જેરુસલેમના મુદ્દે અમેરિકા એકલું પડી ગયું: તો શું?

ખવાડિયાં પહેલાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકાની એમ્બેસી જેરુસલમમાં ખસેડવામાં આવશે. આ નિર્ણય નાનો હતો, પણ તેના પડઘા મોટા પડ્યાં હતાં. જેરુસલેમમાં અમેરિકન એમ્બેસી ખસેડવાનો અર્થ થતો હતો ઇઝરાયલની રાજધાની તરીકે જેરુસલેમનો સ્વીકાર. તે નિર્ણયના પ્રત્યાઘાતો દુનિયાભરમાં પડ્યાં હતાં.
(વાંચો અગાઉનો અહેવાલ – જેરુસલેમ ઇઝરાયલની શાશ્વત રાજધાની < https://chitralekha.com/features/international-features/us-president-donald-trumps-decision-to-recognize-jerusalem-as-the-capital-of-israel/ > )
ટ્રમ્પના આ નિર્ણયની વિરુદ્ધમાં સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ઠરાવ લાવવામાં આવ્યો. જેરુસલેમને ઇઝરાયલની રાજધાની ગણવાનો અમેરિકાનો નિર્ણય અયોગ્ય છે અને તે બદલ અમેરિકાને ઠપકો આપતો ઠરાવ મૂકાયો. 193 સભ્ય દેશોમાંથી 128 દેશોએ તેને ટેકો આપ્યો. અમેરિકા માટે આ આઘાતજનક કહેવાય. અમેરિકાએ કોશિશ કરી હતી કે જે દેશોને તે આર્થિક સહાય આપે છે તેને સાધીને પોતાની વિરુદ્ધ મતદાન કરતાં રોકે. કેટલાક અંશે સફળતા પણ મળી. ભારતના પડોશી દેશ ભૂતાન જેવા 35 દેશોએ મતદાનમાં ગેરહાજર રહેવાનું નક્કી કર્યું. પરંતુ યુરોપના અમેરિકાના કેટલાક દોસ્તદેશો અને ભારતે મુસ્લિમ અને અરબ દેશોની સાથે રહેવાનું પસંદ કર્યું.
આ ઠપકાના ઠરાવથી ફરક શું પડશે? કશો જ નહિ. અમેરિકા વીટો પાવર ધરાવે છે એટલે આવા કોઈ નિર્ણય સામે તે વીટો વાપરી શકે છે. ટ્રમ્પ વહીવટીતંત્ર ધરાર જેરુસલેમમાં પોતાની એમ્બેસી ખોલશે. ઇઝરાયલને તેની રાજધાની ત્યાં ખસેડવા માટે મદદ પણ કરશે. અમેરિકા મહાસત્તા છે અને ધાર્યું કરે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘનો ઉપયોગ પોતાના નિર્ણયોને મોરાલિટીના વાઘા પહેરાવા માટે છે. એવા વાઘા ના મળે તો નાગા ફરવાનું. એવી નગ્નતા નકારાત્મક ના ગણાય, પણ નિર્વાણસ્વરૂપ નિર્વસ્ત્રતા કહેવાય.
યહુદી લોબી અમેરિકામાં સ્ટ્રોન્ગ છે. તેની અવગણના કરી શકાય નહી. દુનિયાભરના અર્થતંત્રો ફાયનાન્સની નાજૂક શીરા અને ધમની પર ચાલે છે. તે નસ યહુદી બેન્કરો દબાવે તો એટેક આવી જાય, કેમ કે સદીઓથી ફાઇનાન્સમાં યહુદીઓની પકડ છે એમ જાણકારો કહે છે. 
બીજું ઇસ્લામ અને ખ્રિસ્તી વચ્ચે ચાલી રહેલા શીતયુદ્ધમાં જેરુસલેમ ઇસ્લામી પેલેસ્ટીન રાજ્ય પાસે ના જાય તે જરૂરી ગણાય છે. પંથોની આ લડાઇ સદીઓ પહેલાં શરૂ થઈ હતી તે હજીય ચાલે છે. હવે તે લોહિયાળ બનતી નથી, પણ સિમ્બોલિક વિક્ટરી માટે પ્રયાસો થતા રહે છે.
ડિપ્લોમસીમાં આવા સિમ્બોલિક મેસેજ મહત્ત્વના ગણાય છે. ભારતે પણ ઇઝરાયલની વિરુદ્ધ ગણાય તેવા આ ઠરાવમાં સાથ આપ્યો હતો. છેલ્લાં કેટલાક સમયથી ભારતની ઇઝરાયલ પ્રતિની નીતિ બદલાઇ છે. ઇઝરાયલ સાથે સારા સંબંધો માટે ભારતમાં આવેલી નવી એનડીએ સરકારે વિશેષ પ્રયાસો કર્યા છે. તેના કારણે આ ઠરાવમાં ભારતે અમેરિકાનો સાથ ના આપ્યો તેનાથી નવાઈ લાગવી જોઇએ. જોકે વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ઇઝરાયલ સાથે સારા સંબંધો બરાબર છે, પણ પેલેસ્ટીન અને જેરુસલેમના મુદ્દે જે વિવાદ છે તેમાં જૂની નીતિને ભારત વળગી રહે છે. એનડીએ સરકારે અરબ રાષ્ટ્રો સાથે પણ સારા સંબંધોની કોશિશ કરી છે. ઇરાન સાથે પણ ભારતના સારા સંબંધો છે. એ સંજોગોમાં માત્ર એક જ દૃષ્ટિએ વિચારવાનું ના હોય. 
બીજું ડિપ્લોમસી અને ઠરાવો એક બાજુ છે, વાસ્તવિકતા બીજી બાજુ છે. દુનિયા કંઈ સંયુક્ય રાષ્ટ્રસંઘના ઠરાવો પ્રમાણે ચાલતી નથી. અમેરિકા કાયમ ઇસ્લામી આતંકવાદના મુદ્દે બળાપા કાઢે છે અને પાકિસ્તાનને ચેતવણી આપતું રહે છે. હાલમાં જ હાફિઝ સઇદના મુદ્દે પણ ‘કડક ભાષામાં’ પાકિસ્તાનને ચેતવણી આપવામાં આવી. પણ આપણે ભારતમાં જાણીએ છીએ કે પાકિસ્તાનની દોસ્તી અમેરિકા ક્યારેય છોડવાનું નથી. અમેરિકાની આંખ નીચે પાકિસ્તાનમાં ત્રાસવાદીઓની છાવણીઓ ધમધમે છે. અમેરિકાને એટલો જ રસ છે કે આ આતંકવાદીઓ અમેરિકામાં ના ઘૂસે. ભારતમાં કે બીજે ક્યાંય પણ ઘૂસીને જે પણ આતંક મચાવવો હોય તે મચાવે, અમેરિકાને કશો ફરક પડતો નથી. 
એ સંજોગોમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના દેશોએ અમેરિકાને ઠપકો આપ્યો છે, પણ વાસ્તવિક ભૂમિ પર કશો ફરક પડવાનો નથી.
આજે નહીં તો કાલે જેરુસલેમ પર ઇઝરાયલની રાજધાની બને તેમાં અમેરિકાના વર્તમાન વહીવટીતંત્રને રસ છે. અમેરિકામાં આ પ્રકારની નીતિ માત્ર પ્રમુખ પૂરતી મર્યાદિત નથી હોતી. અમેરિકામાં પ્રમુખો બદલાતા રહે છે, પણ નીતિઓ ઝડપથી બદલાતી નથી. એ યાદ રાખવું પડે કે છેક 1995માં જ અમેરિકાએ કાયદો કરીને જેરુસલેમમાં એમ્બેસી લઇ જવાનું નક્કી કર્યું હતું. તે પછી સ્થિતિ શાંત પડે તેની રાહ જોઈ અને આટલા વર્ષો પછી આ પગલું લીધું હતું. તે જ રીતે આખરે જેરુસલેમને ઇઝરાયલની રાજધાની બનાવવા માટેનો નિર્ણય લેવા માટે પણ થોડા વર્ષોની રાહ જોવામાં આવે તેવું બની શકે છે.