મામો મીંઢળ લેવા જાય તે…

મામો મીંઢળ લેવા જાય તે કન્યા પરણી જાય અને ઘેર છોકરાં થાય ત્યારે પાછો આવે !

 

આ કહેવત એવા લાહરીયા અથવા લબાડ માણસ માટે વપરાય જે બતાવેલું કામ ક્યારેય ગંભીરતાથી ન લે અને મોટાભાગે અવસર વીત્યા બાદ જ હાથ હિલોળતો પાછો આવે. લગ્ન વખતે માણેકસ્તંભ તેમજ કન્યાના હાથે બાંધવા માટેનું મીંઢળ બજારમાંથી લઈ આવવું એ વધુમાં વધુ 10 થી 15 મિનિટનું કામ છે.

આ બેજવાબદાર માણસ લગભગ અનિશ્ચિત કાળ સુધીનો વિલંબ થાય એવી બેદરકારી આ કામ જે લગ્ન વિધિ માટે ખૂબ જ અગત્યનું છે તેમાં દાખવે છે અને કન્યા પરણી જાય એટલું જ નહીં, પણ એના ઘરે પણ બાળકો રમતાં થાય ત્યારે એ ક્યાંકથી પાછો પ્રગટ થાય છે. અક્ષમ્ય બેદરકારી અને લબાડગીરીને ખૂબ હળવી પણ સચોટ રીતે કહેતી કહેવત.

(ડો.જયનારાયણ વ્યાસ) 

(જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવશે.)