EVMમાં કેદ થઇ આ દિગ્ગજોની પ્રતિષ્ઠા

ગુજરાત વિધાનસભા માટે બે તબક્કામાં યોજાઇ રહેલી ચૂંટણીમાં પહેલા તબક્કાના મતદાન માટે ગણતરીના કલાકો રહ્યાં છે. ભાજપ કોંગ્રેસના પ્રચારના ઢોલનગારાંએ મારી શકાય એટલો દમ મારી લીધો છે અને પહેલા તબક્કા માટેના મતદાનમાં મતદારોનો ઝોક પોતાના ફાળે આવી જાય તેની આશાઓ સેવી લીધી છે. આ જંગમાં કુલ 89 બેઠકોનો સમાવેશ થાય છે જેમાં કેટલીક બેઠકોનો જંગ ઘણો મહત્ત્વનો બની રહેનાર છે. આ બેઠકો પર ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડી રહ્યાં છે. બન્ને પક્ષોએ જોરશોરથી ચૂંટણી પ્રચાર પણ કર્યો છે. પ્રથમ તબક્કાની ચૂંટમીમાં વર્તમાન સીએમ વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, કોંગ્રેસના બે સીનીયર નેતા શક્તિસિંહ ગોહિલ અને અર્જુન મોઢવાડિયાની પ્રતિષ્ઠા દાવ પર છે. આ તબક્કામાં થનારા મતદાનથી ભાજપમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, પ્રધાન બાબુ બોખીરીયા જેવા દિગજ્જોનું ભાવિ ઈવીએમમાં સીલ થશે. સામે પક્ષે કોંગ્રેસમાંથી દિગ્ગજ નેતા પૂર્વ પ્રદેશપ્રમુખ અર્જુન મોઢવાડિયા, નૌશાદ સોલંકી, શક્તિસિંહ ગોહિલની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે.

પહેલાં તબક્કાના મતદાનમાં 89 બેઠક પર કુલ 977 ઉમેદવાર મેદાનમાં છે. જેમાં 10 તાલુકા, 939 ગામડાં અને છ નગરપાલિકા વિસ્તાર આવે છે. તો જિલ્લાની દ્રષ્ટિએ જોઇએ તો કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરુચ, સૂરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના મતદારો તેમનો આગામી વિધાનસભ્ય કોણ તે ચૂંટી લેશે. આમ, પહેલા તબક્કામાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થઇ જાય છે.

આ વિસ્તારોમાં થનારું મતદાન રાજકારણના રણમેદાનમાં ભાજપ કોંગ્રેસ બંને માટે ખરાખરીના ખેલ જેવું છે. સૌરાષ્ટ્રની 54 બેઠક અને દક્ષિણ ગુજરાતની 35 બેઠક છે. 2012ના પરિણામોમાં સૌરાષ્ટ્રની 54 બેઠકમાં ભાજપે 34 અને કોંગ્રેસે 20 બેઠક મેળવી હતી. આ ગણિત આ વખતે ખોરવાય તે ભાજપને પરવડે તેમ નથી. સૌરાષ્ટ્રમાં મોટી વસતી પટેલોની છે જેમાં લેઉવા પટેલ વધુ છે. આ વિસ્તારમાં ઓછામાં ઓછી 38 બેઠક પર પટેલ સમુદાયના મત કોઇપણ પક્ષને સારી જીત માટે આવશ્યક બની જાય છે. એટલે કે પટેલોની મરજીથી અહીં ચૂંટણી જીતાય છે.

આ સંજોગોમાં 2014માં પીએમ બનીને નરેન્દ્ર મોદીએ ગુજરાત છોડ્યું ત્યારથી પટેલ સમુદાય પર ભાજપની પકડ ઢીલી પડી હોવાનું વિપક્ષનું ગણિત છ. અનામતનો પલીતો ચાંપીને હાર્દિક પટેલ દ્વારા કોંગ્રેસે પાટીદારોને ભાજપથી અળગા કરવામાં ઘણું જોર તો પ્રચારકાર્યમાં લગાવ્યું છે. પાટીદારોને છંછેડીને ભાજપથી વિમુખ કરાવવા માટે કરેલાં પ્રયાસોના પહેલાં પરિણામરુપે છેલ્લે આ વિસ્તારમાં થયેલી જિલ્લા પંચાયત ચૂંટણીમાં સૌરાષ્ટ્રની 11માંથી 8 પર કોંગ્રેસનો વિજય થયો હતો એ પણ ભાજપને માટે ચિંતાનો વિષય બન્યો છે. જોવાનું એ રહ્યું કે વિધાનસભા ચૂંટણીમાં પણ એવા પરિણામ જનતા જનાદેશમાં મળે છે કે કેમ.

22 વર્ષથી ભાજપને જીતનો સાફો બંધાવી આપતો  સૌરાષ્ટ્રનો પાટીદારવર્ગ કોંગ્રેસ-હાર્દિકની નક્કી કરેલી અનામત ફોર્મ્યૂલા ભલે જાણતો ન હોય પણ આપણો હાર્દિક ગણીને મંજૂર રાખે છે કે કેમ તે પણ આ મતદાનથી જાણવા મળી જશે. ટિકીટ લેવા દરમિયાન પાસના પટેલોએ કરેલી તોડફોડ બાદ તેમની સત્તાલાલસા ખુલીને સામે આવી છે અને હાર્દિક પણ કોંગ્રેસની સભાઓમાં જોવા મળ્યો છે ત્યારે કોંગ્રેસને પટેલોનો સથવારો મળે તો બાત બની જાય એમ છે. સત્તા પર ન આવે તો પણ તેની બેઠકોમાં વધારો અને વોટિંગ શેર વધવાનો આસાર પટેલોની હામી પર છે.દિગ્ગજ ઉમેદવારની છાપ સાથે ચૂંટણી હારવી કોઇપણ પક્ષના મોટા નેતા માટે મોટો સેટબેક સાબિત થતી હોય છે. શાખનો, પ્રતિષ્ઠાનો જંગ બની જાય છે કે તેમના માટે ચૂંટણી જીતી જવી શ્વાસ લેવા જેવી મહત્ત્વની બાબત બની જાય છે. પહેલા તબક્કામાં કેટલીક બેઠક એવી પ્રતિષ્ઠાના જંગની છે જેમાં કોંગ્રેસ અને ભાજપે પોતાના દિગ્ગજોને મેદાનમાં ઊતાર્યાં છે. આ તબક્કામાં રાજકોટમાં તો ખુદ મુખ્યપ્રધાન પોતે લડી રહ્યાં છે. ઉપરાંત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી, પ્રધાન બાબુ બોખીરીયા, જયેશ રાદડીયા, જસા બારડ ફભાજપમાંથી  લડશે. જામનગરથી લડતાં બંને ઉમેદવારો રાજ્યસભા ચૂંટણી દરમિયાન ભાજપમાં આવનારા રાઘવજી પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ છે. જ્યારે કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા, નૌશાદ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, કુંવરજી બાવળીયા, પરેશ ધાનાણી છે.

પ્રચારકાર્ય પૂર્ણ થયાં પછી આવતાં કલાકોમાં મતદારોનો સીધો સંપર્ક કરી પોતાને વોટ આપવાની વિનંતી કરવા માટે આ તમામ નેતાઓ મતદારોને આંગણે ઉતરશે અને હાથ જોડશે. ત્યારે આ નેતાઓની વિનંતી સ્વીકારવી કે નહીં તેનો દડો જનતા જનાર્દનના ખોળે આવી ગયો છે અને 9 ડીસેમ્બરે કચકચાવીને મતદાન કરી પોતાનો નિર્ણય આપી દેશે.

અહેવાલ- પારૂલ રાવલ