ભાઈબીજ: ભાઈની બેની લાડકી…

દીપાવલીના પાંચ દિવસીય પર્વનો આખરી દિવસ અને વિક્રમ સંવતના પ્રથમ માસનો બીજો દિવસ એટલે ભાઈબીજ. આપણી ભારતીય સંસ્કૃતિમાં, આપણાં પુરાણો અને ઉપનિષદોમાં,શાસ્ત્રોમાં અને ધર્મમાં દરેક પર્વ, દરેક તહેવારનું મહાત્મ્ય દર્શાવાયું છે. આપણાં શાસ્ત્રો કે ધર્મગ્રંથોમાં ક્યાંય મધર્સ ડે અને ફાધર્સ ડે જેવા તહેવારનો ઉલ્લેખ નથી. આપણે માતા-પિતાને ઈશ્વર સરખો દરજ્જો આપીએ છીએ. જેવી રીતે ઈશ્વર સ્મરણ કે ઈશ્વર મહિમા માટે કોઈ એક દિવસ નક્કી ન હોય એ જ રીતે માતા-પિતાનો આભાર માનવા માટે કે એમની ભક્તિ કરવા માટે કોઈ એકજ દિવસ શા માટે? આપણાં દરેક તહેવાર સાથે કોઈને કોઈ ધાર્મિક પ્રસંગ જોડાયેલો હોય છે .

હિંદુ તહેવારોમાં રક્ષા બંધન અને ભાઈબીજ આ બન્ને તહેવાર ભાઈ-બહેનના સંબંધોનો મહિમા વર્ણવતો તહેવાર છે. એક માતાની કુખે જન્મેલ આ બે પાત્રો દેખાવ, સ્વભાવ,વિચારસરણી અને બીજી કેટલીય રીતે અલગ પડતા હોવા છતાં લોહીના સઘળા સંબંધોમાં જો કોઈ ઉત્કૃષ્ટ સંબંધ હોય તો એ છે ભાઈ બહેનનો સંબંધ. એક એવી માન્યતા છે અને શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે યમરાજા આ દિવસે એની બહેન યામીના ઘરે જમવા ગયેલા અને એને દીર્ઘાયુષ્યનું વરદાન આપેલું. એ દિવસથી ભાઈબીજનું પર્વ ઉજવવામાં આવે છે.

આપણે ત્યાં એક એવી માન્યતા પણ છે કે દીકરી સાસરે ગયા પછી એના ઘરનું પાણી પણ ત્યાજ્ય છે, પરંતુ ભાઈબીજનો દિવસ એ ભાઈનો એની બહેનના ઘરે જમવાનો હક્ક છે. આ દિવસે બહેન પોતાના ભાઈને ભાવતું ભોજન જમાડી એના દીર્ઘાયુની મંગલકામના કરે છે. ભાઈ આ દિવસે પોતાની બહેનને યથાશક્તિ બક્ષીશ આપી પોતાનું હેત અને બહેનની રક્ષાની જવાબદારીનું ઉત્તરદાયિત્વ સ્વીકારે છે.

આ તો વાત થઈ શાસ્ત્રો અને પુરાણો મુજબના મહત્વની. આજના સમયમાં જ્યાં ‘એક સંતાન બસ’ નો નારો છે ત્યાં આ તહેવાર કઈ રીતે ઉજવાશે? શું તમને નથી લાગતું કે આ એક સૂત્ર અપનાવીને આપણે આપણી સંસ્કૃતિ અને આવા પર્વોની ઉજવણી દ્વારા એક ઉમદા સંબંધની ગરિમા ગુમાવી રહ્યા છીએ? એક અભ્યાસના અંતે હું એવા તારણ પર આવી છું કે બાળક પહેલવહેલું જે વિજાતીય પાત્રના સંપર્કમાં આવે એ છે એના માતા કે પિતા. મા-દીકરો કે બાપ-દીકરીનો વિજાતીય સંબંધ એક અલગ પ્રકારનો હોય છે અને એ આજીવન એવો જ રહે છે જ્યારે ભાઈ-બહેનનો સંબંધ એ એકદમ નજીકનો સૌ પ્રથમ વિજાતીય સંબંધ છે. ભાઈ-બહેનનું બોન્ડિંગ એટલું તો મજબૂત હોય છે એ એક સંબંધ સમયાનુસાર દરેક સંબંધની ગરજ સારે છે. એક ભાઈ પોતાની બહેન માટે જરૂરિયાતે પિતા પણ બની શકે છે અને ખૂબ સારો મિત્ર પણ. એવી જ રીતે એમ બહેન પોતાના ભાઈની માતા પણ બની શકે છે અને મિત્ર પણ.

ભાઈ-બહેનના સંબંધની વાત આવે ત્યારે એક કિસ્સો યાદ આવે. શાળામાં એક સાત વર્ષની દીકરીને શિક્ષકે પ્રશ્ન કર્યો, ‘ બેટા, તને કેવો ભાઈ ગમે?’ ત્યારે બાળકીએ જવાબ આપ્યો, ‘રાવણ જેવો’. એનો આ જવાબ સાંભળીને શિક્ષક સ્તબ્ધ થઈ ગયા. રામાયણનું સૌથી મહત્વનું પાત્ર કે જેના લીધે આખી રામાયણ રચાઈ, જે અહંકારનું પ્રતીક, છળ-કપટનો ગુરુ હતો અને જેના નામનું આજે પણ પૂતળું બાળવામાં આવે છે એ રાવણ જેવો ભાઈ જોઈએ છે આ દીકરીને? શિક્ષકે હળવે રહીને પૂછ્યું,’બેટા, તું રાવણ વિશે જાણે છે? ‘ ત્યારે બાળકીએ જવાબ આપ્યો,’જી ટીચર,હું રાવણ વિશે જાણું છું એ ગમે તેટલો ખરાબ હતો પણ એની બહેનની રક્ષા કાજે એણે યુદ્ધ પણ વહોરી લીધું. એ માણસ તરીકે જેવો હોય એવો પણ એક ઉત્તમ ભાઈ હતો.’ ભાઈ -બહેનના પ્રેમનું આથી વિશેષ ઉદાહરણ શું હોઈ શકે?

એક જ સંતાનના જમાનામાં ધર્મના ભાઈ-બહેન જેવા સંબંધોની સંખ્યા પણ નાની નથી ત્યારે આવા પવિત્ર સંબંધનું મહત્વ સમજી એને આવકારીએ, ઉજવીએ અને આવનારી પેઢીને આ સંબંધની મહત્તા સમજાવીએ એ જરૂરી છે. ભાઈ બહેનનું મહત્વ દર્શાવતા એક ખૂબ સરસ ગીતની પંક્તિ સાથે શબ્દોને વિરામ આપીએ…

કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી,

ભાઈની બેની લાડકી ને ભઈલો ઝુલાવે ડાળખી.

(નીતા સોજીત્રા)