વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સૂચનાઓને આધારે યોગ-સુસજ્જ ભારતીય જનતા પાર્ટીએ દેશભરમાં યોગ દિવસની ઉજવણી કાર્યક્રમો પર દેખરેખ રાખવા માટે છ નેતાની એક કેન્દ્રીય ટૂકડી તૈયાર કરી છે.
21 જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસે વડા પ્રધાન મોદી પોતે મૈસુરુમાં હશે. તમામ કેન્દ્રીય પ્રધાનોને એમના સંબંધિત સંસદીય મતવિસ્તારોમાં યોગ કરવાની સૂચના અપાઈ છે.
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બિપ્લવ દેવને આઠ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ (આંદામાન અને નિકોબાર ટાપુઓ)નો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આઠ રાજ્યો છે – પશ્ચિમ બંગાળ, આસામ, ઓડિશા, ઝારખંડ, મણિપુર, મેઘાલય, મિઝોરમ અને સિક્કીમ.
ટીમના કન્વીનર અને રાષ્ટ્રીય મહામંત્રી દિલીપ સૈકિયા છે. તેઓ ચાર રાજ્યનો ચાર્જ સંભાળશે – બિહાર, અરૂણાચલ પ્રદેશ, ત્રિપુરા અને નાગાલેન્ડ.
ઋતુરાજ સિન્હા ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણાને સંભાળનાર ટીમના સહ-કન્વીનર છે.
સંસદસભ્ય સુનિતા દુગ્ગલને કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ અને કશ્મીર, લદાખ, ચંડીગઢ, ઉપરાંત દિલ્હી, પંજાબ અને હિમાચલ પ્રદેશનો હવાલો સોંપાયો છે.
રાજસ્થાનના સંસદસભ્ય સી.પી. જોશી ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગોવા, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવની ઉજવણી કામગીરીઓ પર દેખરેખ રાખશે.
કર્ણાટક, તામિલનાડુ, પુડુચેરી, કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગણા અને લક્ષદ્વીપમાં યોગ કાર્યક્રમોનું સુપરવિઝન કરશે નરેન્દ્ર સવાઈકર.
રામ માધવની શ્રીલંકા મુલાકાતથી ગુસપુસ
આરએસએસ નેતા રામ માધવ હાલમાં જ કોલંબોની ગુપચુપ મુલાકાતે જઈ આવ્યા અને શ્રીલંકાના વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેને મળી આવ્યા તેને કારણે નવી દિલ્હીમાં રાજદ્વારી વર્તુળોમાં ગંભીર અટકળો થઈ રહી છે. રામ માધવ ભાજપ સરકારના દરેક અભિગમ ઉપર નકારાત્મક વલણ માટે જાણીતા છે. વડા પ્રધાન મોદી કે દુનિયાના કોઈ નેતાએ વિક્રમસિંઘેને ટ્વિટર પર કે અંગત પત્રના માધ્યમથી અભિનંદન આપ્યા નહોતા. દુનિયાના દેશો વિક્રમસિંઘેને માન્યતા આપતા નથી. અદાણી ગ્રુપને શ્રીલંકામાં એક વિન્ડ ફાર્મનો કોન્ટ્રાક્ટ અપાવાના વિવાદ વચ્ચે આરએસએસ કાર્યકર્તા માધવની તે દેશમાંની મુલાકાત સૂચક છે. કેન્દ્ર સરકારમાં માધવ કોઈ સત્તાવાર સ્થાન ધરાવતા નથી. તે છતાં તેઓ વિક્રમસિંઘેને મળ્યા હતા. એમ કહેવાય છે કે બંનેએ ભારતમાંથી વધારે મૂડીરોકાણ અને સહાયતા અંગે ચર્ચા કરી હતી. માધવે કોનું પ્રતિનિધિત્વ કર્યું હતું તે સ્પષ્ટ થયું નથી. માધવ ઈન્ડિયા ફાઉન્ડેશનના અધ્યક્ષ હોવાથી પરોક્ષ કામગીરીઓ માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલ માટે તેઓ મહત્ત્વના વ્યક્તિ છે. માધવની આ મુલાકાતથી ભાજપના નેતાઓએ અંતર કરી લીધું છે.
રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે વિપક્ષી ઉમેદવારની મથામણ
મમતા બેનરજીએ રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે વિપક્ષી ઉમેદવારની પસંદગી અંગે હાલમાં જ નવી દિલ્હીમાં બોલાવેલી બેઠકમાં યોગી જેવા દેખાતા કોઈ વ્યક્તિની એન્ટ્રી ચર્ચાનો વિષય બન્યો છે. બેઠકના સ્થળ કોન્સ્ટિટ્યૂશન ક્લબ ઓફ ઈન્ડિયાના પરિસરમાં પ્રવેશેલી કારમાં બેઠેલી વ્યક્તિઓને ઓળખવામાં ઘણા યુવા પત્રકારો અને સાદા વસ્ત્રોમાં આવેલા ગુપ્તચર તથા સુરક્ષા એજન્સીઓના જવાનોને પણ મુશ્કેલી પડી હતી. એસયૂવી કારમાંથી બેઠેલા પુરુષને કોઈ ઓળખી શક્યું નહોતું. એ વ્યક્તિ સરસ રીતે વસ્ત્ર-પરિધાન હતા, આંખો પર કાળા ચશ્મા પહેર્યા હતા અને યોગી આદિત્યનાથ પ્રતિકૃતિ જેવા દેખાતા હતા. બેઠકના હોલના દરવાજે એ પહોંચ્યા ત્યારે સુરક્ષા જવાનોએ એમને અટકાવ્યા હતા. પાછા જતી વખતે બની બેઠેલા તે યોગીએ કહ્યું હતું કે પોતે રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી માટે ટેકો મેળવવા માટે આવ્યા હતા. ‘મને નેતાઓ તરફથી ખાતરી મળી છે,’ એવું પણ તેણે જાહેર કર્યું હતું. પ્રેસ ક્લબ અને ફોરેન કોરસપોન્ડન્ટ્સ કલબ જેવા પત્રકાર પરિષદ સ્થળોએ આ મહાશય નિયમિત દેખાતા હોય છે.
રસપ્રદ બનતો ચાઈનીઝ વિઝા કેસ
સીબીઆઈના અમલદારોએ કાર્તિ ચિદંબરમની પૂછપરછ કરતાં કાર્તિના પિતા પી. ચિદંબરમ, જે હવે કોંગ્રેસના એડવોકેટ છે, એમણે અને કપિલ સિબ્બલે કોર્ટમાં કેસને વળાંક આપ્યો છે. આ બંને એડવોકેટની દલીલ છે કે ચાઈનીઝ કંપનીની વિઝા અરજીને એ વખતના ગૃહ સચિવ આર.કે. સિંહે મંજૂરી આપી હતી. એ જ આર.કે. સિંહ હવે કેન્દ્રમાં ઊર્જા પ્રધાન છે. કોંગ્રેસે કેસને કુનેહપૂર્વક વળાંક આપ્યો છે, પરંતુ થોભો, સીબીઆઈનું કહેવું છે કે એમની પાસે પુરાવા છે. એટલે થોભો અને રાહ જુઓ. સીબીઆઈ એવા વધારે પુરાવા રજૂ કરશે જેથી કાર્તિ ચિદંબરમ છટકી નહીં શકે. વધુમાં, પી. ચિદંબરમે જ્યારે ઈન્ટેલિજન્સ બ્યુરો તથા અન્ય એજન્સીઓ મારફત ચાઈનીઝ વિઝાની મંજૂરી મેળવી હતી ત્યારે આર.કે. સિંહ ક્યાંય પિક્ચરમાં નહોતા.
(આર. રાજગોપાલન)
(લેખક નવીદિલ્હીસ્થિત વરિષ્ઠ પત્રકાર છે. ટેલિવિઝન પર રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય રાજકારણ પર યોજાતી ચર્ચામાં વિશ્લેષક તરીકે ભાગ લે છે.)