ભારતીય જનતા પક્ષમાં છેલ્લા થોડા વર્ષોથી ભરતી મેળો ચાલી રહ્યો છે. મેળામાં જ્યાંથી મળે ત્યાંથી નેતાને લઈ લેવામાં આવે છે. આવી જાવ, આવી જાવ. ચોક્કસ મળે છે, સત્તા ચોક્કસ મળે છે એવા પોકાર થતા હોય છે. તમે ફરવા ગયા હશો ત્યારે વાહનવાળાને બોલતા સાંભળ્યા હશે, ચોક્કસ ઉપડે છે… ચોક્કસ ઉપડે છે… ભરતી મેળાનું જોર ક્યારથી વધ્યું તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે, પણ 2014 પછી ગતિ પકડી છે એમ કહી શકાય. ઉત્તર પ્રદેશમાં પણ ભારે સફળતા મળી તે પછી ઇશાન ભારતમાં મોટા પાયે ભરતીઓ શરૂ હતી. ગુજરાતમાં નાની નાની આવનજાવન ચાલતી રહી હતી, પણ રાજ્યસભાની ચૂંટણી વખતે એકસાથે ડઝન કોંગ્રેસીઓને તોડી નખાયા હતા. આ વચ્ચે ગોવા અને મેઘાલયમાં ચૂંટણી આવી ત્યારે ઓછી બેઠકો હોવા છતાં સરકાર ભાજપે જ બનાવી હતી.
2019માં જંગી સફળતા પછી જંગી ધોરણે ભરતી થઈ રહી હોય તેમ લાગે છે. દાખલા તમે જાણો છો એટલે આપતો નથી. વાત કરીએ શિવસેનાની કે જેણે પણ ભરતી મેળો શરૂ કર્યો છે. આ વખતે શિવસેનાની ગણતરી ભાજપની જગ્યાએ પોતાનો મુખ્યપ્રધાન મૂકવાની છે. ભાજપ તેને ફાવવા દેશે નહિ તે વાત જુદી છે, પણ શિવસેનાના વડા બાલ ઠાકરેની ત્રીજી પેઢી પણ તૈયાર થઈ ગઈ છે. ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે રાજ્યભરમાં જન આશીર્વાદ યાત્રાઓ કરી રહ્યા છે. પક્ષના મહત્ત્વના નિર્ણયોમાં તેમની ભૂમિકા મહત્ત્વની બની રહી છે.
ગયા અઠવાડિયે એનસીપીના એક નેતા સચીન અહિરને શિવસેનામાં સામેલ કરી લેવામાં આવ્યા. સચિન અહિર મુંબઈ એકમના પ્રમુખ હતા. એનસીપીના મહત્ત્વના નેતાને લાવીને શિવેસનાએ તેમાં વધુ ગાબડા પાડવાનું નક્કી કર્યું છે. એક તરફ રાજ ઠાકરે કોંગ્રેસ અને એનસીપી તરફ સરકી રહ્યા છે, ત્યારે એનસીપીને જ તોડી નાખવાનું શિવસેનાએ ભાજપની તરાહ પર નક્કી કર્યું હોય તેમ લાગે છે. બીજા બે નેતાઓએ પણ રાજીનામાં આપ્યા છે. એનસીપીના મહિલા મોરચાના વડા ચિત્રો વાઘ અને અકોલાના ધારાસભ્ય વૈભવ પિછઠ પણ રાજીનામું આપી દીધું છે. તે બંને ઉપરાંત (સોલાપુર જિલ્લાના) દિલીપ સોપાલનું નામ પણ ચાલી રહ્યું છે. એનસીપી સરકારમાં પ્રધાન રહી ચૂકેલા સોપાલ હાલમાં પક્ષની બેઠકોમાં સામેલ થતા નથી. તેઓ સેનામાં જોડાશે તેમ માનવામાં આવે છે. એનસીપીના જ્યોતિ કાલાણી અને કોંગ્રેસના (વડાલાથી સાત વાર ધારાસભ્ય બનેલા) કાલિદાસ કોલામ્બર પણ ભાજપમાં જોડાશે તેવી શક્યતા છે. કોંગ્રેસના મુખ્ય નેતા અને રાજ્યના વિપક્ષના નેતા વિખે-પાટીલને થોડા મહિના પહેલા જ ભાજપે ભરતી કરી દીધા છે.
શિવસેના હવે એનસીપીના એક નેતા છગન ભૂજબળને પણ સેનામાં લેવા માગે છે એવા અહેવાલો છે. છગન ભૂજબળનું નામ સાંભળીને ચિત્રલેખાના જૂના વાચકોના કાન ચમકશે. ભૂજબળ એક જમાનામાં શિવસેનાના જ અગત્યના નેતા હતા. ભાજપમાં જે રીતે ધીમે ધીમે ઓબીસી નેતાઓ પણ આવવા લાગ્યા હતા, તે રીતે શિવસેના પણ મુંબઈ મહાપાલિકાથી આગળ વધીને મોટો પક્ષ બનવા માગતો હતો ત્યારે ઓબીસી નેતાઓને લેવા લાગ્યો હતો. છગન ભૂજબળ 1960માં ભાયખલામાં બકાલું વેચતા હતા. તે વખતે બાલ ઠાકરેનો ઉદય થવા લાગ્યો હતો. તેમના કાર્ટૂન અને તેમના તેજાબી ભાષણો મુંબઈના મરાઠીઓને આકર્ષવા લાગ્યા હતા. ભૂજબળને પણ લાગ્યું કે આ નેતા જોરદાર છે, જે મરાઠી હિતની વાત કરે છે. તે વખતે ગુજરાતી અને મદ્રાસીઓ તરફ ધિક્કાર ફેલાવાનું કામ થતું હતું. આજે તો ગુજરાતી કે ઉત્તર ભારતીય, સત્તા મેળવવા કે ભંડોળ મેળવવા, જે કામ લાગે તેમને આવકારી લેવામાં આવે છે.
શિવસેના મોટી થઈ રહી હતી તે વખતે જ ભૂજબળ તેમાં જોડાઈ ગયા હતા. સેનામાં જોડાયેલા પ્રારંભના ઓબીસી નેતાઓમાંથી તેઓ હતા. તેઓ ઝડપથી આગળ પણ વધ્યા અને સેનાને મુંબઈમાં સત્તા મળી ત્યારે મેયર પણ થયા. આગળ જતા 1985માં મઝગાંવમાંથી ધારાસભ્ય બન્યા. 1990માં પણ જીત્યા અને મોટા નેતા તરીકે આગળ આવ્યા. તેમને હતું કે વિધાનસભામાં તેમને વિપક્ષના નેતા બનવાની તક મળશે. જોકે ઠાકરેએ મનોહર જોષીને વિપક્ષના નેતા બનાવ્યા ત્યારે જ છગન ભૂજબલને લાગ્યું કે ઓબીસી નેતા તરીકે શિવસેનામાં તેને આગળ આવવા નહિ દેવાય.
1990 સુધીમાં શિવસેના અને ભાજપ મજબૂત બન્યા હતા અને સત્તા ઢૂંકડી દેખાઈ રહી હતી. વિપક્ષના નેતા બને તેને 1995માં ફાયદો થવાનો હતો. ફાયદો થયો પણ ખરો. પ્રથમવાર શિવસેના અને ભાજપની સરકાર બની તેમાં મુખ્ય પ્રધાન તરીકે મનોહર જોષીની જ પસંદગી થઈ હતી. આ વાત કદાચ ભૂજબળ અગાઉથી સમજી ગયા હતા. તેમને જોખમ લીધું અને 1990માં અવગણના પછી કોંગ્રેસમાં જોડાઈ જવાનું નક્કી કર્યું. શિવસેનામાં પ્રથમવાર કોઈ સિનિયર નેતાએ બળવો કર્યો હતો. તે વખતે મામલો બહુ ચગ્યો હતો. છગન ભૂજબળ જેવા નેતાઓ ઠાકરે સામે પડકાર ફેંક્યો હતો. કોંગ્રેસમાં તેમને આવકાર સારો મળ્યો, પરંતુ 1995માં કોંગ્રેસને જ સત્તા ના મળી. એટલું જ નહિ, હવે કોંગ્રેસની ટિકિટ પર લડેલા ભૂજબળ પણ મઝગાંવમાંથી હારી ગયા.
જોકે શરદ પવાર ભૂજબળને કારણે મળી રહેલા માળી સમાજના અને ઓબીસીના મતોને કારણે તેમને મહત્ત્વ આપી રહ્યા હતા. જોકે સેનામાં તેમનું સ્થાન તેમના જોરદાર ભાષણ અને આક્રમક મિજાજને કારણે હતું. શિવસૈનિકોને ફાવે તેવા આક્રમક મીજાજને કારણે જ તેઓ કોંગ્રેસ હારી તે પછી ટકી શક્યા. પક્ષ છોડનાર પર શિવસૈનિકો દાદાગીરી કરતા. ભૂજબળના બંગલા પર પણ શિવસૈનિકોએ હુમલો કર્યો હતો. શરદ પવારે તેમને વધારે મોટા નેતા બનાવવા માટે મહારાષ્ટ્ર વિધાનસભા નહિ, પણ વિધાન પરિષદમાં વિપક્ષના નેતા બનાવી દીધા. દરમિયાન શરદ પવારે કોંગ્રેસથી પણ અલગ થઈ જવાનું નક્કી કર્યું હતું. ભૂજબળ તેમની સાથે રહ્યા. તેમને એનસીપીના મહારાષ્ટ્રના પ્રથમ પ્રમુખ બનાવવામાં આવ્યા. પવાર રાષ્ટ્રીય પ્રમુખ બન્યા હતા. શિવસેના અને ભાજપની સરકાર બની હતી ખરી, પણ સત્તા ટકાવી શકી નહિ. 1999માં એનસીપીના ટેકા સાથે સરકાર બની ત્યારે છગન ભૂજબળને નાયબ મુખ્યમંત્રી બનાવાયા હતા. તેમના કરિયરની આ ટોચ હતી. શિવસૈનિકોએ તેમના બંગલે હુમલો કર્યો હતો તે વાત તેઓ ભૂલ્યા નહોતો. ઠાકરે પરિવાર સાથેની દુશ્મની પણ તેમણે યાદ રાખી હતી અને બાલ ઠાકરે સામેનો 1992-93નો જૂનો કેસ કાઢીને 2002માં તેમની ધરપકડ કરાવી હતી.
તેના કારણે જ આજે ઘણાને નવાઈ લાગે છે કે છગન ભૂજબળને પાછા લેવા માટે સેના તૈયાર થાય ખરી. ઠાકરે પરિવાર સાથે તેમની અંગત દુશ્મની પણ થઈ ગઈ હતી. એક તો તેઓ પ્રથમ એવા મોટા નેતા હતા, જેમણે શિવસેનામાં તડાં પાડ્યાં હતાં. એટલું જ નહિ આગળ વધીને નાયબ મુખ્યપ્રધાન પણ બન્યા હતા. ગ્રામીણ વિસ્તારમાં શિવસેનાની જગ્યાએ એનસીપીને મજબૂત કરી હતી. પરંતુ ત્યારબાદ છગન ભૂજબળના ગ્રહો પણ વકર્યા હતા. તેમની સામે ભ્રષ્ટાચારનો કેસ ચાલી રહ્યો છે. ભાજપની સરકાર આવી તે પછી તેમની સામે મની લોન્ડરિંગનો કેસ થયો. તેમણે 26 મહિના જેલમાં રહેવું પડ્યું. એવું કહેવાય છે કે તેઓ ગૃહપ્રધાન હતા ત્યારે અંડા સેલ બનાવ્યો હતો. તેમને એ અંડા સેલમાં જ રહેવાનો વારો આવ્યો હતો. ગયા વર્ષે મે 2018માં તેમને જામીન મળ્યા છે.
જામીન પર બહાર આવેલા છગન ભૂજબળની વેશભૂષા પણ બદલાઈ ગઈ હતી. તેમની સફેદ દાઢી અને માથે ઊનની ટોપીને કારણે અલગ જ લાગતા હતા. તેમની રાજકીય કારીકિર્દીની દિશા પણ હવે અલગ દિશામાં જઈ શકે છે.
એનસીપીની પોતાની હાલત જ ડામાડોળ થવા લાગી છે. તેના એક પછી એક નેતા પક્ષ છોડીને કાંતો ભાજપમાં કાંતો શિવસેનામાં જોડાઈ રહ્યા છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને લડ્યા તો પણ બૂરા હાલ થયા છે. તે સંજોગોમાં થોડા મહિનામાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં ગઠબંધનને કોઈ આશા દેખાતી નથી. મહારાષ્ટ્રમાં માહોલ એવો છે કે અસલી લડાઈ સેના અને ભાજપ વચ્ચે છે.
આ વખતે સેના અને ભાજપ સાથે ચૂંટણી લડશે. ગયા વખતે સાથે નહોતા, કેમ કે ભાજપ વધારે બેઠકો ફાવવા તૈયાર નહોતો. આ વખતે લોકસભા પહેલાં જ સમજૂતિ થઈ હતી અને શિવસેનાના મનામણા કરવા નક્કી થયું હતું કે વિધાનસભા ચૂંટણીમાં પણ શિવસેનાને અડધોઅડધ બેઠકો અપાશે. તેથી આ વખતે શિવસેનાની ગણતરી છે કે વિધાનસભામાં ભાજપ કરતાં વધારે બેઠકો મેળવી લેવી. પોતાની બેઠકો વધારે હોય તો સંયુક્ત સરકાર પોતાના મુખ્યપ્રધાન સાથે બને તેવી સેનાની ગણતરી છે. કદાચ તેથી જ ભાજપની સ્ટ્રેટેજી પ્રમાણે જ જ્યાંથી મળે ત્યાંથી મજબૂત નેતાઓને લેવાનું શિવ સેનાએ પણ શરૂ કરી દીધું છે. તેમાં છગન ભૂજબળની પણ એન્ટ્રી થશે તે વાત હલચલ મચી છે. ભૂજબળનું નામ વહેતું થયું, સાથે જ વિરોધ પણ થયો છે. દાદરમાં સેનાના કાર્યાલય સામે ભૂજબળ વિરોધી પોસ્ટર પણ લાગ્યા હતા. બાલાસાહેબ ઠાકરેને ત્રાસ આપનારા ભૂજબળ તમે છો ત્યાં સારા છો એવા મરાઠીમાં પોસ્ટર લાગ્યા હતા.
સૂત્રો કહે છે કે ઉદ્ધવ ઠાકરે આ વખતે જૂની વાતો ભૂલીને મજબૂત નેતાઓને લેવા માગે છે. પરંતુ ભૂજબળની બાબતમાં સુભાષ દેસાઈ, એકનાથ શિંદે, રામદાસ કદમ, દિવાકર રાઉતે અને સંજય રાઉત જેવા નેતાઓ વિરોધમાં છે. ભૂજબળ જેવા મજબૂત નેતાની વાપસી તેમના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. બીજી બાજુ સેના જાણે છે કે ભૂજબળ જેલમાં જઈ આવ્યા તે પછીય ઓબીસીના મહત્ત્વના નેતા છે. તેઓ હવે નાસિકમાંથી ચૂંટણી લડે છે. તેમના પુત્ર પંકજ પણ ધારાસભ્ય છે. તેમનો ભત્રીજો સમીર ભૂજબળ અને કેટલાક ટેકેદારો તેમની સાથે આવી શકે છે. સમીર ભૂજબળે છેલ્લે નાસિક લોકસભાની ચૂંટણી લડી હતી અને સેનાના ઉમેદવાર સામે હાર્યા હતા. શિવસેના છોડ્યા પછી તેમણે મુંબઈ પણ છોડીને નાસિકને કર્મભૂમિ બનાવી હતી. માળી સમાજના નેતા તરીકે પોતાને પ્રમોટ કર્યા હતા. અખિલ ભારતીય મહાત્મા ફૂલે સમતા પરિષદના પણ તેઓ વડા છે. એનસીપી લોકસભામાં જ્યાં પણ બે નંબર પર આવી હતી ત્યાં શિવસેના ફાયદો લેવા માગે છે.
આથી જ એવું માનવામાં આવે છે કે બાકીના સિનિયર નેતાઓને મનાવીને પછી ભૂજબળને સામેલ કરવામાં આવશે. પોસ્ટરો લાગ્યા હતા ખરા, પણ સાંજ સુધીમાં હટી ગયા હતા. તેમને હટાવી દેવાયા કે હટાવી લેવા જણાવાયું તે થોડા દિવસમાં સ્પષ્ટ થઈ જશે. સિનિયર નેતાઓને મનાવીને ભૂજબળ સહિત અડધો ડઝન એનસીપી નેતાઓને આવકારવા માટેનો તખતો સેનામાં તૈયાર થયો છે. ભૂજબળે જોકે ઇનકાર કર્યો છે, પણ ભરતી મેળામાં કોણ ક્યારે ક્યાં જશે તે કહેવાય નહિ. પછી શું થયું, તે જાણવા ચિત્રલેખામાં આ વિભાગને વાંચતા રહેજો…