વાત પ્રતીકાત્મક પણ છે. સરદાર સરોવર બંધની સામે સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે. વિશ્વની આ સૌથી ઊંચી મૂર્તિ છે. જોકે તેનો રેકર્ડ કેટલો સમય રહે છે તે જોવાનું રહ્યું, કેમ કે મુંબઈની સામે દરિયામાં શિવાજીની તેનાથીય ઊંચી મૂર્તિ બનાવવાનું નક્કી થઈ ગયું છે. દરમિયાન ચંદ્રાબાબુ નાયડુએ પણ જાહેરાત કરી દીધી છે કે રાજ્યની નવી રાજધાની અમરાવતીમાં વિધાનગૃહની ઊંચાઈ હશે 250 મીટર. ભારતની તે સૌથી ઊંચી ઈમારત બની રહેશે.
મૂળ ઈમારત ત્રણ માળની હશે, પણ તેની મધ્યમાંથી ઊંચો ટાવર આકાશને આંબતો નીકળશે. છેક ઉપર ગેલેરી પણ હશે, જ્યાંથી સમગ્ર અમરાવતીનો નજારો માણી શકાશે. સમગ્ર દેશમાં નમૂનારૂપ વિધાનસભા ગૃહ બનાવીને ચંદ્રાબાબુ નાયડુ પોતાની છાપ પાડવા માગે છે. તેમની મહત્ત્વાકાંક્ષાઓ પણ એટલી જ ઊંચી છે. દોઢ દાયકા પહેલાં તેઓ એનડીએની વાજપેયીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારમાં મહત્ત્વની ભૂમિકામાં હતા, પણ તે પછી પોતાના રાજ્યમાં જ હાર ગયા એટલે થોડો સમય પાછા પડી ગયા હતા. 2014 પછી મોદી સરકાર સાથે પણ તેમને સારા સંબંધો હતા, પણ હવે તેઓ એનડીએમાંથી બહાર નીકળી ગયા છે.
આંધ્ર પ્રદેશનું વિભાજન થયું અને ફરી મુખ્ય પ્રધાન બન્યા છે. હવે તેમનો પુત્ર નારા લોકેશ તૈયાર થઈ ગયા છે એટલે આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેમને વધારે જવાબદારી સોંપીને પોતે ફરી કેન્દ્રની રાજનીતિમાં સક્રીય થવા માગે છે તેમ તેલુગુ પત્રકારો કહી રહ્યા છે. તેલુગુ પત્રકારો માને છે કે નાયડુને રાજકારણનો પ્રવાહ પારખતા આવડે છે. તેઓ ભાજપની સાથે જ હતા, પણ બદલાતી હવાને જોઈને તેમણે સઢ ફેરવ્યા છે તેમ તેમને જાણનારા કહે છે.
બિહારના રામવિલાસ પાસવાનને પર રાજકારણની હવા પ્રમાણે સઢ ફેરવવામાં ઉસ્તાદ માનવામાં આવે છે. કેન્દ્રમાં જેની સરકાર હોય તેની સાથે તેઓ હોય છે. તેઓ એનડીએમાં પણ હતા, યુપીએમાં પણ હતા અને ફરી એનડીએમાં આવી ગયા છે. તેમની સાથે જ એનડીએમાં રહેલા કુશવાહા અત્યારે ટિકિટ મુદ્દે ભાજપ પર દબાણ કરી રહ્યા છે, પણ પાસવાને હજી કોઈ અણસાર આપ્યો નથી. બીજી બાજુ નાયડુએ અણસાર આપી દીધો છે કે તેઓ ભાજપનું જહાજ છોડીને સામાવાળાના જહાજમાં હવે ચડવાના છે.કેન્દ્રનું રાજકારણ ચંદ્રબાબુ માટે નવું નથી. કેન્દ્રમાં મોરચાની સરકાર કેમ બનાવાય તેનો તેમને જૂનો અનુભવ પણ છે. 1996માં ભાજપ (161) તથા સાથી પક્ષોને 187 બેઠકો મળી હતી. કોંગ્રેસને માત્ર 140 બેઠકો મળી હતી અને તેના કોઈ સાથી પક્ષો હતા નહિ. પણ હવે કોણ કોને ટેકો આપે તે મામલો ગૂંચવાયો હતો. સૌથી મોટો પક્ષ હોવાથી ભાજપના વાજપેયી વડાપ્રધાન બન્યા ખરા, પણ 13 દિવસ માટે. તે પછી હવે કોંગ્રેસના ટેકાથી ત્રીજા મોરચાની સરકાર બને તે માટે પ્રયત્નો શરૂ થયા હતા.
જનતા દળ 46 બેઠકો સાથે મોટો પક્ષ હતો, પણ તેમાંથી મુખ્ય પ્રધાન કોણ બને તે માટે ખેંચતાણ શરૂ થઈ ગઈ હતી. ઉત્તર પ્રદેશના બે મોટા નેતાઓ લાલુપ્રસાદ યાદવ અને મુલાયમસિંહ વચ્ચે ગાંઠ પડી. ત્યારે બંને હજી વેવાઈ બન્યા નહોતા અને રાષ્ટ્રીય સ્તરે તેમની વચ્ચે સ્પર્ધા હતી અને ભાજપનો ભય જાગ્યો નહોતો. તેથી એવો રસ્તો વિચારાયો કે ડાબેરી પક્ષોમાંથી સીપીએમ પાસે 32 અને બીજા ડાબેરી પક્ષો માટે કુલ મળીને 52 બેઠકો છે. જ્યોતિ બસુનું નામ લગભગ નક્કી જેવું હતું, પણ સીપીએમના પોલિટબ્યૂરોએ તેમને બંગાળમાંથી ખસેડવાની મનાઈ કરી. ભવિષ્યમાં તે નિર્ણય બહુ મોટી ઐતિહાસિક ભૂલ ગણાવાનો હતો.
હવે જનતા દળમાંથી જ કોઈ વડાપ્રધાન બને તે નિશ્ચિત હતું, પણ નેતા કોણ તે સવાલ હતો. ઉત્તર ભારતના યાદવ નેતાઓ લડ્યા, તેમાં દેવે ગોવડા ફાવી ગયા. ચંદ્રબાબુ નાયડુએ પણ આખરે દક્ષિણમાંથી પૂરતું સમર્થન મળી રહેશે તેવી ગણતરી સાથે દેવે ગોવડાને આગળ કર્યા. કર્ણાટકમાં જનતા દળને 16 બેઠકો મળી હતી તેથી ગોવડા આગળ થયા અને શરદ યાદવ પણ તેમના સમર્થનમાં હતા. તેથી આખરે સંયુક્ત મોરચાની રચના થઈ હતી. ચંદ્રબાબુ નાયડુ તે યુનાઇટેડ ફ્રન્ટના કન્વિનર બન્યા હતા.
થોડા મહિના પહેલાં કર્ણાટકમાં ચૂંટણી થઈ ત્યારે કોઈને સ્પષ્ટ બહુમતી ના મળી. કોંગ્રેસે 1996માં દાવ કર્યો હતો તે રીતે ભાજપને સત્તાથી દૂર રાખવા જેડી(એસ)ના કુમારસ્વામીને ટેકો આપીને મુખ્યપ્રધાન બનાવ્યા. તે વખતે વિપક્ષના અનેક નેતાઓ હાજર હતા. તે જ વખતે નાયડુએ કહ્યું હતું કે ભાજપના હવે વળતા પાણી છે ત્યારે 2019માં 1996 જેવો જ પ્રયોગ કરવામાં આવશે.
જોકે તે પ્રયોગ એટલો આ વખતે સહેલો નથી. ભાજપની તાકાત વધી છે અને ભાજપના સાથી પક્ષોની સંખ્યા પણ વધી છે. બીજી બાજુ 1996માં થયું હતું તે રીતે આ વખતે પણ વડાપ્રધાનના દાવેદારોની સંખ્યા વધી છે. 1996માં કોંગ્રેસના પ્રમુખ સીતારામ કેસરી હતી અને સ્પષ્ટ નેતૃત્ત્વનો અભાવ હતો, જ્યારે આ વખતે રાહુલ ગાંધીની દાવેદારી પણ આવીને ઊભી છે. લાલુ પ્રસાદ બીમાર છે અને જેલમાં છે. મુલાયમસિંહની દાવેદારી ખરી, પણ તેના દીકરાએ જ હવે પક્ષનો કબજો લઈ લીધો છે અને માયાવતીને ફઇબા બનાવીને ગઠબંધન કર્યું છે, ત્યારે માયાવતીની દાવેદારીને વધારે ટેકો છે. અખિલેશની ગણતરી યુપીમાં ફરી મુખ્યપ્રધાન બનવાની જ છે. લાલુપ્રસાદના પુત્ર તેજસ્વીની ગણતરી પણ બિહાર પૂરતી છે, અને તે પણ માયાવતીને સમર્થન આપી શકે છે. પરંતુ મમતા બેનરજી શું કરશે તે કળવું મુશ્કેલ છે. તેમણે થોડો સમય નારાજી બતાવી હતી, પણ છેલ્લે નાયડુને મળ્યા પણ ખરા. નાયડુએ સીબીઆઈના દરવાજા બંધ કર્યા તેના વખાણ કર્યો તેનું અનુકરણ પશ્ચિમ બંગાળમાં પણ કર્યું.
અડવાણીની જેમ એનસીપીના શરદ પવારની મહત્ત્વાકાંક્ષા અધુરી જ રહી ગઈ છે. ઓડિશાના નવીન પટનાયક શું કરશે તે સ્પષ્ટ નથી, પણ તે મૌનના ખેલાડી છે. ચાર વખતે મુખ્યપ્રધાન બન્યા પછી સ્થિતિ અનુકૂળ હોય અને પોતાના રાજ્યમાં ગત વખતની જેમ વધુમાં વધુ બેઠકો જીતી શકે તો ગોવડાની જેમ સરપ્રાઇઝ તરીકે આવી શકે છે.તમિલનાડુમાં બે દિગ્ગજ નેતાઓ હવે રહ્યા નથી. તેમની પછી તમિલનાડુમાં કોણ તે પણ એક સવાલ છે. જયલલિતાના વારસા માટે એકથી વધુ જૂથો લડે છે. તેના કારણે ગત વખતની જેમ 39 બેઠકો જીતી શકે તેમ લાગતું નથી. જીતી જાય તો પણ તેની પાસે એવો નેતા નથી જેને રાષ્ટ્રીય સ્તરે પ્રમોટ કરી શકાય. સૌથી અગત્યની વાત ભાજપ સાથેની ખાનગી દોસ્તી હજી સુધી તેણે તોડી નથી. તેની સામે ડીએમકેમાં નવી પેઢીના નેતા સ્ટાલિન આવ્યા છે. તેમનો પક્ષ કદાચ ફાવી જાય અને મોટી સંખ્યામાં બેઠકો જીતી લાવે તો પણ રાષ્ટ્રીય સ્તરે સ્ટાલિનને પસંદ કરાવવા મુશ્કેલ છે.
હવે રહ્યા ચંદ્રબાબુ નાયડુ પોતે. તેઓ પોતાના જ રાજ્ય આંધ્રમાં ભીંસમાં છે. જગનમોહન અને ભાજપ ભેગા મળીને ભીંસ કરી રહ્યા છે. તેલંગણામાં તેમના પક્ષનું કેટલું ગજું વધ્યું છે તે આ મહિને વિધાનસભાની ચૂંટણીમાં ખબર પડી જશે. તેથી સંયુક્ત મોરચાના માત્ર સંયોજક બનવાના બદલે નાયડુ પોતે નેતાગીરીના દાવેદાર પણ બનવાના હોય તો સ્થિતિ 1996 જેવી થઈ શકે છે, પણ જરા જુદી રીત. ગયા વખતે ઉત્તર ભારતના નેતાઓ લડ્યા હતા અને ગોવડા ફાવી ગયા હતા. આ વખતે ધારવા ખાતર દેવે ગોવડા, નાયડુ પોતે, કેરળમાંથી ડાબેરી મોરચાના નેતા અને તમિલનાડુમાં સૌથી મોટો પક્ષ ડીએમકે બને તો તેના નેતૃત્ત્વના દાવાઓ વચ્ચે સ્પર્ધા થઈ શકે છે.સવાલ એ છે કે નાયડુ ચાલાકી દાખવશે? પોતાની દાવેદારી ના કરે ને માત્ર કન્વિનર તરીકેની ભૂમિકા ભજવીને માયાવતી, મમતા, શરદ પવાર, મુલાયમ અને નવીન પટનાયક વચ્ચે સમાધાનની ભૂમિકા ઊભી કરવાની કોશિશ કરી શકે? 1996માં ડાબેરી નેતાઓ હરકિશનસિંહ સુરજિત અને એ. બી. બર્ધન પણ સંયુક્ત મોરચાને જોડવામાં અગત્યની ભૂમિકામાં હતા. આ વખતે ડાબેરી મોરચાનું કોઈ મહત્ત્વ હશે ખરું અને નાયડુને સહાયરૂપ થાય તેવા બીજા કયા નેતા હશે? બીજો સવાલ કોંગ્રેસ સૌથી મોટો પક્ષ બનશે તો બહારથી ટેકો આપવાને બદલે સરકાર બનાવવાનો દાવો કરશે તો? સૌથી અગત્યનો સવાલ – 2019ની ચૂંટણીના આંકડાં એવા હશે ખરાં કે આવી ગણતરીઓ કરવાની જરૂર પડશે?