શરદ પવાર અને રાજ ઠાકરે, મુલાકાત અને વાતચીત

હારાષ્ટ્રના બે નેતાઓ શરદ પવાર અને રાજ ઠાકરે એક મંચ પર ભેગા થયાં હતાં. એક જ રાજ્યના પણ હરીફ એવા બે નેતાઓ જાહેર મંચ પર મળે તેની નવાઈ નથી હોતી. બે સ્પર્ધક નેતાઓ વચ્ચે ખાનગીમાં મુલાકાત થાય તો હલચલ થાય, કે બંને વચ્ચે શું વાતચીત થઈ હશે. તેના બદલે આ વખતે બે નેતાઓ જાહેરમાં મળ્યાં અને તેમની વચ્ચે ખુલ્લાંમાં થયેલી વાતચીતના કારણે હલચલ મચી છે. બંને નેતાઓએ મહારાષ્ટ્ર, મરાઠી સવાલો અને મરાઠા રાજકારણ પર ચર્ચા કરી હતી, પણ આ લાંબી વાતચીતમાં છેલ્લે વીસેક મિનિટ નરેન્દ્ર મોદીની વાત નીકળી હતી તે સૌથી વધુ ચર્ચાસ્પદ રહી.સ્વાભાવિક છે. કેમ કે નરેન્દ્ર મોદી સાથે શરદ પવાર અને રાજ ઠાકરે બંનેના ટિપિકલ સંબંધો રહ્યાં છે. લવહેટ રિલેશન્સ. એક તરફ એકબીજા માટે પ્રસંશા, બીજી તરફ એકબીજા માટે ભારોભાર તિરસ્કાર.

રાજ ઠાકરેને ગુજરાત સરકારે સ્ટેટ ગેસ્ટ મહેમાન બનાવ્યાં હતાં. રાજ ઠાકરે પાસે કોઈ સત્તાવાર હોદ્દો ન હોવા છતાં તેમને ગુજરાતમાં સરકારી મહેમાનગતિ કરાવીને ફેરવવામાં આવ્યાં હતાં. તે પછી રાજ ઠાકરે નરેન્દ્ર મોદીની પ્રસંશા કરતા થાકતાં નહોતાં. એકતરફ શિવસેના સાથે સમજૂતી, પણ ઉદ્ધવ ઠાકરેના બદલે રાજ ઠાકરેને વધારે મહત્ત્વ આપવાનું. બીજી બાજુ ચૂંટણીમાં રાજ ઠાકરેને નહીં, ઉદ્વવ ઠાકરે સાથે જ જોડાણ કરવાનું. તેના કારણે રાજ ઠાકરેને મોદી ગમતાં નથી. મોદી ગુજરાતી રાજકારણ કરે, મુંબઈના વેપારીઓનું રાજકારણ કરે તે પણ ગમે નહીં.

શરદ પવાર સાથે પણ એવા જ સંબંધો. નરેન્દ્ર મોદીએ તેમને પોતાના રાજકીય ગુરુ કહ્યાં છે. નાણાબંધી પછી પૂણેમાં એક સભા હતી ત્યારે તેમણે આવું જાહેરમાં કહ્યું હતું. શિવસેના સાથે જો વાંકું પડ્યું અને મહારાષ્ટ્રની ભાજપની સરકારને ટેકાની જરૂર પડી તો શરદ પવારની એનસીપી તૈયાર થઈ જશે એમ ઘણાં નિરિક્ષકોને લાગે છે. રાષ્ટ્રીય સ્તરે પણ તક મળે ત્યારે પવારની મદદ લઈ શકાશે તેવો આભાસ ભાજપે ઊભો કરેલો છે. બીજી બાજુ શરદ પવાર જાણે છે કે પોતાના જેવા મહત્ત્વાકાંક્ષી માણસને મોદી ક્યારેય મહત્ત્વ ન આપે. પોતાનો ટેકો લઈને પોતાને જ નબળાં પાડી દે. હકીકતમાં તેમને સમજાવા લાગ્યું હતું કે એનસીપી ભાજપને ટેકો આપી શકે છે તેવી વાતો ફેલાવીને ભાજપે મહારાષ્ટ્રમાં તેમની સ્થિતિ કંઈક અંશે કફોડી કરી પણ દીધી છે.

21 ફેબ્રુઆરીએ એક કાર્યક્રમ પૂણેમાં યોજાયો. અનોખો કાર્યક્રમ. રાજ ઠાકરેએ એક પત્રકારની જેમ શરદ પવારને સવાલો પૂછ્યાં, શરદ પવારે નેતાની જેમ જવાબો આપ્યાં. આ બંનેના જેવા સંબંધો નરેન્દ્ર મોદી સાથે છે તેવા જ સંબંધો તેમના એકબીજા સાથે પણ છે. એકબીજાને દીઠાં પણ ન ગમે તેવા સંબંધો. બીજીબાજુ મહારાષ્ટ્રમાં પણ જરૂર પડી ત્યારે શરદ પવારે શિવસેનાનો અને બાલાસાહેબ ઠાકરેનું સમર્થન લીધું હતું તે વાત અજાણી નથી. તે જૂનું રાજકારણ રાજ ઠાકરે સારી રીતે જાણે છે, કેમ કે તેઓ જ કાકાસાહેબ ઠાકરેની વધારે નજીક અને વારસદાર મનાતા હતાં. બાદમાં શિવસેના છોડવી પડી અને ભાજપનો સાથે મળશે નહીં તેમ લાગ્યું ત્યારે શરદ પવારના પક્ષ એનસીપી જ તેમણે સંભવત સાથી પક્ષ ગણવો પડે. કોંગ્રેસ સાથે એટલું મોડું આડવેર છે કે કદી તેની સાથે સમજૂતી શક્ય નથી.
હાલમાં રાજકીય હવા બદલી રહી છે. નરેન્દ્ર મોદીની પ્રસંશા કર્યા પછી બંને નેતાઓ હવે મોકો જોઈને મોદીને શાબ્દિક માર મારવાની એક પણ તક છોડતા નથી. કાકા પાસેથી કાર્ટૂન કલા શીખેલ રાજ ઠાકરે મોદીના કાર્ટૂનો બનાવીને તાતા તીર મારે છે. શરદ પવારે 26 જાન્યુઆરીએ વિપક્ષના નેતાઓને ભેગા કરીને વિશાળ રેલી કાઢી હતી. ભાજપની સામે પોતે વિપક્ષનો મોરચો ઊભો કરવા તૈયાર છે એવી વાત હવે શરદ પવાર કહી રહ્યાં છે.

પૂણેનો કાર્યક્રમ બિનરાજકીય હતો અને તેથી જ ઠાકરે અને પવાર જેવા જુદાજુદા પક્ષના નેતાઓ ત્યાં એકઠાં થયાં હતાં. જોકે કાર્યક્રમના રાજકીય પડઘા હવે સંભળાઈ રહ્યાં છે. શરદ પવાર પોલિટિક્સ વિના પાણી પણ ના પીવે. તેથી આવા કાર્યક્રમમાં તેઓ રાજ ઠાકરે સાથે સ્ટેજ પર બેસવા તૈયાર થયાં તે જ મોટી વાત હતી. તેઓ કદાચ ચકાસણી કરી રહ્યાં હતા કે રાજ ઠાકરે બેસવાથી લોકોમાં શું રિએક્શન આવશે. બીજું મરાઠી ભાષા અને મરાઠાઓ દ્વારા અનામતના મુદ્દે શું માહોલ છે તેની પણ ચકાસણી તેમણે કરવાની છે.

રાજ ઠાકરેએ મરાઠી એજન્ડાને મજબૂત રીતે પકડી રાખ્યો છે. મરાઠી માણૂસનો મુદ્દો હવે શિવસેના પાસે સુંવાગ રહ્યો નથી. હિન્દુત્વનો વ્યાપક મુદ્દો તેણે પકડ્યો છે, પણ રાજ ઠાકરેએ ઓરિજન આમચી મરાઠી એ મુદ્દો પકડી રાખ્યો છે.
શરદ પવારનું રાજકારણ મરાઠા રાજકારણ આસપાસ કેન્દ્રિત રહ્યું છે. એક અમેરિકન લેખકે શિવાજી વિશે અયોગ્ય ઉલ્લેખો કર્યા ત્યારે એનસીપીએ તે મુદ્દો બરાબરનો પકડી લીધો હતો, જેથી શિવસેના કે મનસે ફાવે નહીં. આ ઉપરાંત શરદ પવાર પોતે કુનબી મરાઠા છે અને એનસીપીના મોટા ભાગના નેતા પણ મરાઠા જ્ઞાતિના જ છે. મરાઠી ભાષાનો મુદ્દો શહેરી વધારે છે, જ્યારે મરાઠા મુદ્દો, હાલમાં ઊભા થયેલા અનામતના મુદ્દા સહિત ગ્રામીણ સ્તરે વધારે અસર કરે છે. શહેરી વિસ્તારોમાં બાલ ઠાકરેની પકડ છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં શરદ પવારની પાર્ટીનું જોર છે.મહારાષ્ટ્રમાં બીજી બાજુ દલિત રાજકારણ પણ જોરમાં છે. ભીમા કોરેગાંવમાં દલિતોની રેલી બાદ થયેલી હિંસાના કારણે મરાઠા સામે બીજું જ્ઞાતિલક્ષી રાજકારણ પણ ઊભું થયું છે. અત્યાર સુધી પવાર હંમેશા ફૂલે-શાહૂ-આંબેડકરનો ઉલ્લેખ કરીને દલિતોને રાજી રાખતા આવ્યાં હતાં. પણ રાજ ઠાકરે સાથેની પ્રશ્નોત્તરીમાં પવારે કહ્યું કે આર્થિક આધાર પર અનામત આપવી જોઈએ. આર્થિક અનામતની વાત કરીને પવારે મરાઠાઓને રાજી કરવાની કોશિશ કરી હતી તે કોઈનાથી અજાણ્યું રહ્યું નહોતું.

આર્થિક અનામતની વાત કરીને શરદ પવાર શહેરી વિસ્તારોમાં પણ સમર્થનની આશા રાખી શકે છે. તેમણે એવું પણ કહ્યું કે મુંબઈને મહારાષ્ટ્રથી છુટ્ટું પાડવાનું કાવતરું ચાલી રહ્યું છે. દિલ્હીમાં મરાઠી માણૂસને અન્યાય થાય છે એવી વાતો પણ કરી. આ બધી જ વાતો રાજ ઠાકરેને શોભે એવી છે. આ રીતે કદાચ તેઓ રાજ ઠાકરેને પણ ભાજપવિરોધી પોતાના મોરચામાં સામેલ કરવાના મૂડમાં હોય તેવું દર્શાવી રહ્યાં હતાં.

પવારે પોતાનું રાજકારણ નવેસરથી ઘડવું પડે તેમ છે. સોનિયા ગાંધીના વિદેશપણાનો વિરોધ કરીને તેમણે રાષ્ટ્રવાદી રાજકારણ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસની સ્થાપના કરી હતી. પરંતુ તે પછી સ્થિતિ બદલાઈ અને એક તબક્કો એવો આવ્યો કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસના જૂનિયર સાથી તરીકે રહેવું પડ્યું. ભાજપનો સામનો કરવા માટે રાષ્ટ્રવાદી ટેગની હવે ફરી જરૂર છે. રાહુલ ગાંધીનો વિરોધ કરવાનો સવાલ આવતો નથી, તેથી તેમનો કે કોંગ્રેસનો વિરોધ કર્યા વિના ભાજપ સામે જરાક જમણેરી અને રાષ્ટ્રવાદી રાજકારણ ખેલવા માટે તેમણે રાજ ઠાકરેના સંગનો રંગ લગાવવો પડે. બંને બિનરાજકીય મંચ પર ભેગા થયાં ખરાં, પણ રાજકીય રીતે ભેગા થશે ખરાં – તે જાણવા માટે હજી ઘણા મહિના રાહ જોવી પડશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]