ગાંધીજી હાથમાં લાકડી લઈને ઝડપથી ચાલે તે ચિત્ર ભારતીયોની આંખોમાં જડાઈ ગયું હતું. પણ બહુ ઝડપથી તે લાકડી લોકોના હાથમાંથી અદૃશ્ય થઈને પોલીસના હાથમાં લાઠી તરીક આવી ગઈ છે. દેશભરમાં ખેડૂતો કૂચ કરીને દિલ્હીના શાસકોની સાન ઠેકાણે લાવવા માટે પહોંચ્યા હતા. બીજી ઑક્ટોબરે તેઓ દિલ્હી પહોંચ્યા પણ તેમને શહેરમાં પ્રવેશવા ના દેવાયા. પોલીસની લાઠીઓ તેમના પર પડી. ખેડૂતો કોઈ ગુનેગાર હોય અને શહેરમાં આવીને આતંક મચાવી દેશે તે રીતે તેમને રોકવામાં આવ્યા. આતંકવાદીઓને રોકવામાં તદ્દન નિષ્ફળ ગયેલી સરકારે ખેડૂતો પર રોફ જમાવવાની કોશિશ કરી.
હાથમાં લાકડી હતી તે હિંસા માટે નહોતી. અહિંસા માટે હતી. લાકડીથી થઈ થઈને કેટલી હિંસા થાય તેવું ના વિચારશો, કેમ કે પોલીસની લાઠીથી અતિ અત્યાચાર થઈ શકે છે. પોલીસની લાઠી સામે પ્રજા લાચાર આજેય છે. અંગ્રેજો જેવું વર્તન આજની સરકાર કરી રહી છે. પોતાના દેશની રાજધાનીમાં પગ મૂકવાની હિંમત આ દેશનો ખેડૂત ના કરે તેવો માર ખેડૂતોને પડ્યો છે. મુઘલ બાદશાહો દિલ્હીને કિલ્લો બનાવીને રહેતા હતા તેના જેવી આ સ્થિતિ લાગે છે.
સરકાર લાજવાને બદલે ગાજી. સરકારે કહ્યું કે ખેડૂતોનું આ આંદોલન રાજકીય છે. રાજકીય છે તો શું થયું? દેશના ખેડૂતોને રાજકીય આંદોલન કરવાનો અધિકાર નથી? દેશના ખેડૂતોએ દેશના રાજકારણ વિશે વિચારવાનું નથી? ખેડૂતોએ દેશના રાજકીય જીવનમાં ફાળો આપવાનો નથી? એક તરફ આપણે ગાંધીજીને યાદ કરી રહ્યા હતા અને સ્વચ્છતાના દેખાડા માટેના ફોટા પડાવી રહ્યા હતા, ત્યારે ખેડૂતો પોતાના જીવનમાં થોડી સ્વચ્છતા આવે તે માટે લડત ચલાવે તે રાજકીય હોય તો પણ તે લડતનું મૂલ્ય ઘટતું નથી.
વાત ગાંધીજીની જ નીકળી હતી એટલે ગાંધીજીએ બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે દિલ્હીની સત્તામાં કોઈ ખેડૂત બેસશે તો જ દેશનું હિત થવાનું છે. આજે એવું થયું નથી. ચોપડા પર ખેડૂત હોય તેવા નેતાઓ પ્રધાનો અને મુખ્ય પ્રધાનો બન્યા છે. પીએમ પણ બન્યા છે. પણ આ માત્ર ખાતેદાર ખેડૂતો રહ્યા છે. આ ખેડૂતો ખેતી કરનારા ખેડૂતો નથી. આ વીઆઈપી ખેડૂતો છે, જેઓ માત્ર એસયુવીમાં ફરે છે. આ રાજકીય અને રાજકારણી ખેડૂતોએ કદી વૈશાખના ધોમધખતા તાપમાં ટ્રેક્ટર ચલાવવાનો અનુભવી લીધો નથી.
ગાંધીજીએ કહ્યું હતું કે આપણા દેશમાં ખેડૂતો માટે રાજકીય સત્તા પણ આવવી જરૂરી છે. તો જ તેમનો ઉદ્ધાર થશે. ગાંધીજીના જમાનામાં ખેડૂતોના પ્રશ્નના અભ્યાસી તરીકે જાણીતા હતા પ્રોફેસર એન. જી. રંગા. રંગા પોતે ખેડૂત પણ હતા, પણ જમાના પ્રમાણે ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. ઓક્સફર્ડમાંથી તેઓ અર્થશાસ્ત્રની ડિગ્રી લઈ આવ્યા હતા. તેના કારણે એક ખેડૂતની દૃષ્ટિએ અને અર્થશાસ્ત્રની દૃષ્ટિએ તેઓ ભારતની ખેતીને જે રીતે સમજતા હતા, તે રીતે બહુ ઓછો સમજી શક્યા હતા.
સોવિયેટ સંઘમાં ક્રાંતિ થઈ. ક્રાંતિ થઈ ખેડૂતો અને કામદારોના નામે, પણ આગળ જતા તેમનો જ ખો નીકળી ગયો હતો. ક્રાંતિના નામે ખેડૂતો પાસેથી જમીનો લઈને સરકારી માલિકી કરી દેવાઈ હતી. જમીનનો માલિક કોણ એ કાયમ મોટી સમસ્યા રહી છે. જમીનોની માલિકી હંમેશા શાસકો, સત્તાધીશો, જમીનદારો અને માથાભારે લોકોની રહી છે. તેના પર ખેડૂતોએ તો ખેતમજૂરી જ કરવાની. તેની સામે ગાંધીજી હંમેશા કહેતા કે જમીનોના અસલી માલિક ખેડૂતો છે, કેમ કે સીધી રીતે જમીન સાથે તેને ખેડનારો જોડાયેલો છે. આથી જ રંગા 1944માં ગાંધીજીને મળ્યા હતા અને કેટલાક સવાલો પૂછ્યા હતા.
સોવિયેટ સંઘમાં સરકારે જમીનની માલિકી હાથમાં લઈ લીધી તેના કારણે ઉલટાનું નુકસાન થયું હતું. રાજકીય સત્તામાં ખેડૂતોની એવી કોઈ ભાગીદારી દેખાઈ નહોતી અને જમીનો પરની માલિકી પણ ગઈ. તેથી રંગાએ ચિંતા વ્યક્ત કરી હતી કે જમીનની માલિકી ભારતમાં ખેડૂતોની છે ખરી, પણ તેમની પાસે રાજકીય સત્તા નહિ હોય તો શું થશે? આ ચિંતા તેમણે ગાંધીજી સમક્ષ વ્યક્ત કરી હતી. ગાંધીજીએ ત્યારે સોવિયેટ સંઘની વ્યવસ્થા વિશે કોઈ ટીપ્પણી નહોતી કરી અને કહ્યું હતું ત્યાંની વાત હું જાણતો નથી, પણ ભારતમાં આપણને જ્યારે સ્વરાજ પ્રાપ્ત થશે ત્યારે ખેડૂતો પાસે માત્ર રાજકીય નહિ, દરેક પ્રકારની સત્તા હોવી જોઈએ. તેનો અર્થ એ કે ગાંધીજીના મનમાં ખેડૂત પોતાના જ ભાગ્યવિધાતા બને તે કલ્પના હતી. તેમની ગ્રામ સ્વરાજની કલ્પનામાં ગામડું સ્વતંત્ર હોય, સ્વનિર્ભર હોય એ કલ્પના હતી. સ્વાભાવિક છે કે તે ગામનો ખેડૂત પણ સ્વનિર્ભર અને સ્વતંત્ર બને તેવી તેમની કલ્પના હોય.
ગાંધીજી સાથે રંગાએ ખેડૂતોના અનેક પ્રશ્નોની ચર્ચા કરી હતી. ગાંધીજી પોતે પણ ખેડૂતોની સ્થિતિથી અજાણ નહોતા. તેઓ પોતે ખેડૂત નહોતા, (મજાની વાત છે કે તેઓ સરદારને પણ હવે ખેડૂત ગણતા નહોતા, તેની વાત આગળ આવે છે.) પરંતુ ખેડૂતની સ્થિતિને સમજી શકે તેમ હતા. ગ્રામીણ વિસ્તારોમાં તેમના સતત ભ્રમણના કારણે ખેડૂતો ક્યાં ઊભા છે તે તેઓ સમજી શકતા હતા. નવેમ્બર 1947માં ગાંધીજીને મળેલા પત્રમાં સૂચન હતું કે નવું પ્રધાનમંડળ બન્યું છે, તેમાં કમ સે કમ એક ખેડૂતને લેવો જોઈએ.
ગાંધીજીને કદાચ આ વાત સ્પર્શી ગઈ હતી. 26 નવેમ્બરે પ્રાર્થના સભામાં મહાત્માએ આ જ મુદ્દો ઉપાડ્યો હતો. તેમણે કહ્યું કે આપણા કમનસીબે આપણા એક પણ પ્રધાન ખેડૂત નથી. સરદાર પટેલ જન્મથી ખેડૂત છે અને ખેતીને સમજે છે. પણ તેમનો વ્યવસાય બેરિસ્ટર તરીકેનો રહ્યો છે. જવાહરલાલજી મોટા વિદ્વાન અને લેખક, પણ તેઓ ખેતીની બાબતમાં શું સમજવાના? આપણા દેશની 80 ટકા વસતિ કિસાન હોય ત્યારે પ્રજાતંત્રમાં રાજ ખેડૂતોનું જ હોઉં જોઈએ. ખેડૂત બેરિસ્ટર હોય તે જરૂર નથી. સારા ખેડૂત બને, ઉપજ વધારે લાવે, જમીનની દેખભાળ કરે. આવો ખેડૂત મળે તો હું તો જવાહરલાલજીને કહીશ કે તમે એના મંત્રી બની જાવ. આપણો ખેડૂત પ્રધાન મહેલોમાં નહિ રહે. તે કાચા મકાનોમાં રહેશે, દિવસભર ખેતી કરશે, તો જ યોગ્ય રીતે ખેડૂતોનું રાજ આવશે.
આ વાતમાં ગાંધીજીના રાબેતા મુજબના આદર્શો ભળ્યા હતા, જે વ્યવહારમાં શક્ય નહોતા. વડોપ્રધાન ખેતી પણ કરતો જાય અને દેશ પણ ચલાવતો જાય એ ત્યારે શક્ય નહોતું અને આજે પણ શક્ય નથી, પણ દેશના પ્રધાનમંડળમાં અસલ ખેડૂત હોય, થોડા પ્રધાનો ખરેખર ખેડૂત હોય અને કમ સે કમ કૃષિ, સિંચાઇ, ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં અસલ ખેડૂત બેઠો હોય તેવી વાત અસ્થાને નથી.
વક્રતા એ પણ છે કે આઝાદીના ઉદયના એ કાળમાં બહુ ઓછા ખેડૂતો રાજકારણમાં હતા. રાજકારણમાં ભદ્ર વર્ગ વધારે હતો. તે પછીના સમયગાળામાં, આઝાદી પ્રૌઢ થવા લાગી તે સાથે જ ખેડૂતો પણ રાજકારણમાં સક્રીય બનતા રહ્યા છે. આજે હકીકતમાં ખેડૂત હોવું, ખેડૂતના નેતા હોવું તે વધારાની લાયકાત ગણાય છે અને પ્રધાન અને મુખ્ય પ્રધાન બનવાની પણ તક મળે છે. પણ રાજકારણમાં ગયેલો ખેડૂત પણ કદાચ અસલી ખેડૂતથી દૂર જતો રહ્યો છે. અથવા પહેલેથી જ હતો. મોટો ખેડૂત પહેલેથી જ પ્રભાવશાળી રહ્યો છે. મોટો ખેડૂત અને ખેડૂત વત્તા વેપારી અને ખેડૂત વત્તા રાજકારણી નાના ખેડૂતોને નડતો રહ્યો છે. તે ખેતમજૂરીથી ખેતી કરાવે છે અને નાના ખેડૂતોની સામે સિંચાઇ, વીજ કનેક્શન, ધિરાણ, સારા બિયારણ વગેરે માટેની સરકારી યોજનાઓ સહિતનો લાભ તે વધારે લઈ જાય છે.
તેથી ગાંધીજીએ ચિંતા વ્યક્ત કરી તેના આઠ દાયકા પછી આજે ખેડૂતોની ભાગીદારી રાજકારણમાં વધી છે. પણ ખેડૂતોની હાલતમાં તોય ક્યાંય કેમ સુધારો થયો નથી તે સવાલ છે? ગાંધીજીની ઇચ્છા પ્રમાણે ખેડૂતને રાજકીય સત્તામાં ભાગીદારી મળી છે, પણ સમગ્ર રીતે ખેડૂતોને કોઈ ફાયદો થયો નથી. કદાચ એટલા માટે કે ખેતી સાથે વેપાર અને ખેતી સાથે રાજકારણ કરતો ખેડૂત પોતે જ સ્થાપિત હિત બન્યો છે અને દરેક સ્થાપિત હિતની જેમ તે પણ નાના ખેડૂતો અને ખેતમજૂરોને સ્વહિતમાં ઊંચા ના આવવા દેવાના કારસામાં સામેલ થઈ ગયો છે.