ગ્લેમર, સ્ટાર-સિસ્ટમની હત્યા કરતી વધ-2

ચારેક વર્ષ પહેલાં સાઈકોલોજિકલ થ્રિલર ‘વધ’ આવેલી. ગ્વાલિયરમાં વસતાં આધેડ વયનાં દંપતી શંભુનાથ (સંજય મિશ્રા) અને મંજુ (નીના ગુપ્તા)ની આસપાસ ફરતી ફિલ્મમાં શંભુનાથ એક રાતે વ્યાજખોર-ગેંગસ્ટરની પોતાના ઘરમાં જ હત્યા કરી લાશ અને અપરાધને છુપાવવાનું પરફેક્ટ પ્લાનિંગ કરે છે.

ચુસ્ત પટકથા અને સીટ સાથે જકડી રાખતા ડિરેક્શનથી વધ ક્રિટિક્સ અને સિનેમાપ્રેમીનાં દિલ જીતી ગયેલી. આજે (6 ફેબ્રુઆરીએ) ‘વધ’-સિરીઝની નવી ફિલ્મ રિલીઝ થઈ રહી છેઃ ‘વધ-2.’ આ વખતે પણ, સંજય મિશ્રા ને નીના ગુપ્તા જ છે. કોઈ જ બિગ સ્ટાર નથી, પણ મામલો હવે ઘરનો નથી, જેલની અંદરનો છે. અને શંભુનાથ-મંજુસિંહ મૅરિડ નથી.

શિવપુરી (મધ્ય પ્રદેશ)ની જેલના કૉન્સ્ટેબલ શંભુનાથ (સંજય મિશ્રા) નિવૃત્તિના આરે છે. સાલસ સ્વભાવના, વિધુર, એકલવાયા શંભુનાથ જેલની વાડીમાં ઊગતાં શાકભાજી ચોરીને બજારમાં વેચે છે, કારણ પગાર ઉપરાંત આવકની જરૂર છે. જેલમાં ડબલ મર્ડર (યંગ કપલ)ની આરોપી મંજુસિંહ (નીના ગુપ્તા) છે, જેની ૨૮ વર્ષની સજા હવે પૂરી થવામાં છે. આધેડ વયના યુગલ શંભુનાથ-મંજુને એકમેક માટે કૂણી લાગણી છે, કારણ બન્ને સમદુખ્યાં છે.

શંભુનાથ-મંજુસિંહની રાત્રિની નિયમિત મુલાકાત ડિરેક્ટરે ઋજુતાથી ચિત્રિત કરી છે. કાળી રાત્રિએ કાળમીંઢ દીવાલની એક પા મંજુસિંહ, બીજી પા શંભુનાથ, એમની વચ્ચેના સંવાદ, દીવાલના બાકોરામાંથી અમુક ચીજવસ્તુની લે-આપ એક વાતાવરણ નિર્માણ કરે છે.

ઓકે, ચાર વર્ષ બાદ આવેલી નવી ‘વધ’માં નવાં પણ પાત્રો છે: બહાદુર-ઈમાનદાર ઉગ્ર સ્વભાવનો જેલર પ્રકાશસિંહ (કુમુદ મિશ્રા), જે જ્ઞાતિવાદમાં માને છે, જે મળે એને અટક, પૂરું નામ પૂછ્યા કરે છે. સ્ટ્રિક્ટ વૉર્ડન રજની (શિલ્પા શુક્લા), જેની નૈતિકતા ક્લિયર નથી. રીઢો કેદી કેશવ ઉર્ફે ભૂરા ભૈયા (અક્ષય ડોગરા), જે સ્થાનિક ધારાસભ્યનો ભાઈ છે. કેશવ એ હદે વિકૃત છે કે પોલીસ-ટ્રકનાં ટાયર નીચે ગલુડિયાંને કચડી નાખતાં અચકાતો નથી. ભૂરા ભૈયાની નજર નવીસવી આવેલી જવાન કેદી નયના (યોગિતા બિહાની) પર છે. એક રાતે ભૂરા ભૈયાની હરકતથી અહં ઘવાતાં પ્રકાશસિંહ એને ઢોરમાર મારે છે. એ રાત પછી કેશવ ગાયબ થઈ જાય છે. યુવા પોલીસઅધિકારી અતીતસિંહ (અમીત કે. સિંહ) આની ઈન્કવાયરી શરૂ કરે છે, જે ધડાધડ સિગારેટ ફૂંકતો રુટિન સવાલો પૂછ્યા કરે છે…

2022માં આવેલી ‘વધ’ના રાઈટર-ડિરેક્ટર જસપાલસિંહ સંધુ હતા. ‘વધ-2’ના રાઈટર-ડિરેક્ટર પણ જસપાલસિંહ સંધુ છે. એમણે મૂળ ફિલ્મનાં ઈમોશનલ, ફિલોસોફિકલ ઊંડાણ યથાવત્ રાખવાનો પ્રયાસ કર્યો છે, પણ કથાકથન એ રીતે કરે છે, જાણે એમની પાસે દુનિયાભરનો ટાઈમ છે. જેલની દુનિયા, કેદીઓ, એમની દાદાગીરી, સંત્રી-કેદીની સાઠગાંઠ, સંત્રીઓના ભ્રષ્ટાચાર, વગેરેના નિરુપણમાં ઑથેન્ટિસિટી છે, પણ, યાર, પ્રેક્ષક છીએ, બેઘડી મોજ માટે આવ્યા છીએ, જેલની દુનિયા પર પીએચ.ડી કરવા થોડા આવ્યા છીએ? વધુપડતા ડિટેલિંગના કારણે અમુક સીન લાંબા લાગે છે. હત્યાનો મામલો સામે આવતાં સુધીમાં ઘણા સમયની હત્યા થઈ ગઈ છે. ટૂંકમાં ઝોલાં ખાતી સ્ક્રિપ્ટના લીધે ‘વધ-2’ એવરેજ બનીને રહી ગઈ.

કરો તેવું પામો…નો સંદેશો આપતી ‘વધ-2’ પાવરફુલ પરફોરમન્સ માટે, જેલના કાળા સત્ય માટે, કાળકોટડીની અંદર કેવી રીતે કાયદાની ઐસીતૈસી કરવામાં આવે છે, વગેરે જાણવામાં રસ હોય તો જોવી.

-અને કશાયે ગ્લેમર કે બિગ સ્ટાર્સ વિના પણ વૉચેબલ ફિલ્મ કેવી રીતે બનાવી શકાય એ સમજવા જોઈ શકાય.