પ્રિયંકા ગાંધીની સક્રિયતા અને કોંગ્રેસ પ્રમુખપદના સવાલો

કોંગ્રેસના પ્રમુખપદનો સવાલ હજી ઊભો જ છે. કોણ બનશે, તેવી રીતે બનશે, ચૂંટણી થશે કે નિમણૂક, જૂની પેઢીમાંથી કોઈ હશે કે નવી પેઢીમાંથી પસંદ કરાશે – આવા સવાલો હજી ઊભાં જ છે. દરમિયાન ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં 9 આદિવાસીઓની જમીનના મામલે હત્યા કરી દેવાઈ તે મામલે મોકો જોઈને પ્રિયંકા ગાંધીએ સક્રિયતા દાખવી છે.

આ સક્રિયતા માત્ર કોંગ્રેસીઓ વચ્ચે નહિ, પણ વિપક્ષ વચ્ચે પણ ધ્યાન ખેંચે તેવી છે. ઉત્તર પ્રદેશમાં આટલી મોટી ઘટના બની છતાં અખિલેષ યાદવ કે માયાવતી સ્થળ પર દોડી ગયા નહોતા. રાબેતા મુજબના નિવેદનો આપી દીધા હતા, પણ સ્થળ પર જઈને આદિવાસીઓને સાંત્વના આપવાની કોશિશ કરી નહોતી. એવા સમયે પ્રિયંકા ગાંધી સોનભદ્ર જવા નીકળી ગયા હતા. રાહુલ ગાંધી ફરી વિદેશ ગયા છે ત્યારે પ્રિયંકા ગાંધીએ મોરચો સંભાળ્યો હોય તેવી છાપ ઉપસી છે. 2019માં વિપક્ષો માટે આઘાતજનક પરિણામો પછી વિપક્ષોમાંથી પણ તેમણે મોરચો સંભાળ્યો હોય તેવી છાપ પડી છે. બંગાળમાંથી ટીએમસીની ટીમે જાહેરાત કરી હતી કે તેઓ સોનભદ્રની મુલાકાત લેશે, પણ તે સિવાય કોઈ વિપક્ષે આ મુદ્દાને ગંભીરતાથી લીધો નથી તેમ લાગે છે.

‘નવા ભારત’માં ગરીબો મતદારો તરીકે નિર્ણાયક રહ્યા નથી. ગરીબોની આમ પણ કોઈને કદી પડી હોતી નથી. મતદારો તરીકે કામ આવતા હતા એટલે થોડું ધ્યાન તેમના તરફ આપવું પડતું હતું. પરંતુ દેશમાં હાડોહાડ સ્વાર્થી એવો મધ્યમ વર્ગ ઊભો થયો છે પછી ગરીબોની કોઈને જરૂર રહી નથી. મધ્યમ વર્ગે ખોબલેખોબલે મત આપી દીધા છે અને ભવિષ્યમાં પણ આપવાનો છે, ત્યારે ગરીબો કે આદિવાસીઓ માટે કોઈ નેતા કૂટાઇ મરવા માગતા નથી.
આ ગરીબ આદિવાસીઓની જમીન પર જે ઉચ્ચ મધ્યમ વર્ગનો ડોળો છે, જે ઉચ્ચ મધ્યમ વર્ગ ફરીથી જમીનો પડાવી લેવા માગે છે, ખેડે તેની જમીનના ન્યાયે અપાયેલી જમીનોના મુદ્દે ફરી અન્યાય કરવા માગે છે તે જ સત્તાધીશોનો મતદાર વર્ગ છે. એટલે હુમલાખોરો, હત્યા કરનારા પોતાના મતદાર હોય ત્યારે શાસકોને ખાસ કંઈ પરવા ના હોય તે સમજી શકાય છે.

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ આવા જ મધ્યમ વર્ગ અને સ્થાપિત વર્ગનું જ પ્રતિનિધિત્વ કરે છે. ગામ પર તૈયારીઓ સાથે હુમલો થયો અને યોગીની પોલીસ હાથ જોડીને બેસી રહી હતી. હુમલો થશે તેવી ચિંતા વ્યક્ત થઈ હતી તો પણ પોલીસે કશું કર્યું નહિ. ટ્રેક્ટરો અને વાહનો ભરી ભરીને હત્યારાઓ આગળ વધ્યા તો પણ પોલીસે અટકાવ્યા નહિ. નવ નવની હત્યા કરી નાખી, પણ પોલીસે રાબેતા મુજબ જ કાર્યવાહી કરી. નવ નવ હત્યાઓ પછીય યોગી આદિત્યનાથે સ્થળ પર જવાની કે પીડિતોને આશ્વાસન આપવાની પરવા કરી નથી. બિનઅનામત વર્ગની ચૂસ્ત વૉટબેન્કને આધારે જીતીને આવેલા સત્તાધારી પક્ષને હવે ગરીબ, આદિવાસીના મતોની જરૂર પણ નથી.

પણ સવાલ વિપક્ષે દાખવેલી ઉદાસિનતાનો છે. વિપક્ષની પણ પોતપોતાની વૉટબેન્ક છે. દરેક પક્ષની પોતાની એક વૉટબેન્ક છે – કોઈની દલિત વૉટબેન્ક છે, કોઈની ઓબીસી વૉટબેન્ક છે. શક્તિશાળી બનેલા ઓબીસીના વૉટબેન્ક પર ચાલતા વિપક્ષને પણ ગરીબો કે આદિવાસીઓની ખાસ કંઈ પડી નથી. દલિત વૉટબેન્ક પર ચાલતા વિપક્ષને પણ લાગે છે કે આદિવાસી મતો પોતાની મળવાના નથી, ત્યારે નાહકનું હેરાન થવાની કોઈ જરૂર નથી. પ્રિયંકા ગાંધીએ સ્થળ પર જઈને ભાજપની સરકારને બરાબરની મૂંઝવી. પ્રથમ બેએક દિવસ વિપક્ષમાંથી ખાસ હલચલ ના થઈ તેના કારણે ભાજપની સરકારને શાંતિ હતી, પણ પ્રિયંકાના આગમન સાથે ફફડી ઊઠેલી યોગી સરકારે પોલીસ ખડકીને તેમને આગળ વધતા અટકાવ્યા. સોનભદ્રની આસપાસના વિસ્તારોમાં 144મી કલમ લગાવી દીધી. પીડિત પરિવારોને પ્રિયંકા ના મળે તે માટે પણ આડશો ઊભી કરી દીધી.

પ્રિયંકા અડ્ડો જમાવીને બેસી ગયા. પોલીસે તેમની અટક કરી અને સરકારી સર્કિટ હાઉસમાં રાખ્યા. એવું કહેવાય છે કે સર્કિટ હાઉસની લાઇટ અને પાણીના કનેક્શન યોગી સરકારે કાપી નાખ્યા. એ વાત કદાચ સાચી નહિ હોય, પણ વીજળી જતી રહી હતી તે હકીકત છે. નાના ગામમાં વીજળી કાપ હજીય સામાન્ય બાબત છે. વીજળી વિના પણ પ્રિયંકા ગાંધી બેઠા રહ્યા. મારે એસીની જરૂર નથી, હું અહીંથી હટીશ નહિ તેવો હઠાગ્રહ પ્રિયંકાએ રાખ્યો હતો.
આખરે પ્રિયંકાને મળવા માટે પીડિત પરિવારના કેટલાક સભ્યોને લાવવામાં આવ્યા હતા. તેમને મળીને પ્રિયંકાએ કહ્યું કે પોતે ફરી આવશે. તમને થતા અન્યાય સામે લડાઈ લડવા આવીશ એમ કહીને બે દિવસ પછી પ્રિયંકા પરત ફર્યા, પણ તેમણે બે ત્રણ સંદેશ આપી દિધા.

કોંગ્રેસમાં હજી ગાંધી પરિવારના એક સભ્ય સક્રિય છે તે પ્રથમ મેસેજ હતો. કોંગ્રેસના પ્રમુખ નક્કી નથી થયા ત્યારે આ સક્રિયતા મુશ્કેલી પણ ઊભી કરી શકે છે. કોઈ રબ્બર સ્ટેમ્પ પ્રમુખ બનવા તૈયાર થશે કે કેમ તે સવાલ છે.
બીજો મેસેજ એ છે કે વિપક્ષ તરીકે કોંગ્રેસ પોતાની ભૂમિકા ભજવવા માટે ફરી તૈયાર થયો છે. હાર્યા પછીય સતત લડતા રહેવું એ વિપક્ષનું લક્ષણ છે. વારંવારની હાર અને પછી લડત પછી જ વિપક્ષમાંથી શાસક બની શકાય છે.
ત્રીજો સંદેશ એ છે કે ભવિષ્યમાં પ્રિયંકા ગાંધી કોંગ્રેસનું સૂકાન સંભાળવા માટે તૈયાર રહેશે. આ વાત કોંગ્રેસ માટે ફાયદાકારક અને નુકસાનકારક બંને છે. પોષતું તે મારતું એ ક્રમ કુદરતી દીસે. ગાંધી પરિવારને કારણે કોંગ્રેસ જેમ તેમ ટકી ગઈ છે, પણ એ જ પરિવારના કારણે વંશવાદના આરોપથી એક હદથી વધારેની સફળતા પણ પક્ષને મળતી નથી. બીજું પરિવારના નામે કોંગ્રેસ એક રહે, અને પરિવાર સિવાયની વ્યક્તિને પ્રમુખ બનાવાય તે વ્યવસ્થા ઊભી થઈ શકે ખરી. અહીં પણ ફાયદો અને નુકસાન બંને છે. પ્રમુખને પરિવારનો ટેકો છે એવો મેસેજ જાય તો પોતાની રીતે અમુક અંશે કામ કરી શકે. પણ એ જ મેસેજ એક હદથી વધારે સફળ થતા તેમને રોકશે પણ ખરો.
ચોથો મેસેજ એ છે કે કોંગ્રેસમાં સાચા અર્થમાં પરિવારની વફાદારી અને અસરમાંથી મુક્ત હોય તેવો પ્રમુખ મળવાનો નથી. કોંગ્રેસને પોતાની અસલ વિચારધારા તરફ વાળી શકે, એસપી અને બીએસપી જેવા મર્યાદિત જ્ઞાતિલક્ષી પક્ષોએ ખાલી કરેલી જગ્યા અપાવી શકે તેવી શક્યતા પણ ઓછી થઈ ગઈ છે.  નવા પ્રમુખનું મુખ્ય લક્ષણ રાજકીય કૌશલ્ય નહિ, પણ વફાદારી રહેશે તેમ લાગે છે.

પાંચમો મેસેજ એ છે કે કોંગ્રેસ અને ખાસ કરીને પ્રિયંકા ગાંધી વ્યક્તિગત રીતે ઉત્તર પ્રદેશ પર ધ્યાન કેન્દ્રીત કરવા માગે છે. એસપી અને બીએસપીની સંકુચિત રાજનીતિ, જ્ઞાતિના નામે ચાલતી રાજનીતિમાં જ્ઞાતિ કરતાં માત્ર એક પરિવારને જ ફાયદા થયા છે તે સ્પષ્ટ થયું છે. યાદવ અને મુસ્લિમ જ્ઞાતિને બદલે માત્ર મુલાયમસિંહ યાદવ પરિવાર જ ફાવ્યો છે. દલિતોના બદલે માત્ર માયાવતીનો ભાઈ અને ભત્રીજા જ ફાવ્યા છે. 400 કરોડનો પ્લોટ પકડાયો તે કદાચ પાંશેરામાં પહેલી પૂણી છે અને તેમાં ભાજપની માયાવતીને બદનામ કરવાની ચાલ પણ છે. 400 કરોડની પણ ઠીક ઠીક કિંમતી જમીનો અને સંપત્તિ માયાવતી કુટુંબની ઊભી થઈ છે એટલું તો લોકો સ્વંય સમજી શકે છે.
આ સંજોગોમાં ઉત્તર પ્રદેશમાં દલિત, યાદવ, ઓબીસી, પછાત, આદિવાસી અને મુસ્લિમોના નેતૃત્ત્વની જગ્યા ખાલી પડી છે. યુપીમાં બ્રાહ્મણ-બનીયા-ઠાકુરની સોલીડ વૉટબેન્ક સામે મૂળ કોંગ્રેસની આ વિખરાયેલી વૉટબેન્કમાં ફરી ભાગ પડાવવાની તક કોંગ્રેસને મળી શકે છે. પ્રિયંકા કદાચ એ જ ગણતરીથી યુપીમાં સક્રિય થવા માગતા હશે. લોકસભાની ચૂંટણી પહેલાં માત્ર પૂર્વાંચલનો હવાલો મહામંત્રી તરીકે મળ્યો હતો. હાલના સમયમાં સમગ્ર યુપીનો હવાલો સોંપાયો છે.

પણ કોંગ્રેસના પ્રમુખપદનો સવાલ ઊભો જ છે, ત્યારે પ્રિયંકાની સક્રિયતા સવાલ ઊભો કરે છે, તેમ સક્રિયતા પણ સવાલ ઊભો કરે છે. લાંબો સમય અને પદ્ધતિસર અને પરિવારના નામના કારણે નહિ, પણ મહેતન કરીને રાજકીય તાકાત મેળવવી પડશે તે બાબતો કેટલી સ્પષ્ટ છે તે સવાલ છે. થોડો સમય દેખાવ અને પ્રદર્શન કરીને ફરી દિલ્હી જતા રહેવાથી યુપીમાં પાયો નંખાવાનો નથી. યુપીમાં કોંગ્રેસના મૂળિયા પણ નીકળી ગયા છે એટલે એ જૂનું વૃક્ષ કોળાવાનું નથી. નવી ખેતી, નવું બિયારણ, નવું વાવેતર, નવું વૃક્ષ વાવવું પડે, તેને સિંચી સિંચી ને પાણી પાવું પડે અને ખાતર નાખીને રખેવાળી કરવી પડે…