્દાઓ ઊભા કરીને લોકોને લાગણીના પ્રવાહમાં તાણવાની કોશિશ પણ થઈ હતી. આમ છતાં ઝારખંડમાં પરિણામો એવા જ આવ્યા, જે થોડા અંશે અપેક્ષિત હતા.
ઝારખંડના મુખ્યપ્રધાન રઘુવર દાસ પોતે પણ હારી ગયા. તેમના જ પક્ષના નારાજ થયેલા નેતા સરયૂ રાયે અપક્ષ તરીકે તેમની સામે ઉમેદવારી કરી અને તેઓ હારી ગયા. મુખ્યપ્રધાન હારી જાય તે મોટા સમાચાર કહેવાય, પણ ઝારખંડ માટે નહિ. ઝારખંડમાં મુખ્યપ્રધાન હારી જાય તેવી પરંપરા રહી છે. 2000માં ઝારખંડની અલગ વિધાનસભા બની ત્યારથી એક પછી મુખ્યપ્રધાનો હારતા રહ્યા છે. બાબુલાલ મરાન્ડી અને અર્જુન મુંડા અડધો અડધો ટર્મ સીએમ રહ્યા હતા અને બંને બાદમાં એક એક વાર હાર્યા હતા. 2005 પછી શિબુ સોરેન અને મધુ કોડા સીએમ બન્યા હતા, બંને બાદમાં એક એક વાર હાર્યા હતા. હેમંત સોરેન બીજી વાર મુખ્યપ્રધાન બનવાના છે. તેઓ એક વર્ષ માટે 2013માં સીએમ બન્યા હતા. તેઓ બે બેઠક પર લડેલા તેમાંથી એકમાં હારેલા, પણ આ વખતે બંને બેઠકો પર જીત્યા છે.
રઘુવર દાસ માટે પણ ઇતિહાસ જાણે ફરી રચાયો, કેમ કે તેમણે પ્રથમવાર 1995માં જમશેદપુર ઇસ્ટમાં જીત મેળવી ત્યારે પણ સામે ભાજપના બળવાખોર હતા. દિનાનાથ પાંડે નામના ભાજપના નેતા સ્થાનિક પકડ ધરાવતા હતા. તે વખતે ભાજપમાં અડવાણીની બોલબાલા હતી. બહુ મજબૂત નેતાને કાબૂમાં રાખવા માટે તેમની ટિકિટ કાપી નખાતી હોય છે. દિનાનાથ પાંડેની ટિકિટ પણ કાપી નાખવામાં આવી અને તે વખતે અડવાણીના ચેલા અને 40 વર્ષના રધુવર દાસને ટિકિટ આપવામાં આવી હતી. પાંડે તેમની સામે અપક્ષ તરીકે લડ્યા, પણ ત્યારે પક્ષ સાથે હતો એટલે હારી ગયા. 1995 પછી સતત તે બેઠક પર રઘુવર દાસ જીતતા આવ્યા હતા.
અડવાણી યુગ પછી તેઓ મોદી-શાહ યુગમાં તેમની સાથે ગોઠવાઈ ગયા હતા. તેથી તેમને અર્જુન મુંડા સહિતના નેતાઓની અવગણના કરીને મુખ્યપ્રધાન બનાવાયા. મુખ્યપ્રધાન બન્યા પછી તેઓ પણ અહંકારની અસરમાં આવી ગયા એવું ભાજપના જ અસંતુષ્ટો કહે છે. આ અહંકાર તેમને નડ્યો અને આજસુ સાથે ગઠબંધન નથી કરવું, કંઈ જરૂર નથી એવું ગુમાન મોવડીમંડળ સમક્ષ કર્યું હતું. સાથે જ સરયુ રાયને ટિકિટ ના આપવા દીધી. આખરે રઘુવર દાસે દિનાનાથ પાંડે સાથે જે કર્યું હતું તે સરયુ રાયે તેમની સાથે કર્યું. તેમની કારકીર્દિનો અંત લાવી દીધો.
પક્ષનો વિકાસ થાય, સત્તા મળવા લાગે પછી પક્ષમાં જૂથબંધી વધે. ભાજપમાં ઘણા સમયથી જૂથબંધી છે જ, પણ તેનું નુકસાન હજી સુધી ખાળી શકાયું હતું. ઝારખંડના પરિણામનો પડઘો એ છે કે જૂથબંધી વિશે ભાજપે પણ કોંગ્રેસની જેમ વિચારવું પડશે. સ્થાનિક અહેવાલો એવા છે કે રઘુવર દાસ અને ભાજપની હારથી અર્જુન મુંડા જૂથ ઉલટાનું ખુશ થયું છે.
ભાજપના મોવડીઓ માટે બીજો પડઘો એ છે કે દરેક બીમારીનો ‘રામબાણ’ ઇલાજ નથી હોતા. બીમારી પ્રમાણે દવા અલગ અલગ લેવી પડે. ઝારખંડમાં ઘર ઘર રઘુવર સૂત્ર બહુ ચાલ્યું નહિ તે પછી ભાજપના મોવડીઓએ જૂની દવાની બાટલી પાછી કાઢી. તેમાંથી કલમ 370 અને રામમંદિરની દવા પીવરાવાનું શરૂ કર્યું. ચાર જ મહિનામાં આકાશને આંબતું રામમંદિર બની જશે એવો પ્રચાર જોરશોરથી ઝારખંડમાં થયો. આધાર કાર્ડની અનેક મુશ્કેલીઓ છે. તેના કારણે રેશનના અનાજ ચોખા લેવામાં ગરીબોને પારાવાર મુશ્કેલી પડે છે. ભૂખ્યા પેટે રામમંદિરના દર્શન કેવી રીતે કરવા તેવો પડઘો ઝારખંડના મતદારોએ પાડ્યો છે. કલમ 370 હટાવો છો, તો આધાર કાર્ડની જરૂરિયાત હટાવો અને રેશનિંગના અનાજ મળે એવું કંઈક કરોને… આવું કશુંક મતદારોએ વિચાર્યું હશે. તે પછી સીએએ અને એનઆરસીના ઢોલ પીટાયા. આદિવાસી અને ગ્રામીણ વિસ્તાર વધારે અને શહેરી વિસ્તાર બન્યા છે તે પણ મુખ્યત્વે ખાણોને કારણે. ત્યાં વસતા લોકોને હજી સુધી સમજાયું નહિ હોય કે આ સીએએ અને એઆરસી છે શું.
બીજો પડઘો એ પડ્યો છે કે ગઠબંધન કરો ત્યારે બરાબર કરવું, નહિ તો ઉલટાનું નુકસાન થાય છે. કોંગ્રેસ પોતે સદી જૂની, સૌથી જૂની, સૌથી મોટી, સૌપ્રથમ રાષ્ટ્રીય પક્ષના ગુમાનમાં પ્રાદેશિક પાર્ટીઓને મહત્ત્વ ના આપવામાં માનતી આવી છે. આમ તો પોતાના જ પક્ષમાં પ્રાદેશિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ કોઈ નેતા મજબૂત થાય ત્યારે તેને પાડી દેવાની દિલ્હી દરબારની રીત રહી છે. કોંગ્રેસમાં કમલનાથ, ગેહલોત, કેપ્ટન અમરિન્દર સિંહ જેવા નેતા અત્યારે છે તેવા મજબૂત નેતા ભૂતકાળમાં હતા. શરદ પવાર પણ કોંગ્રેસના જ હતા. તેમને પાડી દેવાનો જ ખેલ ચાલતો હતો.
પોતાના પ્રાદેશિક ક્ષત્રપને પાડી દેનારી કોંગ્રેસ પ્રાદેશિક પક્ષ તો ક્યાંથી ઊભો થવા દે! એટલે પ્રાદેશિક પક્ષને તોડી નાખવાની હાલની ભાજપની જે રીત છે, તે મૂળ કોંગ્રેસની છે. સરકાર બનાવવા માટે ટેકો આપવાનો, પછી સરકાર ચાલવા દેવાની નહિ. જૂના દાખલા ઘણા છે, પણ છેલ્લો દાખલો કર્ણાટકનો જ લઈ લોને. કર્ણાટકમાં સરકાર બનાવવા જેડી(એસ)ને જણાવ્યું, પણ પછી કામ કરવા દીધું નહિ. એક ડઝન નેતા કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહ્યા તે મોટા ભાગે ભૂતપૂર્વ સીએમ સિદ્ધરમૈયાના ટેકેદારો જ મનાય છે.
ઝારખંડના પરિણામનો એક પડઘો એ છે કે કોંગ્રેસના માથે સરકાર લાંબી ચાલે તેની જવાબદારી આવી છે. મહારાષ્ટ્રમાં પણ સરકાર લાંબી ચલાવવી પડે અને ઝારખંડમાં પણ. નહિતો ટૂંકા ગાળે થયેલો સત્તા લાભ લાંબા ગાળે મોટું નુકસાન કરશે. ઝારખંડનો મતદારો માટેનો પડઘો એ છે કે મતદારો હજીય પોતાના મુદ્દા ધારે ત્યારે તારવી લે છે. વચ્ચે તો એવી ચિંતા થતી હતી કે એકાદ મુદ્દો ઉંચકવાનો, ઉશ્કેરણી કરવાની, સોશ્યલ મીડિયામાં જૂઠ ફેલાવાનું અને જીતી જવાનું. એ ચિંતા હરિયાણા અને મહારાષ્ટ્રમાં થોડી શમી હતી અને ઝારખંડમાં એકદમ શમી ગઈ છે. મતદારો લાંબો સમય મૂરખ બનતા નથી.
આ બધા પડઘા છતાં ઝારખંડના ચૂંટણી પરિણામો આઘાતનજક, આંચકાજનક, અદ્વિતિય, અનોખા, ઐતિહાસિક, યુગ પ્રવર્તક એવા કશા નથી. આ પરિણામો રાબેતા મુજબના છે. દેશમાં કટોકટી પછી કોંગ્રેસનું એકહથ્થુ શાસન તૂટ્યું, તે પછી આ રીતે જ રાજકારણ ચાલતું આવ્યું છે અને અપવાદોને બાદ કરતાં રાજ્યોમાં સત્તા પરિવર્તન થતું રહ્યું છે. ઝારખંડમાં તો વિશેષ થતું રહ્યું છે. ઝારખંડમાં દર બે વર્ષે મુખ્યપ્રધાનો બદલાઈ જાય તે રાબેતા મુજબનું રાજકારણ ગણાતું હતું. આ વખતે વળી પાંચ વર્ષ રઘુવર દાસે પૂરા કર્યા પણ પોતાના જ પક્ષમાં રાબેતા મુજબ દુશ્મનો ઊભા કર્યા હતા. હવે પાંચ વર્ષ સંયુક્ત સરકાર જો સીએમ બદલ્યા વિના ચાલી જશે તો થોડું નવું થયું કહેવાશે. પણ કદાચ તેમાંય રાબેતા મુજબ ખેંચતાણ થશે, ત્યારે વધારે કહી શકાશે કે ઠીક મારા ભઈ, ઝારખંડના પરિણામોના પડઘા પણ રાબેતા મુજબના જ પડ્યા છે.