આધાર કાર્ડ વિશે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલે છે. સુપ્રીમ કોર્ટનું વલણ અમુક અંશે સરકાર જેવું છે કે આ કાર્ડનો ઉપયોગ કરી શકાય તેમ છે. મોટા ભાગના લોકોએ પણ સ્વીકારી લીધું છે કે આધાર કાર્ડનો આધાર લીધા વિના ચાલવાનું નથી. પરંતુ આધાર કાર્ડ સરકાર કહે છે એટલું સેફ પણ નથી તેના ઉદાહરણો સામે આવતા રહે છે. આધાર કાર્ડ વિશેની આ ચિંતા કેમ કોઈ સાંભળતું નથી તે મુખ્ય ચિંતાનું કારણ છે.ગુજરાતના સુરત શહેરમાં જે કંઈ થયું તે સૌથી વધુ ચોંકાવનારું છે. આધાર કાર્ડના નંબરોનું લિસ્ટ લિક થઈ ગયું તે આપણે સાંભળ્યું હતું. તમારા આધાર કાર્ડનો નંબર બજારમાં ફરતો થઈ જાય તો અમુક અંશે દુરુપયોગ થઈ શકે. પરંતુ ઠીક છે, માત્ર નંબર ફરતો થાય તેને રોકવો આમ અશક્ય છે. બેન્કમાં, વીમા કંપનીમાં, શેરબજારમાં, મ્યુચ્યુઅલ ફંડમાં, રેશનશોપમાં, મોબાઇલ કંપનીમાં, હોટેલમાં રોકાણ કરીએ ત્યાં, એલપીજી કનેક્શન હોય ત્યાં અને હવે તો ડ્રાઇવિંગ લાયસન્સ સાથે પણ તમારે નંબર આપવાનો છે.
તમારા આધાર કાર્ડની નંબર સાથેની ઝેરોક્સ આ રીતે ફરતી થવાની છે. આપણો મોબાઇલ નંબર ફરતો થઈ જાય અને તેના પર માર્કેટિંગ કરનારી કંપનીઓના કોલના મારા થાય તેના જેવી આ સમસ્યા છે. માત્ર તેટલી જ નહિ, આ સમસ્યા વધારે ગંભીર છે એમ જાણકારો કહે છે.
સુરતમાં શું થયું તેની વાત કરીએ. સુરતમાં ધારાસભ્યો, સાંસદો, વકીલો, ડોક્ટરો, સીએ, મોટા વેપારીઓ એમ અનેક જાણીતા લોકોના ૧૬,૭૮૭ રેશન કાર્ડ બની ગયા હતા. આમાંથી કોઈ ખરેખર સસ્તા અનાજની દુકાને જઈને સામગ્રી લેતા નહોતા. એક જમાનામાં પૈસાપાત્ર વ્યક્તિએ પણ રેશન કાર્ડ ઓળખ માટે કઢાવવું પડતું. તે પરિસ્થિતિ દૂર કરવા સરકારે દાયકાઓ સુધી મથામણ કરી અને ઓળખ માટે આધાર કાર્ડ કાઢ્યું, પણ એ જ આધાર કાર્ડમાં ગોલમાલ કરીને રેશનકાર્ડ નકલી બની જ ગયા.
ભૂતિયા રેશનકાર્ડની સમસ્યા બહુ જૂની છે. કરોડો લાખો ભૂતિયા રેશનકાર્ડ બનાવીને તેના પર અનાજ અને ચોખા-ખાંડ જેવી ખાદ્ય સામગ્રી બારોબાર વગે કરી દેવાતી હતી. સુરતમાં પણ એ જ થયું. આધાર કાર્ડ લિન્ક કરવાની સિસ્ટમ આવી તો તેમાં પણ છિંડા સુરતના સસ્તા અનાજના વેપારીઓએ શોધી કાઢ્યા હતા. આ બધા જ 16,787 રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિન્ક પણ થઈ ગયા હતા અને અંગૂઠાની નિશાની લગાવીને પૂરવઠો લઈ લેવાતો હતો.
હવે આધાર કાર્ડનો નંબર મળી જાય ત્યાં સુધી બરાબર છે, પણ અંગૂઠાની નિશાની, ફિંગરપ્રિન્ટ કઈ રીતે મેળવી લેવામાં આવી? સરકારી તંત્ર કહે છે અમારી વ્યવસ્થા બહુ ફૂલપ્રૂફ છે. નંબરો ફરતા થાય, પણ ફિંગરપ્રિન્ટ કંઈ એમ કોઈને મળે નહિ. સુરતના વેપારીઓને મળી ગઈ. આપણે જાણીએ છીએ કે આધાર કાર્ડ માટે ખાનગી કોન્ટ્રેક્ટરો રોકવામાં આવ્યા છે. ખાનગી કંપનીના માણસો તમારું કાર્ડ કાઢી આપે. તમારી વિગતો, ફોટો, ફિંગરપ્રિન્ટ લઈને સરકારી વિભાગમાં જમા કરાવે. પરંતુ જમા કરાવવાની સાથે પોતે એકઠી કરેલી વિગતોની કોપી જેને જોઈએ તેને પૈસા લઈને આપી શકે.
સુરતમાં એ રીતે જ જે જાણીતા મહાનુભાવાનોના નામે આધાર કાર્ડ નીકળ્યા હતા, તેમની માહિતી ઉપરાંત તેમની ફિંગરપ્રિન્ટ પણ લઈ લેવાઈ હતી. નકલી ફિંગરપ્રિન્ટ પણ તૈયાર કરી લેવાઈ હતી. એ રીતે 16,787 કાર્ડ પર 76,465 નામો હતા અને તેનો પૂરવઠો સગેવગે કરી દેવાતો હતો. સાંસદો અને ધારાસભ્યોના નામે અનાજ લેવાય છે તેવી માહિતી મળી અને તેમાંથી શંકાના આધારે તપાસ થઈ ત્યારે આ કૌભાંડ ખૂલ્યું હતું. આ બધા જ કાર્ડ રદ કરી દેવાયા છે, પણ જે સિસ્ટમને કારણે આ માહિતી ફૂટી ગઈ હતી તે સિસ્ટમ બંધ થઈ નથી.
આધાર કાર્ડની કામગીરી હજી એ જ રીતે ખાનગી કોન્ટ્રેક્ટરોની મદદથી ચાલે છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયે આવા કોન્ટ્રેક્ટરો સાથે વાંધો પડ્યો ત્યારે તેમની કામગીરી અટકાવાઈ હતી. પણ તે કામચલાઉ છે અને તેના દ્વારા ફરી કામગીરી નહિ ચાલે તેની કોઈ ખાતરી નથી.
ભૂતકાળમાં પણ તમારા લાઇટ બિલની અને ડ્રાઇવિંગ લાયસન્સ કે પાન જેવા કાર્ડની ઝેરોક્સ તમે ક્યાંક આપી હોય તેની નકલો કરાવી લેવાતી હતી. બાદમાં તેનો ફાવે તેવો ઉપયોગ થતો હતો. મોબાઇલ નંબર લેવા માટે આપણે છૂટથી આવા દસ્તાવેજો આપતા હતા. તેના આધારે અસંખ્ય મોબાઇલ કનેક્શનો લઈ લેવાતા હતા અને બીજા રાજ્યોમાંથી મજૂરી કરવા આવેલા અને આવા દસ્તાવેજો ના ધરાવતા લોકોને મોબાઇલ નંબરો આપી દેવાતા હતા. આવા નંબરનો ઉપયોગ સામાન્ય વાતચીત માટે થાય ત્યાં સુધી ગોટાળો બહાર આવતો નથી, પણ આવો જ કોઈ નંબર ત્રાસવાદી પ્રવૃત્તિમાં ઉપયોગમાં આવે ત્યારે જે તે વ્યક્તિ કારણ વિનાની હેરાન થાય છે.
આ હેરાનગતિથી જ નાગરિક વધારે ડરતો હોય છે. આધાર કાર્ડની માહિતી ઠેર ઠેર લીક થવા લાગી છે ત્યારે તેના આધારે ન જાણે કેવી કેવી પ્રવૃત્તિઓ થશે તેની ચિંતા નાગરિકોને છે. કોઈ શેરબજારમાં એકાઉન્ટ ખોલી નાખશે, કોઈ વીમો ઉતરાવી લે, બેન્ક એકાઉન્ટ ખોલી નાખશે. તેમાં તમારે નામે વ્યવહારો કરીને પછી બધું સમેટી પણ લેશે. નાના માટો ગફલામાં વાત આગળ નહિ વધે, પણ મોટું કૌભાંડ થાય અને તેમાં તપાસ નીકળે ત્યારે ફરી એકવાર જેનો આધાર નંબર વપરાયો હશે તેણે લેવાદેવા વિના દોડધામ કરવી પડશે.
હવે આધાર માટે વર્ચ્યુઅલ આઇડી અથવા તો વન ટાઇપ નંબર આપવાની વ્યવસ્થા વિચારાઈ છે. આ વિચાર થોડો સારો છે, પણ અત્યાર સુધીમાં અસંખ્ય લોકોએ પોતાના અસલી આધાર નંબરો આપી દીધા છે. આધાર સિસ્ટમને વધારે ચૂસ્ત બનાવવા બીજા અનેક સૂચનો થયા છે. જેમ કે જે કામ માટે કાર્ડની ઝેરોક્સ અપાઇ તેના પર સ્પષ્ટપણ લખવામાં આવે. કાર્ડની નકલ ઉપર જ લખેલું હોય કે મોબાઇલ નંબર માટે આ નકલ અપાયેલી છે. બીજું મૂળ આધાર નંબર વ્યક્તિ પોતાની પાસે જ રાખે અને માત્ર અનિવાર્ય સંજોગોમાં ખરાઇ કરવાની હોય ત્યારે જ ફિઝિકલી બતાવે. તે સિવાય દરેક કાર્ય માટે તેને વધારોનો એક નંબર મળે, જે એક જ વાર વપરાય. જેમ કે તમારે એક મોબાઇલ કનેક્શન માટે એક નંબર આધારની ઓનલાઇન સિસ્ટમમાંથી મેળવી લેવાનો. તે નંબર ફક્ત જે તે મોબાઇલ કનેક્શન માટે જ વપરાય. તમારે વીમા કંપનીને આપવા માટે એક નંબર ઓનલાઇન જનરેટ કરીને આપી દેવાનો. તે નંબર ફક્ત જે તે પોલીસી સાથે જ ચાલે.
આવા ઘણા બધા ઉપાયો સૂચવવામાં આવ્યા છે, પણ સરકારી તંત્ર રગશિયા ગાડાની જેમ ચાલતું હોય છે. ખાળે ડૂચા માટે અને દરવાજા મોકળા રાખે. ઘોડા ભાગી જાય પછી તબેલાને તાળા મારે. એ રીતે આધારના કરોડો નંબર લિક થઈ ગયા છે અને સુરતમાં થયું તેમ અનેક જગ્યાએ ફિંગરપ્રિન્ટની નકલ પણ મળી જાય તેમ છે.
એક વેબસાઇટ દ્વારા માત્ર 500 રૂપિયામાં આવા કોન્ટ્રેક્ટરો આધારની માહિતી વેચે છે તેનું સ્ટિંગ ઓપરેશન કર્યું ત્યારે સરકારી તંત્ર લાજવાને બદલે ગાજ્યું હતું. ઉલટાનો પત્રકાર પર કેસ ઠોકી દીધો. સુપ્રીમ કોર્ટમાં આધાર કાર્ડ વિશે સુનાવણી ચાલી રહી છે ત્યારે આશા રાખીએ કે ત્યાં આમ આદમીની આ બધી ચિંતાઓને પણ સાંભળવામાં આવે.