કમલ હાસને પોતાના રાજકીય પક્ષની જાહેરાત કરી દીધી છે. મક્કલ નીધિ મૈયમ નામની પાર્ટી તેમણે સ્થાપી છે. તેનો અર્થ થાય છે જનતા ન્યાય કેન્દ્ર. કેન્દ્ર બીજા એક અર્થમાં પણ મહત્ત્વનો શબ્દ બન્યો છે. કમલ હાસને નવા રાજકીય પક્ષની સ્થાપના સાથે સ્પષ્ટતા કરી કે પોતે ડાબેરી પણ નથી અને જમણેરી પણ નથી. પોતાનું રાજકારણ ‘કેન્દ્રીય’ એમ તેમણે કહ્યું છે. રાજકારણની એક નવી સંસ્થા, એક નવું રાજકીય કેન્દ્ર સ્થાપતી વખતે મહેમાન તરીકે હાજર રખાયાં તે નેતા પણ ધ્યાન ખેંચતાં હતાં. અરવિંદ કેજરીવાલ. આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલ કમલ હાસન સાથે હાજર રહ્યાં હતાં. કેજરીવાલનું રાજકારણ ભાજપ અને કોંગ્રેસ બંનેથી જૂદું છે તે રીતે પણ કેન્દ્રીય શબ્દ અગત્યનો છે. કેજરીવાલ ડાબેરી કે જમણેરીના સંદર્ભમાં નહીં, પણ ભાજપ અને કોંગ્રેસ સિવાયના વિકલ્પની વાત કરી રહ્યાં છે.તામિલનાડુમાં કમલ હાસન તેમની નાસ્તિક તરીકેની છાપને કારણે ઉદારવાદી કહેવાતા ડાબેરી તરફ ઢળશે તેવી માન્યતાને નકારી છે. ઉદારવાદી હોઉં એટલે ડાબેરી હોઉં એવું જરૂરી નથી. એ જ રીતે નાસ્તિક હોઉં એટલે ડાબેરી કે સામ્યવાદી હોઉં જરૂરી નથી તે વાત કમલ હાસન ખાસ કહેવા માગે છે. નિરિશ્વરવાદ એ અલગ ચર્ચાનો વિષય છે અને કમલ હાસન તેમાં પડવા નથી માગતાં તે સ્પષ્ટ છે. તામિલનાડુના સંદર્ભમાં આ વાત વધારે અગત્યની છે. અત્યારે રાષ્ટ્રીય સ્તરે પણ માહોલ એવો બન્યો છે કે તમારી વિચારસરણી ડાબેરી છે કે જમણેરી અને તમે આસ્થા ધરાવો છે કે નહીં, ઉદારવાદી છો કે રાષ્ટ્રવાદી એવા ભાગલા પાડીને જ બધાંને જોવામાં આવે છે. ભારતમાં એવી જરૂર કદી રહી નથી. હિન્દુ અથવા તો કહો કે ભારતની પરંપરામાં નિરિશ્વરવાદ અન્ય પંથોની સાથે ચાલતો આવ્યો છે અને તેમાં ક્યાંય કશે ઘર્ષણનો સવાલ આવતો નહોતો. તામિલનાડુમાં નિરિશ્વરવાદવાળું રાજકારણ દાયકાઓથી પ્રબળ રહ્યું છે. હકીકતમાં હિન્દુત્વના જોરવાળું ઇશ્વરવાદી રાજકીય પ્રવાહની સામે જવાબરૂપે જ દ્વવિડ રાજકારણ ઊભું થયું હતું.આ સંજોગોમાં કમલ હાસન અને થોડા મહિના પહેલાં રજનીકાંતે કરેલી જાહેરાતો અગત્યની છે. બંને હવે રાજકારણમાં આવ્યાં છે ત્યારે તામિલનાડુમાં જૂની પેટર્ન ચાલશે કે એક નવીન રાજકીય કેન્દ્ર ઊભું થશે?
જોકે કેજરીવાલે તેના ભાષણમાં કહ્યું તે પ્રમાણે કમલ હાસને એક વૈકલ્પિક રાજકીય પક્ષ ઊભો કર્યો છે. તે ડીએમકે અને એઆઇએડીએમકે બંને માટે વિકલ્પ બનીને રહેશે એમ કેજરીવાલે કહ્યું. જોકે એ વાત સાચી છે કે ડીએમકે અને એઆઇએડીએમકે બંનેની મૂળભૂત વિચારસરણી સરખી હતી. બંને દ્વવિડવાદમાંથી ઊભી થયેલી છે. તેના કારણે કોંગ્રેસ અને ભાજપ જેવા રાષ્ટ્રીય પક્ષ માટે તામિલનાડુમાં રાજકારણ કરવું મુશ્કેલ છે. કોંગ્રેસ પણ ધીમે ધીમે આ બંને પક્ષો સામે પોતાનું વજૂદ ગુમાવતી રહી છે. ભૂતકાળમાં બંને પક્ષો સાથે કોંગ્રેસે સમજૂતી કરેલી. બાદમાં જયલલિતાએ ભાજપતરફી વલણ દાખવ્યું હતું. પરંતુ કમલ હાસન અને રજનીકાન્ત કદાચ તદ્દન નવું જ કેન્દ્ર ઊભું કરવા માગે છે જ્યાં બે સ્થાનિક પક્ષો અને બે રાષ્ટ્રીય પક્ષો મહત્ત્વના ના રહે.
પરંતુ તે વાત કેટલી હદે સાચી પડશે તે વિચારવું રહ્યું. ભાજપે જયલલિતાની સખી શશીકલાના જૂથને સાફ કરવામાં મદદ કરી છે. જયલલિતા વખતે મુખ્યમંત્રી બનેલા પન્નીરસેલ્વમના જૂથને દબાણ કરીને શશીકલાના વખતમાં મુખ્યપ્રધાન બનેલા પલાનીસામી સાથે ભાજપે સમાધાન કરાવ્યું હતું. પન્નીરસેલ્વમે હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવાથી પોતે પ્રધાન બન્યાં અને સમાધાન કર્યું તેવો ભાંગરો વાટી નાખ્યો છે. જોકે આ ભેગાં થયેલાં જૂથની સામે શશીકલાના ભત્રીજાએ પેટાચૂંટણીમાં જીત મેળવી તેથી તામિલનાડુના રાજકારણમાં એક કેન્દ્ર વધ્યું છે.મૂળ બે દ્રવિડ પક્ષો. તેમાં જયલલિતાની ગેરહાજરીમાં પક્ષના બે જૂથો ઊભાં થયા છે. આ તરફ ડીએમકેમાં કરુણાનીધિ 93 વર્ષના થયાં છે. તેમની હાજરી છે ત્યાં સુધી પક્ષ અખંડ છે, પણ તેમના બે દીકરા અને ત્રીજી દીકરી કનીમોજી એમ ત્રણ વારસદાર છે. પુત્ર સ્ટાલિન અને પુત્ર અલાગીરી જુદા જુદા વિસ્તારોમાં પ્રભુત્વ ધરાવે છે. કરુણાનીધિના ભત્રીજાના દીકરા મારનભાઇઓ સાથે સમાધાન થયું છે, પણ પહેલાં જેવા સંબંધો રહ્યાં નથી. કલાનીધિ અને દયાનીધિ મારન કયા જૂથનો સાથ આપે છે તે પણ અગત્યનું છે, કેમ કે તેમની પાસે સન ટીવી નેટવર્કની તાકાત છે.
કોંગ્રેસ ધીમે ધીમે તામિલનાડુમાં નેસ્તનાબૂદ થઈ છે. ભાજપ હજી પાપા પગલી કરી રહ્યું છે. ભાજપને એઆઇએડીએમકે સાથે જોડાણમાં રસ છે. સાથોસાથ રજનીકાંતનો સાથ મળે તેવી ગોઠવણ પણ થઈ રહી છે.
જોકે રજનીકાંત અને કમલ હાસન બંને જેટલા સુપરસ્ટાર છે એટલાં જ પાકા રાજકારણી પણ નીકળ્યાં છે. બંનેએ પોતાનું રાજકારણ કેવું હશે અને કોની સાથે હશે તેનો બહુ ફોડ પાડ્યો નથી. કમલ હસને સ્પષ્ટતા કરી કે પોતે ન ડાબે, ન જમણે એમ કેન્દ્રમાં છે. પણ તેના કારણે ભાજપ અને કોંગ્રેસ બંને સાથે તે જઈ શકે છે. કોંગ્રેસ મધ્યમમાર્ગી પક્ષ રહ્યો છે અને ભાજપ પણ જમણેરીથી થોડે મધ્યમબિંદુ તરફ જ છે એટલે તેની સાથે પણ બધા જ પ્રકારના પ્રાદેશિક પક્ષો જોડાણ કરી ચૂક્યાં છે.
બંને સ્થાનિક પક્ષો સામે પણ કમલ અને રજનીકાંતે સીધો મોરચો હજી માંડ્યો નથી. કમલ અને રજનીકાંત બંને કરુણાનીધિને મળતા રહે છે અને તેમને માન આપતાં રહે છે. મજાની વાત એ છે કે કમલ અને રજનીકાંત પણ મળતાં રહે છે. પોતાના પક્ષની જાહેરાત કરતાં પહેલાં પણ કમલ હાસન રજનીકાંતને મળવા ગયાં હતાં.ટૂંકમાં તામિલનાડુના રાજકારણમાં હવે મધ્યસ્થ સ્થાને, કેન્દ્રમાં કોણ હશે તે કહેવું મુશ્કેલ બની રહ્યું છે. કમલ હાસને જોકે એવા ઈશારા કર્યા છે કે મોટા ભાગે ભાજપ સાથે નહીં જાય. રજનીકાંતના પક્ષનો રંગ ભગવો હશે તો તેની સાથે પોતાને નહીં ફાવે એવું પણ તેણે સ્પષ્ટ કહ્યું છે. તેની સામે રજનીકાંત મોટા ભાગે કોંગ્રેસ સાથે નહીં જાય તેવા ઈશારા કર્યા છે. આ સંજોગોમાં કમલ હાસને કેજરીવાલને બોલાવીને જુદો જ મેસેજ આપ્યો છે. તે કદાચ વિચારસરણીની રીતે નહીં, પણ રાજકીય રીતે એક નવું વૈકલ્પિક કેન્દ્ર ઊભું કરવા માગે છે તેમ અત્યારે તો લાગે છે.