હાર્યું કોણ? ઈશિત કે આપણે?

હમણાં એક મિત્ર સાથે અમસ્તા જ ગપ્પાં ચાલી રહ્યાં હતાં. ટોક-વિધિન-ટોકમાં એણે કહ્યું કે એના મોટા ભાઈનો 14 વર્ષનો દીકરો બહુ સારું ગાય છે. શાસ્ત્રીય સંગીતની પદ્ધતિસરની તાલીમ પણ લીધી છે. થોડા સમય પહેલાં ટેલિવિઝન માટે પ્રોગ્રામ બનાવતા એક પ્રોડક્શન હાઉસે એમના આગામી સિગિંગ રિઆલિટી શો માટે એનો સંપર્ક સાધ્યો. છોકરાનો અવાજ, રજૂઆતની છટા, સ્ક્રીન પ્રેઝન્સ બધું એમને ગમી ગયું, પણ… છેલ્લે વાત અટકી એના ફેમિલી બેકગ્રાઉન્ડ પર. ટીવીચેનલવાળાનું કહેવું હતું કે છોકરાની લાઈફ એકદમ સીધેસીધી જાય છે, કોઈ ઉતારચઢાવ નથી, કોઈ સંઘર્ષ નથી, આથી એ શો પર રોદણાં રડી નહીં શકે ને જો એ રોદણાં નહીં રડે તો દર્શકને મજા નહીં આવે. આમ, એનું પત્તું કપાઈ ગયું.

આજે ભારતીય ટીવીની કોમેડી એ છે કે ડેઈલી સિરિયલમાં ડ્રામા નથી ને જેમાં ડ્રામાની જરૂર નથી એ રિઆલિટી શોમાં નકરો ડ્રામો હોય છે. દાખલા તરીકે, અમે પશ્ચિમ બંગાળના ગામડામાંથી આવીએ છીએ… મા-દીકરીને ડાન્સનો બહુ શોખ, પણ પિતા સખ્ખત વિરુદ્ધ છે… છતાં મહેનત કરીને, એમનાથી છુપાઈને અહીં સુધી (સ્પર્ધામાં) પહોંચ્યાં. પછી અચાનક પિતાને વિડિયો-કોલિંગથી કે સદેહે કાર્યક્રમમાં લાવવાના. એ કબૂલે કે મારી ભૂલ હતી… બધાં રડે, નિર્ણાયકોની આંખો પણ ભીની થાય… ચાલ્યા કરે મારા ભઈ. અથવા મને બચપનથી ગાવાનો શોખ, પણ હારમોનિયમ ખરીદવાના પૈસા નહોતા એટલે પારકાં ઘરનાં કામ કરતી માએ એનું ઘરેણું વેચીને હારમોનિયમ અપાવ્યું, વગેરે.  

ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ પણ થોડા સમયથી ડેઈલી સિરિયલ બની ગઈ છે. નાટકીયવેડાસ્પર્ધકોની અંગત જિંદગાનીનું ઈમોશનલ કથાકથન, વગેરેથી કાર્યક્રમને ટીવીસિરિયલ જેવો બનાવવાના પ્રયાસ થાય છે. સિંગિંગ, ડાન્સિંગ રિઆલિટી શોની જેમ કેબીસીમાં પણ બાળકો (કેબીસી જુનિયર) આવવા માંડ્યાં છે.  

આજકાલ ઈન્ટરનેટ પર, સોશિયલ મિડિયામાં અમદાવાદના ઈશિત ભટ્ટ નામના દસ વર્ષના કેબીસીના સ્પર્ધક પર લોકો આદું ખાઈને પાછળ પડી ગયા છે. અન્ય બાળસ્પર્ધકોની જેમ ઈશિત પણ ઊર્જાવાન, ચપળ દેખાતો હતો, પણ પછી, ટ્રોલિંગ ટોળકીના કહેવા મુજબ, એના ચાપલ્યમાં ચાંપલાઈ ભળી. પણ એ જેવો હતો એવો ને એટલો એ લાઈવ પેશ આવ્યો.

ઈશિતે શરૂઆતના થોડા સવાલના સાચા જવાબ આપ્યાપણ એક પ્રશ્નનો ખોટો ઉત્તર આપતાં, એણે ઘેર જતા રહેવું પડ્યું- ઈનામનો એક પણ રૂપિયો લીધા વિના.

તરત જ અભિપ્રાય આવવા માંડ્યા. ઘરમાં કે મિત્રો સાથે ઈશિતનું વર્તન સ્વીકાર્ય લાગેપણ જ્યારે એ સૂત્રસંચાલક અમિતાભ બચ્ચન સામે અને ખાસ તો, લાખો દર્શકો સામે ટીવી પર આવેત્યારે એનું વર્તન જજમેન્ટનો વિષય બની ગયો.

હા, ઈશિત સોશિયલ મિડિયા પર સાઈબર-બુલિંગનો શિકાર બન્યો છે. એની મજાક ઉડાડવામાં આવી, એના મીમ્સ બન્યા, એને ઈન્ટરનેટ પર ન-જોઈતો બાળક કહીને વગોવવામાં આવ્યો… અરે ટ્રોલિંગ ટોળીએ એનાં માતા-પિતાને પણ છોડ્યાં નહીં. માત્ર એટલા માટે કે, ટીવી પર એનું વર્તન પરફેક્ટ નહોતું.   

કમોન યાર, એ દસ વર્ષનો બાળક છે. ઈશિત કે એનાં મમ્મી-પપ્પા વિશે અભિપ્રાય બાંધી ચુકાદો આપનારા આપણે કોણ? એ એપિસોડ બાદ એનાં મમ્મી-પપ્પાએ એને પોતાની મેળે સમજાવ્યો જ હશે.

ખરું જોતાં રિઆલિટી શોની અસલ કમાણી આ છેઃ એક બાજુ ટેલન્ટને સેલિબ્રેટ કરવાની, બીજી તરફ એમાં ભાગ લેનારાની નબળાઈમાંથી ડ્રામો રચવો. ઈશિતનો કિસ્સો આનાથી અલગ નથી. કેબીસી જુનિયરના બીજા કોઈ એપિસોડમાંઆત્મવિશ્વાસી સ્પર્ધક મોટી રકમ (પોઈન્ટ્સ) જીતવાનું ચૂકી ગયો. તરત જ કેમેરા એનાં મમ્મી-પપ્પાના નિરાશ ચહેરા પર ફોકસ થયો… પછી છોકરાએ પાછળ વળીને જોયું. આંખોમાં પસ્તાવો જાણે એને લાગ્યું કે એણે પરિવારને નિરાશ કરી દીધો. આ ગણતરીની સેકંડ્સ ઘણું બધું કહી જાય છેઆપણી અપેક્ષા વિશેઆપણી વધપુડતી આકાંક્ષા વિશેબાળકની પીડા વિશે અને, ખાસ તો, આ બધું ટીવીચેનલવાળા પોતાના ફાયદા માટે વાપરે છે એ વિશે.

આજે વિદેશી ટીવીચેનલો પર કોઈ એશિયન બાળક બ્રેકફાસ્ટ શોમાં મોઝાર્ટ વગાડે છે, કોઈ મેથ્સના જટિલ પ્રોબ્લેમ સોલ્વ કરે છે, કોઈ સ્પેલિંગના દસ એવોર્ડ જીતી ગયો… આવાં બાળકોનાં વિડિયો વાયરલ થાય છે ત્યારે આપણે આપણાં બાળકો પર એમના જેવાં, અસાધારણ બનવાનું એક છાનુંછપનું દબાણ મૂકી દેતા હોઈએ છીએ.

કદાચ સાચો પ્રશ્ન એ નથી કે આ બાળકો કેટલાં બુદ્ધિશાળી છે સાચો પ્રશ્ન એ છે કે, એ બાળકો હારી જાય છે ત્યારે આપણને કેમ આનંદનો અનુભવ થાય છે?

અને ઈશિત નથી હાર્યો. હાર્યા તો આપણે છીએ.