ટ્રમ્પ-મસ્કની લડાઈ ને કિંગસાઈઝ પોપકોર્ન એન્ટરટેન્મેન્ટ!

હાઈલ્લા… એક દિવસ આવું મહાભારત પણ છેડાશે એનો ખાસ અંદાજ નહોતો. દુનિયાના સૌથી ધનવાન માણસ અને દુનિયાના સૌથી શક્તિશાળી (અને સૌથી માથાભારે) માણસ વચ્ચેનું મહાભારત. ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્ક. એક સમયના જિગરી દોસ્ત આજના જાની દુશ્મન. ત્યાં સુધી કે મસ્ક હવે પોતાનો રાજકીય પક્ષ સ્થાપવા નીકળ્યા છે. એ કહે છે કે “ટ્રમ્પના વિરોધીઓને હું પૈસેટકે મદદ કરીશ. બસ, એ ટ્રમ્પનો વિરોધી હોવો જોઈએ”.

ઓલરાઈટ, આપણી આ કોલમ કાંઈ ‘વૈશ્વિક રાજકારણના આટાપાટા’ની નથી. આ તો ટ્રમ્પ-મસ્કની દુશ્મની સુભાષ ઘાઈની ફિલ્મ ‘સૌદાગર’ યાદ અપાવે છે તેની વાત છે. બે અમેરિકન આખલાની લડાઈને તમે ધ્યાનપૂર્વક નિહાળો તો બધું ‘સૌદાગર’ની જેમ સેમ-ટુ-સેમ ચાલી રહ્યું છે. નોવેલિસ્ટ બ્લોગર અર્ણબ રે આમ કહે છે.

1991માં આવેલી ‘સૌદાગર’માં વીરુસિંહ (દિલીપ કુમાર) અને રાજેશ્વરસિંહ (રાજકુમાર)ની વાર્તા છે. બન્ને જિગરી દોસ્ત. મનાલીના રમણીય પહાડોની તળેટીમાં વસેલા ગામના બેઉ જાણે રાજ્જા. લીલાછમ્મ મેદાન, નદીકિનારે બન્ને જાણે ગરબા કરતા હોય એમ ગાયન ગાતા: “બે રાજૂ, ચલ બીરુ… તિનક તિનક તિન તારા… ઈમલી કા બુટા બેરી કા પેડ… ઈમલી ખટ્ટી મીઠે બેર… ઈસ જંગલ મેં હમ દો શેર, ચલ ઘર જલદી હો ગઈ દેર”…

પ્રેસિડેન્શિયલ ઈલેક્શનનાં પરિણામ આવ્યા બાદ ટ્રમ્પ-મસ્ક વ્હાઈટ હાઉસની હરિયાળી લૉન પર આ જ ગીત ગાતાઃ “ઈસ અમરીકા મેં હમ દો શેર”…

એલન મસ્ક એક સમયે ટ્રમ્પને દિલફાડ પ્રેમ કરતા. કહેતા કે “મને ટ્રમ્પ પર એટલો સ્નેહ છે, જેટલો એક સ્ટ્રેટ પુરુષને બીજા પુરુષ પર હોય.” આ તરફ ટ્રમ્પે પણ મસ્કને કાયદા બહારની શક્તિઓ આપી દીધી હતી.

‘સૌદાગર’ જોઈએ તો, બે દોસ્તની વચ્ચે આવ્યા ચાલાક ખેલાડીઓ. રાજેશ્વરસિંહનો સાળો, ખંધો લોભિયો ચુનિયા (અમરીશ પુરી), ચુનિયાનો સાથીદાર બલીરામ (ગુલશન ગ્રોવર). ટ્રમ્પ-મસ્કના કિસ્સામાં આપણે આ ભૂમિકામાં વાઈસ પ્રેસિડન્ટ જેડી વેન્સ અને ટ્રમ્પના એડવાઈઝર સ્ટિવ બેનનને કલ્પી શકીએ. ચુનિયા-બલીરામ મળીને રાજેશ્વર-વીરુની મહાન મૈત્રીની પથારી કરે છે. રાજકુમારની સાથે દિલીપ તાહિલ છે, દિલીપકુમારના કૅમ્પમાં મુકેશ ખન્ના છે.

વીરુએ (એલન મસ્કે) ટ્રમ્પ પર ઈલ્ઝામ લગાવ્યો કે સેક્સ મામલામાં ફસાયેલા જેફ્રી એપ્સ્ટીનની ફાઈલો ટ્રમ્પે દબાવી દીધી, કારણ કે ટ્રમ્પ પોતે એમાં ફસાયેલા છે. કોઈ પણ જાતના પુરાવા વગર આવો આરોપ લગાડનાર મસ્ક પર ભડકતાં ટ્રમ્પે કહ્યું “હવે જો તને કેવો બનાવું છું, તારા બધા સરકારી કોન્ટ્રાક્ટની વાટ લગાડું છું, જોતો જા”. આમ કાદવઉછાળ પ્રવૃત્તિ ચાલુ થઈ.

વાત વણસી ગઈ. યાદ કરો રાજેશ્વરસિંહનો ડાયલૉગ. બ્લેક ઓવરકોટ, લાલ મફલર-ધારી રાજકુમાર કહે છેઃ “હમ તુમ્હે મારેંગે, ઔર જરૂર મારેંગે… લેકિન વો બંદૂક ભી હમારી હોગી, ગોલી ભી હમારી હોગી ઔર વક્ત ભી હમારા હોગા”. (શું યાર, બંધૂક તમારી હોય તો ગોળી પણ તમારી જ હોયને… કોઈની માગીને થોડી લાવવાની હોય?!).

હવે, ટ્રમ્પ-મસ્કની લડાઈમાં આ ડાયલોગ ટ્રમ્પના મોંમાં મૂકીએ તોઃ “હમ તુમ્હે મારેંગે ઔર જરૂર મારેંગે… લેકિન વો કાનૂન ભી હમારા હોગા, પોલિસી ભી હમારી હોગી, ઔર વકત ભી હમારા હોગા.”

હવે સવાલ એ કે ‘હમારા’ કોણ હશે?

મસ્કના એક્સ (પહેલાંનું ટવિટર) અને ટ્રમ્પના ટ્રુથ સોશિયલ પર જઈને જોઈએ તો ખબર પડે કે બે પુરાના યાર એકબીજાને કેવા અપશબ્દો બોલે છે, ઢંઢેરો પીટે છે:

 “જબ મસ્ક દોસ્તી નિભાતા હૈ, તો સ્ટારલિન્ક ફ્રી કર દેતા હૈ. ઔર જબ દુશ્મની કરતા હૈ, તો બ્લુ ટિકમાર્ક તક છીન લેતા હૈ.”

‘સૌદાગર’માં સંવાદ છેઃ “ઠાકૂર રાજેશ્વરસિંહ ઈતિહાસ બતાતા નહીં… ઈતિહાસ લિખતા હૈ”!

તો અમેરિકન સૌદાગરનો ડાયલોગ છેઃ “ઠાકૂર ટ્રમ્પ ઈતિહાસ બતાતા નહીં.. એક્ઝિક્યુટિવ ઑર્ડર લિખતા હૈ”!

હવે આગળ શું થશે? શું ચુનિયા એની બાબરીને ઝટકો આપીને કહેશેઃ “બલીરામ… ટેલિફોન કટ કર… ટેસ્લા કો શોર્ટ કર.”

બાકી એટલું નક્કી કે આ દુશ્મની અવનવા રંગ દેખાડશે. ‘સૌદાગર’નો ડાયલોગ કહે છે એમ:

 “સબસે બડા દુશ્મન વોહી હોતા હૈ જો કભી દોસ્ત થા.”

આપણે તો કિંગ સાઈઝ પોપકોર્નની પૂડી લઈને બેસી ગયા છેઃ ‘સૌદાગર’ની હોલિવૂડ રિમેકની ક્લાઈમેક્સ જોવા.