અયોધ્યાવાસીઓને મંદિર-મસ્જિદ વિવાદ નહીં, શહેરનો વિકાસ જોઈએ છે

અયોધ્યા શહેર હિન્દુ ધર્મીઓ માટે આસ્થાનું એક પ્રતિક-સ્થાન છે. એમની ધાર્મિક ઓળખનું મુખ્ય પરિબળ છે. આ શહેરમાં વિવાદાસ્પદ સ્થળે મંદિર બંધાવું જોઈએ કે મસ્જિદ, એ મુદ્દો હજી વણઉકલ્યો છે અને ખૂબ જ મહત્વ પણ ધરાવે છે.

મંદિર-મસ્જિદ વિવાદને કારણે અયોધ્યા છેલ્લા ૨૫ વર્ષોથી સળગતો પ્રશ્ન બની રહ્યો છે અને સમગ્ર દેશમાં ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે, પરંતુ અયોધ્યાના યુવાનોને તો આના કરતાં બીજાં પ્રશ્નોની ચિંતા વધારે સતાવે છે.  એમની ફરિયાદ છે કે તેઓ મૂળભૂત જરૂરિયાતોથી વંચિત રહી ગયા છે.

બાબરી મસ્જિદ ધ્વંસના ૨૫ વર્ષ બાદનું અયોધ્યા…

પ્રાચીન શહેર અયોધ્યામાં હાલના વિવાદાસ્પદ સ્થળે આવેલી બાબરી મસ્જિદને ૧૯૯૨ની ૬ઠ્ઠી ડિસેમ્બરે કેટલાક લોકોએ તોડી પાડી ત્યારબાદ આ શહેરને ઘેરો રાજકીય રંગ લાગી ગયો છે.

બાબરી મસ્જિદ ધ્વંસ કરાઈ ત્યારબાદ દેશમાં અનેક ઠેકાણે કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા.

આજે એ ઘટનાને ૨૫ વર્ષ વીતી ગયા છે તે છતાં આ વિવાદનો ઉકેલ લાવવા માટે કોઈ સમાધાન થઈ શક્યું નથી, કારણ કે હિન્દુ અને મુસ્લિમ, બંને કોમના લોકો આ જમીન પર હકનો દાવો કરી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટમાં આ કેસના સંબંધમાં અંતિમ તબક્કાની સુનાવણી ચાલી રહી છે. નવી સુનાવણી આવતા વર્ષના ફેબ્રુઆરીમાં યોજવાનું કોર્ટે નક્કી કર્યું છે.

અયોધ્યાના યુવાઓની મહેચ્છા કંઈક જુદી જ છે

સાઈમા અલી નામની યુવતીનો જ્યારે જન્મ થયો હતો એ જ વર્ષમાં બાબરી મસ્જિદ ધ્વસ્ત કરાઈ હતી. આજે સાઈમા ૨૫ વર્ષની થઈ છે. એને વિવાદના ઉકેલમાં રસ નથી, એને તો પોતાનાં શહેરમાં અન્ય શહેરો જેવું આધુનિક થિયેટર હોય, શોપિંગ મોલ હોય કે મોજમજા માણી શકાય એવું કોઈક સ્થળ હોય એવી ઈચ્છા છે.

સાઈમાની સહેલી રાની મિશ્રા પણ કહે છે કે, અમારે મેક્ડોનાલ્ડ્સની ચીજવસ્તુઓ ખાવી હોય તો અયોધ્યામાં ન મળે, એ માટે અમારે લખનઉ જવું પડે.

રવિદાસ નામનો એક યુવક કહે છે, ઉત્તર પ્રદેશ રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દિવાળીમાં અયોધ્યા આવી ગયા, પણ અમારું શહેર બીજા મહાનગરની હરોળમાં આવી શકે એવું હજી સુધી કંઈ થયું નથી.

અયોધ્યામાં શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત જરૂરિયાતો માટે પર્યાપ્ત સુવિધાઓ નથી કે નોકરીઓના પણ વાંધા છે. વિદ્યાર્થીઓને અલાહબાદ, લખનઉ કે વારાણસી જવું પડે છે.

તીર્થસ્થળનું રાજકીયકરણ…

અયોધ્યામાં રસ્તાઓ બિસ્માર હાલતમાં છે અને રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં ગાય-ભેંસના છાણ પડેલા હોય, ગટરો ઉભરાતી હોય છે અને ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા પણ અપૂરતી છે.

યુવા વ્યક્તિઓને મંદિર વિવાદની ચિંતા જરૂર છે, પણ એમને અયોધ્યાનો માળખાકીય વિકાસ થાય એમાં વધારે રસ છે, એવું ૨૩ વર્ષનો દીપક શ્રીવાસ્તવ કહે છે.

બીજા ઘણા યુવકો છે જેઓ એમના આ શહેરનો પર્યટનની દ્રષ્ટિએ વિકાસ થાય એમાં રસ છે. એમનો આક્ષેપ છે કે ધાર્મિક રાજકારણને લીધે અયોધ્યાની હાલત ખરાબ થઈ છે.

સરયૂ નદીને કિનારે વસેલું અયોધ્યા શહેર હિન્દુ ધર્મીઓ અનુસાર ભગવાન રામનું જન્મસ્થળ છે.

આજે ભારતમાં તેમજ ભારત બહાર વસતા હિન્દુઓ દર વર્ષે જે દિવાળીનો તહેવાર ઉજવે છે તે મૂળ અયોધ્યાની ભેટ છે. ભગવાન રામ આશરે ૭ હજાર વર્ષ પહેલાં ૧૪-વર્ષનો વનવાસ સમાપ્ત કરીને અયોધ્યા પાછા ફર્યા હતા ત્યારે નગરજનોએ એમનું ધામધૂમ અને હર્ષોલ્લાસપૂર્વક એમનું સ્વાગત કર્યું હતું અને ઘેર-ઘેર દીવડાં પ્રગટાવીને એ દિવસની ઉજવણી કરી હતી.