માંકડમૂછો, ને માંજરો, જેને હૈડે ના હોય વાળ…

માંકડમૂછો, ને માંજરો, જેને હૈડે ના હોય વાળ,

તે જો સામે મળ્યો તો નિશ્ચે જીવનો કાળ

 

સામુદ્રિકશાસ્ત્ર શરીર અને એના વિવિધ અંગો ઉપરથી કેટલાક વરતારા કરે છે. મોટા ભાગે આ પ્રકારના વરતારા આધારિત જે કોઈ માન્યતાઓ ચલણમાં આવી હોય તેનું વૈજ્ઞાનિક સમર્થન મળતું નથી. કેટલાક આવી માન્યતાઓને અંધશ્રધ્ધા તરીકે પણ ખપાવે છે. આ બધી જ મર્યાદાઓ સાથે જે વર્ણન કરવામાં આવ્યું છે તેવો વ્યક્તિ સામો મળે તો એવા ભયાનક અપશુકન થાય કે વ્યક્તિ પાછો વળીને પોતાના ઘરે ના આવે એવું તારણ ઉપરની પંક્તિઓમાંથી નીકળે છે.

આ વર્ણન મુજબ જેને માંકડા જેવી મૂછો હોય, માંજરી આંખો હોય અને છાતીમાં વાળ ના હોય તેવો વ્યક્તિ સામે મળે તો એના શુકને જનાર પાછો વળીને પોતાના ઘરે નથી આવતો એટલે કે તેનું મૃત્યુ થાય એવા ભયાનક અપશુકન થાય છે.

બીજી સમાનર્થી પંક્તિઓ છે –

માંકડ મૂછો ને માંજરો, જેના હૈયે નહીં વાળજી

એના શકને રાજા જો જશો, નહીં ભાળો ઘર કે બારજી

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)