સામે પૂર જવું / સામા પૂરે તરવું |
વિપરીત પરિસ્થિતીમાં પોતાનું ધારેલું લક્ષ સિદ્ધ કરવા માટે મથવું અથવા અત્યંત કપરા સંયોગોમાં પણ વિચલિત થયા વગર ઊભી થયેલ પરિસ્થિતીનો સામનો કરી લડતા રહેવું એને આ કહેવત સાથે જોડ્યું છે. નદીના પાણીનો પ્રવાહ જે દિશામાં જતો હોય તેનાથી વિરુદ્ધ દિશામાં તરવું ખૂબ જ કઠિન હોય છે.
પાણીનું વહેણ જે દિશામાં હોય તે વહેણની સાથે સૂકું લાકડું અથવા મડદું પણ તરે છે. પણ વિપરીત પરિસ્થિતીમાં સામા પ્રવાહે તરીને પોતાના નિર્ધારિત લક્ષ પર પહોંચવું એ હિંમત, ધીરજ અને ક્ષમતા ત્રણેય વાના હોય તો જ શક્ય બને છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)