ફૅમિલી મૅન: દ્વિતીય અધ્યાય… દ્વિતીય તાંડવ

પ્રતીક્ષામાં ‘તી’ દીર્ઘ હોય છે, કારણ કે પ્રતીક્ષા હંમેશાં લાંબી જ હોય છે. (હેંહેંહેં)… કહેવાનું તાત્પર્ય એ કે લાંબી રાહ જોવડાવ્યા બાદ છેવટે ‘પ્રાઈમ વિડિયો’એ એની બહુચર્ચિત વેબસિરીઝ ‘ફૅમિલી મૅન-ટુ’ના બીજા અધ્યાયયની જાહેરાત કરી એનું ટ્રેલર રિલીઝ કર્યું.

મામરો બદામનું નિયમિત સેવન કરનારા વેબસિરીઝ-ચાહકોને યાદ હશે જ કે ‘ફૅમિલી મૅન’ની સેકન્ડ સીઝન આ વર્ષના આરંભે રિલીઝ થવાની હતી, પણ ત્યાં પ્રાઈમ વિડિયોની અન્ય એક શ્રેણીએ તાંડવ મચાવ્યું. સૈફ અલી ખાનની મુખ્ય ભૂમિકાવાળી, ભારતીય રાજકારણની પૃષ્ઠભૂવાળી, અલી અબ્બાસ ઝફર દિગ્દર્શિત ‘તાંડવ’નાં અમુક દશ્યો સામે અમુક લોકોની લાગણી દુભાઈ, જેને પગલે સર્જકો તથા ઓટીટી પ્લૅટફૉર્મના કર્તાહર્તા સામે પોલીસકેસ થયા, મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચતાં એમણે માફી માગી લીધી. હવે આવા વાતાવરણમાં ‘ફૅમિલી મૅન-2’ રિલીઝ ક્યાં કરવી? એવું વિચારી પ્રાઈમ વિડિયોએ ચારેક મહિના એને હાર્ડડિસ્કમાં જ રહેવા દીધી. હવે, ‘તાંડવ’વાળી વાત વીસરાઈ ગઈ છે એવું લાગતાં 4 જૂનથી ‘ફૅમિલી મૅન-2’ દેખાડવાની જાહેરાત કરી બુધવારે (19 મેએ) ટ્રેલર રિલીઝ કર્યું.

-પણ સબૂર! આ શું? આમાંય પ્રોબ્લેમ?

ટ્રેલર જોતાંવેંત દક્ષિણ ભારતીયો ખાસ કરીને તમિળોમાં ગુસ્સો જોવા મળ્યો. “આ નવી સીઝન તો શ્રીલંકામાં દાયકાઓથી પોતાનાં હિત માટે લડી રહેલા તમિળોની વિરુદ્ધ છે” એવો એની પર ઈલ્ઝામ લાગ્યો, ગણતરીની પળોમાં ટ્વિટર આક્ષેપ-પ્રતિઆક્ષેપથી ધણધણી ઊઠ્યું. ખાસ તો એ વાતે વાંધો ઉઠાવવામાં આવ્યો કે તમિળ વિદ્રોહીઓને પાકિસ્તાની જાસૂસી સંસ્થા ‘આઈએસઆઈ’ સાથે સાંકળ્યા?

કહે છે કે ‘તાંડવ’વાળી થઈ એ પછી લાગતાવળગતાઓએ ‘ફૅમિલી મૅન’ની સેકન્ડ સીઝનના બધા એપિસોડ વારંવાર, લગાતાર જોયાઃ સાલ્લું, આમાં વિવાદ ટાઈપનું તો કંઈ નથીને? એમ પણ ચર્ચાય છે કે અમુક સીન કાઢવામાં આવ્યા, અમુક નવેસરથી શૂટ કરવામાં આવ્યા. અફ કોર્સ, ‘પ્રાઈમ વિડિયો’ તરફથી આની કોઈ પુષ્ટિ મળતી નથી.

વિવાદ બાજુએ મૂકીએ તો, સેકન્ડ સીઝનનું ટ્રેલર ઈન્ટરેસ્ટિંગ લાગે છેઃ પહેલી સીઝન જેવી જ, પણ બેટર. બાકી, ઈન્ડિયામાં બનેલી વેબસિરીઝોની  (મોટા ભાગની) સેકન્ડ સીઝન નિરાશાજનક જ રહી છે. પછી એ ‘સેક્રેડ ગેમ્સ’ હોય ‘મિરઝાપુર’ હોય ‘હોસ્ટેજીસ’ હોય કે ‘બ્રેથ’ હોય. હા, અંગત રીતે મને ‘ગુલ્લક’ની બીજી સીઝન પહેલી કરતાં સારી લાગી.

આપણે ‘ફૅમિલી મૅન’ની વાત કરતા હતા. આ સિરીઝ શ્રીકાંત તિવારી (મનોજ બાજપાઈ)ની આસપાસ ફરે છે. શ્રીકાંતની પત્ની સુચિત્રા (પ્રિયમણિ) તથા એમનાં સંતાનોને ખબર નથી કે એ (શ્રીકાંત) દેશની ઈન્ટેલિજન્સ સર્વિસમાં જાસૂસ છે. બીજા અધ્યાયમાં શ્રીકાંતનો સામનો રાજી નામની ‘ન્યુ ફેસ ઑફ ડેન્જર’ સામે છે. રાજીનું કૅરેક્ટર તેલુગુની અતિલોકપ્રિય ઍક્ટ્રેસ સામન્થા અક્કીનેની ભજવે છે. સામન્થા આ શોથી ડિજિટલ મનોરંજનસૃષ્ટિમાં મંગળ પ્રવેશ કરી રહી છે.

આ સિરીઝના સર્જકો રાજ નિદિમોરુ અને ક્રિશ્ના ડીકે (રાજ-ડીકે) ઉત્તમ કથાકાર છે. તેજ ગતિએ ભાગતી થ્રિલરમાં વચ્ચે વચ્ચે રમૂજના છંટકાવ કરતા રહે છે. કામના બોજ તળે શ્રીકાંતનું લગ્નજીવન ભંગાણના આરે છે. સેકન્ડ સીઝનમાં વાત વકરે છે ને એમને ફૅમિલી કાઉન્સેલર પાસે જતાં બતાવ્યાં છે. એક સીનમાં સુચિત્રા કહે છે કે “આપણાં લગ્ન ‘શૅમ’ બની ગયા છે.” ત્યારે શ્રીકાંત ગૂગલ પર ચેક કરે છે કે શૅમનો અર્થ શું થાય (બોગસ). બીજા સીનમાં એને મિલેનિયલ્સ તરીકે ઓળખાતી આજની પેઢીનાં પ્રિય ટૂંકાં સ્વરૂપ  (FOMO, LOLO, ROFLO)ના ધજાગરા ઉડાડતો બતાવવામાં આવ્યો છે.

વિવાદ કહો કે ઉત્કંઠા, બિન્જ વૉચિંગ એટલે કે એકસાથે બધા એપિસોડ્સ જોવાની પંગતમાં બેસતી ‘ફૅમિલી મૅન-ટુ’ની આસપાસ કુતૂહલતાનું જાળું રચાયું છે એ ચોક્કસ. હવે એ મારા જેવા લાખ્ખો દર્શકોની અપેક્ષા સંતોષે છે એનો 4 જૂને ફેંસલો.

(કેતન મિસ્ત્રી)