પર્સનલ ડેટા પ્રોટેક્શનઃ નામ સુરક્ષાનું, પણ કામ મારી-તમારી માહિતી પચાવી પાડવાનું?

નાગરિકતા સુધારા ખરડાની ભારે ધમાલ વચ્ચે દેશના નાગરિકોને, લગભગ બધા જ નાગરિકોને સ્પર્શે એવો એક ખરડો પણ સંસદના 2019ના શિયાળુ સત્રમાં આવવાનો છે. તેનું નામ અંગ્રેજી નામ છે પર્સનલ ડેટા પ્રોટેક્શન બીલ, 2019. અનુવાદ થાય વ્યક્તિગત માહિતી સુરક્ષા ખરડો, 2019. અર્થ થાય મારી અને તમારી માહિતી જે આપણે ફોર્મ ભરીને સરકારી કચેરીઓમાં કે ખાનગી કંપનીઓમાં આપતા હોઈએ છીએ, તેનું શું કરવું તે નિર્ધારિત કરતો સૂચિત કાયદો. ફોર્મ ભરીને માહિતી આપવી પડે એટલે આપતા હોઈએ છીએ, પણ આપણે સૌ એવા દોઢ ડાહ્યા છીએ કે વગર પૂછ્યે આપણી માહિતી ગામ આખાને વહેંચતા ફરીએ છીએ.

આ વગર પૂછ્યે માહિતી વહેંચવાની વાત આવે છે સ્માર્ટ મોબાઇલ ફોન પર. ભારતમાં સ્માર્ટ ફોનની સંખ્યા 50 કરોડને વટાવી ગઈ છે. નજીકના ભવિષ્યમાં તેની સંખ્યા 85 કરોડે પહોંચવાની છે. 85 કરોડ સ્માર્ટફોનમાંથી બધા કંઈ ફેસબૂક, ઇન્ટાગ્રામ જેવા સોશ્યલ એકાઉન્ટ કદાચ ના કરે, ઘણા બધા કદાચ વ્હોટ્સઅપ પણ નહી વાપરે. ઘણા ઇમેઇલ પણ કદાચ નહિ વાપરે. તેમ છતાં તમારી માહિતી ધડાધડ જતી રહેશે. કેવી રીતે? કેમ યૂટ્યુબ પર વીડિયો જોવાના કે નહિ? ડાયરા સાંભળવાના કે નહિ? ગીતો જોવાના કેમ નહિ? કે પછી બીજી અમુક ચાઇનીઝ કંપનીના હલકટ અને વાહિયાત અને વાનરવેડા અથવા પશુવેડા કરનારા અને ગંદા પ્રકારના વીડિયો નથી જોવાના? એ તો જોવાના જ કેમ કે રોજેરોજ જીબીમાં ગણાતો ડેટા આવા ફાલતુ મનોરંજનમાં ખાલી કરવાનો કે નહિ? હવે તમે છો સજ્જન, પણ સહજ કૂતુહલ ખાતર જ આવ વીડિયો જુઓ છો, તો તમારો પ્રોફાઇલ કેવો તૈયાર કરશે આ કંપનીઓ? પ્રોફાઇલ કરવાનું કામ મશીન એટલે કે કમ્પ્યૂટર કરે છે. એટલે તેને ખબર ના પડે કે સહજ જિજ્ઞાસા ખાતર આવા વીડિયો જોવાય છે. મશીનને એમ જ લાગે કે તમને રમૂજમાં બસ રસ છે. તમને સ્લેપ-સ્ટિક ટાઇપ એટલે કે કેળાની છાલ પરથી કોઈ લપસી પડે એવા હાસ્યમાં વધારે રસ છે એવુંય ધારી લેવામાં આવે. તમને આવું ગમે ખરું?

દાખલો આપીને વાત કરીએ કે યૂટ્યુબ જોવાથી તમારી માહિતી મશીન કેવી રીતે એકઠી કરે છે. દાખલા તરીકે જુદા જુદા સંગીતના વીડિયો જોતા જોતા તેમાં તીબેટે સંગીતનો વીડિયો આવ્યો. યુરોપના કોઈ દેશની યુનિવર્સિટીમાં તીબેટી સંગીતનો કાર્યક્રમ હતો. તેમાં વચ્ચે એક જગ્યાએ વાટકા પર દંડો ફટકારીને સંગીત અપાયું હતું. તાંબા જેવા ધાતુના નાના મોટા વાટકા પડ્યા હોય. તેના પર પ્રહાર કરવાથી વિવિધ ધ્વની ઉત્પન્ન થાય. મંદિરમાં રહેલો ઘંટ વગાડીએ તેને મળતો આવતો ધ્વની. આનંદ આપે તેવો આ ધ્વની હોય છે.

તેથી એમ થાય કે આ વાટકા પર પ્રહાર કરીને સંગીત વગાડાય છે તે કેવું હશે? અહીં કાર્યક્રમમાં વચ્ચે તેનો અંશ જ હતો, તેથી તમે તમારા ફોન જેટલા થોડા સ્માર્ટ હશો તો સર્ચ કરશો કે આ વાટકાનું સંગીત સર્ચ કરીએ. વાટકાનું અંગ્રેજી બાઉલ તરત ના સૂઝે; બને, ભણેલા ગણેલાને પણ હૈયે હોય પણ શબ્દ હોઠે ના આપે. પણ બચ્ચા, સર્ચ દેવતા કે પાસ સબ સમસ્યા કા સમાધાન હૈ. તીબેટ સંગીત એટલું જ ટાઇપ કરીને સર્ચ કરો અને લો બોલો, તીબેટન બાઉલ સાઉન્ડ હાજર! તમે છેલ્લે જે વીડિયો જોયો હતો, તેના આધારે સર્ચ દેવતા સમજી ગયા કે તમને માત્ર તીબેટી સંગીતમાં નહિ, પણ તેમાં જેનો ઉપયોગ થયો હતો તે તીબેટ બાઉલ ધ્વનીમાં રસ છે. તમે કહેશો, મૂળ વાત પર આવોને… તે ઇમાં હૂં થૈ ગ્યું? આ સામાન્ય પ્રકારનો ડેટા છે, પણ જે લોકો ઓનલાઇન વધારે કામ કરે છે તેઓ અનેક પ્રકારની માહિતી આપતા રહે છે. નામ, ગામ, કામથી માંડીને માણસની ઓળખ અપાય છે વરણ સુધી … એવી એક પંક્તિ છે, તે પ્રમાણે બેન્ક, પાસપોર્ટ, લાઇસન્સ, મિલકત, વાહન, (ટેક્સીમાં) પ્રવાસન એવી અનેક માહિતી ઓનલાઇન જતી રહે છે. તેનો શું ઉપયોગ થઈ શકે તે કલ્પનાતિત છે.

તેનો સારો ઉપયોગ પણ થઈ શકે છે અને સરકાર સંસદમાં ખરડો રજૂ કરતી વખતે ડાહી ડાહી વાત કરશે જ કે સરકારી સુવિધાઓ અને સેવાઓ વધારે સારી રીતે જનતા સુધી પહોંચાડવા અને પ્રજાની સુખાકારી માટે શું જરૂરી છે તેની પુરાવા આધારિત માહિતી મેળવીને, તે પ્રમાણેની નીતિ ઘડવા માટે આ કાયદો બનાવાઈ રહ્યો છે. દાખલા તરીકે કોઈ એક વિસ્તારમાં વારંવાર મેલેરિયા માટેના જ દર્દીઓ સરકારી દવાખાને આવતા હોય, તેની માહિતી યોગ્ય સ્વરૂપમાં તૈયાર થતી હોય તો ત્યાં મેલેરિયા નિવારણ માટે વ્યવસ્થા કરી શકાય છે. દાખલા તરીકે દીવાળીએ સુરતમાંથી ધાડેધાડા સૌરાષ્ટ્રના ગામડે જવા નીકળે અને સૌરાષ્ટ્રના ગામે ગામેથી લોકો ગોધરા-દાહોદ જવા એસટી સ્ટેશને ઉમટી પડે, તે ટિકિટ બૂકિંગના ડેટાને આધારે નક્કી કરી શકાય કે ક્યારે એસટી બસોની વધારે જરૂર પડશે.
આ પોઝીટીવ બાબતો છે, પણ સરકાર પાસે તમે કેવા પ્રકારના મેસેજ ફોરવર્ડ કરો છો, કયા નેતાની ટીકા કરો છો તેની માહિતી પણ આવી શકે છે અને તેનો ઉપયોગ સરકારી એજન્સીઓ કરે ત્યારે તેને કાયદાના સંકજામાંથી બહાર રાખવાની બદદાનત પણ આ ખરડામાં હોઈ શકે છે. વ્હોટ્સઅપમાં સરકારની કઈ એજન્સીએ જાસૂસી કરી તેની વાત કદાચ ક્યારેય બહાર નહિ આવે. જનતા પર જાસૂસી કરવાની સરકારની દાનત કંઈ અછાની નથી. એ વાત જુદી છે કે લોકો ખુલ્લેઆમ પોતાનો રાજકીય અભિગમ વ્યક્ત કરતા હોય છે અને એમ કંઈ ડરતા હોતા નથી. પણ આ બધાની વાત નથી. ઘણા લોકોની ઇચ્છા હોય પણ ખરી કે પોતાના અભિપ્રાયો સરકારના હાથમાં જાય ત્યારે તેનો દુરુપયોગ ના થાય.

આ અને આવી ઘણી બાબતો પર્સનલ ડેટા પ્રોટેક્શન બીલમાં છે અને તેના ભયસ્થાનો સામે લાંબા સમયથી ચિંતા વ્યક્ત થઈ રહી છે. ઘણા બધા સાંસદોએ પણ ચિંતા વ્યક્ત કરી છે અને તેના કારણે એવી શક્યતા પણ છે કે બીલ સુધી મતદાન માટે મૂકવાને બદલે કદાચ સંસદની સિલેક્ટ કમિટીમાં ચર્ચા માટે જશે. તેના કારણે બીલ અને તેની જોગવાઈ પર વધારે ચર્ચાઓ થઈ શકે છે. તેવી ચર્ચાઓ થવી જરૂરી પણ છે. ડેટા એકઠા કરવાની સુવિધા ઇન્ટરનેટને કારણે છે ત્યારે તેનો સારો ઉપયોગ થતો હોય તો તે કરવો જોઈએ. તેની મનાઇ નથી. પણ તેમાં રહેલા ભયસ્થાનો પણ પારખી લેવામાં આવે અને જનતા પર જાસૂસી ના થાય તેટલી કાળજી લેવી જરૂરી છે.

વધુ કાળજી આપણે સૌએ લેવાની છે. આપણે મોટા ભાગના લોકો આ બાબતમાં બહુ બેકાળજી છીએ. દાખલા તરીકે નવી કાર લીધી હોય તેવા ફોટા વટભેર સૌ મૂકે છે. પોતાની બ્રાન્ડ પસંદ વિશે લખતા પણ હોય છે. આવી માહિતી મેળવવા માટે ખાનગી માર્કેટિંગ કંપનીઓ પડાપડી કરતી હોય છે. તે માહિતી આપણે સામે ચાલીને આપીએ છીએ. તેનો ઉપયોગ કરીને આપણે જે પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો તેમાં અમુક પ્રકારની જાહેરખબરનો મારો ચાલતો હોય છે.

તમને થશે તેમાં પણ શો વાંધો. જાહેરખબર એક પ્રકારની માહિતી પણ છે. પણ માહિતી સાથે તે અબજો રૂપિયાનો વેપાર છે. તે અબજો રૂપિયાનો વેપાર જેના હાથમાં હોય તેના હાથમાં જાહેર માધ્યમ આવે છે. લોકતંત્રમાં જાહેર માધ્યમ મુક્ત રહે, અખબારો મુક્ત રહે, ટીવી અને મીડિયા કોઈ એક, બે પાંચ-સાત જાહેરખબર આપનારાના આશરે રહેવાના બદલે વધારે મોકળાશથી કામ કરતા રહે તે પ્રજાના હિતમાં છે. એટલું જ નહિ, આપણે જેને સોશ્યલ મીડિયા કહીએ છીએ તે હકીકતમાં ત્રણથી પાંચ જંગી મલ્ટિનેશનલ કંપનીઓ છે. આપણું આખું જીવન જાણે પાંચ કંપનીઓના હાથમાં આવી ગયું હોય તેવું લાગે છે. ક્યારેય મોબાઇલ બંધ કરીને શાંત ચિત્તે તેનો પણ વિચાર કરજો. વધારે પડતું ઓનલાઇન રહીને, બિનજરૂરી મનોરંજનમાં આપણે મનને વાળી દીધું છે, ત્યારે પરસ્પર મળવાનું, ગોષ્ટી કરવાનું મનોરંજન કેવું હતું તે ભૂલાતું જાય છે. તેના સામાજિક અને સાંસ્કૃત્તિક પ્રત્યાઘાતો પણ છે, પણ તે ફરી ક્યારેય. અત્યારે એટલું સમજવાની જરૂર છે કે ડેટાની બાબતના ખરડાની ચર્ચા ચાલતી રહેશે, ત્યારે તેના વિશે વિચારજો અને તેના કારણે અંગત રીતે તમને વ્યવહારમાં, લાગણીમાં, માનસિકતામાં, સિદ્ધાંતમાં, સંબંધોમાં શું ફરક પડે છે તે પણ વિચારજો. અને અયોગ્ય લાગતું હોય તો જનમત ઊભો કરજો – ઓનલાઇન અને આસપાસના મિત્રો પરિચિતો સાથે રૂબરૂ ચર્ચા કરીને પણ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]