કોરોનામાં ક્રિએટિવ ક્રાંતિ

ચાલો ત્યારે… છેવટે ઘીના ઠામમાં ઘી પડી રહ્યું. ‘મોજમસ્તી…’ના જે વાચકો આ સબ્જેક્ટ માટે મોડા છે એમને માટે ઝડપી રિરનઃ ગયા રવિવારે રાતે લૉસ એન્જલિસમાં ઓસ્કાર એવૉર્ડ એનાયત સમારંભમાં પત્ની જેડાના કેશકલાપ વિશેની મજાકથી ગુસ્સે ભરાયેલા હોલિવૂડ ઍક્ટર વિલ સ્મિથે સ્ટેજ પર ચડી જઈને સમારંભના સંચાલક કૉમેડિયન ક્રિસ રૉકને અડબોથ ઠોકી દેતાં વિવાદ સર્જાયેલો.

એ પછી, અંતરમાં પશ્ચાત્તાપનો ઝરો ફૂટી નીકળતાં વિલભાઈએ બીજા દિવસે ઈન્સ્ટાગ્રામ પર ક્રિસભાઈની માફી માગીઃ “બોલ્યું-ચાલ્યું-કર્યું-કારવ્યું માફ. મારાથી આમ હાથ ઉપાડાય જ નહીં, વગેરે વગેરે…” આમ કહીને, રાધર લખીને, એણે હાલપૂરતો વિવાદનો અંત આણ્યો. આગળ ખબર નહીં.

જો કે આપણો ટોપિક વિલભાઈએ કૉમેડિયન ક્રિસભાઈને ઝીંકેલો લાફો નથી. મુદ્દો છે મોટા પરદા અને નાના પરદાની હુંસાતુંસીનો. છેલ્લા થોડા સમયથી હોલિવૂડના માંધાતા નિર્માતા, થિએટરમાલિકો ‘નેટફ્લિક્સ,’ ‘એમેઝોન’ જેવા ઓટીટીવાળાને પછાડવા હવાતિયાં મારી રહ્યા છે, પણ અત્યારે તો એવું લાગે છે કે લડાઈ એ લોકો ઑલમોસ્ટ હારી બેઠા છે.

ઍક્ટર વિલ સ્મિથે બવાલ કરી એ 94માં એકેડમી એવૉર્ડ્સનું જ ઉદાહરણ લ્યોઃ આ વખતે બેસ્ટ પિક્ચરનો એવૉર્ડ મેળવનારી ‘કોડા’ ઓટીટીની ફિલ્મ છે, ‘ઍપલ ટીવી પ્લસ’ની ફિલ્મ છે. મોંઘાદાટ આઈફોન, આઈપૅડ, મૅક કમ્પ્યૂટર બનાવતી કંપની ‘ઍપલ’વાળાની 2019માં શરૂ થયેલી ઑનલાઈન સ્ટ્રીમિંગ સર્વિસે ઈતિહાસ સરજ્યો એમ કહી શકાય. કેમ કે ઓસ્કારની ગોલ્ડન ટ્રોફી મેળવનારી સ્ટ્રીમિંગ પ્લેટફોર્મની આ પહેલી ફિલ્મ.

-અને ગમ્મત જુઓઃ ‘કોડા’ની કટ્ટર પ્રતિસ્પર્ધી ફિલ્મ હતીઃ ‘નેટફ્લિક્સ’ની ‘ધ પાવર ઑફ ધ ડૉગ.’

(કોડા)

આમ તો ઓસ્કારવાળાનો કાયદો છે કે થિએટરમાં રિલીઝ થઈ હોય એ ફિલ્મને જ નૉમિનેટ કરવામાં આવશે. ‘કોડા’ અને ‘ધ પાવર ઑફ ધ ડૉગ,’ અલબત્ત, થિએટરમાં રિલીઝ થઈ, પણ નામપૂરતી. કહો કે ઓસ્કારવાળાનાં મન રાખવા જ. બાકી ‘નેટફ્લિક્સ,’ ‘એમેઝોન,’ ઍપલ ટીવી પ્લસ અને એના જેવી સ્ટ્રીમિંગ સર્વિસને હવે હાઈબ્રીડનો સરસ ફાવતો રસ્તો મળી ગયો છેઃ થિએટરમાં અને ઓટીટી, બન્ને પર રિલીઝ કરવાની. અફ કોર્સ, થિએટરમાં તો નામ કે વાસ્તે જ રિલીઝ કરવાની, ઓસ્કારની શરત પૂરી કરવા જ.

ઑગસ્ટ 2021માં ‘કોડા’નો ‘સનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલ’માં પ્રીમિયર યોજાયો તે પછી ‘ઍપલ ટીવી પ્લસે’ આશરે બે અબજ રૂપિયામાં એ ખરીદી લીધી. જો તમારી પાસે લેટેસ્ટ આઈફોન હોય તો અત્યારે, આ ક્ષણે તમે તમારા ઘરમાં બેસીને ‘કોડા’ જોઈ શકો. અલબત્ત, પૈસા ચૂકવીને. ઓસ્કાર મેળવ્યા બાદ ‘ઍપલ ટીવી પ્લસે’ જાહેર કર્યું કે ‘કોડા’ થિએટરમાં પુનઃ રિલીઝ કરવામાં આવશે.

વસ્તુ એવી છે સાહેબ, કે છેલ્લાં બે વર્ષમાં, લૉકડાઉનના પગલે મનોરંજનની ભૂખ ભાંગવા, સમય પસાર કરવા આમતેમ નજર દોડાવી રહેલો એક નવો પ્રેક્ષકવર્ગ મળી ગયો ઓટીટીવાળાને. એક સમય હતો, જ્યારે ભારતમાં ગણ્યાંગાંઠ્યાં ઓટીટી પ્લેટફૉર્મ હતાં. હાલ આવાં ચાળીસથી વધુ મનોરંજનના મંચ ગ્રાહક મેળવવા ધક્કામુક્કી કરી રહ્યાં છે.

(ધ પાવર ઑફ ધ ડૉગ)

આ બધાં પ્લેટફૉર્મ પર એન્ટરટેન્મેન્ટનાં બત્રીસ પકવાન્ન પીરસવામાં આવે છેઃ કૉમેડી-ક્રાઈમ-ડ્રામા-સત્ય ઘટના-જીવનચરિત્ર-સ્પૉર્ટ્સ-ઈરોટિકા, વગેરે. અભિનેતા-અભિનેત્રી, લેખકો, સિનેમેટોગ્રાફરો, વગેરેને કામ મળી રહ્યાં છે. બીજી બાજુ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મના નિર્માતા-દિગ્દર્શકોને બે-અઢી કલાકની ફિલ્મમાં નથી મળતી એવી અવનવા એક્સપરિમેન્ટ કરવાની તક મળી રહી છે, અને તક ઝડપી લેવા એ લોકો રિસ્ક લઈ રહ્યા છે. કેમ કે એમની પાસે માત્ર થિએટરમાં ફિલ્મ જોનારો અમુક વર્ગનો જ પ્રેક્ષક નથી, બલકે દરેક ઉંમર, પ્રાંત, દેશની સરહદો વળોટીને પેલે પારનો દર્શક છે.

એક અંદાજ મુજબ 2021માં ભારતમાં બનેલી આશરે પિસ્તાળીસ ટકા જેટલી ઓટીટી ઓરિજિનલ (‘દસવી’ કે ‘શર્માજી નમકીન’ જેવી ઓટીટી માટે બનેલી ફિલ્મ) હિંદીમાં બની. બાકીની પંચાવન ટકા જેટલી ફિલ્મ પ્રાદેશિક તથા અંગ્રેજીમાં બની.

હવે ખુશખબર એ છે કે એક લાંબા અંતરાલ બાદ થિએટરો ફરી ધમધમતાં થઈ ગયાં છે અને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’થી લઈને ‘આરઆરઆર,’ ‘બૅટમૅન,’ ‘ધ કશ્મીર ફાઈલ્સ’ જેવી ફિલ્મ જોવા પ્રેક્ષકો ગિરદી કરી રહ્યાં છે. હવે જોવાનું એ રહે છે કે મનોરંજનભૂખ્યા દર્શકની ઓટીટી સાથેની નવી નવી દોસ્તી ટકી રહેશે કે પછી…?