એક આંખ આંખમાં લેખું નહીં અને એક છોકરું છોકરામાં લેખું નહીં… |
મારે કોઈ ભાઈ કે બહેન નહોતાં. આ કારણથી મારી મા ક્યારેક મારા માટેની ચિંતારૂપે આ કહેવત વાપરતી. માણસને બે આંખ હોય છે. અંગ્રેજીમાં જેને ‘ફેક્ટર ઓફ સેફ્ટી’ એટલે કે સલામતી માટેનું માર્જિન કહીએ તો કદાચ એક આંખને કોઈ ઇજા થાય તો માણસ સાવ દ્રષ્ટિવિહીન બની જતો નથી.
દુનિયાને જોવા માટે એની પાસે હજુ એક આંખ સાબૂત છે. પણ જો એક જ આંખ હોય અને ન કરે નારાયણ એને કાંઈક ઇજા થાય તો વ્યક્તિની દુનિયા અંધકારમય બની જાય છે. આમ પેલી એક આંખને બચાવવા માટેની ચિંતા હમ્મેશા માણસને ઊભા મને જીવાડે છે. આ જ રીતે એક જ બાળક હોય અને તે સાજુંમાંદુ થાય ત્યારે મા બાપની ચિંતા અનેકગણી વધી જાય છે. આ સંદર્ભમાં આ કહેવત વપરાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)