બિહારમાં બખેડોઃ ભાજપ પાસે વધારે બેઠકોની જેડીયુની માગણી

ઝારખંડના પરિણામોના પડઘા સૌથી વધુ બિહારમાં પડશે તે પરિણામો અગાઉથી નક્કી હતું. પરિણામો કંઈ પણ આવ્યા હોત, તેની અસર બિહારના રાજકારણ પર પડવાની હતી. મૂળ બિહારમાંથી ઝારખંડ અલગ પડીને રાજ્ય હતું, માત્ર તે કારણસર નહિ, પણ અહીં પ્રજાનો મિજાજ શું છે તેનો અંદાજ લગાવ્યા પછી નીતિશકુમાર પોતાનું આગલું કદમ ભરશે તે નક્કી હતું.

બિહારમાં લોકસભાની ચૂંટણી વખતે ભાજપ અને જનતા દળ (યુનાઇટેડ) બંનેએ સરખી સંખ્યામાં બેઠકો વહેંચી હતી. છ બેઠકો રામવિલાસ પાસવાનના પક્ષને આપ્યા પછી વધેલી 34 બેઠકોમાંથી બંને 17-17 બેઠકો લડ્યા હતા. ત્યારે બહુ ચર્ચા થઈ હતી કે ભાજપે 2014માં જીતેલી 22 બેઠકોમાંથી પાંચ જતી કરી છે. પણ હવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં સરખી સરખી નહિ, પણ જેડી (યુ)ને વધારે બેઠકો મળવી જોઈએ તેવી માગણી થવા લાગી છે. હાલમાં જેડી (યુ)ના 70 ધારાસભ્યો છે અને ભાજપના 50, તેથી જેડી(યુ)ને વધારે બેઠકો મળવી જોઈએ તેવું પ્રશાંત કિશોરે કહ્યું છે. ભાજપે મહારાષ્ટ્રમાં અને ઝારખંડમાં સાથી પક્ષને વધારે બેઠકો ના આપવી પડે તે મુદ્દે કડક વલણ લીધું હતું. તો હવે બિહારમાં શું થશે? શું ઝારખંડના પરિણામોની આ અસર છે?

બિહારમાં નીતિશકુમારના જનતા દળ (યુનાઇટેડ) સાથે ભાજપની ભાગીદારીમાં રાજ્ય સરકાર ચાલે છે. ભાજપ સાથે સાથી તરીકે બોનસમાં આવેલા સાથી એટલે રામવિલાસ પાસવાનનો પક્ષ લોકતાંત્રિક જનતા પક્ષ (એલજેપી). જેડીયુ અને એલજેપી બંને બિહારમાં ભાજપના સાથી હોવા છતાં ઝારખંડમાં અલગ લડ્યા હતા. તે બહુ નવાઈ વાત ના કહેવાય, કેમ કે બંને પક્ષોનું ખાસ કોઈ વજન ઝારખંડમાં નથી. લાલુપ્રસાદ યાદવના આરજેડીનું વજન પણ ઓછું થઈ ગયું છે અને આ વખતે પણ સાત બેઠકો સાથે મળીને લડી તોય માત્ર એક જ બેઠક મળી. એટલે ભાજપ સાથી પક્ષોને બેઠકો આપીને બગાડવા માગતો નહોતો. આ વખતે એકલા લડીને અસલી તાકાત અને અસલી ટેકેદાર વર્ગ કયો છે અને ક્યાં ક્યાં છે તે ફરીથી ચકાસી લેવાયું છે. ભાજપનો ટેકેદાર વર્ગ જળવાઈ રહ્યો છે.

જુદા લડ્યા તેની ના નહિ, પણ નીતિશકુમારે બિહારનું સંયુક્ત રાજ્ય હતું તે વખતના પોતાના દોસ્ત સરયુ રાયને ખાસ મદદ કરી હતી. સરયુ રાય એટલે ભાજપના જૂના અને સારા સ્થાનિક નેતા. લાલુપ્રસાદ યાદવ તથા કોંગ્રેસના માજી મુખ્યમંત્રી જગન્નાથ મિશ્ર સામે ચારા કૌભાંડ સૌથી વધુ ચગાવનારા નેતા. તેમને બહુ ભાવ ના અપનાયો અને ભાજપના મુખ્યપ્રધાન રઘુવર દાસે તેમને ટિકિટ જ ના મળે તેવું કર્યું. તેથી સરયુ રાય ભાજપને છોડીને અપક્ષ ચૂંટણીમાં ઉતર્યા. તેમણે જમદેશપુર પશ્ચિમ છોડીને જમદેશપુર પૂર્વમાં રઘુવર દાસને જ ચેલેન્જ આપી. આ ચેલેન્જમાં નીતિશકુમારે તેમને ખાસ મદદ કરી હતી. કોંગ્રેસે પણ સારા ઉમેદવાર, રાષ્ટ્રીય કક્ષાએ ચમકેલા પ્રવક્તા વલ્લભ ગોપાલને ટિકિટ આપી હતી, પણ સરયુ રાય જ સીએમને હરાવીને જીતી ગયા.

નીતિશકુમાર આ સમાચારથી સૌથી વધુ રાજી થયા હતા. તેમણે પોતાના સાથી પક્ષના સીએમને પડોશી રાજ્યમાં હરાવ્યા હતા. બિહારમાં તેના પડઘા પડ્યા હતા અને ભાજપના ગિન્નાયેલા એક સ્થાનિક નેતાએ કહ્યું કે પક્ષે બિહારમાં પણ ચહેરો બદલવો પડશે. તેમનો કહેવાનો ભાવ એ હતો કે બિહારમાં પણ ગઠબંધનના ચહેરા તરીકે, મુખ્યપ્રધાન તરીકે નીતિશકુમારને બદલે બીજા કોઈને આગળ કરવા પડશે. એકના એક ચહેરાથી લોકો કંટાળે છે અને ઝારખંડમાં થયું તે રીતે પ્રજા તેમને હરાવે છે એમ તેમણે કહ્યું હતું.

નીતિશકુમારે તરત જ સણસણતો જવાબ આપ્યો હતો કે ચહેરાની એક ઓળખ હોય છે. લોકો ચહેરો જોઈને ભરોસો કરે છે અને મતો આપે છે. પોતે બિહારના ભરોસેદાર નેતા છે અને ભાજપ-જેડીયુનો ચહેરો બદલવાની વાત ચાલશે નહિ, એવું તેમનું કહેવાનું થતું હતું. સત્તાવાર રીતે ભાજપે કહેલું છે કે બિહારમાં ચૂંટણી આવશે ત્યારે નીતિશકુમારની આગેવાનીમાં લડાશે. પણ ચૂંટણીને હજી વાર છે અને તે પહેલાં બિહારની નદીઓમાં ઘણા પાણી વહી જશે. હકીકતમાં નીતિશકુમાર પણ ચૂંટણીઓ પહેલાં કશુંક કદમ ભરવાના વિચારમાં છે તેમ જાણકારો કહે છે. જાણકારો કહે છે કે તેઓ ભાજપનો સાથ છોડવા માટે જોરદાર બહાનુ શોધી રહ્યા છે. એક બહાનું તેમના માટે એનઆરસી હોઈ શકે છે, પણ તેમને હજી નક્કર લાગતું નથી. વળી તેમણે નાગરિકતા કાનૂનમાં સુધારામાં ભાજપને સાથ આપ્યો હતો, એટલે જલદી તેના અને એનઆરસીના મુદ્દે છેડો ફાડી શકે તેમ નથી. પણ વહેલામોડા કોઈ નક્કર બહાનુ શોધશે. તેમને હાલમાં જ એનઆરસી વિશે પૂછવામાં આવ્યું, ત્યારે ઉડાઉ જવા આપ્યો હતો – એનઆરસી? એનઆરસી ક્યાં હોતા હૈ?

હકીકતમાં નાગરિકતા સુધારા ખરડા માટે ભાજપને નીતિશે ટેકો આપ્યો તે પછી તેમના પક્ષમાં આંતરિક અસંતોષ છે તેવું નાટક શરૂ થયું છે. તેમના સલાહકાર અને જેડીયુના ઉપપ્રમુખ પ્રશાંત કિશોરે જાહેરમાં પક્ષના નિર્ણયનો વિરોધ કર્યો. તેમણે રાજીનામું આપવાની વાત કરી, પણ નીતિશકુમારે સ્વીકાર્યું નહિ. રાષ્ટ્રીય કક્ષાએ જેડીયુના સારા પ્રવક્તા તરીકે પવન વર્મા જાણીતા છે. વિદ્વાન પવન વર્માએ પણ પક્ષના નિર્ણયનો વિરોધ કર્યો હતો. આખરે થોડા દિવસ પછી નીતિશની બિહાર સરકારે નક્કી કરી લીધું છે કે સીએએને ભલે ટેકો આપ્યો હોય, પણ બિહારમાં એનઆરસી લાગુ કરાશે નહિ.

એનઆરસીના મુદ્દે વિરોધ પક્ષો ભાજપનો જે રીતે વિરોધ કરી રહ્યા છે તેના કારણે ભાજપને જ ફાયદો થઈ રહ્યો છે. વિપક્ષના નેતાઓ મુદ્દાને સમજ્યા વિના વિરોધ કરી રહ્યા છે. ભૂતકાળમાં તેમણે લીધેલા વલણથી વિપરિત વિરોધ કરી રહ્યા છે. ભાજપ વિપક્ષી નેતાઓના જૂના નિવેદનોના વીડિયોની ક્લિપ જાહેર કરીને તેમની હાલત કફોડી રહ્યો છે. ભૂતકાળમાં આ જ બધા પક્ષોએ ઘૂસણખોરોને કાઢવા જોઈએ, પાકિસ્તાન-પાકિસ્તાન બાંગ્લાદેશથી આવેલા શરણાર્થીઓને સાચવવા જોઈએ અને દેશના નાગરિકોનું રજિસ્ટર પણ બનાવવું જોઈએ એવું કહી ચૂક્યા છે. તેઓ મુદ્દો સમજવામાં ચૂક્યા અને હવે પોતાની જ વાતનો વિરોધ કરી રહ્યા છે.

આ બધા વચ્ચે પ્રશાંત કિશોરે યોગ્ય રીતે કહ્યું છે કે એનઆરસીનો વિરોધ જુદા મુદ્દે કરો. એનઆરસીના સિદ્ધાંત અને વિચારનો વિરોધ ના કરો, પણ એનઆરસીના કારણે ગરીબો માણસ હેરાનપરેશાન થઈ જશે તેવી રીતે વિરોધ કરો. તેમની વાત સાચી છે. નોટબંધીમાં અમીર લોકોને જરાક જેટલીય અસર થઈ નહોતી. તેની સામે ગરીબ માણસો હેરાન હેરાન થઈ ગયા હતા. નાના નાના ધંધાવાળાઓ અને મજૂરો મહિનાઓ સુધી બેકાર બની ગયા હતા. નાના યુનિટ ચલાવતા લોકોનું કામકાજ ખોરવાઈ ગયું તે આજ સુધી પાટે ચડ્યું નથી.


તે જ રીતે એનઆરસી વગર આયોજને આવશે તો મજૂરોએ, કામદારોએ, નાના ફેરિયાઓએ રોજબરોજની રોજીરોટી કમાવાનું પડતું મૂકીને સરકારી કચેરીઓમાં લાઈનો લગાવવી પડશે. તેમની રોજગારી જતી રહેશે અને તે પછીય કાગળિયા મળશે નહિ. વારંવાર ધક્કા ખાઈને રોજબરોજની રોજગારી અને મજૂરી ગુમાવવાની અને ઉપરાંત કાગળિયાનો ખર્ચ કરવાનો. ગરીબ માણસને મોટો ફટકો પડશે એવો વિરોધ કરવો જોઈએ એવું બોલવાનું પ્રશાંત કિશોરે શરૂ કર્યું છે.


નીતિશકુમારે આવો જ કોઈ મુદ્દો પકડવો જરૂરી છે અને તે પછી જ બિહારમાં ભાજપનો સાથ છોડી શકાય. ઝારખંડમાં જેએમએમ, કોંગ્રેસ અને આરજેડીનું ગઠબંધન સારી રીતે ચાલ્યું. આ જ પક્ષો સાથે બિહારમાં તેમનું ગઠબંધન હતું, પણ તેમણે જાતે તોડી નાખ્યું. હવે તેઓ પાછા એ ગઠબંધનમાં કેવી રીતે જાય તે સવાલ છે. શું સમય વર્તે સાવધાન એમ સમજીને, મહારાષ્ટ્રમાં થયું તેમ જૂનું ભૂલીને શિવસેનાને સાથે લેવા માટે એનસીપી-કોંગ્રેસ તૈયાર થઈ, તેમ આરજેડી-કોંગ્રેસ બિહારમાં તૈયાર થશે? શું નીતિશકુમાર જૂના સાથીઓ સાથે પાછા ફરી શકે? આરજેડીના તેજસ્વી યાદવ સાથે તેમણે સંબંધો ખરાબ કરી નાખ્યા છે, પણ લાલુપ્રસાદ સાથે તેઓ જૂના સંબંધો તાજા કરી શકે છે. પણ આ બધુ જો અને તો પણ આધારિત છે. બીજી શક્યતા એ છે કે નીતિશ એકલા જ લડવાની કોશિશ કરશે. તેમને શહીદ થવા માટેનો કોઈ સારો મોકો મળશે તો એવું અવશ્ય કરશે.

બીજી બાજુ ભાજપ પણ ઝારખંડની જેમ જોખમ લઈને બિહારમાં એકલા લડવા વિચારી શકે છે. રાજ્ય સરકાર કદાચ ના બને, પણ એકલા હાથે લડવાથી પોતાની શક્તિનો ખ્યાલ આવી જાય. ઝારખંડ જેટલી મજબૂત સ્થિતિ બિહારમાં ભાજપની નથી, પણ ભૂતકાળમાં જેડીયુએ સાથ છોડ્યો ત્યારે લોકસભામાં ભાજપને જ ફાયદો થયો હતો. નીતિશને કોંગ્રેસ-આરજેડીના ગઠબંધનમાં આવકાર નહિ મળે, તેમ સમજીને ભાજપ એકલા લડવા વિચારી શકે છે. સામેના મતો ભૂતકાળની જેમ બે બાજુ વહેંચાઈ જાય તો ભાજપને ફાયદો થઈ શકે છે.


જરૂર છે માત્ર સારા બહાનાની. નીતિશકુમાર માટે પ્રશાંત કિશોર અને પવન વર્મા પણ બહાના તૈયાર કરી રહ્યા છે. દિલ્હીની વિધાનસભા ચૂંટણી માટે પ્રશાંત કિશોર કેજરીવાલ માટે કામ કરી રહ્યા છે. તામિલનાડુમાં ડીએમકે પણ તેની સેવા લેશે તેમ લાગે છે. તેથી દિલ્હીના પરિણામો આવે ત્યાં સુધીનો સમય હજી નીતિશકુમાર માટે છે. ત્રણેક મહિના દરમિયાન દેશમાં વાતાવરણ કેવું બદલાય છે તે જોવાની કોશિશ તેમની રહેશે. દરમિયાન બજેટ પણ આવી જશે એટલે આર્થિક મુદ્દે ભાજપ આગળ શું કરશે કે કરી શકે છે તે સ્પષ્ટ થશે. કેજરીવાલ સાથે રહ્યા પછી પ્રશાંત કિશોર પણ રાષ્ટ્રીય કક્ષાએ આકાર લેનારા રાજકારણને સમજવાની કોશિશ કરશે. ટૂંકમાં ઝારખંડના (અને દિલ્હીના) પરિણામો પછી બીજે ખાસ પડઘા પડે કે ના પડે, બિહારમાં અવશ્ય પડશે. કોણ કેવા બહાના કાઢશે તેની જ ઉત્સુકતા છે.