USની પાવરફુલ ગન લૉબીને મળી રહ્યો છે પ્રજાનો પરચો

મેરિકાના પાર્કલેન્ડમાં એક શાળામાં ત્યાં જ અગાઉ ભણી ગયેલો વિદ્યાર્થી રાઇફલ લઈને આવ્યો અને ધડાધડ ગોળીઓ છોડવા લાગ્યો. 17નાં મોત થયાં અને બીજા 14 જેટલા ગંભીર રીતે ઘવાયા. અમેરિકામાં દર થોડા મહિને માસ શૂટિંગનો આવો એક બનાવ બને છે. કોઈ માથાફરેલો ઓટોમેટિક રાઇફલ લઈને આવી ચડે અને ગોળીબાર શરૂ કરે તેમાં કેટલાયનો ભોગ લેવાઈ જાય. આપણે વારંવાર ત્રાસવાદી હુમલા જોયા છે, પણ આ જુદા પ્રકારના હુમલા છે. કોઈ તૈયારી વિના સામાન્ય માણસ પણ જાનહાનિ કરી શકે છે. તેનું કારણ એ છે કે અમેરિકામાં છૂટથી હથિયારો ખરીદી શકાય છે. ઓટોમેટિક રાઇફલ પણ દુકાને જઈને રમકડું ખરીદતા હોઈએ તે રીતે ખરીદી શકાય છે. અમેરિકાના બંધારણમાં જ શસ્ત્રો રાખવાની વાતને નાગરિકોના અધિકારોમાં સામેલ કરી લેવાઈ છે. અમેરિકા ખંડમાં ગોરાઓ પહોંચ્યો ત્યારે સ્થાનિક વસતિ ઓછી હતી. ત્યાં વસાહત સ્થપાઇ પછી ઘર્ષણ વધ્યું હતું. બંદૂક જેવા આધુનિક હથિયારો ધરાવતા ગોરાઓએ સ્થાનિક વસતિનું લગભગ નિકંદન કાઢી નાખ્યું. ધીમે ધીમે અંદરના વિસ્તારોમાં પણ જમીનો કબજે કરીને ગોરાઓની વસતિ વધતી ગઈ. તે વસાહત પર હુમલો થાય ત્યારે સામનો કરવા માટે બધા ઘરમાં બંદૂકો રહેતી હતી.

તે જમાનો વીતી ગયો છે અને રેડ ઇન્ડિયન્સ બહુ થોડા વિસ્તારોમાં રહી ગયાં છે. આમ છતાં પેલી બંદૂકો પણ ઘરમાં રહી ગઈ છે. આજે અમેરિકાને તે ભારે પડી રહ્યું છે અને ગન કન્ટ્રોલ એટલે કે બધાં જ નાગરિકો લાયસન્સ વિના શસ્ત્રો રાખે તે કાયદો બદલવાની માગણી વધી રહી છે.

આ માગણી નવી નથી, પણ તેનો અમલ થઈ શકતો નથી, કેમ કે ગન લોબી અમેરિકામાં બહુ સ્ટ્રોન્ગ છે. રાજકારણીઓને ચિક્કાર ફંડ અપાય છે અને આવો કોઈ કાયદો થવા દેવાતો નથી. સલામતીના નામે ગનનો મોટો બિઝનેસ ચાલે છે. હેલમેટ પહેરવી જોઈએ એવો કાયદો વાહનચાલકોની સલામતી માટે કરાયો છે. આવું આપણને સમજાવવામાં આવે છે અને અમુક અંશે તે વાત સાચી પણ છે. પરંતુ હેલમેટનો કાયદો થાય અને સલામતીના નામે નાગરિકો હેલમેટ ખરીદ્યા જ કરે તેમાં કંપનીઓનું હિત પણ છે. શહેરમાં ખીચોખીચ ટ્રાફિકમાં સ્પીડથી ચલાવવાની તક જ મળતી નથી, ત્યારે હેલમેટ કેટલા ટકા સલામતી આપે અને કેટલા ટકા અડચણ કરે છે તે કદી વિચારાતું નથી. નાગરિક જૂથો કરતાં બિઝનેસના જૂથો વધારે વગદાર હોય છે.

અમેરિકામાં આ વખતે ફરી નાગરિક જૂથો અને ગનતરફી જૂથો આમનેસામને આવી ગયાં છે. આ વખતે વિદ્યાર્થીઓ અને યંગ જનરેશને ગન કન્ટ્રોલની ઝૂંબેશ ઉપાડી છે. આ વખતે ઝૂંબેશમાં હેશટેગ સામેલ થયું છે. એટલે કે સોશિઅલ મીડિયામાં #BoycottNRA હેશટેગ વ્યાપી રહ્યું છે. આ વખતે નિશાન બરાબર તાકવામાં આવ્યું છે. ગન કન્ટ્રોલની વાત કરવાના બદલે ગન કલ્ચરને પ્રમોટ કરનારા નેશનલ રાઇફલ એસોસિએશન (એનઆરએ)નો જ બોયકોટ કરવાની વાત ઉપાડવામાં આવી છે.બિઝનેસના હિતનું મારણ બિઝનેસ હિત જ હોય છે. નેશનલ રાઇફલ એસોસિએશન બહુ પાવરફુલ છે. શસ્ત્ર ઉત્પાદક કંપનીઓ તેને કરોડો ડોલરનું ફંડ આપે છે. આ ઉપરાંત આ એસોસિએશનના 50 લાખથી વધારે સભ્યો છે. આ એસોસિએશન પોતે જ એક ધંધો બની ગયો છે. જુદી જુદી અનેક કંપનીઓ સાથે એસોસિએશન કરારો કરે અને પોતાના સભ્યોને ડિસ્કાઉન્ટ મળે. જેમ કે એનઆરએના સભ્યને એન્ટરપ્રાઇઝ નામની કંપની પોતાની કાર ભાડે લેવામાં આવે તો ડિસ્કાઉન્ટ આપતું હતું. સોશિઅલ મીડિયામાં બોયકોટ એનઆરઆઇ ઝૂંબેશે જોર પકડ્યું એટલે કંપનીએ જાહેરાત કરી દીધી કે હવે આવું કોઈ ડિસ્કાઉન્ટ અપાશે નહીં. બીજી કાર રેન્ટલ કંપની હર્ટ્ઝે પણ ડિસ્કાઉન્ટ બંધ કરી દીધું. ફર્સ્ટ નેશનલ બેન્ક ઓફ ઓમાહા, સાયમનટેક, એલ્વીસ જેવી કંપનીઓ એનઆરએના સભ્યોને અમુક લાભ આપતી હતી તે આપવાના બંધ કરી દેવાની જાહેરાત કરી દીધી છે. વધુને વધુ કંપનીઓ એનઆરએનો બહિષ્કાર કરી રહી છે.

કદાચ આ જ રીતે વધારે ઉપયોગી નીવડશે. ભારતમાં થોડા મહિના આવો એક બનાવ બન્યો હતો, જેમાં પ્રોડક્ટની બોયકોટની વાત આવી ત્યારે જ આમીર ખાન પર દબાણ આવ્યું હતું. માત્ર નિંદા કે ટીકા કરવાથી સેલિબ્રિટીને કોઈ ફરક પડતો નથી. પરંતુ આમીર જે પ્રોડક્ટ વાપરતો હોય તેનો બહિષ્કાર કરવાની ઝૂંબેશ ચાલી એટલે પેલી કંપનીએ રાતોરાત આમીરને દબાણ કર્યું હતું.

નાણાંની વાત આવે એટલે ભલભલાના સિદ્ધાંતો હવામાં ઓગળી જાય. અમેરિકામાં શસ્ત્ર ઉત્પાદક કંપનીઓએ રાજકીય દબાણ માટે એનઆરએને ઊભું કર્યું. એનઆરએના સંચાલકો હોંશિયાર નીકળ્યા કે તેમણે 50 લાખની સભ્ય સંખ્યા કરી અને તે સંખ્યાને આધારે જુદી જુદી કંપનીઓ સાથે ડિસ્કાઉન્ટના કરારો કરવાનો બિઝનેસ પણ ખોલી નાખ્યો હતો. આવા ડિસ્કાઉન્ટ વાસ્તવમાં દેખાડાના વધારે હોય છે. પણ ગ્રાહકો એવું જોવા બેસતા નથી અને માર્કેટિંગનું તૂત ચાલે છે.

એ તૂતને તોડવા માટે બ્રાન્ડ પર જ ઘા કરવો પડે. આ વખતે અમેરિકાના વિદ્યાર્થીઓએ અને યંગ જનરેશને બરાબરનો ઘા માર્યો છે. એક પછી એક કંપનીએ એનઆરએ સાથેની ગોઠવણ રદ કરી દેવાની જાહેરાતો કરવાનું શરૂ કર્યું છે.આથી જ વર્ષો પછી કદાચ આ વખતે ગન કન્ટ્રોલની વાતને ગંભીરતાથી લેવાશે એમ લાગે છે. ઓબામાના શાસનકાળમાં મોટા હુમલાના બનાવો બન્યા ત્યારે તેમણે ગન કન્ટ્રોલની વાત કરી હતી ખરી. પણ પછી લોકોનો રોષ શાંત પડ્યો એટલે વાત ટાળી દેવાઈ. આ વખતે દબાણ અકબંધ રહેશે કે કેમ તે જોવું રહ્યું.

અમેરિકામાં સ્થિતિ કેવી ગંભીર છે તે આંકડાં બોલે છે, પણ નેતાઓ બોલવા તૈયાર નથી. દાખલા તરીકે પાર્કલેન્ડમાં સ્કૂલમાં હુમલો થયા તે વખતની ગણતરી પ્રમાણે છેલ્લા 1870 દિવસોમાં 1624 ફાયરિંગના બનાવો બન્યાં હતાં. દુનિયાના અન્ય વિકસિત દેશોમાં પણ શસ્ત્રો વધારે છૂટથી મળે છે, પણ અમેરિકામાં હંમેશા દરેક વાતનો અતિરેક થાય છે. આ ખંડ શોધ્યા પછી અખૂટ કુદરતી સંપત્તિ જોઈને ગોરાઓએ છાકટા થઈને અતિરેક જ કર્યો છે. અમેરિકામાં 26.5 કરોડ હથિયારો હોવાનું અનુમાન છે. અમેરિકાની વસતિ 25 કરોડથી ઓછી છે. વસતિ કરતાં શસ્ત્રો વધારે છે. ચારથી વધુનાં મોત થયા હોય તેવા બનાવોને સામુહિક હુમલો ગણીને ગણતરી કરવામાં આવી તો દર દસમાં દિવસે આવો બનાવ બને છે. દર દસમાં દિવસે કોઈનું ફટકે એટલે આડેધડ ગોળીબાર કરે છે અને ઓછામાં ઓછા ચારનાં મોત થાય છે.

2015માં સૌથી વધુ સામૂહિક હત્યાકાંડ થયાં હતાં. 372 બનાવોમાં 475નાં મોત થયાં હતાં અને 1870 ઘવાયા હતા. મોતનો કુલ આંકડો વધારે મોટો હતો – 2015માં ગોળી મારીને 13,286 લોકોની હત્યા કરવામાં આવી હતી. 26,819 લોકો ઘવાયા હતા.

સૌથી ગંભીર બાબત એ છે કે શાળાઓમાં વારંવાર હુમલા થાય છે. કિશોરે ગુસ્સો ચડે અને તેના હાથમાં બંદૂક આવે એટલે શાળામાં જઈને ગુસ્સો ઠાલવે. 2015માં 64 શાળાઓમાં ગોળીબાર થયા હતા. જોકે કેટલાક બનાવોમાં કોઈનો જીવ નહોતી ગઈ, પણ શાળાના બાળકો કેટલા જોખમમાં છે તેનો અંદાજ આ આંકડાં આપે છે.

હત્યાના બનાવો રોકી શકાય નહીં. બંદૂકના હોય તો બીજા હથિયાર કે સાધનોથી પણ હત્યા થવાની, પણ બંદૂકને કારણે સહેલાઇથી અને વાતવાતમાં હત્યા થઈ જાય છે. અમેરિકા હત્યાના કુલ બનાવોમાંથી 60 ટકામાં ગોળી મારી દેવામાં આવી હોય છે. સ્ટોરમાં લૂંટ કરવા આવનારો બંદૂક લઈને આવે છે. જરાક જોખમ લાગે તો તે ગોળી મારી દે છે. ભારત જેવા દેશોમાં લૂંટ કરનારો માર મારીને જતો રહે, હત્યાનું પ્રમાણે ટકાવારીમાં ઓછું હોય. બીજા દેશોની સરખામણીએ પણ અમેરિકામાં વધારે પડતી હત્યા છૂટથી મળતી ગનથી થાય છે. કેનેડામાં 31 ટકા હત્યા પિસ્તલ કે રિવોલ્વરથી થાય છે. ઓસ્ટ્રેલિયામાં 18 ટકા અને ઇંગ્લેન્ડમાં 10 ટકા હત્યા જ બંદૂકથી થયેલી હોય છે. વસતીના પ્રમાણમાં અમેરિકામાં ફાયરિંગથી વધારે લોકો માર્યા જાય છે.આ વખતે તેની સામે સોશિઅલ મીડિયામાં ભારે રોષ વ્યાપ્યો છે. જોકે ડોનાલ્ડ ટ્રમ્પને વધુ ચિંતા ઇમિગ્રેશનની છે. તેમને લાગે છે કે બહારથી આવેલા લોકો અમેરિકાને નુકસાન કરે છે. સાચી વાત એ છે કે અમેરિકામાં જ રહેતાં લોકો છૂટથી મળતાં શસ્ત્રોથી વધારે વાયોલન્ટ થઈ રહ્યાં છે. ઓબામા પર દબાણ આવે છે કે કેમ તે જોવું રહ્યું. આ વખતે ઘા બરાબર થયો છે. નેશનલ રાઇફલ એસોસિએશને મળતી આવક બંધ થાય તેવો ઘા મરાયો છે. તેની સાથે જોડાયેલી કંપનીઓના બહિષ્કારને કારણે કંપનીઓ ગભરાઈ છે. કંપનીઓ તેની સાથેના કરારો તોડી રહી છે. જોકે શસ્ત્ર ઉદ્યોગ પોતાનો ધંધો બંધ ના થાય તે માટે જરૂર પડે તેટલા નાણાં વેરશે. અમેરિકામાં દવાઉદ્યોગને કારણે, પેઇનકિલરના ધંધાના કારણે નાગરિકોને નુકસાન થઈ રહ્યું છે, પણ ફાર્મા લોબીના અબજોના ફંડ સામે રાજકારણીઓની બોલતી બંધ થઈ જાય છે. ફાર્મા કંપનીઓ જેટલાં નાણાં ગન કંપનીઓ વેરશે કે કેમ તેના પર આ હેશટેગની સફળતાનો આધાર છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]