નૂતન વર્ષઃ ફરીથી કોઇના દિલમાં તું તારું ઘર કરી જો ને…

નૂતન વર્ષ કે નવું વર્ષ આમ તો જીવનમાં અનેકવાર આવે. દર વર્ષે આવતો જન્મદિવસ એ વ્યક્તિ માટે નવું વર્ષ છે. શાળાનો પ્રથમ દિવસ, લગ્નનો દિવસ, કોઈ અકસ્માતમાંથી બચ્યા હોઈએ અને નવો જન્મ થયો હોય એવું લાગે તો એ દિવસ પણ નવું વર્ષ છે. દીપાવલી એટલે કૃષ્ણ પક્ષનો અંતિમ દિવસ. આપણા ગુજરાતી કેલેન્ડરનું અંતિમ પાનું એટલે દીપાવલી અને નવા કેલેન્ડરનું પહેલું પાનું એટલે નવું વર્ષ.

આપણે નવા વરસને ફટાકડા, દીવડા, મીઠાઈ, રંગોળી અને નવા વસ્ત્રોથી વધાવીએ છીએ, આવકારીએ છીએ. વડીલોને પગે લાગીએ છીએ, હમઉમ્રને ગળે મળીએ છીએ અને આ રીતે બધાને નવા વર્ષની શુભેચ્છા પાઠવીએ છીએ. એક સમય એવો હતો કે વડીલોના આશીર્વાદ લેવા બધા રૂબરૂ જતા. વતનનું મુખ્ય ઘર ભર્યું ભર્યું થઈ જતું. આખો પરિવાર એકઠો થઈને તહેવારની ઉજવણી કરતો. ઘર અને હદય બન્ને અજવાળાથી છલકાઇ જતાં.

અલબત્ત, સમય સાથે ઘણું બધું બદલાઈ ચૂક્યું છે. આજે દિવાળીની રજાઓમાં ઘણાલોકો પરિવારને કે ઘરના વડીલોને એકલા મૂકીને બહાર ફરવા જતા રહે છે. તહેવારની ઉજવણી બહારથી દેખાય છે, પણ ભીતરમાં ક્યાંક ઉજાસની કમી છે. મહત્વ તહેવારના દિવસનું નથી. મહત્વ છે આખો પરિવાર એકસાથે રહે એનું. કદાચ વિભક્ત કુટુંબે તહેવારની આ મજા જ મારી નાખી છે.

નવું વર્ષ એટલે નવા સંકલ્પ કરવાનો દિવસ. મન, વચન અને કર્મ દ્વારા નવી દિશા તરફ આગળ વધવાનો દિવસ. વીતેલા વર્ષમાં કરેલી ભૂલોમાંથી કંઈક શીખીને નવા વર્ષમાં એ સુધારીને આગળ વધવાની શરૂઆત કરવાનો દિવસ. મનુષ્ય એક જ એવું પ્રાણી છે જે વિચારી શકે છે અને એ મુજબ અમલ કરીને સમાજને-દેશને પ્રગતિની દિશામાં આગળ વધવામાં પોતાનું યોગદાન આપી શકે છે. સ્વસ્થ શરીર, સ્વસ્થ મન, સ્વસ્થ સંબંધો, સ્વસ્થ પરિવાર, સ્વસ્થ સમાજ અને એ રીતે સ્વસ્થ દેશ. આ દરેક નાગરિકની ફરજ છે. બદલાતા વર્ષ સાથે આપણે પણ આ તમામ સ્વસ્થતા માટે કટિબદ્ધ થવાનો સંકલ્પ કરીએ.

આજના યાંત્રિક યુગમાં માનવતાને જીવંત રાખવાનો સંકલ્પ કરીએ. કોમ્પ્યુટર યુગમાં રહીને પણ સ્લેટ-પેન જેવા વડીલોનો આદર કરીએ અને એમની સાથે સમય વિતાવી લાગણીના એકડા ઘૂંટીએ. સાથે મળીને સંકલ્પ કરીએ કે ઘરમાં,પરિવારમાં કે સમાજમાં લાગણીનો દુષ્કાળ ક્યારેય નહીં પડવા દઈએ. માનવતાના પુષ્પને મૂરઝાવા નહીં દઈએ.

અંતે,

વીતેલા વર્ષનું નુકસાન તું સરભર કરી જો ને

ફરીથી કોઇના દિલમાં તું તારું ઘર કરી જો ને

હયાતી બાદ પણ મહેક્યા કરે છે કર્મની ખુશ્બુ

રહ્યું છે શેષ એ આયખું અત્તર કરી જો ને

(નીતા સોજીત્રા)