કોરોના વચ્ચે પણ સોમરસ છોડો ના

કોરોનાના કારણે લાગેલી તાળાબંધી 21 દિવસ પછી આગળ વધશે કે કેમ તેના ઇંતઝાર વચ્ચે વચ્ચે આસામ અને મેઘાલયમાં શરાબની દુકાનોના તાળા ખોલવાનો નિર્ણય લેવાયો તે સમાચાર ધ્યાન ચડ્યા હશે. ગુજરાતમાંથી પણ સમાચાર હતા કે શાકભાજી લઈને જતી રીક્ષામાં દારૂની બોટલો મળી. એ સમાચાર પણ જોયા હશે કે લોકો શહેરમાંથી ગામડે જવા ઉતાવળા થયા છે. કંટાળીને એકાદ બે લોકોએ આપઘાત પણ કર્યા. કોરોના થયો છે તે તેવી ખબર પડવાથી પણ બે કે ત્રણ આત્મહત્યાના સમાચાર આવી ગયા છે. કોરોનાની તપાસ માટે આરોગ્યની ટીમ આવીને કોવીડ-19 કેન્દ્રમાં લઈ જવાની છે એવી ખબર મળ્યા પછી એક યુવાને પણ પડતું મેલ્યું.

હવે છેલ્લા સમાચાર આપી દઉં અને પછી મૂળ વાત પર આવીશું. કેરળમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન આત્મહત્યાની એક પછી એક ઘટનાના સમાચારો આવ્યા. કેરળમાં ભારતમાં સૌથી વધુ આપઘાત થાય છે તેની પાછળના સામાજિક અને મનોવૈજ્ઞાનિક કારણોની ચર્ચા વચ્ચે વચ્ચે થયા કરતી હોય છે. અત્યારે ત્રીજા કારણની ચર્ચા કરવી પડી. કારણ એ હતું કે વ્યસનીને સોમરસ પ્રાપ્ત થવાનો બંધ થયો તેના કારણે તણાવ વધવા લાગ્યો અને નવ લોકોએ આપઘાત કરી લીધો. તેમાંથી એક વ્યક્તિએ કંટાળીને આફ્ટરશેવ પી લીધો હતો. એકને હાર્ટએટેક આવ્યો, પણ સગાઓનું કહેવું છે કે શરાબ હજી બીજા 19 દિવસ નહિ મળે તેના આઘાતમાં તેમનું હૃદય બેસી ગયું હતું.

કેરળમાં કોરોના બંધી વચ્ચે દારૂબંધી પણ થઈ હતી અને તેના કારણે કુલ 9ના મોત થયા તે પછી રાજ્ય સરકારે વિચાર ફેરવવો પડ્યો. આસામ અને મેઘાલય અને પંજાબીની જે કેરળે પણ નક્કી કર્યું કે સોમરસનો વ્યવસાય પણ આવશ્યક સેવામાં આવે છે. ટૂંકમાં દારૂની દુકાનો ખોલવાનો નિર્ણય લેવાયો હતો. તમે આંકડાંથી જ આ વાત સમજો તો વધારે સારી રીતે સમજાશે. 9 જણ આત્મહત્યા કરે એટલે દારૂની દુકાન ખોલી નાખવાની? ગુજરાતનો દાખલો વચ્ચે ના લાવો, કેમ કે ગુજરાતમાં દારૂબંધી સામાજિક સ્વીકાર્ય બાબત દાયકાથી બનેલી છે, પણ નવ નવ જણ પીવા ના મળે ને આપઘાત કરે તે કંઈ ચાલે – એવું સામાજિક સંકટ કેરળમાં ઊભું થયું. કારણ એટલું જ કે કેરળમાં કોરોનાનો પ્રારંભ થયો અને શરૂઆતમાં કેરળ અને મહારાષ્ટ્ર જ ચેપના કેસોની સંખ્યાની બાબતમાં આગળ હતા. પણ તે પછી કેરળમાં – પ્રમાણમાં, સરખામણીમાં – કોરોના કાબૂમાં રહ્યો છે. કેરળમાં કોરોના કારણે મૃત્યુ 3ના થયા છે, જ્યારે શરાબ ના મળવાના કારણે તંગ આવીને 9 જણાએ જીવ આપી દીધા! તમે જ કહો, કયું કારણ વધારે ગંભીર કહેવાય.

વાત મજાકની નથી, પણ વ્યસન કેટલી હદે માણસને વળગે છે તેનો આ નમૂનો છે. ગુજરાત જેવી દારૂબંધી કરવાના પ્રયાસોમાં રાજ્યોને મુશ્કેલીઓ નડી છે. બિહાર સરકારે દારૂબંધી કરી પછી જાતભાતની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગાંજા પર પણ આપણે ત્યાં પ્રતિબંધ છે. અમેરિકા અને યુરોપમાં ઘણી જગ્યાએ ગાંજાને કાયદેસર કરીને તેને ઔષધી તરીકે ઉપયોગ કરવા સહિતની છૂટ અપાયેલી છે. અફિણનું પણ એવું જ છે. અફિણના થોડા ઔષધીય ગુણો છે, પણ તેનો નશો વળગે પછી છૂટતો નથી. ગુજરાતમાં લાંબા સમયથી દારૂબંધી છે અને શહેરી વિસ્તારોમાં સહેલાઇથી તે મળે છે. તેથી મોટું વ્યસન પણ થતું નથી, અને મોટી સમસ્યા પણ થતી નથી. પરંતુ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં કાલાનું વ્યસન બહુ મોટું સંકટ રહ્યું છે. કાલા માટે સરકારે હવે છેક લાયસન્સ આપવાના બંધ કર્યા છે. કાલાના મળે ત્યારે વ્યસની ભારે અકળાય અને તેના કારણે સરકારે મજબૂર થઈને તેમને પરવાના આપવા પડતા હતા. કેમ, લીકર પરમીટ આપણે ગુજરાતમાં અપાય જ છેને!

એક તરફ ભીડ કરવાની મનાઇ અને દારૂની દુકાન ખુલ્લી રાખો તો ત્યાં શરાબીઓની ભીડ થશે. તેવી દલીલ બહુ ચાલી નહિ અને આત્મહત્યાના બનાવો વધ્યા એટલે કે બીજા પ્રકારનું દબાણ વધ્યું એટલે કેરળ સરકારે શરાબની દુકાનો ખોલી નાખે છે. લોકો એકાદ બે દિવસ કદાચ ભીડ કરશે, પણ પછી પીને સૂઈ જશે. આમ પણ અત્યારે બીજો કશો કામધંધો તો કરવાનો નથી, ત્યારે એકલા એકલા કંટાળીને કકળાટ કરે તેના કરતા પીને સૂઈ જાય. ગુજરાતીઓ અફસોસ કરો, કરવો હોય તો કરો, અફસોસ કરવામાં શું વાંધો, પણ આવી કોઈ દલીલ ગુજરાતમાં ચાલવાની નથી!

હકીકતમાં પી. વિજયનની સરકારે 23 માર્ચે લૉકડાઉનની જાહેરાત કરી દીધી હતી, ત્યારે પ્રારંભમાં જે વ્યવસાય અને દુકાનોને ખુલ્લા રાખવાની છૂટ આપી હતી, તેમાં શરાબની દુકાનો હતી. જોકે કેરળમાંય કેટલા હોયને.. પેલા નંગ હોયને… કેટલાકે આંખો પહોળી કરીને કહ્યું કે હોતા હશે… ગામ આખું બંધ અને શરાબીની દુકાનો ચાલું રાખવાની… હોતા હશે કંઈ! એટલે મુખ્ય પ્રધાન વિજયન મૂંઝાયા હતા અને કેરળ બહારથી પણ ટીકાઓ થઈ એટલે તેમણે છેવટે દારૂની દુકાનો બંધ કરાવી હતી. પંજાબમાં કેપ્ટન અમરિન્દર સિંહની સરકારે પણ આવશ્યક સેવાઓની યાદ તૈયાર કરેલી તેમાં દારૂની દુકાનો સામેલ હતી જ. વિજયન તેમનો દાખલો પણ આપી જોયો, પણ ટીકાઓ બંધ ના થઈ. તેથી કેન્દ્ર સરકારની આવશ્યક સેવાઓની યાદીને અનુસરીને બાદમાં દુકાનો બંધ કરાવી હતી.

કેરળમાં સરકાર વિમુક્તિ નામે વ્યસન મુક્તિનો કાર્યક્રમ ચલાવે છે. કાર્યક્રમ હેઠળ હેલ્પલાઇન પણ ચાલે છે. કોરોના સંકટ પછી પણ સરકારી હેલ્પલાઇનો ચાલુ થઈ હતી. બોલો, થયું એવું કે કોરોના હેલ્પલાઇન કરતાંય વધારે કૉલ વિમુક્તિ કોલ સેન્ટર પર આવવા લાગ્યા. લોકો દારૂ વિના અકળાવા લાગ્યા હતા અને તેના કારણે સંકટ વચ્ચેય વિમુક્તિ કેન્દ્રોમાં ભરતી થવા માટે વધુને વધુ ફોન આવવા લાગ્યા હતા. કોરોના માટે ડેડિકેટેટ હૉસ્પિટલમાં તો ચેપ વધે તે પ્રકારે દર્દીઓ વધે તે સમજી શકાય, પણ વ્યસન મુક્તિ કેન્દ્રોમાં ભીડ વધવા લાગી હતી!

કેરળ નાનું રાજ્ય છે, પણ તેના 16 લાખ લોકો એવા છે, જેઓ માત્ર મોજ માટે નહિ, વ્યસન માટે દારૂના પીનારા છે. કેરળમાં માથાદીઠ વર્ષે 8.3 લીટર દારૂ પીવામાં આવે છે, જે ભારતમાં સૌથી વધુ છે. કેરળ પહોળું નહિ, પણ લાબું રાજ્ય છે અને દરિયાકિનારે છે અને નાની નાની અનેક ખાડી. એટલે કે ભેજયુક્ત વાતાવરણ છે, જે શરાબની તલબ માટે સાનુકૂળ ગણાય. બીજું કેરળે સદીઓથી ભારતના બીજા હિસ્સામાં હોય તેવી ગરીબી કદી જોઈ નથી, એટલે નાની મોટી આપદા આવે ત્યારે પ્રજા બહુ જલદી વિચલિત થઈ જાય છે. એકતો સમૃદ્દિ અને દરિયા કાંઠાના કારણે લત લાગેલી હોય, તેમાં મુશ્કેલી આવે એટલે નશો કરવા વધારે જોઈએ. તે ના કરવા મળે ત્યારે કેરળવાસી ભારે અકળાય.

ડૉક્ટરો પણ કહે છે કે વ્યસની વ્યક્તિને પદાર્થ ના મળે ત્યારે તેની શારીરિક અસરો જોવા મળતી હોય છે. કોરોના વચ્ચે કોરોના કરતાંય દારૂ ના મળવાથી બીમાર પડનારી વ્યક્તિઓ વધુ સંખ્યામાં દવાખાનામાં આવવા લાગી હતી તે વાસ્તવિકતા પણ રાજ્ય સરકારે વિચાર્યા સિવાય છૂટકો નહોતો. કેરળના એક જાણકારે જણાવેલી વાત પણ બહુ ચટાકેદાર છે. તેમણે કહ્યું કે કેરળની પ્રજા આમ પછી શિસ્તબદ્ધ અને સરકારી તંત્ર પણ થોડું નિયમપાલનમાં ચૂસ્ત. એટલે ગુજરાતમાં કોરોનાબંધી વચ્ચે પણ ‘રાબેતા મુજબની દારૂબંધી’ ચાલતી રહે. કોઈને ટેન્શન ના થાય, કેમ કે રાબેતા મુજબ તંત્ર ચાલવાનું છે. એટલે તમે સમજ્યાને રાબેતા મુજબ? હા, એમ. પણ એમ કેરળમાં દારૂની દુકાન બંધ થાય તો બાટલી મળે નહિ, કેમ કે એવી કોઈ વ્યવસ્થા ગોઠવાયેલી હોય નહિ. જાણકારે કહેલી વાત સીધી છે, પણ સમજવામાં જરાક નવાઈ લાગે. દારૂની દુકાન પછી ગેરકાયદે રીતે મેળવવો મુશ્કેલ બનશે એ વાત જાણીને નશેડીઓ ભારે અકળાયા હતા. જોકે કેરળ પણ છે ભારતનો હિસ્સો. એટલે જાણકારે ભલે કહ્યું, પણ સમાચાર આપણે તો સાંભળ્યા છે કે 25 માર્ચથી એપ્રિલના મધ્ય સુધીમાં 10 હજાર લીટર ગેરકાયદે શરાબ કેરળ પોલીસે કબજે કર્યો છે. એક તો માંડ વ્યવસ્થા ગોઠવાતી હોય, ત્યાં કેરળની પોલીસ આટલી સક્રિય થાય… તો પછી શું થાય, તમે જ કહો, માણસ મરે કે ના મરે?

સામાજિક ઉપરાંત આર્થિક કારણ પણ ખરું. ગુજરાતમાં દારૂબંધી છે તેના કારણે સરકારને ટેક્સની કેટલી આવક ઓછી થાય છે તેના આંકડાં આપણે સાંભળ્યા જ છે. પણ વેપારી ગુજરાતી શાણા છે. એ જાણે છે કે આવક ખાતર કંઈ શાંતિ ડહોળી ના નખાય એટલે કરોડો રૂપિયાની આબકારી આવક ગુજરાત સરકાર જતી કરે છે. કેરળની સરકાર માટે અત્યારે આવક અને મહેસૂલમાં ફાંફા પડવા લાગ્યા છે. બીજી મહેસૂલ બંધ છે ત્યારે કમસે કમ થોડીક શાંતિ થાય અને આવક પણ થાય તે ગણતરી પણ કેરળ સરકારની હશે. 2018-19 નાણાકીય વર્ષ દરમિયાન કેરળને દારૂના વેચાણમાંથી જ  2,521 કરોડ રૂપિયાનો ટેક્સ મળ્યો હતો.

બિહારમાં નીતિશકુમારે દારૂબંધી કરી તે રીતે 2014માં કોંગ્રેસની આગેવાની હેઠળની સંયુક્ત લોકતાંત્રિક મોરચાની સરકારે પણ દારૂબંધી કરી હતી. 2016માં ડાબેરી લોકતાંત્રિક મોરચાની પિનરઇ વિજયનની સરકાર આવી તેમણે દારૂબંધી ફરીથી હટાવી દીધી.

કોરોના વચ્ચે દારૂ બંધ થયો ત્યારે આલ્કોહોલ વિથ્ડ્રોવલ સિમટમ્પ્સ સાથે એટલે કે દારૂ ના મળવાને કારણે વિવિધ શારીરિક તકલીફોની ફરિયાદો સાથે દર્દીઓ સરકારી દવાખાને આવવા લાગ્યા હતા. સરકારે તેને ધ્યાનમાં લઈને જાહેરાત કરવી પડી હતી કે સરકારી દવાખાનામાં 20 પથારીઓ આવા દર્દીઓ માટે અનામત રાખવી. દર્દીને તપાસ્યા પછી ડૉક્ટર સર્ટિફિકેટ આપે તે પ્રમાણે દારૂનો પુરવઠો પણ મળી શકે. આ માટેના કૂપન આપવામાં આવે તે લઈને પુરવઠા વિભાગ પાસે જવાનું તો જે રીતે સસ્તા અનાજની દુકાનેથી અનાજ રાહતમાં મળે તે રીતે કેરળમાં વ્યસનીને રાહતમાં દારૂની બોટલ મળે! ગુજરાતમાં ખબર છેને હેલ્થ પરમીટ મળે છે… બોલો, દારૂ પીવાની છૂટ મળે તેનું નામ વળી હેલ્થ પરમીટ!

અહીં વળી નવી માથાકૂટ ઊભી થઈ, કેમ કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને વિરોધ કર્યો કે આ રીતે દારૂને દવા તરીકે ઉપયોગ કરવાના કૂપન કંઈ ડૉક્ટરો લખી ના આપે. કેરળના સરકારી તબીબી અધિકારી એસોસિએશને પણ આવી વ્યવસ્થાનો વિરોધ કર્યો હતો. સરવાળે કોરોનાના સંકટમાં ફસાયેલી કેરળ સરકાર પણ વ્યસનીઓની જેમ કદાચ ‘અકળાવા’ લાગી હતી. મેલને પડતી માથાકૂટ એમ વિચારીને કેરળ સરકારે છેવટે દારૂની દુકાનોને પણ આવશ્યક ચીજવસ્તુઓની યાદીમાં સામેલ કરી દીધી.

વાત અહીં પતી નહિ. આસામ અને મેઘાયલમાંથી પણ આવા જ સમાચાર આવ્યા કે દારૂની દુકાનો ખુલી. ત્યાં પણ કેરળની જેમ શું શું સમસ્યા થઈ તેના સમાચારો જાણવા મળશે ત્યારે તમને જણાવીશું, પણ કેરળમાંથી વળી ખબર આવ્યા કે મામલો ગૂંચવાયો છે. મામલાએ રાજકીય રંગ પકડ્યો. કોરોનામાં રાજકારણ ના કરો એવો કકળાટ કરીને ભરપુર રાજકારણ થઈ જ રહ્યું છે. ત્યાં વચ્ચે કોરોના કારણે દારૂની છૂટના મામલે પણ જૂની દારૂબંધીની રાજનીતિ તાજી થઈ. કોંગ્રેસની સરકારે દારૂબંધી કરી હતી તે આ સરકારે હટાવી એ વેર તો હતું જ. કોંગ્રેસના ત્રિચૂરમાંથી જીતેલા સાંસદ ટી. એન. પ્રતાપન આ મામલે હાઈકોર્ટ પહોંચ્યા. ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ અને સરકારી તબીબી અધિકારી એસોસિએશનનો પણ વિરોધ હતો જ. આ સંગઠનોએ પણ હાઈકોર્ટમાં અરજી નાખી દીધી એટલે કેરળના દારૂડિયા વળી ઠેર ના ઠેર થયાના ખબર છે. હાઈકોર્ટે સ્ટે આપ્યો છે, ત્યારે હવે કેરળમાં ‘બિનરાબેતા મુજબ’ની વ્યવસ્થા ગોઠવવા માટે પીનારા અને પાનારાએ વિચારવું પડશે.

કેરળ પોલીસ વચ્ચે ના પડે અને દારૂ જપ્ત ના કરે તો ગાડું ગબડશે નહિ તો બીજા બે અઠવાડિયા હજી કાઢવા આકરા થવાના છે. જોઈએ હવે કે આગામી દિવસોમાં કેરળમાં કોરોનાના કારણે વધુ લોકો મરે છે કે દારૂ ના મળવાથી આકુળ વ્યાકુળ થઈ ગયેલા લોકો આપઘાતથી વધુ મરે છે. અરે ભાઈ, એમ નથી કહેતા કે લોકો મરે, અમે તો કહીએ છીએ કોઈ ના મરે, બધા અમરપટ્ટો કમરે પહેરી લે… અમને શું વાંધો હોય, મારા વાલા!