મતદારોનો ભરોસો જળવાશે કે તૂટશે?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું ફાઇનલ કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે. પહેલા તબક્કાના મતદાન માટે તૈયારીઓ થઇ ચૂકી છે અને બીજા તબક્કાનો પ્રચાર એના અંતિમ ચરણમાં છે ત્યારે અત્યાર સુધીના ચૂંટણી ચિત્રમાં કેવાક રંગો જોવા મળ્યા છે? એક અવલોકન…

(કેતન ત્રિવેદી)

વિખ્યાત રશિયન રાજનીતિજ્ઞ નિકિતા ક્રુશ્ચોવનું એક સરસ વિધાન છેઃ રાજકારણીઓ બધે સરખા જ હોય. એ લોકો એવી જગ્યાએ પુલ બાંધવાનું વચન આપે છે, જ્યાં નદી જ ન હોય!

બસ, ગુજરાતમાં આજકાલ આ જ ચાલી રહ્યું છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત તમામ રાજકીય પક્ષો રંગબેરંગી વચનોથી મતદારો પર સમરકંદ બુખારા ઓવારી રહ્યા છે. શાસક પક્ષ ભાજપે 27 વર્ષના શાસન પછી પણ સંકલ્પપત્રના નામે નવા વચનોનો પટારો ખોલ્યો છે, જેમાં 25000 કરોડનું કૃષિ સિંચાઇ નેટવર્ક, નવી સરકારી કોલેજોનું નિર્માણ, આઇઆઇટીની તર્જ પર જીઆઇટી એટલે કે ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, યુવાનોને 20 લાખ રોજગારી, યુનિફોર્મ સિવિલ કોડ, 3000 કિલોમીટર લાંબો પરિક્રમા પથ, દ્વારિકા કોરીડોર જેવા પ્રોજેક્ટસની સાથે ગુજરાતના અર્થતંત્રને 1 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાના વાયદા ચૂંટણી બજારમાં વહેતા કર્યા છે.

એની સામે કોંગ્રેસે સરકારી કર્મચારીઓના મતો અંકે કરવા ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવા ઉપરાંત રાહુલ ગાંધીના આઠ વચનને મતદારો સમક્ષ ધર્યા છે, જેમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, 300 યુનિટ ફ્રી વીજળી, 3000 રૂપિયાનું બેરોજગારી ભથ્થું, દરેકને રૂપિયા 10 લાખ સુધીની મફત આરોગ્ય સારવાર, ખેડૂતોને વીજળી અને દેવાં માફી, મનરેગા જેવી રોજગારી ગેરેંટી યોજના અને સરકારી નોકરીઓમાંથી કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી કાયમી નોકરી કરવા જેવા વચનોનો સમાવેશ થાય છે.

વચન જ આપવાના હોય તો એમાં આમ આદમી પાર્ટી ય શું કામ બાકી રહે? અરવિંદ કેજરીવાલે તો ચૂંટણીની જાહેરાતના બહુ સમય પહેલાં જ ગુજરાતની મહિલાઓને મહિને 1000 રૂપિયાની સહાય આપવાથી માંડીને શિક્ષકોને, વેપારીઓને, આદિવાસીઓને અને માછીમારોને માગે ઇ પ્રકારની ગેરેંટીઓ આપવાની શરૂ કરી દીધી હતી. પક્ષે દરેક વિધાનસભા વિસ્તારમાં આવા ગેરેંટી કાર્ડ પણ વિતરીત કર્યા છે.

ટૂંકમાં, મતદાર સામો મળે એટલે માગ માગ માગે એ આપું એવો માહોલ અત્યારે ગુજરાતમાં છે.

આંકડાઓ પર એક નજર નાખીએ તો, પહેલા તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠક પર કુલ 2.39 કરોડ મતદારો પોતાના પ્રતિનિધિની પસંદગી કરશે તો બીજા તબક્કામાં ઉત્તર-મધ્ય ગુજરાતના 14 જિલ્લાના 2.57 કરોડ મતદારો ક્યા 93 પ્રતિનિધિઓને ધારાસભામાં મોકલવા એ નક્કી કરશે. બન્ને તબક્કામાં કુલ 4.91 કરોડ મતદારો છે, જેમાં 2.53 પુરુષ, 2.37 કરોડ મહિલા અને 1391 નાન્યેતર જાતિના મતદારો છે. વિધાનસભામાં જવા ઇચ્છુક એવા કુલ 1621 ઉમેદવારે આ જંગમાં ઝંપલાવ્યું છે, જેમાં 1482 પુરુષ અને 139 મહિલા ઉમેદવારનો સમાવેશ થાય છે. હવે 1 અને 5 ડિસેમ્બરે, 51839 મતદાન મથકો પર ઇવીએમના જે બટન દબાશે એમાં એમનું ભાવિ નક્કી થશે.

કોના નસીબમાં કેટલા મત નીકળે છે અને કોને ગાંધીનગરની લોટરી લાગે છે એની ખબર તો 8 ડિસેમ્બરે જ પડશે, પણ રાજકીય પક્ષોના નેતાઓ, કાર્યકરો, રાજકીય પંડિતોમાં અત્યારે જે ચર્ચાઓ ચાલી રહી છે એમાંથી આ ચૂંટણીને લગતા અમુક રસપ્રદ તારણો બહાર આવી રહ્યા છે. આપણે એની ચર્ચા કરીએઃ

ચૂંટણી જેવું કાંઇ લાગતું નથી

ગુજરાતમાં અત્યારે ચૂંટણી સિવાય બીજા કોઇ મહત્વના સમાચારો નથી, છતાંય સામાન્ય લોકો સાથે વાત કરો તો એક વાક્ય કોમન સાંભળવા મળશેઃ માળું, આ વખતે ચૂંટણી જેવું કાઇ લાગતું નથી! પહેલી નજરે આ સાચું લાગતું હોવા છતાં એ અર્ધસત્ય છે. અગાઉ ચૂંટણીઓમાં મોટી રેલીઓની સાથે રસ્તાઓ પર, જાહેર દીવાલો પર, હોર્ડિગ્સમાં જ્યાં જૂઓ ત્યાં પ્રચાર દેખાતો. ઓટોરિક્ષાઓ લાઉડ સ્પીકર સાથે પ્રચાર કરતી જોવા મળતી એટલે ચૂંટણીનો માહોલ દેખાતો.

હવે પ્રચાર સોશિયલ મિડીયા પર વધારે થાય છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આઇટી સેલ ચોવીસે કલાક સક્રિય રહીને ફેસબુક, ટ્વિટર અને વ્હોટ્સએપ જેવા માધ્યમોથી મતદાતા સુધી સીધા પહોંચવાના પ્રયાસમાં લાગેલા છે. નેતાઓની જાહેરસભાઓ સોશિયલ મિડીયા પર લાઇવ દેખાડાય છે. પ્રદેશ ભાજપના આઇટી-સોશિયલ મિડીયા વિભાગના વડા પંકજ શુક્લ ચિત્રલેખાને કહે છે એમ, અત્યારે ગુજરાતમાં 10000 થી વધુ કાર્યકર્તા અને 50000 થી વધુ વોલન્ટીઅર્સ ભાજપના નેતાઓએ એમના ભાષણમાં કહેલા મુદ્દાઓને વિવિધ માધ્યમોથી લોકો સુધી પહોંચાડી રહ્યા છે. ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ ઉપરાંત 50000થી વધુ વ્હોટ્સએપ ગ્રુપ્સ દ્વારા એક જ ક્લિકમાં મોદીની વાત 65 લાખથી વધુ લોકોના મોબાઇલ સુધી પહોંચે છે.

આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ, ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયાએ તો આ માધ્યમોથી સીધો જનતા સાથે સંવાદ કરીને પોતાની વાત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. કોંગ્રેસ પોતાની યુ-ટ્યુબ ચેન આઇએનસી ટીવી દ્વારા પક્ષની વાત રજૂ કરે છે. બધાનો ઝુકાવ સોશિયલ મિડીયા તરફ વધારે છે એટલે ગ્રાઉન્ડ પર પોસ્ટર્સ-બેનર્સ પાછળ હવે બહુ ખર્ચ કરાતો નથી. ટેલિવિઝન ચેનલો પર થતી ચર્ચાઓમાં પણ પોતાના પ્રવક્તાઓ દ્વારા રાજકીય પક્ષો થતો એક પ્રકારનો પ્રચાર જ છે, કેમ કે એમાં મુદ્દાઓની ચર્ચા ઓછી અને પ્રચારનો ઘોંઘાટ વધારે હોય છે.

 

બીજું, કોંગ્રેસ તો આ વખતે નાણા અને અન્ય સંસાધનોના અભાવે મોટી જાહેરસભાઓના બદલે ગામડાઓમાં ગ્રુપ મિટીંગ્સ દ્વારા મતદારોનો સંપર્ક કરી રહી છે, પણ ભાજપને ય નેતાઓની જાહેરસભામાં સંખ્યા એકઠી કરતાં ફીણ આવી રહ્યા છે. ટીવી અને સોશિયલ મિડીયા નહોતા ત્યારે નેતાને જોવા લોકો ટોળે વળતાં, પણ હવે આ જ ચહેરાઓ રોજેરોજ ટીવી અને મોબાઇલમાં સતત દેખાઇ રહ્યા છે એટલે રેલીનું આકર્ષણ ઘટે એ સ્વાભાવિક છે. સરવાળે, લોકોને લાગે છે કે ચૂંટણીનો માહોલ દેખાતો નથી.

ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની…

ચૂંટણી ગુજરાતમાં છે, પણ એની અસર વિદેશમાં ય વર્તાય છે. આ વખતે પણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ફીજી સહિતના દેશોમાંથી એકસો ઉપરાંત એનઆરઆઇ પોતાના ખર્ચે ગુજરાત આવીને ગામડાંઓ ખૂંદી રહ્યા છે. પરદેશ વસતા ગુજરાતી-ભારતીયોને ચૂંટણીકાર્યમાં જોડવામાં ભાજપ મોખરે છે. ઓવરસિઝ ભાજપના અમેરિકાસ્થિત સંગઠન મહામંત્રી વાસુદેવ પટેલ ચિત્રલેખા સાથેની વાતચીતમાં કહે છે, ‘જે લોકો પરદેશથી કોઇ કારણસર નથી આવી શક્યા એ ત્યાં બેઠાં બેઠાં પોતાના વતનના ગામમાં લોકોને ફોનથી સંપર્ક કરીને નરેન્દ્ર મોદી અને ભાજપને મત આપવાની અપીલ કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં અમે અંદાજે 70 લાખથી વધારે મતદારોનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. અમે ગામડાઓમાં જઇને નાની સભાઓમાં કે ઉમેદવાર સાથે ડોર ટુ ડોર મતદારોનો સંપર્ક કરીને એમને સમજાવીએ છીએ.’ વાસુદેવભાઇ અત્યાર સુધીમાં ચૌદ વિધાનસભામાં ફરી ચૂક્યા છે. નરેન્દ્રભાઇ સાથે વર્ષોથી નાતો ધરાવતા હોવાથી એ દર વખતે ચૂંટણીમાં પક્ષના કામ માટે ગુજરાત આવે છે.

જે એનઆરઆઇ ગુજરાતીઓ રૂબરૂ નથી આવી શક્યા એ લોકો ત્યાં બેઠા બેઠા ય પક્ષને શક્ય એટલી મદદ કરી રહ્યા છે. મૂળ પેટલાદ-આણંદના અને હાલ અમેરિકા કહેતા ગોવિંદભાઇ અને ચીમનભાઇ પટેલ આ વખતે રૂબરૂ નથી આવ્યા, પણ એમણે ખેડાના જ વતની અને અમેરિકામાં વસેલા કવિ રમેશ પટેલ ઉર્ફે આકાશદીપનું લખેલું એક ગીત ભાજપના પ્રચાર માટે ખાસ સ્ટુડિયોમાં ગવડાવીને સોશિયલ મિડીયા પર વહેતું મૂક્યું છે.

વળી, એવું નથી કે પરદેશથી ફક્ત ગુજરાતીઓ જ આવ્યા છે. ગુજરાતમાં વસતા તામિળભાષી, તેલુગુભાષી કે અન્ય રાજ્યોના લોકોને એમની ભાષામાં સારી રીતે સમજાવી શકે એટલે એ રાજ્યના વિદેશમાં વસતા એનઆરઆઇ પણ હાલ ગુજરાતમાં ફરી રહ્યા છે.

પ્રચાર-બચાર તો ઠીક, પણ મુદ્દા ક્યાં?

થોડાક ભૂતકાળમાં જાવ તો ખ્યાલ આવે કે, 1995 પછીની લગભગ દરેક વિધાનસભા ચૂંટણીમાં કોઇને કોઇ એકાદ ભાવનાત્મક મુદ્દો કે કરંટ પ્રચારમાં છવાયેલા રહ્યા છે. 1998માં કેશુભાઇને સહાનુભૂતિ સાથે ફરીથી સત્તામાં લાવવાનો મુદ્દો હતો. 2002માં નરેન્દ્ર મોદી ગૌરવ યાત્રા દ્વારા હિન્દુ હદય સમ્રાટ તરીકે છવાયેલા હતા. 2007માં સોનિયાએ મોદીને મૌત કા સોદાગર કહ્યા એ ઉપરાંત કેન્દ્રનો ગુજરાતને અન્યાય સહિત અન્ય મુદ્દાઓ છવાયેલા રહ્યા. 2012માં કેશુભાઇએ ગુજરાત પરિવર્તન પાર્ટીનો નોખો ચોકો રચ્યો એમાં પટેલોને કથિત અન્યાય સામે બીન-પટેલો એક થયા અને નરેન્દ્રભાઇને દિલ્હીમાં મોકલવા આ ચૂંટણીમાં એમને જીતાડવા જરૂરી છે એ અપીલ કામ કરી ગઇ. 2017માં ફરીથી પાટીદાર અનામત આંદોલન છવાયેલું રહ્યું.

આ વખતે પહેલીવાર એવું બન્યું છે કે, પ્રચારમાં કોઇ એક કેન્દ્રવર્તી ભાવનાત્મક મુદ્દાની ગેરહાજરી છે. કોંગ્રેસના નેતાઓએ અગાઉની ભૂલોમાંથી ધડો લઇને જાણે નરેન્દ્ર મોદીનો ન પણ નહીં બોલવાનું પ્રણ લઇ રાખ્યું છે અને ભાજપ રાહ જોઇને બેઠો છે કે, કોંગ્રેસમાંથી કો’ક મણિશંકર ઐયર મોદી વિશે કાંઇક બોલે! એમ તો મધુસૂદન મિસ્ત્રી મોદીની ઔકાત શું છે એ મતલબનું બોલ્યા કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં મેધા પાટકરની હાજરીને મુદ્દો બનાવવાના પ્રયત્નો ભાજપ તરફથી થયા. યોગી આદિત્યનાથ કે હિમંતા બિશ્વા સરમા જેવા નેતાઓએ હિન્દુત્વ અને આફતાબ-શ્રધ્ધા મર્ડર કેસના મુદ્દાઓ ય ફંગોળ્યા, પણ આ બધા મુદ્દે લોકોમાં હવે કરંટ આવતો નથી.

હા, છેલ્લે છેલ્લે ખુદ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ નરેન્દ્ર મોદીની કથિત રીતે રાવણ સાથે તુલના કરી એટલે ભાજપને તત્કાલ તો જોઇતો મુદ્દો મળી ગયો છે! હવે આ મુદ્દો કેટલો કામ આવે છે, નથી આવતો એ જૂદી વાત છે.

ચિત્રલેખા સાથેની વાતચીતમાં જાણીતા સમાજશાસ્ત્રી ડો. વિદ્યુત જોષી કહે છે, ‘કોઇપણ ચૂંટણી હંમેશા નેતૃત્વ, સંગઠન, લોકપ્રિય કાર્યક્રમો અને કોઇ જુવાળ પર લડાતી-જીતાતી હોય છે. ભાજપ સામે આ વખતે સત્તાવિરોધી વલણ છે, પણ કોંગ્રેસ એનો લાભ ઉઠાવી શકી નથી. ભાજપ ડિફેન્સમાં ચોક્કસ છે, પણ સામે કોંગ્રેસ આક્રમક નથી!  આ વખતે કોઇ જુવાળ નથી એટલે લોકોને લાગે છે કે કોઇ મુદ્દાઓ નથી.’

અલબત્ત, પ્રચાર તો કરવો જ પડે એ ન્યાયે ભાજપે ‘ડબલ એન્જિન અને ભરોસાની સરકાર’ એવા સૂત્રો-ગીત સાથે પ્રચારનું વાજું વગાડ્યું છે તો, સામે કોંગ્રેસે આ વખતે ‘પરિવર્તનના સંકલ્પ’ સાથે ‘ભાજપનો મેળ નહીં પડે’ એવી ટેગલાઇન સાથે ગીત-વિડીયોઝ રમતા મૂક્યા છે.

આપ કા ક્યા હોગા?

નો ડાઉટ, મુદ્દા કે જુવાળવિહીન લાગતી આ ચૂંટણીને થોડીક રસપ્રદ બનાવવાનું કામ આમ આદમી પાર્ટીની એન્ટ્રીએ કર્યું છે. લોકજીભે આજકાલ એક જ સવાલ છેઃ આપનું શું થશે? કેટલી બેઠક લઇ જશે?

ગુજરાતમાં સ્થાનિકસ્તરે કોઇ લોકપ્રિય ચહેરો ન હોવા છતાં, અરવિંદ કેજરીવાલની સભાઓ અને રોડ-શોમાં લોકો ઉમટી રહ્યા છે એ વાતે ભાજપ અને કોંગ્રેસમાં ચિંતા છે. ખાસ કરીને, આપના મુખ્યમંત્રીપદના ચહેરા ઇસુદાન ગઢવી, વરાછા રોડ અને કતારગામ પરથી લડતા અલ્પેશ કથિરીયા અને ગોપાલ ઇટાલિયા કેવોક દેખાવ કરે છે એના પર બધાની નજર છે. પુનરોક્તિનો દોષ વહોરીને કહીએ તો, આમ આદમી પાર્ટીનું પહેલું લક્ષ્ય રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવવા જરૂરી મતો મેળવવાનું છે. જો પક્ષ બે આંકડામાં બેઠક મેળવવામાં સફળ રહી તો પંજાબની માફક ગુજરાતમાં પણ એનું લક્ષ્ય 2027ની ચૂંટણી હશે એ નક્કી છે. દેશમાં વિપક્ષની ગેરહાજરીની સ્થિતિમાં અરવિંદ કેજરીવાલની રાષ્ટ્રીય મહત્વાકાંક્ષા નરેન્દ્ર મોદીનો વિકલ્પ બનવાની છે એટલે એની દશા-દિશા પણ અમુક અંશે ગુજરાતની આ ચૂંટણી નક્કી કરશે.

હા, એક વાત છે. આમ આદમી પાર્ટીએ જે રીતે શિક્ષણ, પાણી, વીજળી ફ્રી આપવાની વાત કરી એને કેમ્પેઇનના મુદ્દા બનાવ્યા એ પછી ભાજપના ઉમેદવારો ય સ્થાનિક સંપર્કયાત્રામાં ધોલેરા, વાઇબ્રન્ટ ગુજરાત, પાકિસ્તાન, કશ્મીર જેવા પોતાને ફાવી ગયેલા મુદ્દાઓને બદલે હવે પોતે ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટમાંથી રસ્તા, પાણી, ગટરલાઇન માટે કેટલી રકમ વાપરી અને શું કર્યું એની વાતો કરવા લાગ્યા છે!

મતદાન અને મૌન મતદાર

સૌથી મોટી મૂંઝવણ એ છે કે, મતદાર મગનું નામ મરી પાડતો નથી! મતદારોનું આ મૌન અથવા તો ઉદાસિનતા રાજકીય પક્ષોને તો અકળાવે છે, પણ સાથે પોલિટીકલ પંડિતો ય સમજી નથી શકતા કે મતદારો આ વખતે કઇ દિશાએ ઢળશે? આંકડાઓ કહે છે કે, 2002માં 49.85 ટકા મત સાથે 127 બેઠક મળી એ અત્યાર સુધીને ભાજપનો શ્રેષ્ઠ દેખાવ છે. એ પછી 2007, 2012 અને 2017માં ભાજપને અનુક્રમે 117, 115 અને 99 બેઠક મળી છે એટલે કે એની સંખ્યા સતત ઘટી છે. હા, ભાજપને સરેરાશ 48 થી 49 ટકા મત મળતા રહ્યા છે. એની સામે કોંગ્રેસની બેઠક સંખ્યા 2002માં 51, 2007માં 59, 2012માં 61 અને 2017માં 77 એમ સતત વધતી ગઇ છે. કાચબા ગતિએ તો કાચબા ગતિએ, પણ એની સંખ્યા વધી છે અને પક્ષના મત પણ સરેરાશ 37થી 39 ટકા રહ્યા છે.

ગુજરાત સહિત દેશભરની વિધાનસભા-લોકસભાની ચૂંટણીઓનું સતત આંકડાકીય આકલન કરતા દેશની જાણીતી ઇલેક્શન રિસર્ચ સંસ્થા સી-વોટરના સ્થાપક નવીદિલ્હી સ્થિત યશવંત દેશમુખ ચિત્રલેખા સાથેની વાતચીતમાં કહે છે, ‘ગુજરાતમાં આ વખતે બહુ વિચિત્ર સ્થિતિ છે. આમ આદમી પાર્ટીનો ભૂતકાળનો કોઇ ટ્રેક રેકોર્ડ નથી એટલે એને કેટલી બેઠક મળશે એ કહેવાનું મુશ્કેલ છે, પણ અમારા અત્યાર સુધીના તમામ પ્રિ-પોલ સર્વેમાં આપને વીસ ટકા મત મળી રહ્યા છે એવું તારણ નીકળે છે.’

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીના પ્રિ-પોલ સર્વેમાં ભાજપની બેઠક સંખ્યા અને મતનું પ્રમાણ વધી રહ્યું છે. અલબત્ત, યશવંતજી સ્પષ્ટતા કરતાં કહે છે કે, આપિનિયન પોલ કે એકિઝટ પોલ એ ચૂંટણી પરિણામોની આગાહી નથી.

અને વાત ફક્ત મતદારોના મૌનની નથી. રાજકીય પક્ષોને સૌથી મોટો ડર મતદારોની ઉદાસીનતાનો હોય છે. નીરસ અને ઉદાસીન મતદાર જો મતદાન કરવા બહાર જ ન નીકળે તો પોતાના કમિટેડ મતો પણ મતપેટીમાં ન પડે અને એ એમને પોસાય નહીં. ભાજપની રેડિયો જાહેરાતોમાં આજકાલ એટલે જ ‘ભાજપ પર ભરોસો છે, પણ એ માટે મતદાન કરવા તો બહાર નીકળવું જ પડશે ને’ એ મતલબની અપીલ સંભળાય છે. પોતાના સમર્થક મતદારોને મતદાન બુથ સુધી પહોંચાડવા એ જ રાજકીય પક્ષો માટે આજકાલ સૌથી મોટો પડકાર હોય છે.

અલબત્ત, રાજકીય પક્ષોના ચિંતા ન કરીએ તો પણ સ્વસ્થ લોકશાહી માટે આ સારી નિશાની નથી. સુપ્રસિધ્ધ અમેરિકન પત્રકાર પેટ મિશેલ એટલે જ લખે છે કે, લોકશાહીમાં જો તમે મતદાન નથી કરતા તો તમે ઇતિહાસને અવગણો છો અને તમારું ભવિષ્ય હાથમાંથી સરકી જવા દો છો!

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.) 

વિડિયો માટે ક્લિક કરોઃ