ગઈ કાલે એટલે 24 ઑક્ટોબરે મામીએ એક વર્ષ માટે વિદાય લીધી. ના ના, મારાં મામીની વાત નથી કરતો. MAMI એટલે મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ… મુંબઈમાં યોજાતા આ ઈન્ટરનેશનલ ફેસ્ટિવલમાં દેશ-વિદેશથી ઘણી સારી ફિલ્મો હતી, જેમાં ખાસ તો કાન્સ ગજવી આવેલી પાયલ કાપડિયાની ‘ઑલ વી ઈમેજિન એઝ લાઈટ’, યુકેની ઓસ્કાર એન્ટ્રી ‘સંતોષ’ અને ડિમ્પલ કાપડિયાને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ‘ગો નોની ગો’.
ફેસ્ટિવલના પાંચમા દિવસે, 23 ઑક્ટોબરે, ‘ગો નોની ગો’ ફિલ્મનો ગ્રાન્ડ પ્રીમિયર યોજાઈ ગયો. આ ફિલ્મ ટ્વિન્કલ ખન્નાએ ‘અપ્લોઝ એન્ટરટેન્મેન્ટ’ અને ‘એલિપ્સિસ એન્ટરટેન્મેન્ટ’ સાથે મળીને પ્રોડ્યુસ કરી છે અને એ ટ્વિન્કલની જ લઘુ કથા ‘સલામ નોની આપા’ પરથી બની છે. ટ્વિન્કલ ખન્ના દ્વારા લિખિત, 2016માં પ્રકાશિત ‘ધ લિજન્ડ ઓફ લક્ષ્મી પ્રસાદ’ ચાર વાર્તાનો સંગ્રહ છે, જેમાંની એક છે ‘સલામ નોની આપા’. ઢળતી ઉંમરે સ્નેહ પામવા વિશેની આ વાર્તા ટ્વિન્કલનાં નાનીમા (ચુનીભાઈ કાપડિયાનાં પત્ની બિટ્ટી) અને એમનાં બહેનના સંબંધ પર આધારિત છે.
સંયોગથી ‘સલામ નોની આપા’ વાર્તા પરથી એ જ શીર્ષક ધરાવતા અંગ્રેજી નાટકનો ત્રણેક મહિના પહેલાં ‘એનસીપીએ’ માં પ્રીમિયર યોજાયો. લિલેટ દુબે દિગ્દર્શિત નાટકમાં લિલેટ દુબે, જયતિ ભાટિયા, યતીન કર્યેકર, દર્શન જરીવાલા છે.
ફિલ્મના ગ્રાન્ડ પ્રીમિયરમાં ડિમ્પલ કાપડિયાને દીકરી-જમાઈ ટ્વિન્કલ-અક્ષયકુમાર સાથે ઘણા સમય બાદ જોવા-મળવાનું થયું. માનવ કૌલ, રોહન મેહરા, ડિરેક્ટર સોનલ ડબરાલ, વગેરે પણ હતાં.
સ્ક્રીનિંગ બાદ પ્રશ્નોત્તરીમાં અક્ષયે મજાકમાં કહ્યું કે “મારે આ ફિલ્મ બીજી વાર જોવી પડશે, કારણ કે આજે તો ટ્વિન્કલ થોડી થોડી વારે મને કોણી મારી મારીને પૂછ્યા કરતી હતીઃ કેવી લાગે છે કેવી લાગે છે એટલે હું જોઈ નથી શક્યો”.
ફિલ્મની વાત કરીએ તો એ હૃદયસ્પર્શી તેમ જ વિચારમાં પાડી દે એવી છે. પ્યારનો ઓચ્છવ ઊજવતી હળવીફૂલ રોમાન્ટિક કોમેડી જીવનમાં એક સાહચર્યની જરૂરિયાત તથા સેકન્ડ ચાન્સ વિશેની ફિલ્મ છે. ફિલ્મ પચાસ વટાવી ચૂકેલી મહિલા નોનીની આસપાસ ફરે છે, જેની એકમાત્ર સાથી છે એની બહેન બિન્ની. વાર્તામાં જ્યારે એક યોગ પ્રશિક્ષક (માનવ કૌલ)નો પ્રવેશ થાય છે ત્યારે અનપેક્ષિત રોમાન્સ પાંગરે છે જે, સમાજે બનાવેલા માપદંડોને પડકારે છે.
ફિલ્મમાં રમૂજ છે. ખડખડ હસાવતી કોમેડી નહીં, પણ રમૂજ…અને રમૂજ ફિલ્મના લાગણી વિશેના થિમ સાથે પરફેક્ટ બેસે છે. ડિમ્પલ કાપડિયા બન્યાં છે નોની, જ્યારે આયેશા રઝા બન્યાં છે નોનીનાં સિસ્ટર બિન્ની.
ડિમ્પલ, આયેશા રઝા ઉપરાંત માનવ કૌલ, અને આથિયા શેટ્ટી પણ છે. સોનલ ડબરાલે ફિલ્મ લખીને ડિરેક્ટ કરી છે, નિખિલ સચાન છે સહલેખક. સોનલભાઈ પોતે ઍડવર્ટાઈઝિંગ સૃષ્ટિમાંથી આવે છે, આ એમની પહેલી ફિલ્મ છે. રસપ્રદ વાત એ કે ગો નોની ગોમાં સૂત્રધાર તરીકે અવાજ આપ્યો છેઃ કરણ જોહરે. નોની (ડિમ્પલ કાપડિયા) લાલ કલરની જૂની ફિયાટ હંકારે છે, જેનું (કાર)નું નામ છે બસંતી. આ બસંતીનો સ્વર છે કરણ જોહરનો.
ટૂંક સમયમાં ગો નોની ગો સીધી ઓટીટી પર રિલીઝ થશે.