ઉત્તર કોરિયા કેમ અચાનક સમાધાનની વાતો કરે છે?

યા મહિને દક્ષિણ કોરિયામાં વિન્ટર ઓલિમ્પિક્સ યોજાઈ હતી. તેમાં ઉત્તર કોરિયાના ખેલાડીઓ પણ ભાગ લેવા આવ્યાં હતાં. બંને દેશો વચ્ચે લાંબા સમયથી ખટરાગ અને છેલ્લે અમેરિકા દક્ષિણ કોરિયાની ભૂમિનો ઉપયોગ કરીને ઉત્તર કોરિયા પર હુમલો કરે તેવી સ્થિતિમાં સંબંધો વણસ્યા જ હતાં. ઉત્તર કોરિયામાં સરમુખ્યતારીની ત્રીજી પેઢી આવી છે. પ્રથમ પેઢીએ દેશને મુક્ત કરાવવાની લડતની આગેવાની લીધી હતી, પણ ત્રીજી પેઢીએ કશું ઉકાળ્યું નથી. ત્રીજી પેઢીના ભેજાંગેપ શાસક કિમ જોંગ ઉને પરીક્ષણ માટે મિસાઇલો એવી રીતે છોડી કે જાપાની શહેરોની ઉપરથી ભય પ્રસરાવતી પસાર થાય.આ સ્થિતિમાં હાલમાં અચાનક પરિવર્તન દેખાયું છે. દક્ષિણ કોરિયાના પ્રતિનિધિ અને ઉન વચ્ચે ગયા અઠવાડિયે મુલાકાત યોજાઈ, તે પણ સત્તાવાર નિવેદન પ્રમાણે ‘ખુલ્લા દિલે’; તેથી રાજદ્વારી વર્તુળો વિચારમાં પડી ગયા છે. ઉત્તર કોરિયાએ અણુક્ષમતા હાંસલ કરેલી છે અને છેલ્લે ઉપરાઉપરી પરીક્ષણો કર્યા, જેમાં હાઇડ્રોજન બોમ્બનું સફળ પરીક્ષણ પણ સામેલ હોવાની શંકા છે. આંતરખંડિય મિસાઇલોનું પણ પરીક્ષણ કર્યું છે, તેથી અહીંથી સીધા અમેરિકાના પશ્ચિમ કિનારા શહેરને અણુબોમ્બથી લદાયેલી મિસાઇલથી ઊડાવી દેશું તેવી ધમકીને ગંભીરતાથી લેવી પડી હતી. સામા પક્ષે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું વ્યક્તિત્ત્વ પણ કંઈ ભરોસાપાત્ર ઘણાને લાગતું નથી. અમારી પાસે તમારા કરતાં મોટું રમકડું છે એવું તેમણે કહ્યું એટલે વિશ્લેષકોએ કહ્યું કે આવી વ્યક્તિ અણુશસ્ત્રો સાથે ‘રમત રમે’ તો દુનિયાના રામ રમી જાય! અમે અણુક્ષમતા મામલે અને અણુનિયંત્રણ માટે ચર્ચા કરવા તૈયાર છીએ એવું નિવેદન આ મુલાકાત પછી ઉત્તર કોરિયામાંથી આવ્યું છે. દક્ષિણ કોરિયા સાથે સારા સંબંધો કેળવવાની રાબેતા મુજબની વાત ઉપરાંત અણુ મુદ્દે અમેરિકા સાથે ચર્ચાની તૈયારી છે એવી વાત કિમ જોંગ ઉને કરી તેની નોંધ લેવી પડે.

દક્ષિણ કોરિયાના સંરક્ષણ બાબતોના વડા ચુંગ ઇયુ-યોંગે કહ્યું કે જો તેમની સામેનો લશ્કરી આક્રમણનો ભય ટળી જતો હોય અને તેમની શાસન વ્યવસ્થાને ઉથલાવી નાખવાની ના હોય તો અણુ કાર્યક્રમ વિશે ચર્ચા ના કરવાનું કોઈ કારણ નથી. ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી હતી કે દક્ષિણ કોરિયામાં સેના મોકલવામાં આવશે અને ત્યાંથી ઉત્તરમાં હુમલો કરવામાં આવશે. તેના પગલે ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો શું થાય તેની ચિંતા દુનિયાભરમાં ફરી વળી હતી.
દુનિયાને ચિંતા થાય કે ના થાય, ઉત્તર કોરિયાને પણ ચિંતા થઈ હોવી જોઈએ. ટ્રમ્પની આબરૂ એવી છે કે તે આવું કોઈ સાહસ કરી પણ નાખે. અમેરિકા પર દૂરથી મિસાઇલો ફેંકવાના હોય અને અમેરિકાના વિમાનો દૂરથી આવીને બોમ્બમારી કરવાના હોય ત્યાં સુધીનો સિનારિયો ઠીક છે, પણ અમેરિકન દળો દક્ષિણ કોરિયાની જમીન પર ઉતરે, જાપાનનો પણ સહયોગ હોય અને જમીન માર્ગે હુમલો થાય તો સિનારિયો બદલાઈ જાય. જાપાને દાયકા પછી ફરી લશ્કરી તાકાત જમાવવાનું શરૂ કર્યું છે. ઉત્તર કોરિયાની જૂની પેઢી જાપાની સેનાની તાકાતનો બૂરો અનુભવ ભૂલી નથી.

બીજું આર્થિક પ્રતિબંધોની અસર લાંબા ગાળે થયા વિના રહેતી નથી. ચીનના સહયોગને કારણે કેટલાક અંશે અર્થતંત્રને દોડતું રાખી શકાય છે, પણ ચીને પણ વિશ્વ રાજકારણમાં પોતાની ભૂમિકા ભજવવાની છે. ચીન પણ લશ્કરી તાકાત સતત વધારી રહ્યું છે, પણ પોતાના પડખામાં જ લાખો નહીં, તો હજારો અમેરિકન સૈનિકો આવી ખડકાય તે સ્થિતિ ચીન માટે પણ ચિંતાજનક છે. અમેરિકા સાથે સીધી અથડામણ માટે તે હજી કદાચ તૈયાર નથી.

તેથી ચીનનું પણ દબાણ હોવાનું મનાય છે કે થોડો સમય કાઢી લેવો. ઉત્તર કોરિયાની પોતાની મજબૂરી અને સમજદારી એ છે કે થોડો સમય વાટાઘાટોમાં કાઢી નાખવો. આંતરિક સ્થિતિ કેવી છે તેનું સાચું ચિત્ર આટલા વર્ષો કદી મળ્યું નથી, પરંતુ વચ્ચે વચ્ચે ઉત્તર કોરિયાની માહિતી બહાર આવી જાય તે દર્શાવે છે કે બહુ સારી સ્થિતિ નથી.જે પણ સ્થિતિ હોય, અત્યારે ઉત્તર કોરિયાના મામલે ઊભી થયેલી તંગદિલી હળવી થઈ છે. પ્રતિસાદમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે પણ ટ્વીટ કર્યું હતું કે ઘણા વર્ષો પછી પહેલીવાર બધા જ પક્ષો ગંભીરતાથી પ્રયાસોમાં લાગ્યા છે. આશા ઠગારી પણ નીવડી શકે, પરંતુ અમેરિકા બંને રીતે (યુદ્ધ કે સમાધાન) આગળ વધવા મક્કમ છે. અમેરિકામાં કેટલાક ફેરફાર થયા છે. ઉત્તર કોરિયા માટેની નીતિ પર કામ કરનારા એક સિનિયર અમલદારે હમણાં જ અચાનક રાજીનામું આપી દીધું છે. આ બધી ગતિવિધિથી જાણકારો એવો અર્થ કાઢી રહ્યા છે કે બંને પક્ષો પર આંતરરાષ્ટ્રીય દબાણ હતું તેને હળવું કરવા અને ટાઇમ પાસ કરવા માટે કોશિશ થઈ રહી છે.તેનો અર્થ એ કે ઉત્તર કોરિયાના મુદ્દે કોઈ મોટો વળાંક હજી આવ્યો નથી. અમેરિકાની કે ઉત્તર કોરિયાની પોતાની નીતિ યથાવત જ રહી છે, પણ તાત્કાલિક તેમાં કોઈ ભડકો ના થાય તેની કાળજી હાલ લેવાની છે. એકવાર અણુશસ્ત્રો મેળવ્યા પછી તેનો ત્યાગ કરવાનું કોઈ દેશ માટે સહેલું નથી હોતું. ઇરાનને નિયંત્રણમાં રાખી શકાયું છે, પણ તે ફરી સક્રિય થાય તો અણુબોમ્બ બનાવવો તેના માટે અઘરો ના પણ રહે. તેની સામે ઉત્તર કોરિયા વર્ષોથી અણુક્ષમતા હાંસલ કરી ચૂક્યું છે અને તેમાં કુશળતા પણ પ્રાપ્ત કરી ચૂક્યું છે.

બીજા વિશ્વ યુદ્ધ વખતે અમેરિકાએ જાપાન પર બે અણુબોમ્બ ફેંક્યા હતા. પડોશી દેશમાં જ અણુશસ્ત્રોની વિકરાળતા કોરિયનોએ જોઈ હતી. તે વખતે કિમ ઇલ સુંગ સત્તામાં હતા. તેમને લાગ્યું હતું કે અમેરિકાનો સામનો કરવાનો એક માત્ર ઉપાય અણુશસ્ત્રો છે. કોરિયન યુદ્ધમાં અમેરિકા દખલગીરી કરે તો તકલીફ પડે. તેથી રશિયાની મદદથી અણુશસ્ત્રો વિકસાવાને પ્રાયોરિટી અપાઇ હતી. ત્યાંથી આગળ વધીને ગયા સપ્ટેમ્બરમાં હાઇડ્રોજન બોમ્બના પરિક્ષણ સુધી તે પહોંચ્યું છે. અમેરિકાને ધાકમાં રાખવા માટે અણુક્ષમતા ત્યજવી ઉત્તર કોરિયા માટે સહેલી નથી.

પણ હવે માત્ર યુદ્ધથી જ નુકસાન નથી થતું. અમેરિકા આર્થિક શસ્ત્રનો વધારે અસરકારક ઉપયોગ કરે છે. અમેરિકા અને તેના સાથી યુરોપિયન દેશો, જેમણે એક જમાનામાં સામ્રાજ્યવાદથી દુનિયા પર કબજો રાખ્યો હતો; તે દેશો હવે આર્થિક ઉપાય અજમાવી દુનિયાને કાબુમાં રાખે છે. આર્થિક પ્રતિબંધના કારણે ઇરાનની કમર તૂટી ગઈ અને તેણે અણુકાર્યક્રમ ત્યજવો પડ્યો છે. ઉત્તર કોરિયા તેનાથીય નાનો દેશ છે અને ઇરાન જેવી ઓઇલની આવક પણ નથી. પડોશમાં માત્ર ચીન સાથે સારા સંબંધો છે અને રશિયા પહેલા જેવી મહાસત્તા પણ નથી. તેથી આર્થિક યુદ્ધ વધારે ભારે પડે તેમ છે.

હવે વધારે અણુ પરીક્ષણો કરવાની જરૂર નથી. મિસાઇલો ઉડાવીને ઉન પોતાના દેશના લોકોને પોતાની તાકાત બતાવવા માગતા હતા. તેવી તાકાત હાલમાં સ્થાનિક ધોરણે પણ દેખાડવાની તેમને જરૂર નથી. તેથી નાહકની આર્થિક નુકસાની ભોગવવાની જરૂર નથી એવી ડાહી સલાહ તેમને મળી હોય તેમ લાગે છે. સરમુખ્યતારોની આસપાસ ડાહી સલાહ આપનારા હોતા નથી. હાજીહા કરનારા જ એકઠા થયા હોય છે, પણ સરમુખ્યતારનો પોતાનો જ મૂડ બદલાયેલો દેખાય તો આ જ સલાહકારો મોકો જોઈને ડાહી સલાહ આપી પણ શકે.

ચીને પણ આવી જ સલાહ આપી હોય તેવું બની શકે છે. અર્થતંત્રની બાબતમાં ચીન પણ હજી અમેરિકાથી તદ્દન સ્વતંત્ર રીતે વર્તી શકે તેમ નથી. હાલમાં જ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર આયાત જકાત વધારી છે. ચીનને તેનો ફડકો પડવાનું શરૂ થઈ ગયું છે. અમેરિકન કંપનીઓના ઇલેક્ટ્રોનિક સાધનો ચીન બનાવે છે. તે મુદ્દે આડકતરો પ્રતિબંધ આવે તો ચીન તે નુકસાન સહન ના કરી શકે. બીજી બાજુ દક્ષિણ કોરિયાએ અમેરિકા પર દબાણ કરી શકે છે, કેમ કે યુદ્ધના સંજોગોમાં તેને જ વધારે નુકસાન થાય તેમ છે. દક્ષિણ કોરિયાની સલાહ અમેરિકા તદ્દન અવગણી પણ ના શકે. તેના સહકાર વિના ઉત્તર કોરિયા સામે લશ્કરી કાર્યવાહી અત્યંત મુશ્કેલ બને.
સરવાળે બધા પક્ષોએ હાલ પૂરતું જૈસે થે અપનાવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]