બોલ બોલ કરવાથી બૉક્સ ઑફિસ છલકાઈ જાય?

 ફરી પાછી ન્યુઝમાં છે. એ એટલે કંગના રણોટ. કંગના માટે એવું કહેવાય છે કે કાં લડ કાં લડનારો દે એ કહેવત એના પરથી જ પડી છે. હવે તો સોશિયલ મિડિયા પર એવુંય ચર્ચાઈ રહ્યું છે કે જો કોઈને ફૉલોઅર વધારવા હો તો કંગનાની તરફેણમાં કાં એની વિરુદ્ધમાં લખવું. આજકાલ એ સમાચારમાં છે આ કારણસરઃ ઈઝરાયલ-પૅલેસ્ટિન ક્રાઈસીસ મુદ્દે એણે ઈઝરાયલ મિલિટરીના ગાઝા પટ્ટી પરના હુમલાનાં વખાણ કર્યાં. આનાથી કંઈકેટલા ઈન્ટરનેટ-યુઝર્સ નારાજ થઈ ગયા, જેમાંના એક ક્રિકેટર ઈરફાન પઠાણ પણ છે…

પણ ના, આપણે એ વિશે નથી લખવું.

સૌ જાણે છે કે ભડભડિયણ કંગનાનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ થઈ ગયું છે. બંગાળની ચૂંટણીનાં પરિણામ બાદ ત્યાં થયેલી હિંસાના સંદર્ભમાં એણે ટ્વિટર પર હિંસામાં ભડકો થાય એવું લખી નાખ્યું ને ટ્વિટરવાળાએ એનું અકાઉન્ટ કાયમ માટે બંધ કરી કાઢ્યું.

 

ના, આપણે એ વિશે પણ નથી લખવું.

વાત જાણે એમ છે કે ગઈ 28 એપ્રિલે કંગનાની કારકિર્દીની પહેલી ફિલ્મ ગેંગસ્ટર રિલીઝ થયાને 15 વર્ષ થયાં. આજના જમાનાના શિરસ્તા પ્રમાણે કંગનાએ પહેલી ફિલ્મની સ્મૃતિ વાગોળતાં વાગોળતાં અચાનક જ પોતાની સરખામણી શાહરુખ ખાન સાથે કરી નાખી. પોતાની સ્ટ્રગલને શાહરુખની સ્ટ્રગલ સાથે સરખવાતાં બહેને એવું કહ્યું કે અત્યાર સુધીની જો કોઈ બિગેસ્ટ સક્સેસ સ્ટોરી હોય તો એ મારી ને શાહરુખની છે. પછી પોતાની પોતાનો અસલ રંગ બતાવતાં આગળ કહ્યુઃ જો કે શાહરુખનાં માતા-પિતા તો ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલાં હતાં ને એ દિલ્હીની કૉન્વેન્ટ સ્કૂલમાં ભણેલોગણેલો, જ્યારે હું તો હિમાચલ પ્રદેશના એક નાના ગામડામાંથી આવેલી અને અંગ્રેજીનો એક અક્ષર આવડવો તો બાજુએ, ભણતર પણ કંઈ નહીં. કંગનાની આ વાત સાંભળીને એની પર શાબ્દિક હુમલો થાય એ સ્વાભાવિક હતું. કોઈએ એવું કહ્યું કે અભણ તો તું આજે પણ છો…

યાદ હોય તો હજી આ જ વર્ષના ફેબ્રુઆરીમાં કંગનાએ પોતાની સરખામણી હોલિવૂડની ત્રણ-ત્રણ વખત ઓસ્કર અંકે કરનારી ઍક્ટ્રેસ મેરિલ સ્ટ્રિપ સાથે કરી નાખેલી? શાહરુખ સાથેની સરખામણી પર પાછા ફરીએ તો, મોટા ભાગના ફિલ્મપ્રેમીને કંગનાની સૌથી બકવાસ વાત લાગી શાહરુખનાં માતા-પિતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હતાં એ. શાહરુખપ્રેમીએ એકઅવાજે એને પડકારતાં કહ્યું કે, શાહરુખે જેટલી હિટ આપી એનાથી અડધી તો આપી બતાવ.

વાત તો જાણે સાચી. કંગનાની કારકિર્દી પર એક ઊડતી નજર નાખીએ તો, છેલ્લા દોઢ દાયકામાં એની આશરે 28 ફિલ્મ આવી, જેમાંની 18 ફ્લૉપ. મધુર ભંડારકરની ફૅશન (2008) માટે નૅશનલ એવૉર્ડથી સમ્માનિત કંગનાની ક્વીન હીટ હતી, જ્યારે તનુ વેડ્સ મનૂ રિટર્ન્સ સુપર હીટ. બાકીની બધી ફિલ્મ કાં તો સેમી હીટ કાં એવરેજ. ઈવન મણિકર્ણિકાને પણ ફિલ્મ-બિઝનેસના પારખુ એવરેજની પંગતમાં મૂકે છે. હાલ કંગનાની થલાઈવી રેડી છે. ફિલ્મ ઍક્ટ્રેસમાંથી તામિલ નાડુની ચીફ મિનિસ્ટર બનેલી જે. જયલલિતાના જીવન પર આધારિત થલાઈવીને એના નિર્માતા એકસાથે 3 ભાષામાં રિલીઝ કરવા માગે છે. તો સર્વેશ મેવાડાની તેજસ નિર્માણાધીન છે, જેમાં એ ફાઈટર પાઈલટ તેજસ ગિલ બની છે.

હાલ કંગના કોવિડ-19થી પોઝિટિવ થઈને મુંબઈના ઘરે એકાંતવાસમાં રહે છે. વક્રતા એ છે કે એણે થોડા સમય પહેલાં એવું કહેલું કે કોરોના એ બીજું કંઈ નહીં, પણ મામૂલી ફ્લુ છે, જેને છાપાં-મૅગેઝિન-ચેનલવાળાએ વધુપડતું મહત્વ આપી દીધું. આ જ વાત કંગના માટે પણ કહી શકાય ખરી? કે કંગના એક એવરેજ ઍક્ટ્રેસ છે, જેને મિડિયાએ વધુપડતું મહત્વ આપી દીધું! જો કે કોરોનાને મામૂલી ફ્લુ ગણાવવાની ચેષ્ટા ઈન્સ્ટાગ્રામને પણ પસંદ પડી નથી. હવે જોઈએ, અહીં એ કેટલો સમય ટકે છે.

કેતન મિસ્ત્રી