રાષ્ટ્રપતિ કોવિંદને બીજી મુદત નહીં?

રાષ્ટ્રપતિ તરીકે વિદાય લઈ રહેલા રામનાથ કોવિંદને નવી દિલ્હીમાં હાર્દસમા વિસ્તારમાં જનપથ રોડ પર ભવ્ય બંગલો – 12, જનપથ ફાળવવામાં આવ્યો છે. આવતી 25 જુલાઈએ કોવિંદ આ નવા સરકારી બંગલામાં રહેવા જશે. એ માટે ત્યાં મોટા પાયે રીનોવેશન કામ કરવામાં આવી રહ્યું છે. કોવિંદના પુત્રી એ કામકાજની દેખરેખ રાખી રહ્યાં છે. આ સ્પષ્ટ સંકેત છે કે ભાજપ કોવિંદને રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં બીજી મુદત માટે નિયુક્ત કરવા ઉત્સૂક નથી. રસપ્રદ રીતે, આ બંગલામાં અગાઉ બિહારના નેતા રામવિલાસ પાસવાન બે દાયકા સુધી રહ્યા હતા. ત્યારપછી એમના પુત્ર ચિરાગ પાસવાન ત્યાં રહ્યા હતા. રામનાથ કોવિંદ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીનાં પડોશી બનશે, જેઓ 10, જનપથ બંગલામાં રહે છે.

કેન્દ્રીય પ્રધાનમંડળે વિદાય લેતા રાષ્ટ્રપતિ પ્રતિ આભાર વ્યક્ત કરવા માટે એમને આ બંગલો ફાળવવાનો નિર્ણય લીધો છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓને ટાઈપ-8નો બંગલો ફાળવવાની પ્રથા રહી છે. 25 જુલાઈએ શિષ્ટાચાર રૂપે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ કોવિંદની સાથે રાષ્ટ્રપતિ ભવનથી 12, જનપથ ખાતે જશે. રાષ્ટ્રપતિ તરીકે ભાજપ નવી વ્યક્તિને પસંદ કરવા માગે છે એવી જાણકારી કોવિંદને આપવાનું કામ વડા પ્રધાન મોદીએ કેન્દ્રીય પ્રધાન અમિત શાહને સોંપ્યું હતું. દુર્લભ કહેવાય એવા આદરની ભાવના રૂપે વડા પ્રધાન કાર્યાલયે વિદેશ મંત્રાલય સાથે મસલત કર્યા બાદ કોવિંદ માટે તાજેતરમાં જ ત્રણ વિદેશ પ્રવાસનું આયોજન કર્યું હતું.

યશવંત સિન્હાને ‘Z પ્લસ’ સુરક્ષા કવચ

વિરોધપક્ષોએ રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં એમના સર્વસંમત ઉમેદવાર તરીકે યશવંત સિન્હાને પસંદ કર્યા છે. સિન્હાને હવે ‘Z પ્લસ’ સુરક્ષા પ્રાપ્ત થશે. તેઓ ઉમેદવારીપત્ર ભરશે એ તારીખથી લઈને જુલાઈના અંત સુધી આ સુરક્ષા કવચ એમને ઉપલબ્ધ રહેશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આ નિર્ણયની જાણ સિન્હાને કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિપદની દરેક ચૂંટણી વખતે તમામ ઉમેદવારોને આ પ્રકારનું સુરક્ષા કવચ આપવામાં આવતું હોય છે. આવા ઉમેદવારોના જાન પર કોઈ પણ પ્રકારનો ખતરો રહેવો ન જોઈએ.

ભાજપના નેતાઓએ વેંકૈયા નાયડુનો આભાર માન્યો

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા આજે દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને એમના નિવાસસ્થાને જઈને મળ્યા હતા અને છેલ્લા પાંચ વર્ષથી તેમણે ઉપરાષ્ટ્રપતિ તરીકે આપેલી સેવા બદલ એમનો આભાર માન્યો હતો. આનો મતલબ એ કે, નાયડુને રાષ્ટ્રપતિ તરીકે બઢતી આપવામાં નહીં આવે. એવા અહેવાલો હતા કે, પોતાની વરિષ્ઠતાની અવગણના કરવામાં આવતાં નાયડુ નારાજ થયા હતા. વડા પ્રધાન મોદી તરફથી પણ રાષ્ટ્રપતિપદ માટે પોતાની ઉમેદવારી વિશે કોઈ સંભાવના ન જણાતા નાયડુ છેલ્લા એકાદ મહિનાથી નારાજ હતા.

(આર. રાજગોપાલન)

(લેખક નવીદિલ્હીસ્થિત વરિષ્ઠ પત્રકાર છે. ટેલિવિઝન પર રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય રાજકારણ પર યોજાતી ચર્ચામાં વિશ્લેષક તરીકે ભાગ લે છે.)