કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો ભારતની એક અઠવાડિયાની મુલાકાતે આવ્યાં તે મુલાકાત બહુ લાંબી કહેવાય. કોઈ દેશના વડા બીજા દેશમાં આટલો લાંબો સમય ભાગ્યે જ વિતાવતા હોય છે. આટલો લાંબો પ્રવાસ હોય તો તેમાં ઘણી બધી મહત્ત્વની જાહેરાતો પણ થાય. એવું કશું થયું નથી. ભારત અને કેનેડા વચ્ચે રાબેતા મુજબ સહકાર અને વેપારની સામાન્ય વાતો જ થઈ. સહકારના બદલે ભારત અને કેનેડા વચ્ચે જાણે અસહકાર હોય તેવો માહોલ ઊભો થયો.તેનું કારણ પહેલાં તો સ્પષ્ટ નહોતું થયું, પણ પછી ખ્યાલ આવ્યો કે વિવાદના મૂળમાં ખાલિસ્તાની રાજકારણ છે. ખાલિસ્તાનને સમર્થન આપનાર લોકોને ડિનર પાર્ટીમાં બોલાવાયાં તેનો ભારતે આખરે સત્તાવાર રીતે જોરદાર વિરોધ કરવો પડ્યો. તેથી કેનેડાની એમ્બેસીએ છેવટે ભોજન સમારંભ રદ કર્યો, પણ તેના કારણે ખાલિસ્તાની રાજકારણ, કેનેડાના શીખો અને કેનેડાની નીતિઓ ચર્ચામાં આવી.
જસ્ટીન ટ્રુડો યુવાન વડાપ્રધાન છે. તેમની સરકારમાં 4 પ્રધાનો શીખ છે. કેનેડાની સંસદમાં કુલ 26 શીખો જીતીને આવ્યાં છે. વસતીના પ્રમાણમાં આ મોટી સંખ્યા છે. કેનેડામાં પાંચેક લાખ શીખો છે અને દોઢેક ટકા તેમની કુલ વસતિ છે. ભારતમાં લગભણ પોણા બે ટકા છે. કેનેડામાં શીખ સિવાય પણ મોટી સંખ્યામાં ભારતીયો સેટલ થયેલા છે. પરંતુ રાજકારણમાં અને કેનેડાના જાહેર જીવનમાં શીખ વધારે સક્રિય છે. તેનું કારણ કદાચ એ છે કે પ્રારંભમાં બહુ સ્ટ્રગલ કરવી પડી હતી. કેનેડામાં શીખ (અને ભારતીયો) પણ આવીને વસે નહીં તે માટે કેનેડાની સરકાર ભરપુર કોશિશ કરતી હતી.
આજે જસ્ટીન ટ્રુડો શીખોને રાજી રાખવા કોશિશ કરે છે તે નવાઈની વાત લાગે છે. ફક્ત દોઢ ટકો વસતીને રાજી રાખવા કોઈ નેતા પ્રયાસો કરે તો તેના પર લઘુમતીવાદનો આરોપ લાગે જ. ભારત જુદા કારણોસર નારાજ છે, કેમ કે પોતાના દેશના શીખોને ટેકો આપવાના નામે ખાલિસ્તાનીઓને પણ ટેકો મળી જાય છે. કેનેડા જેવા પશ્ચિમના દેશો માટે માનવ અધિકાર એક એવું હથિયાર બન્યું છે કે તેના દ્વારા ફાવે તે રીતે બીજા દેશોને ઠપકારવાના. આ જ કેનેડામાં સવાસો વર્ષ પહેલાં ભારતીયો માટે અહીં હવામાન અનુકૂળ નથી તેમ કહીને વસવાટ કરવાની મંજૂરી અપાતી નહોતી. 1897માં પ્રથમ શીખ સેટલર ત્યાં પહોંચ્યાં હતાં તેવી નોંધ મળે છે. બ્રિટીશ આર્મીમાં કામ કરનાર એક શીખ ત્યાં પહોંચ્યો તે પછી રેલવેના બાંધકામ માટે બીજા થોડા શીખો પહોંચ્યાં હતાં. તેમણે પોતાના સગાઓને બોલાવવાનું શરૂ કર્યું તેના કારણે 1905ની આસપાસ શીખોની સંખ્યા હજારેકની ઉપરની થઈ હતી.
આટલી જ વસતી હોવા છતાં આ શીખો અને અન્ય ભારતીયો પણ બહુ મહેતન કરતા હતા. ઓછા પગારે વધારે કામ કરતા હતા. તેના કારણે વિરોધ થતો હતો અને કેનેડા વ્હાઇટ ફોર એવર એવી કવિતાઓ લખાઈ હતી. આ પરદેશીઓને હાંકી કાઢો તેવો વિરોધ થતો હતો. 2007માં એશિયનો વિરુદ્ધ તોફાનો પણ થયાં હતાં.
કેનેડાની સરકાર પણ કાયદાઓ કરીને એશિયનો કેનેડામાં ના આવે તે માટે મથતી હતી. તે બહુ લાંબો ઇતિહાસ છે. તેમાં ન પડીએ પણ કહેવાનો સાર એટલો છે કે ભારે વિરોધ છતાં કેનેડામાં શીખો અને ભારતીયો ટકી ગયાં. ત્યાંથી જોકે મોટી સંખ્યામાં શીખો અમેરિકાના કેલિફોર્નિયામાં જતાં રહેતાં હતાં. કેલિફોર્નિયામાં જઈને ખેતી કરતાં થયાં હતાં. આજે પણ બદામની ખેતી કરનારા શીખો કેલિફોર્નિયામાં છે. છેક 1960 અને 1970ના દાયકામાં મોકળાશ આવી અને તે પછી હજારોની સંખ્યામાં શીખો કેનેડા જવા લાગ્યાં. ત્યાં સુધીમાં જે સેટલ થઈ ગયા હતાં તે સગાઓ, પરિચિતોને તેડાવવા લાગ્યાં હતાં.
કેનેડાના શીખોના ઇતિહાસમાં એક બોટની ઘટનાનો હંમેશા ઉલ્લેખ આવે છે. 1910માં કેનેડાએ કડક ઇમિગ્રેશન એક્ટ તૈયાર કર્યો હતો. તે વખતની સરકારે ભારતીયોને જણાવ્યું હતું કે તમને અહીં બહુ ઠંડી લાગશે, માટે તમે નીચે મેક્સિકોમાં રહેવા જઈ શકો છો. શીખોનું એક ડેલિગેશન ત્યાં તપાસ કરવા ગયું હતું. પણ પાછા ફરીને કહ્યું કે ત્યાં રહેવા જેવું નથી. કેનેડામાં જ મજા છે. જોકે કેનેડામાં વિરોધ થઈ રહ્યો હતો તેથી તેમાંથી રસ્તો કાઢવા સિંગાપોરના એક શીખ બિઝનેસમેને 1914માં શીખોને કેનેડામાં ‘ઘૂસાડવા’નું આયોજન કર્યું હતું. ગુરદિતસિંહ સંઘુએ એક જાપાની બોટ કોમાગાટા મારુ ખરીદી લીધી. કોલકાતાથી જહાજ કેનેડા રવાના કરવામાં આવ્યું. તેમાં 340 શીખ, 24 મુસ્લિમ અને 12 હિન્દુ હતા. આ બોટ વાન્કુંવર પહોંચે એટલે ત્યાં બધાને ઉતારી દેવાના હતાં.જોકે કેનેડાની સરકારે બોટમાંથી કોઈને નીચે ઉતરવા દીધાં નહી. વાનકુંવરમાં મોટો હોબાળો થયો. ભારતીયો અને શીખો ત્યાં રહેતા હતાં તેમણે સમિતિઓ બનાવી અને વિરોધ કર્યો. એવું પણ કહ્યું કે આ લોકોને આવવા દો નહીં તો અમે લોકો પણ તેમની સાથે પાછા ભારત જતાં રહીશું. એટલું જ નહીં ભારત જઈને ગદર કરીશું એટલે કે બ્રિટીશરો સામે બળવો કરીશું એવી ધમકીઓ અપાઈ. આ માટે ફાળો કરાયો તો તે જમાનામાં 22 હજાર ડોલર ભેગા થયાં હતાં. તેમાંથી બોટ ભાડે કરીને ભારત પાછા ફરવાનું હતું.
બીજી બાજુ આ લોકોને કેનેડા આવવા દો તેવી માગણી સાથે કોર્ટમાં ટેસ્ટ કેસ પણ કરવામાં આવ્યો. જોકે કોર્ટે જણાવી દીધું કે સરકારના ઇમિગ્રેશન વિભાગની કામગીરીમાં દખલ દેવાનો કોઈ અધિકાર કોર્ટને નથી. આખરે કોર્ટના ચૂકાદા પછી કોમાગાટા મારુ શીપને બંદરમાંથી ધક્કો મારીને મધદરિયે ધકેલી દેવાયું. જોકે તે પહેલાં ભારે ધમાલ થઈ હતી. શીપમાંથી પથ્થરો અને કોલસાના મોટામોટા ટુકડા પોલીસો પર ફેંકવામાં આવ્યા હતા. વાનકુંવરમાં અખબારોએ તોફાનીઓની ધમાલ એવા હેડિંગો પણ માર્યા હતાં.
આ જહાજ કોલકાતા પાછું ફર્યું. ભારતમાં બ્રિટીશ શાસકોને જાણ કરાઈ હતી એટલે બોટ આવી કે તરત તેને ઘેરી લેવાઈ હતી. આ બધાંને પકડીને એક ટ્રેનમાં બેસાડીને પંજાબ ભેગા કરી દેવાના હતાં. બીજી બાજુ બોટમાં સવાર લોકો કોલકાતામાં જ રહેવા માગતાં હતાં. અહીં પણ ભારે ધમાલ થઈ અને પોલીસે તેમના પર ગોળીબાર કર્યો તેમાં 20નાં મોત થયાં હતાં. ગુરદિતસિંહ સંધુ નાસી ગયો અને છેક 1922 સુધી છુપાતો ફરતો હતો. આ રીતે મહિનાઓ સુધી આ ધમાલ ચાલી હતી. કેનેડામાં નજર પડે ત્યાં સુધી વિશાળ ધરતી ખાલી પડી હતી. તેના પર ખેતી કરવાની પંજાબીઓની તમન્ના કેટલી તીવ્ર હતી તે આના પરથી ખ્યાલ આવે છે.
દરમિયાન ભારતમાં ખાલિસ્તાનની માગના કારણે હિંસા ફેલાઈ હતી. હવે કેનેડામાં સ્થિર થઈને, વિશાળ જમીન પર ખેતી કરીને સમૃદ્ધ થયેલા શીખો તરફથી ફંડિંગ મળતું હતું. અમૃતસરમાં સુવર્ણમંદિરનો ખાલિસ્તાનીઓએ કબજો લઈ લીધો હતો. તેમને હટાવવા ઓપરેશન બ્લ્યૂસ્ટાર કરવું પડ્યું. તેના પડઘા કેનેડામાં પણ પડ્યાં અને કેનેડાના શીખોમાં ભારતવિરોધી માહોલ ઊભો થયો. તે માહોલ હજી સુધી દેખાતો રહ્યો છે.
1984માં ઇન્દિરા ગાંધીની શીખ ગાર્ડ્સ દ્વારા હત્યા થઈ અને દિલ્હીમાં શીખવિરોધી રમખાણમાં હજારો શીખો માર્યા ગયાં. માહોલ તેનાથી વધારે બગડ્યો હતો. 23 જૂન 1985ના રોજ એર ઇન્ડિયાનું વિમાન મોન્ટ્રીયલથી નીકળીને દિલ્હી આવવા નીકળ્યું. તેમાં બોમ્બ મૂકી દેવાયો હતો. આકાશમાં જ બોમ્બ વિસ્ફોટ થયો અને વિમાન તૂટી પડ્યું. તેમાં 329 લોકો માર્યા ગયાં હતાં. 280 કેનેડિયન નાગરિકો હતો. મોટાભાગના શીખો હતાં. 22 ભારતીય નાગરિકો પણ હતાં. આ કેસના કારણે પણ ભારત અને કેનેડાના સંબંધોમાં ખટાશ આવતી રહી છે.
1992માં કોંગ્રેસના મુખ્યપ્રધાન હતાં બિયંતસિંહ. તેમના શાસનમાં ખાલિસ્તાની ચળવળને આખરે ખતમ કરી દેવાઈ હતી. તેમની સામે ખાલિસ્તાનીઓને રોષ હતો. ઓગસ્ટ 1995માં ચંડીગઢમાં પંજાબ સરકારના સચિવાલયમાં બોમ્બ વિસ્ફોટ થયો અને તેમાં બિયંતસિંહ માર્યા ગયાં. તેમની સાથે બીજા 17નો ભોગ લેવાઈ ગયો હતો. બબ્બર ખાલસાનો દિલાવરસિંહ સ્યુસાઇડ બોમ્બર બન્યો હતો. આ કાવતરામાં બલવંતસિંત રાજોનાની બાદમાં ધરપકડ થઈ હતી.
રાજોના સામે કેસ ચાલ્યો અને તેને ફાંસીની સજા જાહેર થઈ. જોકે તેને ફાંસી આપવા સામે કેનેડામાં ભારે વિરોધ થયો હતો. પાંચ હજાર શીખોએ ભેગા થઈને કેનેડાથી રાજધાની ઓટ્ટાવામાં સંસદ સામે રેલી કાઢી હતી. સંસદમાં પણ વિરોધ થયો હતો અને કેનેડા સરકાર સમક્ષ માગણી કરાઈ હતી કે ભારત સાથે વેપાર સહિતના સંબંધો કાપી નાખીને રાજોનાની ફાંસી અટકાવવા ભારત પર દબાણ લાવવું જોઈએ.
આ મામલો આંતરરાષ્ટ્રીય સ્તરે બહુ ચગ્યો હતો અને ભારત પર અન્ય દેશોમાંથી પણ દબાણ આવ્યું હતું. ભારતમાં પણ ગુરુદ્વારા પ્રબંધક કમિટીએ રાષ્ટ્રપતિને દયાની અરજી કરી ફાંસી અટકાવવા માગણી કહી હતી. આ બધાના કારણે માર્ચ 2012માં ફાંસી પર સ્ટે મૂકાયો છે. ફાંસી રદ કરવા માટે કેનેડાના જે નેતાઓએ માગણી કરી તેમાં જસ્ટીન ટ્રુડોનો પણ સમાવેશ થતો હતો.આ બધા કારણોસર જસ્ટીન ટ્રુડોને ભારતમાં ઠંડો આવકાર અપાયો છે અને કેનેડાની નીતિ સામે ભારતે નારાજગી દર્શાવી છે. ભારત સતત ત્રાસવાદનો સામનો કરે છે ત્યારે ત્રાસવાદ સામે કડક નીતિ જરૂરી છે. પરંતુ વિકસિત દેશો માનવ અધિકારના નામે સલાહો આપ્યાં કરે ત્યારે ભારત માટે કફોડી સ્થિતિ થાય છે. જોકે ભારતે હંમેશા ઉચ્ચ માનવ અધિકારના ધોરણો પાળ્યાં છે, પણ આવી બાબતમાં વિશ્વમાં બેવડી નીતિ છે તેની પણ નોંધ લેવી જરૂરી છે. પોતાના હિત માટે જુદી નીતિ અને અન્ય દેશોને સલાહ – આવી બેવડી નીતિ છે. ભારતે કદાચ તેથી જ ટ્રુડોને ઠંડો આવકાર આપ્યો છે જેથી ભારતનો વિરોધ કયા મુદ્દે છે તે સ્પષ્ટ થાય.