અમેરિકામાં શટડાઉન થયું એટલે ખરેખર થયું શું?

મેરિકન સરકારનું કામકાજ ઠપ થઈ ગયું તેવા સમાચાર આપણે ત્યાં પણ ચમક્યાં. અમેરિકામાં શટડાઉન થયું એટલે કે સરકાર પાસે વાપરવા માટે નાણાં ન રહ્યાં એટલે કામકાજ અટકી પડ્યું એવું આપણે સમજીએ. જોકે કોમનસેન્સ એટલું કહે કે આવશ્યક સેવાઓ ચાલુ રહે તેવી વ્યવસ્થા હોય. આવશ્યક સેવાઓ ચાલુ જ છે અને મોટાભાગની અન્ય સેવાઓ પણ ચાલુ છે. પરંતુ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારનું બજેટ સંસદ અને સેનેટ દ્વારા પાસ ન થયું તેથી ગાંઠ પડી છે. ગાંઠ ઝડપથી ઉકેલવી પડશે અને તે માટે પ્રયાસો ચાલી રહ્યાં છે. છેલ્લે ઓબામા પ્રમુખ હતાં ત્યારે પણ શટડાઉન થયું હતું અને 16 દિવસ સુધી ચાલ્યું હતું.આ વખતે કેટલા દિવસ ચાલશે તે જોવાનું રહ્યું. ભારતમાં પણ અત્યારે બજેટની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શીરો બનાવીને કામકાજ શરૂ થઈ ગયું છે. અધિકારીઓ હવે રાતદિવસ કામ કરશે અને ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં બજેટ રજૂ થઈ જશે. ખાનગીપણું જાળવવા માટે છેલ્લા દિવસોમાં અધિકારીઓ ઘરે પણ જતાં નથી. બજેટ રજૂ થશે અને તેના પર લાંબી ચર્ચાઓ બાદ પાસ થઈ જશે.
જો બજેટ પાસ ન થાય તો ભારત સરકાર માટે પણ મુશ્કેલી ઊભી થાય. પણ ભારતની પદ્ધતિ સંસદીય પદ્ધતિ છે. સરકારે બજેટ પસાર કરાવવું જ પડે, કેમ કે બજેટ પાસ ન થાય તો સરકાર લઘુમતીમાં આવી ગઈ છે એવું સાબિત થાય. અમેરિકામાં પ્રમુખ સીધા ચૂંટાયા હોય છે એટલે તેમના વહીવટીતંત્રે તૈયાર કરેલું બજેટ પસાર ન થાય તો પણ સરકાર જતી રહેતી નથી. અમેરિકાના પ્રમુખ પાસે વ્યાપક સત્તાઓ છે, પણ સત્તાના બેલેન્સ માટે સંસદ અને સેનેટ (રાજ્યસભા જેવું ઉપલા ગૃહ) પાસે નાણાંકીય સત્તાઓ છે. પ્રમુખ વીટો વાપરી શકે, પણ બજેટ પસાર કરાવવા આખરે વિપક્ષ સાથે સહયોગ કરવો જ પડે.
આ વખતે આવું કૈંક થશે તેનો અણસાર ઘણા સમયથી હતો એમ જાણકારો કહે છે. શટડાઉન થાય તો સારું એવા મતલબનું પ્રમુખ ટ્રમ્પે સોશ્યલ મીડિયામાં લખ્યું પણ હતું. શટડાઉન થાય એટલે જે મુદ્દા પર મડાગાંઠ સર્જાઇ હોય તેની દેશભરમાં ચર્ચા થાય. તેનો રાજકીય લાભ લેવાની ગણતરી પક્ષની હોય.
અમેરિકામાં પણ આ વખતે કૈંક એવું જ થયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ ઇમિગ્રેશનના વિરોધી છે અને તેમનું ચાલે તો અમેરિકાની સરહદે દીવાલો ચણી લે. દીવાલ ચણવાની વાત સાવ સાચી છે. મેક્સિકો સાથે લાંબી સરહદ અમેરિકાની છે. કેટલાક શહેરોમાં તો શહેરની વચ્ચેથી સરહદ પસાર થાય છે. મેક્સિકોમાંથી સૌથી વધુ ઘૂસણખોરી થાય છે. અમેરિકામાં સૌથી વધુ ગેરકાયદે રહેનારા મેક્સિકોના લોકો છે. દુનિયાના બીજા લોકો પણ મેક્સિકો સરહદેથી ઘૂસી જાય છે.
પરંતુ બંને દેશ વચ્ચેની લાંબી સરહદે દીવાલ બાંધવાની વાત વિપક્ષને તુક્કો લાગે છે. આ એક એવું પગલું જે અત્યંત ખર્ચાળ સાબિત થાય અને તે પછીય ઘૂસણખોરી અટકવાની નથી. દીવાલોમાં છીંડા પાડવા મુશ્કેલ નથી હોતાં.
વિપક્ષ ડેમોક્રેટ દીવાલ બનાવવા માટે સહકાર આપે તે માટે ઇમિગ્રેશનને લગતા અન્ય એક મુદ્દે સોદાબાજી ચાલી હતી. આ મુદ્દો છે ગેરકાયદે રીતે અમેરિકામાં આવેલા આઠેક લાખ લોકોનો. આ એવા લોકો છે જે બચપણમાં ગેરકાયદે રીતે અમેરિકામાં આવ્યાં હતાં. દલીલ એવી છે કે તેઓ કોઈની સાથે બાળક હતાં, નાદાન હતાં ત્યારે અમેરિકા આવ્યાં. તેમના માટે આ જ વતન જેવું છે. તેથી તેમને ડીપોર્ટ કરવા યોગ્ય નથી. આ મુદ્દો ઓબામાના શાસન વખતનો છે. તે વખતે તેમને રક્ષણ આપવા માટે નિયમ તૈયાર થયો હતો. ડિફર્ડ એક્શન ફોર ચાઇલ્ડહૂડ અરાઇવલ્સ (ડીએસીએ) એટલે કે બચપણમાં અમેરિકા આવેલા ઇમિગ્રન્ટ્સ સામે ડિપોર્શનના પગલાં ન લેવાં.
ડોનાલ્ડ ટ્રમ્પ દરેક પ્રકારના ઇમિગ્રેશનના વિરોધી છે. તેમણે ઓબામા સરકાર દ્વારા લેવાયેલા એ કામચલાઉ પગલાંને રદ કરી નાખ્યું હતું. તે પછી હવે કાયદાકીય ગૂંચ ઊભી થઈ છે કે આવા લોકોનું હવે શું કરવું. મજાની વાત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પનો પક્ષ રીપબ્લિક પણ માને છે કે આ લોકોને ડિપોર્ટ કરવામાં સાર નથી. તેમાંથી બહુબધાં મોટા થઈ ગયાં છે, કામ કરતાં થઈ ગયાં છે અને ટેક્સ ભરતાં થઇ ગયા છે. ઓબામાની જેમ કામચલાઉ ડિપોર્શનના બદલે તેમના અંગે કાયદો કરવો જોઈએ એમ પ્રમુખ ટ્રમ્પનો પક્ષ માને છે.
ડેમોક્રેટ્સ પણ માને છે કે આ ડ્રીમર્સ તરીકે ઓળખાતા લોકોને હવે દેશમાંથી કાઢી મૂકાય નહીં. તેમના માટે કાયદો બનાવીને તેમને રક્ષણ આપવું જોઈએ. હવે બંને પક્ષો એક જ વાત માનતા હોય છતાં કેમ મડાગાંઠ સર્જાઇ તેની નવાઈ લાગે. એક કારણ તો પેલું કે મેક્સિકો સરહદે દીવાલ બનાવવાનું બજેટ પણ વિપક્ષ ડેમોક્રેટ્સ પસાર કરાવી આપે તેનું દબાણ છે.
બીજું વધુ અગત્યનું કારણ એ છે કે ટ્રમ્પ પોતાની ઇમિગ્રેશનની નીતિ જ સાચી છે અને મેક અમેરિકા ગ્રેટ અગેઇન (અમેરિકાને ફરી મહાન બનાવવા) માટે કડક ઇમિગ્રેશન કાયદાની જરુર છે. ગેરકાયદે વસતા લોકોની હકાલપટ્ટી કરવી જરુરી છે તે મુદ્દો ટ્રમ્પ ચગાવવા માગે છે. બીજી બાજુ પ્રમુખ તરીકે જીતીને આવ્યાં ત્યારથી ટ્રમ્પની સતત ટીકાઓ થતી રહી છે. તેમને ભેજાંગેપથી માંડીને અનેક ઉપનામોથી નવાજવામાં આવે છે. ઉદારવાદી વલણને મુખ્ય વલણ ગણવા ટેવાયેલા અમેરિકામાં ટ્રમ્પના રૂઢિવાદી વલણથી ભારે હલચલ મચી છે. બીજી બાજુ ટ્રમ્પના રૂઢિવાદી વલણને, કંઇક અંશે રેસિયલ કહેવાય તેવી ભેદભાવની નીતિને, દુનિયામાંથી ફાવે તેવા લોકોને દેશમાં ઘૂસી જતા રોકવાની નીતિને વ્યાપક જનસમર્થન પણ છે.આ સંજોગોમાં પોતાની નીતિના વિરોધીઓને ખુલ્લાં પાડવાની અને જનતામાં બદનામ કરવાની તક મળી છે એ વાત સમજીને ટ્રમ્પે આકરું વલણ લીધું. ડેમોક્રેટ્સના કેટલાક નેતાઓ સમાધાન કરીને બજેટ પસાર કરી આપવા તૈયાર હતાં, પણ ટ્રમ્પે પહેલાં અમુક મુદ્દે હા પાડી અને પછી ફરી ગયાં. ડેમોક્રેટ્સ અકળાયાં છે કે આવા પ્રમુખ સાથે સોદાબાજી કેવી રીતે કરવી. બોલ્યું ફરે તેની સાથે સમાધાન કેવી રીતે કરવું.
એટલે આખરે જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયામાં બજેટ પસાર થયું નહીં. બજેટ પસાર થાય નહીં ત્યાં સુધી ટ્રમ્પનું શાસનતંત્ર સરકારી તીજોરીના પૈસા વાપરી શકે નહીં. સરકાર પાસે પૈસા હોય નહીં એટલે કર્મચારીઓને પગાર આપી શકાય નહીં. તેથી કર્મચારીઓને ફરજિયાત રજા પર ઉતારી દેવાયાં. અનિવાર્ય સેવાઓ ચાલતી રહે તેવી વ્યવસ્થા હોય છે, પણ આ રીતે શટડાઉન જેવી સ્થિતિ અમુક દિવસો રહે તે દરમિયાન અનેક કર્મચારીઓના પગાર બંધ થઈ જાય. અનેક સેવાઓ બંધ થઈ જાય. આર્થિક નુકસાન પણ થાય.
1971માં અમેરિકાની સંસદે કાયદો પસાર કરીને જ્યાં સુધી સંસદના બંને ગૃહો બજેટ પસાર ન કરે ત્યાં સુધી પ્રમુખનું શાસનતંત્ર પૈસા વાપરી શકે નહીં તેવો સુધારો કર્યો હતો. તે પછીથી શટડાઉનની સ્થિતિ ઊભી થવાના સંજોગો નિર્માયા હતાં. અત્યાર સુધીમાં 12 વાર શટડાઉન થયેલા છે. કેટલાક જોકે એક દિવસના કે અડધા દિવસના પણ હતાં. કેટલાક અર્ધ શટડાઉન જેવા હતાં. સૌથી લાંબો શટડાઉન ક્લિન્ટન વખતે 21 દિવસનો થયો હતો.
શટડાઉન એટલે એક જાતની આર્થિક ગૂંચ. થોડા દિવસોમાં તે ઉકેલાઇ જશે, પણ તેના કારણે અમેરિકામાં ઇમિગ્રેશનના મુદ્દે ગરમાગરમ ચર્ચાઓ ચાલી છે. ભારતમાં પણ સંયુક્ત મોરચાની સરકાર હોય અને સૌથી મોટા પક્ષ પાસે એકલા હાથે બહુમતી ના હોય ત્યારે બજેટ અને ખરડા પસાર કરવાના હોય ત્યારે ભારે વિખવાદો થતા હોય છે. સાથી પક્ષોને સાથે રાખીને જ સરકારે આગળ વધવું પડે. મનમોહનસિંહની સરકારે અમેરિકા સાથે અણુકરાર કર્યાં ત્યારે ડાબેરી પક્ષોએ ભારે વિરોધ કર્યો હતો. વિરોધ કરીને પોતાનો ટેકો પણ પાછો ખેંચી લીધો હતો. જોકે અન્ય પક્ષોના સહારે મનમોહનની સરકાર પાંચ વર્ષ પૂરા કરી ગઈ હતી.