‘એલા એય… પિક્ચર હિટ થવી જ જોઈએ, શું?’

“આપણી ફિલ્મનો સબ્જેક્ટ એવો હાર્ડ હિટિંગ છે કે, પચ્ચા કરોડનું ઓપનિંગ તો રમતાં રમતાં થઈ જશે… તમતમારે આંખ મીંચીને પૈસા લગાડો.”

એક દિગ્દર્શકે મારી નજર સામે આવું એક નિર્માતાને કહ્યું ત્યારે હું ચોંકી ગયેલોઃ શું બાકી કોન્ફિડન્સ કહેવાય. એ જુદી વાત છે કે પચાસ કરોડના ઓપનિંગની ગેરન્ટીવાળી ફિલ્મ બની જ નહીં.

આ પ્રસંગ યાદ કરવાનો રિયલ મીનિંગ તમને પછી કહું, પહેલાં આ વાંચોઃ 1970ના નવેમ્બર-ડિસેમ્બર હિંદી સિનેમા માટે મહત્વના હતા. આ સાઠેક દિવસામાં દેવ આનંદ-પ્રાણની મુખ્ય ભૂમિકાવાળી ‘જોની મેરા નામ’ 20 નવેમ્બરે રિલીઝ થઈ, દિલીપકુમારની મુખ્ય ભૂમિકાવાળી ‘ગોપી’ 27 નવેમ્બરે અને રાજ કપૂરની બે ઈન્ટરવલવાળી ‘મેરા નામ જોકર’ 18 ડિસેમ્બરે રિલીઝ થઈ.

હવે, બનેલું એવું કે તે સમયના મોટા ગજાના વિતરક-થિએટરમાલિક ગુલશન રાયને નિર્માતા બનવાનું મન થતાં એમણે વિજય આનંદને ડિરેક્ટર તરીકે રોક્યા. ગોલ્ડન કલરના વાળ હોવાના લીધે ગોલ્ડીનું હુલામણું નામ ધરાવતા વિજય આનંદે બિગ બ્રદર દેવ આનંદને અને એમની હીરોઈન તરીકે હેમામાલિનીને ફાઈનલ કર્યાં. રાઈટર કે. એ. નારાયણ લિખિત ‘જોની મેરા નામ’ના એક મહત્વના કેરેક્ટર માટે પ્રાણને લેવાનું નક્કી થયું, પણ એમણે ફિલ્મમાં કામ કરવાની ચોખ્ખી ના પાડતાં કહ્યું કે “મારી પાસે ટાઈમ નથી.”

વિજય આનંદે નિર્માતા ગુલશન રાયને પ્રાણનો જવાબ કહ્યો ને સૂચન કર્યું કે “આપણે બીજા કોઈનું વિચારીએ.”

ગુલશન રાયને મિત્રોએ એમને ચેતવેલા કે જે ધંધો કરો છો એ જ કરો, ફિલ્મનિર્માણ બહુ રિસ્કી બિઝનેસ છે. એમણે એ મિત્રોને બતાવી આપવું હતું. એમણે વિજયજીને કહ્યું, “સાંભળો, આપણી પિક્ચર કમર્શિયલી હિટ થવી જ જોઈએ. તમે પ્રાણ માટે ફરીથી ટ્રાય કરો.”

વિજયભાઈએ ફરી ટ્રાય કરી. પ્રાણ માની ગયા. વિજય આનંદને હાશકારો થયો, પરંતુ સાથે ટેન્શન પણ થયું કે “પિક્ચર હિટ થવી જ જોઈએ” એનું કેમ કરવું? ‘જોની મેરા નામ’ હિટ નહીં સુપરહિટ થઈ એ જુદો વિષય.

અત્યારે આપણો વિષય એ છે કે ફિલ્મ બનાવવા ફદિયાં રોકનાર એમ કહે કે “આપણી ફિલ્મ હિટ થવી જ જોઈએ” અથવા ડિરેક્ટર છાતી ઠોકીને કહે કે “ફિલ્મ હિટ થશે જ” એ શક્ય છે?

આ ચર્ચા છેડવાનું કારણ એ કે હાલ રાઈટર-પ્રોડ્યુસર-ડિરેક્ટર વિક્રમ ભટ્ટની અરેસ્ટથી સિનેજગતમાં ખળભળાટ મચેલો છે. વિક્રમ ભટ્ટ અને એમનાં પત્ની શ્વેતાંબરીની ૩૦ કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ૭ ડિસેમ્બરે મુંબઈમાંથી ધરપકડ કરવામાં આવી હતી. મામલો ઉદયપુરનો છે એટલે હાલ બન્ને ઉદયપુરની જેલમાં છે.

વારુ, શું છે એમની પર આરોપ?

મૂળ ઉદયપુરની અને દેશભરમાં સેન્ટરો ધરાવતી INDIRA IVFના માલિક ડો. અજય મર્ડિયાએ પોતાની પત્ની ઈન્દિરાના જીવન પર ફિલ્મ બનાવવા વિક્રમ ભટ્ટનો 2024માં સંપર્ક કરેલો. દેશભરમાં IVF સેન્ટર શરૂ કરવાની પ્રેરણા ડો. અજયને પત્ની ઈન્દિરાએ આપેલી, જેનું ૨૦૨૪માં અવસાન થયું. ડો. મર્ડિયાનો આક્ષેપ છે કે “વિક્રમે 200 કરોડ રૂપિયાનો પ્રોફિટ થશે એવો વાયદો કર્યો હતો, પરંતુ વાયદો પૂરો કર્યો નહીં.”

(તુમકો મેરી કસમના ટ્રેલર લોન્ચ અવસરે ડો. અજય મર્ડિયા- વિક્રમ ભટ્ટ-મહેશ ભટ્ટ.)

પોલીસનાં કહ્યા મુજબ, ૨૦૨૪ના મે મહિનામાં ડો. મર્ડિયાએ વિક્રમ ભટ્ટ સાથે 47 કરોડ રૂપિયાનો એગ્રીમેન્ટ કર્યો. એ મુજબ, વિક્રમે કુલ 4 ફિલ્મ બનાવવાની હતી, પણ બનાવી બે જ, જેમાં ડો. અજય મર્ડિયા અને એમનાં પત્નીના સંઘર્ષ વિશેની ‘તુમકો મેરી કસમ’નો સમાવેશ થાય છે, જે આ વર્ષે રિલીઝ થઈ, પણ એમાં લોસ થયો.

સવાલ એ કે કોઈ પણ સર્જક શૂટિંગ શરૂ થાય એ પહેલાં નિર્માતાને 200 કરોડ રૂપિયાના પ્રોફિટની ખાતરી કેવી રીતે આપી શકે? અને એ ખાતરી સાચી માનીને કોઈ પૈસા રોકવા તૈયાર કેવી રીતે થઈ શકે?

જો કે હિંદી સિનેમાના જાણતલોએ મને આપેલી માહિતી મુજબ વિક્રમે ફિલ્મનું શૂટિંગ શરૂ થાય એ પહેલાં ત્રીસ કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા. આ માટે નકલી બિલો, વાઉચરો બનાવવામાં આવ્યાં એવો ડો. મર્ડિયાનો આક્ષેપ છે. એક જાણકારે કહ્યું કે, “ફિલ્મ શરૂ થાય એ પહેલાં ત્રીસ કરોડ રૂપિયા જેવી રકમ તો કરણ જોહર જેવો નિર્માતા પણ નથી ખર્ચતો. પ્રિ-પ્રોડક્શનમાં બહુ બહુ તો એકાદ-બે કરોડ ખર્ચ થાય, પણ ત્રીસ કરોડ?”

આશરે બત્રીસ વર્ષની કરિયરમાં 56 વર્ષી વિક્રમે ફિલ્મો તો ઘણી બનાવી, પણ ઓળખ મળી 2002માં આવેલી ‘રાઝ’થી. આ ભૂતિયા ફિલ્મ અને એનાં ગીતો ધૂમ ચાલ્યાં. ‘રાઝ’ પછી એમણે ડઝનબંધ હોરર, થ્રિલર ફિલ્મો બનાવી, જેમાંની અમુક ચાલી, અમુક ભપ્ થઈ ગઈ. દરમિયાન વિક્રમે તમામ આરોપોનો ઈનકાર કર્યો છે. એમનું કહેવું છે કે “અમે કોઈ પણ પ્રકારની ગેરરીતિ કરી નથી. એફઆઈઆર (ફર્સ્ટ ઈન્ફર્મેશન રિપોર્ટ) ભ્રામક છે.”

એક સમયે એમ કહેવાતું કે મનમોહન દેસાઈ-સુભાષ ઘાઈ-પ્રકાશ મેહરા જેવા સર્જકો પાસે પ્રેક્ષકની નાડ હતી, પરંતુ આ બધા દિગ્દર્શકો પણ એક તબક્કે ભયંકર હદે નિષ્ફળ નીવડ્યા હતા.

થોડા સમય પહેલાં ‘હેલ્લારો’ અને ‘ઉંબરો’ જેવી ફિલ્મના દિગ્દર્શક અભિષેક શાહ આ લખનારની વાત થઈ. ટોક-વિધિન-ટોકમાં અભિષેક કહેઃ “ભલભલા નિર્માતા-દિગ્દર્શકો કે કોઈને પણ, ગુરુવારની રાત સુધી ખબર નથી હોતી કે શુક્રવારે રિલીઝ થનારી ફિલ્મ હિટ થશે કે નહીં.”

યસ્સ, ચિત્રગુર્જરીમાં આ વર્ષે સર્જાયેલો ચમત્કાર નામે ‘લાલો’ના સર્જક અંકિત સખિયા અને એમની ટીમને ફિલ્મ આ હદે દર્શકોને ઘેલું લગાડશે એની ક્યાં ખબર હતી? ભઈ, દ્વારીકાધીશની લીલા અપરંપાર છે.

આશા રાખીએ કે, વિક્રમભાઈના કેસમાં સત્ય ઝટ સામે, ડોક્ટર સાહેબ સાથે સુલેહ થાય, સૌ સારાં વાનાં થાય ને એ ઝટ બહાર આવી જાય.