હાર્દિક, અલ્પેશ અને જીગ્નેશ: યુવા ત્રિપુટીનું ભવિષ્ય કેવું છે?

ગુજરાતમાં યુવાઓનું મતદાન ઊંચેરું છે, 35 ટકા છે પણ એ હિસાબે રાજકારણમાં એમની ભાગીદારી નથી. અલબત આ વેળા કેટલાક યુવા ચહેરાઓ નજરે પડે છે. એમાંથી કેટલા ધારાસભયમાં પહોંચે છે એ તો 8મી ડિસેમ્બરે ખબર પડશે પણ પાટીદાર આંદોલન અને એ આસપાસ કેટલાક યુવા નેતાઓની બહાર આવી હતી અને એમાંય કેટલાક ચૂંટણી લડી રહ્યા છે એમનું ભવિષ્ય આ ચૂંટણી નક્કી કરશે. કેવું છે આ યુવાઓનું ભવિષ્ય, જરા નજર કરીએ.

 

શરૂઆત હાર્દિક પટેલથી જ કરવી પડે. પોતાની બેનને કોલેજમાં એડમિશન ના મળ્યું અને એમાંથી અનામત સામે આક્રોશ જાગ્યો અને પાટીદાર આંદોલનના મંડાણ થયા. 22 વર્ષના આ છોકરાએ માત્ર પટેલ સમાજમાં જ નહીં પણ ગુજરાતના રાજકારણમાં હલચલ મચાવી દીધી. ગુજરાતે નવનિર્માણ બાદ કોઈ મોટા આંદોલન અને એની અસરો જોઇ. કેટલાક પટેલ યુવાન ભોગ બન્યા અને આખરે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો ભોગ લેવાયો. એક યુવાન ચહેરો હીરો બની ગયો. પણ નાની ઉંમરે વધુ પડતી લોકપ્રિયતા મળે તો એ પચવવી આસાન નથી હોતી. હાર્દિક =ના કેસમાં એવું બન્યું. પાટીદારોએ એને મદદ કરી. હાર્દિકે 2017માં કોંગ્રેસની તરફેણમાં પ્રચાર કર્યો અને એની અસર એ થઈ કે, ભાજપ માંડમાંડ ફરી વાર સત્તા મેળવી શકી. હાર્દિક કોંગ્રેસમાં જોડાયો. નાની ઉંમરે એને મોટી, કાર્યકારી પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી.

પણ એની સામે સરકાર દ્વારા એક પછી એક કેસ થવા લાગ્યા. કુલ 30 કેસ. રાજદ્રોહ સુધીના કેસ. હાર્દિકે જેલમાં જવું પડ્યું. છૂટયા બાદ જુદા જુદા કેસમાં એ કોર્ટ અને પોલીસ સ્ટેશનમાં ચક્કર મારતો રહ્યો. કોંગ્રેસમાં નેતાઓની ભરમારમાં એના ભાવ જોઈએ એવા ના પૂછાયા. એની એક સીડી વાયરલ થઈ. અને આખરે થાકી હારી એણે કોંગ્રેસ છોડી, ભાજપનો ખેસ પહેરી લીધો. મોદી અને ભાજપને અપાય એટલી ગાળો આપનાર હાર્દિકે ભાજપનું શરણું લેવું પડ્યું. હવે એ વિરમગામ બેઠક પરથી લડી રહ્યો છે. આ બેઠક પર બે ટર્મ થી કોંગ્રેસ ચૂંટાઈ છે. એટલે એના માટે કપરા ચઢાણ છે. આપ પણ અહી છે. અને હાર્દિક પટેલ નામે એક અપક્ષ પણ છે. ભાજપ તરફથી એને જોઈએ એવો ટેકો મળી રહ્યો નથી. આ સ્થિતિમાં ચૂંટાઈ આવવાનો એની સામે પડકાર છે. વળી, એણે પટેલ સમાજને કરેલા વાયદા અને ભાજપને ભાંડવાનો ભૂતકાળ એનો પીછો છોડતા નથી.ભાજપમાં પટેલોમાં નવી, યુવા નેતાગીરીનો અભાવ છે. શું હાર્દિક ચૂંટણી જીતે તો એ ખાલી જગા પૂરી શકશે? એ જીતે અને ભાજપની સરકાર ફરી આવી તો એ મંત્રી પણ બની શકે છે. આ ચૂંટણીનું પરિણામ એનું ભવિષ્ય નક્કી કરશે.

આવા જ એક યુવા નેતા છે, અલ્પેશ ઠાકોર. ઠાકોર સમાજ ઉત્તર ગુજરાતમાં પ્રભાવ ધરાવે છે. એ કોળી સમાજનો જ એક ભાગ ગણાય છે. ત્યાં પણ યુવા ચહેરાઓનો અભાવ છે. ઠાકોર સેના ઊભી કરી અને દારુ જેવી બંધી સામે જંગે એલાન કરનાર અલ્પેશ લોકપ્રિય બન્યો. અને પાટીદાર આંદોલનનો એણે વિરોધ પણ કર્યો. એ કોંગ્રેસમાં જોડાયો અને રાધનપુરથી ચૂંટાયો. કોંગ્રેસમાં અલ્પેશ અને હાર્દિક બંનેએ સાથે રહી કામ કર્યું પણ બંનેનો હરિરસ જરા જલદી ખાટો થઈ ગયો. અલ્પેશ પણ ભાજપમાં જ આવ્યો. અને એને કેટલાક વચનો ભાજપ તરફથી મળ્યા હશે. એ પેટા ચૂંટણીમાં લડ્યો અને હારી ગયો. અને એની ભાજપમાં અવગણના શરૂ થઈ પણ એને ટિકિટ મળી છે. સમસ્યાએ છે કે, ગાંધીનગર દક્ષિણ પર એ ઉમેદવાર છે જ્યાં ભાજપના શભૂજી ઠાકોર ચૂંટાતા આવે છે એમને ટિકિટ ના આપી અને અલ્પેશને અહીંથી જીતવાનો પડકાર જાણે ભાજપે આપ્યો છે.

હાર્દિકની જેમ જ અલ્પેશ અહીં ફસાયો છે. કોંગ્રેસ અને આપ સામે જ નહીં પણ એણે પક્ષમાં અસંતોષ સામે પણ લડવાનું છે. એને બહારના ઉમેદવારનું લેબલ લગાડી દેવાયું છે. અને આ વેદના એના નિવેદનમાં છલકાય પણ ખરી. એણે કહ્યું કે, હું અહીંનો નથી, ત્યાંનો નથી, હું ક્યાંનો છું એ જ સમજાતું નથી. આ બધા સંજોગો છતાં એ જીતી જાય તો એનું ભવિષ્ય ઉજળું છે કારણ કે, એ ભાજપ માટે ઠાકોર સમાજનો ચહેરો બની શકે છે. ભાજપની સરકાર બની તો એ શક્ય છે કે,એ મંત્રી પણ બને.

એક વિચક્ષણ યુવાન જીગ્નેશ મેવાણીને પણ યાદ કરવો પડે. ઉત્તર ગુજરાતમાંથી આવતા આ યુવાન હાર્દિક અને અલ્પેશ કરતા વધુ ઠરેલ હોય એવું લાગે. એ શિક્ષિત તો છે જ. પત્રકાર પણ રહી ચૂક્યો છે. વકીલ છે. અને દલિત સમાજ પર થતાં અત્યાચાર સામે એક બુલંદ અવાજ પણ છે. ઉના રાજસમઢીયાળામાં દલિત યુવાનો અપર અત્યાચાર થયો ત્યારે એણે અવાજ ઉઠાવ્યો હતો. એ દલીલો કરે તો સાંભળવું ગમે છે. અલબત ભાજપે આ અવાજ દબાવવા કોશિશ કરી, છેક આસામમાં એની સામે કેસ કર્યો અને એણે જેલમાં પણ જવું પડ્યું. પણ એનો લડાયક મિજાજ ઘટ્યો નથી. રાષ્ટ્રીય કક્ષાએ એ કનૈયા કુમાર સાથે કોંગ્રેસમાં કામ કરી રહ્યો છે. વડગામ બેઠક પર એ અપક્ષ લડ્યો અને કોંગ્રેસ અને આપે એની તરફેણમાં ઉમેદવારી ના કરી એ જીત્યો. આપમાં પણ જોડાયો અને આજે એ કોંગ્રેસમાં છે. અને વડગામમાંથી ફરી લડે છે. દલિત + મુસ્લિમ આધારે એ લડે છે. એ ચૂંટાય એવી શક્યતા છે પણ ધારાસભ્ય બન્યા બાદ એનું ભવિષ્ય આગળ શું બને એ કહેવું આસાન નથી.

 

આ ચૂંટણીમાં સૌથી યુવા ચહેરાઓ આપમાં છે. અને એ આપણી વિશેષતા છે. મુખ્યમંત્રીનો ચહેરો બનેલા ઈસુદાન ગઢવી લોકપ્રિય ટીવી એન્કર રહ્યા છે અને એ આવખતે ખંભાલિયાથી લડે છે. એમની માટે ય જીતવું પડકાર છે.  સુરતમાં આપના ત્રણ ચહેરા પર બધાની નજર છે. આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવીયા. ગોપાલ સરકાર સામે વાંધો ઉઠાવતો ચહેરો છે. અને બાકીના બે પાટીદાર આંદોલનના ચહેરા છે. અને ત્રણેયને સુરતના યુવા પટેલોનો ટેકો છે, સારું સમર્થન છે. આપનું ગુજરાતમાં ભવિષ્ય આ ચહેરાઓ નક્કી કરવાના છે.

(કૌશિક મહેતા)                                                                                    (લેખક રાજકોટસ્થિત વરિષ્ઠ પત્રકાર છે.)