છ કાને વાત જાય તે ખાનગી રહે નહીં

 

છ કાને વાત જાય તે ખાનગી રહે નહીં

 

મૂળ ચાણક્યએ કહેલ આ વાત છે. ચાણક્ય નીતિમાં કહ્યું છે તેમ

षट्कर्णे भिद्यते मन्त्रश्चतुष्कर्णः स्थिरोभवेत |

द्विकर्णस्य च मन्त्रस्य व्रह्माSप्यन्तं न गच्छति ||

એટલે કે જે વાત છ કાને પડે છે તેનો ભેદ શત્રુ સુધી પહોંચી જાય છે. વાત જ્યાં સુધી બે માણસ એટલે કે ચાર કાન સુધી જ મર્યાદિત રહે ત્યાં સુધી જ તે ખાનગી રહે. પણ છ અથવા વધારે કાને જે વાત પડે તે મોડા વહેલા બહાર આવી જ જતી હોય છે.

આનો સરળ ભાવાર્થ એ થાય કે જો તમે ઝાઝા માણસો વચ્ચે વાત કરો છો તો એ ગમે એટલા વિશ્વાસુ હોય ક્યાંકને ક્યાંક આ વાત બહાર આવી જશે એવું જોખમ તમે લો છો.

બીજા અર્થમાં ઝાઝા માણસોની હાજરીમાં જ્યારે વાત કરો ત્યારે એમ સમજીને ચાલો કે આ વાત મોડીવહેલી બહાર પડી જશે અને એ જો બહાર પડી જાય તો એના સંભાવિત જોખમો શું હોઇ શકે, એના સામે આગોતરી તૈયારી અથવા સાવચેતીરૂપે પાળ બાંધવી જોઈએ. કોઈ પણ વાત તમે ખાનગી રાખવા માંગતા હોવ તો એ સિદ્ધાંત ધ્યાનમાં રાખવો કે છ કાને વાત જાય એ ખાનગી રહે નહીં.

ઉપરોક્ત મંત્રમાં બીજી પંક્તિ ખૂબ જ અગત્યની છે. એનો અર્થ થાય અગર કોઈ રહસ્ય અથવા મંત્ર એક જ વ્યક્તિ સુધી સીમિત રહે તો સાક્ષાત બ્રહ્માજી પણ એનો ભરમ પામી શકતા નથી. અર્થાત આવી વાત ગુપ્ત જ રહે છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)