ગ્રહણ ટાણે સાપ પણ ન નીકળે તે આનું નામ. યસ. ઘરેથી કડક સૂચના હતી સૂર્યગ્રહણના નિયમો પાળવાની એટલે ઘરમાં રહીને ભૂલથી નિયમભંગ ન થાય એ માટે બહાર જઈને બૅક-ટુ-બૅક બે દિવાળી રિલીઝ જોઈ નાખીઃ ‘રામ સેતુ’ અને ‘થૅન્ક ગૉડ.’
ઘણા ઓળખીતા-પાળખીતા મને કહેતા હોય છે કે “યાર, તારે તો મજા છે. દર અઠવાડિયે નવી નવી ફિલ્મો જોવાની.” હું એમને કહેતો હોઉં છે કે “પહેલી વાત તો એ કે આ મારી ફરજનો એક ભાગ છે અને ડ્યુટીના ભાગ રૂપે ‘ઠગ્સ ઑફ હિંદોસ્તાં,’ ‘શમશેરા,’ ‘બચ્ચન પાંડે’ પણ આવતી રહે છે. બોનસમાં કૉલેસ્ટરોલ, શુગર વધારી મૂકતાં સમોસા, ચીઝ-કેરેમલ પૉપકૉર્ન અને ગળચટ્ટાં ઠંડાં પીણાં હોય છે.”
તો આ પરંપરામાં આ વખતે બે ફિલ્મની આ એક વાતઃ ‘થૅન્ક ગૉડ’માં અયાન કપૂર (સિદ્ધાર્થ મલ્હોત્રા) યુવા સફળ બિલ્ડર છે, જે સઘળો કારોબાર બ્લૅકમાં જ કરે છે. એવામાં અચાનક નોટબંધી આવે છે. ને એક રૂમમાં ખડકેલાં હજારની નોટનાં બંડલો કાગળિયાં બની જાય છે. પારાવાર ટેન્શનમાં અયાનનો કારઅકસ્માત થાય છે. પરલોકમાં એને સીડી (અજય દેવગન) એટલે કે ચિત્રગુપ્ત મળે છે, જે એને કહે છે કે “હવે તારું શું કરવું એ એક ટેસ્ટ લઈને, થોડા સવાલ પૂછીને નક્કી કરીશ… ગેમ-શો જેવું કંઈ, સમજી ગયોને?”
આજથી દસેક વર્ષ પહેલાં એક ડૅનિશ ફિલ્મ આવેલીઃ ‘સોર્તે કુગ્લેર.’ અંગ્રેજીમાં એનો અર્થ થાય ‘વૉટ ગોઝ અરાઉન્ડ’ અને શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો ‘કરો તેવું પામો.’ આના પરથી પ્રેરણા લઈને ‘થૅન્ક ગૉડ’ બનાવવામાં આવી છે, જેમાં તર્ક-બુદ્ધિ અને કથા-પટકથા પરલોક સિધાવી ગયાં હોય એવું લાગે. ફિલ્મને કૉમેડી તરીકે પેશ કરવામાં આવી છે, પણ કૉમેડીના નામે ફુવડ સીન-સિચ્યુએશન્સ-તથા પ્રાગૈતિહાસિક કાળની વૉટ્સઍપ જૉક્સ છે. હા, જીવન કેવું જીવવું એ વિશેનાં પ્રવચન જરૂર છે.
ઈન્દ્રકુમાર ઈરાનીની ‘થૅન્ક ગૉડ’ને ન તો અજય દેવગન, ન સિદ્ધાર્થ મલ્હોત્રા (વણમાગી સલાહઃ ભાઈ, કૉમેડીથી દૂર રહેજે), ન રકુલ પ્રીતસિંહ, નોરા ફતેહી કે શ્રીલંકન ગીત “મણિકે મગે હિથે” (“મનહારી-તનહારી-સુકુમારી”)… કોઈ કરતાં કોઈ બચાવી શકતું નથી. થિએટરમાંથી બહાર નીકળતી વખતે એક વિચાર આવ્યો કે જો નિર્માતાએ ફદિયાં રોકતાં પહેલાં લેખક-દિગ્દર્શકનો ટેસ્ટ લીધો હોત તો કેટલાબધા લોકોનાં સમયશક્તિપૈસા બચી જાત?
બીજી ફિલ્મ એટલે ‘રામ સેતુ.’ આજથી સાતેક હજાર વર્ષ પહેલાં ભગવાન શ્રી રામે રાવણની લંકા સુધી પહોંચવા અને સીતામાતાને પાછા લાવવા ખરેખર વાનરસેનાની મદદથી સેતુ બાંધેલો? કે પછી હાલ જે રામ સેતુ છે એ કુદરતી જ બની ગયેલો? આ ઉત્સુકતાની આસપાસ ફરે છે.
એક નાસ્તિક પુરાતત્વવિદ્ આર્યન કુલશ્રેષ્ઠ (અક્ષય કુમાર) છે, જે આરંભમાં નૅશનલ ટીવી પરથી કહે છે કે “હું ધર્મ, ભગવાન કે એવી કોઈ ચીજમાં વિશ્વાસ નથી કરતો, જેનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ ન હોય… બિકાઝ, યુ સી, “ધર્મ સિર્ફ તોડતા હૈ, સંસ્કૃતિ હમેં જોડતી હૈ.” હમ્મમમમમ.
-અને અફઘાનિસ્તાનમાં થયેલો ફિલ્મનો ઉઘાડ લાગે બી છે પ્રૉમિસિંગ, પણ પછી રામ સેતુ ભગવાન શ્રીરામ દ્વારા બનેલો કે નહીં એની ખોજ કરવા આર્યનભાઈ નીકળે છે એ સાથે ફિલ્મ ધીરે ધીરે તળિયા તરફ ગતિ કરતી જાય છે ને એક તબક્કે સર્વાઈવર કે ટ્રેઝર હન્ટ ટાઈપના નબળા ટીવી-રિઆલિટી શો જેવી બનીને રહી જાય છે.
કહેવાનું, રાધર પૂછવાનું એ જ કે, ભારતમાં દક્ષિણ-પૂર્વી કાંઠા પર રામેશ્વરમ્ અને શ્રીલંકાના ઉત્તર-પશ્ચિમ તટ પર મન્નાર દ્વીપ સુધીના સેતુને ઍડમ બ્રિજ નામ કેવી રીતે મળ્યું, ભગવાન શ્રીરામ હતા કે નહીં, રામાયણ એક મહાકાવ્ય નહીં, બલકે ઈતિહાસ છે, જેવા અનેક મુદ્દા હાથ ધરવાને બદલે સર્જકે કેવળ રામ સેતુ પર લક્ષ્ય રાખ્યું હોત તો? વળી જે ઝડપે આર્યન ભારતથી શ્રીલંકા અને ત્યાં પણ અશોક વાટિકા અને રામ જાણે, ક્યાં ક્યાં પહોંચીને સબૂત ભેગા કરવા માંડે, સબૂતના ગૂઢાર્થ ઉકેલવા માંડે એ જરા વધારે પડતું લાગે. ખાસ તો, આરંભમાં જ અંત શું હશે એનો ખ્યાલ આવી જાય પછી દર્શક તરીકે ફિલ્મમાંથી રસ, નેચરલી, ઊડી જાય. બાય ધ વે, નુસરત ભરૂચા બની છે પ્રોફેસર અને મિસિસ કુલશ્રેષ્ઠ, જ્યારે જૅકલિન ફર્નાન્ડીસ છે આર્યન સાથે ખોજ પર નીકળેલી એક્સપર્ટ ડૉ. સૅન્ડ્રા રિબેલો, તેલુગુ સિનેમાનો ઍક્ટર સત્ય દેવ બન્યો છે શ્રીલંકન ટુરિસ્ટ ગાઈડ, જે આર્યન-સૅન્ડ્રાને હેલ્પ કરે છે…
લેખક-દિગ્દર્શક અભિષેક શર્મા અને ક્રિયેટિવ પ્રોડ્યુસર ડૉ. ચંદ્ધપ્રકાશ દ્વિવેદીનું લખાણ ક્યાંક ક્યાંક હૃદયને જરીક સ્પર્શીને ફટાક્ કરતું ફસકી જાય છે. આખી ફિલ્મ રામનામવાળા તરતા પથ્થરની આસપાસ ફરે છે, પણ બે-અઢી કલાક ફિલ્મને કેવી રીતે સ્મુધલી તરતી રાખવી એનો સર્જકોને ખ્યાલ હોય એવું લાગતું નથી. ટૂંકમાં ઓણ સાલની બન્ને દિવાળી-રિલીઝ, મારા માટે ફૂસકી બૉમ્બ જેવી નીકળી.
