જ્યારે સંજયભાઈએ ઓલમોસ્ટ સલમાનને ફિલ્મ છોડવા કહ્યું…

ગયા અઠવાડિયે મોડી રાતે ચેનલ-સર્ફિંગ કરતાં કરતાં ‘હમ દિલ દે ચૂકે સનમ’ પર રિમોટ સ્થિર થાય છે. નવદંપતી નંદિની-વનરાજ (ઐશ્વર્યા રાય-અજય દેવગન) ઈટાલીમાં નંદિનીના પૂર્વ પ્રેમી સમીર (સલમાન ખાન)ને શોધવા આવ્યાં છે ત્યાં સુધીનો પાર્ટ આવી ગયો છે. બાય ધ વે, ફિલ્મના ડિરેક્ટર સંજય લીલા ભણસાળી સાહેબ ફિલ્મનો આ ભાગ બુડાપેસ્ટ (હંગેરી)માં શૂટ કરીને એને ઈટાલી ગણાવે છે. શું કામ? એ તો એ જાણે? મુદ્દો એ કે ફિલ્મ જોતાં જોતાં મને પચીસ વર્ષ પહેલાંના એ દિવસો યાદ આવી જાય છે. નોસ્ટાલ્જિક બનીને હું ઈસ્માઈલ દરબારનાં સ્વરાંકન, ખાસ “ઢોલી તારો ઢોલ બાજે” (કવિતા કૃષ્ણમૂર્તિ-કરસન સાગઠિયા-વિનોદ રાઠોડ) જોવા-માણવા ખુરશીમાં ટટાર થઈને બેસું છું.

બીજા દિવસે સવારે દિલડોલ રાસગરબાની કોરિયોગ્રાફી કરનાર દંપતી, સમીર-અર્ષ તન્નાને પૂછું છું, “આ આઈકનિક સોંગની કોરિયોગ્રાફી, એના શૂટિંગની કોઈ મેમરી ખરી?”

સમીરજીએ શું જવાબ આપ્યો એ પછી કહું છું, પહેલાં આ વાંચોઃ

સમીર તન્નાના પિતા અનિરુદ્ધ તન્ના એટલે ‘પારેવડું’ અને ‘કલાનિધિ’ જેવી નૃત્ય અકાદમીના સ્થાપક. સમીરભાઈ માટે ઘરમાં એવું વાતાવરણ કે માતા સિવાય પિતા, ત્રણ બહેનો નૃત્યને સમર્પિત. મુંબઈની ‘નરસી મોનજી કૉલેજ’માં એમને મળ્યાં પારસી બાનુ અર્ષ. એમના ઘરમાં પણ નૃત્યનો માહોલ. અર્ષનાં માતા કથક શીખેલાં, છૂટાછવાયા શો પણ કરતાં, પરંતુ જોઈએ એવી તક મળી નહોતી એટલે એમણે ડીકરીને ડેન્સમાં આગળ વધવા પ્રોત્સાહન આપ્યું.

(અર્ષ અને સમીર તન્ના) (તસવીર: દીપક ધુરી)

કૉલેજમાં સમીર-અર્ષ વિવિધ નૃત્યસ્પર્ધામાં ભાગ લેતાં. જાણીતી સંસ્થા ‘કલાગુર્જરી’ દ્વારા આયોજિત સ્પર્ધામાં એમને પહેલું ઈનામ મળ્યું. આ કાર્યક્રમ જોવા ડિરેક્ટર સંજય લીલા ભણસાલી આવ્યા હોય છે. આ સ્પર્ધાના બે’એક વર્ષ બાદ ‘હમ દિલ દે ચૂકે સનમ’ બનાવતી વખતે સંજયભાઈને સમીર-અર્ષ તન્ના યાદ આવે છે. એ ‘કલાગુર્જરી’ પાસેથી સમીરભાઈનો ફોનનંબર મેળવે છે, સંદેશો મૂકે છે અને… હિંદી સિનેમાના અવિસ્મરણીય રાસગરબાનું સ્ટેજ ગોઠવાય છે. પછી તો એમણે સંજયભાઈની જ ‘ગોલિયોં કી રાસલીલા’માં “નગાડા સંગ ઢોલ બાજે” અને “લહુ મૂંહ લગ ગયા” કોરિયોગ્રાફ કર્યાં. એમના કહેવા મુજબ, “લહુ મૂંહ લગ ગયા” પડકાર રૂપ સૉંગ હતું, કારણ કે ગીતના સ્લો ટેમ્પોને ધ્યાનમાં રાખતાં કોરિયોગ્રાફી કરવી અઘરી હતી. ‘ફિલ્મફૅર’ માટે “નગાડા” અને “લહુ” બન્ને નૉમિનેટ થયાં, પણ ટ્રોફી મળી “લહુ”ને.’

-અને હવે ‘હમ દિલ દે ચૂકે સનમ.’ ફિલ્મનું શૂટિંગ શરૂ જ થયું આ ગીતના પિક્ચરાઈઝેશનથી. હા, “ઢોલી તારો ઢોલ બાજે”થી જ ‘હમ દિલ દે ચૂકે સનમ’નું શૂટિંગ શરૂ થયું. સમીરભાઈ કહે છેઃ “સેટ પર સલમાન ખાન આવ્યો ત્યારે અમે આખું ગીત સલમાન ખાન સામે રજૂ કર્યું. એ ખુશ થઈ ગયો. થોડી વાર પછી મગજમાં બત્તી થતાં એણે સંજયભાઈને પૂછ્યું, મને આ શું કામ દેખાડો છો શું આ ગરબો મારા પર શૂટ થવાનો છે?”

સંજયભાઈ કહે, “હાસ્તો, એટલે તો તને બતાવ્યું.”

સલમાન કહે, “સવાલ જ નથી. ડાન્સ-બાન્સ ઠીક છે. આ તો રાસગરબો. મારાથી નહીં થાય.”

તે પછી લાંબી રકઝક ચાલી. કંટાળીને સંજયભાઈએ સલમાનને રોકડું પરખાવી દીધુઃ “જો તું આ ન કરવાનો હોય તો ફિલ્મમાંથી આઉટ.”

સલમાને કહ્યું, “તમે મજાક કરો છોને?”

સંજયભાઈ કહે, “ના સિરિયસ છું. કોરિયોગ્રાફી આ જ રહેશે. તારે ફિલ્મમાં રહેવું હોય તો આ કરવું પડશે.”

બહુ ઓછા લોકોને ખબર હશે કે સંજય લીલા ભણસાલી પોતે બહુ સારા નૃત્યકાર-કોરિયોગ્રાફર છે. માતા લીલાબહેન સાથે એમણે રાસગરબાની, નૃત્યોની ગૂંથણી કરી છે.

ખેર. સંજયભાઈની મક્કમતા જોઈ સલમાને એ કર્યું અને બાકી ઈતિહાસ. અર્ષ કહે છેઃ “ઐશ્વર્યાએ બહુ ઝડપથી સ્ટેપ્સ શીખી-સમજી લીધાં. જો કે શૂટિંગ વખતે ઐશ્વર્યા-સલમાનને અને અમારા ડાન્સરોને બહુ તકલીફ પડી, કારણ કે ગરબો કલરફુલ એક્રેલિક તથા લાકડાંની પાતળી પટ્ટી પર કરવાનો હતો.”

આ કોરિયોગ્રાફર-દંપતીની પહેલી ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’, જેમાં 13 નાયિકા છે ને એક નાયક. ફિલ્મના ડિરેક્ટર અભિષેક શાહને સમીર-અર્ષ તન્ના જ જોઈતાં હતાં. એમણે ત્યાં સુધી કહ્યું કે “તમે ના પાડશો તો કદાચ મારે ફિલ્મ અભરાઈ પર ચડાવી દેવી પડશે. તમારા સિવાય બીજું કોઈ કરી નહીં શકે.”

સમીર-અર્ષે હા પાડી ને બાકી ઈતિહાસ… સર્વોચ્ચ નેશનલ એવૉર્ડ્સ ઉપરાંત અનેક ટ્રોફી ઉસેડી જનારી હેલ્લારો માટે બેસ્ટ કોરિયોગ્રાફીનો એવૉર્ડ પણ સમીર-અર્ષ તન્નાને મળ્યો.